લેપટોપના ડી ડ્રાઈવમાં સચવાઈ રહેલી સ્મૃતિઓ

01 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

નાના હતા ત્યારે ભણવામાં એક પંક્તિ આવતી. 'મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહે, દુખમાં આગળ હોય.' નાનપણમાં ગોખી નાખેલી આ પંક્તિઓ હજુ યાદ છે, પરંતુ સમજતો થયો ત્યારથી મારો એક બાબતે વિરોધ પણ રહ્યો છે કે, મિત્રએ સુખમાં પણ શું કામ પાછળ પડેલા રહેવું જોઈએ? કારણ કે અત્યાર સુધીની લાઈફમાં હું એક વાત તો બરાબર સમજ્યો છું કે, મિત્રો સાથે હોય તો સાવ નિષ્પ્રાણ લાગતી પળોમાં પણ જીવન ઉમેરાય છે અને જીવનમાં અચાનક વિના કોઈ કારણ ખુશી પ્રસરી જાય છે. એટલે મિત્ર જ્યારે સામાન્ય ક્ષણોને પણ જીવન બક્ષતો હોય તો મિત્રને આપણા સુખમાં પાછળ પડી રહેવાની વાત કરવી અયોગ્ય છે. મિત્રોએ મને જીવનમાં ઘણું આપ્યું છે અને એ ઘણામાં માત્ર સુખ જ સુખ છે. બીજું કશું નહીં.

આજે હવે કરિયર અને સંસાર વચ્ચે ઝોલા ખાતી જિંદગીમાં જાત માટે ઓછો સમય મળે છે ત્યારે મિત્રો માટે સમય ફાળવવો કે એમને મળવું ખરેખર દોહ્યલું થઈ પડ્યું છે. પણ છતાંય ક્યારેક નિરાંત મળે છે ત્યારે હાથ અચાનક લેપટોપના ડી ડ્રાઈવમાં સચવાઈ રહેલી સ્મૃતિઓ તરફ વળે છે અને અચાનક 'Friends' નામના ફોલ્ડર પર ડબલ ક્લિક થઈ જાય છે. વારાફરતી જ્યારે એ ફોટોગ્રાફ્સમાંથી પસાર થવાનું થાય ત્યારે આંખો આગળ અમસ્તા જ ઝળઝળિયાં આવી જાય અને સમય અચાનક કરવટ બદલીને પાછળ જતો રહે. આંખો આગળ જાણે એક મંચ તૈયાર થાય, જ્યાં ભજવાવા માંડે છે વારાફરતી બધા દૃશ્યો.

નાટકના એ દૃશ્યોમાં બે જ સ્થળ વારંવાર દેખાય, કોલેજનું કેમ્પસ અને હોસ્ટેલની રૂમ. જીવનમાં આ વર્ષો નહીં મળ્યાં હોત તો કોણ જાણે કેટલુય સુખ ભોગવવાનું રહી ગયું હોત. ઘણીવાર મને એ વાતનું આશ્ચર્ય થઈ આવે કે, એવા તે કયા જન્મોના ઋણાનુબંધ હશે કે, જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય એવા લોકો અચાનક મિત્ર બની જાય અને જીવનના પ્રાયોરિટી લિસ્ટમાં અગ્રક્રમે પહોંચી જાય. બધાની જેમ મને પણ સાવ અચાનક જ જડી ગયેલા આ મિત્રો! એકાદ અજાણ્યું ક્લાસરૂમમાં બેન્ચ પર સાથે બેસતું તો કોઈકની સાથે કોલેજનો પહેલો પ્રોજેક્ટ કરવાનો આવ્યો. વળી કેટલાક પહેલા સેમેસ્ટરની ફી ભરતી વખતે લાઈનમાં સાથે ઊભા રહેલા. પહેલા હાઈ હેલ્લોથી શરૂ થયેલું. પછી મોબાઈલ નંબર્સ એક્સચેંજ થયેલા, એકબીજાને ઈમ્પ્રેસ કરવા કે એકબીજા સાથે ટચમાં રહેવાની લાલસા સાથે એકબીજાને ટેક્સ મેસેજ પણ કરેલા. પછીના અઠવાડિયેથી સાથે કેન્ટીનમાં ચ્હા પીવા જવાનું પણ શરૂ કર્યું અને છેલ્લે પાનના ગલ્લે સિગારેટના ધુમાડા પણ કાઢેલા.

બસ અહીંથી શરૂ થયેલી એ દોસ્તી અનેક પડાવો પર પહોંચી અને જાતજાતના રંગો જોયા એ દોસ્તીએ! ભેળા મળીને રખડપટ્ટીઓ કરી, આખી આખી રાતના ઉજાગરા થયાં. સાંજને ટાણે ટકાટક તૈયાર થઈને ભેળા મળીને છોકરીઓ જોઈ. એમાં વળી કોઈક છોકરી ગમી જાય તો 'ઓયહોય આ તારી ભાભી....'ના ખ્વાબ જોયાં. ક્યારેક સાથે મળીને પ્રવાસો કર્યા તો ક્યારેક શહેરના કોઈક ખૂણેથી બિયર શોધી લાવીને બિયર પણ પીધો. એકબીજાના કપડા પહેર્યા તો કોઈકવાર તો એનાથી પણ આગળ વધીને મિત્રની જાણ બહાર તેની અન્ડરવેર પણ પહેરી. દોસ્તોના ઘરેથી આવેલા નાસ્તા પૂરા કર્યાં તો ક્યારેક કોઈ મિત્રના પૈસા પૂરા થઈ જાય તો બધાએ કોન્ટ્રી કરીને એને મદદ પણ કરી.

ભેગા મળીને પરીક્ષાની તૈયારીઓ કરી. તો ચાલું પરીક્ષાએ શિક્ષકની જાણ બહાર કાપલીઓની આપલે પણ કરી. રિઝલ્ટ ટાણે ઓછા માર્ક્સ જોઈને એકબીજાની હાંસી પણ ઉડાવી, તો ક્યારેક એકબીજા પર દોષના ટોપલા પણ ઢોળ્યાં. એમને એમ કોલેજ જીવનના ચાર વર્ષ પસાર થઈ ગયા અને એક જ કેમ્પ્સ અને એક જ હોસ્ટેલ રૂમમાં જાતજાતના જલસા કર્યાં. ચોથા વર્ષની બીજી આંતરીક કસોટી પૂરી થતાં જાણે અચાનક જ્ઞાન લાધ્યુ કે, હવે અમારી પાસે સમય નથી. થોડા જ સમયમાં અમે બધાં છૂટાં પડી જઈશું અને બધા પોતપોતાની કરિયર બે-ત્રણ વર્ષ પછી પોતપોતાના સંસારમાં ગૂંથાઈ-ગૂંચવાઈ જઈશું. જોકે ત્યારે મનને સાંત્વના આપવા બધાએ નક્કી કરેલું કે, જે થાય એ આપણે બધા મળતા રહીશું અને વર્ષમાં બે વાર ક્યાંક ટૂર પર જઈશું.

પણ એમાંનું કશું થતું નથી. જો નક્કી કરેલું બધું જ થતું હોય તો એને જીવન શેનું કહેવું? અમે બધા પણ છૂટાં પડ્યા એ પડ્યાં. જવલ્લે ક્યાંક કોઈકના લગ્ન જેવો મહત્ત્વનો પ્રસંગ હોય તો બધાથી ભેગા થવાય. બાકી ટૂરવાળી વાત કે મળવાવાળી વાતનું સુરસુરીયું જ થયું. ચાહીને પણ મિત્રોને મળી નથી શકાતું. લાઈફ એની પરવાનગી નથી આપતી. ક્યારેક પત્ની સાથે બજારમાં જતાં હોઇએ ત્યારે બાઈક પર ટ્રીપલ સીટ જતાં જુવાનિયાઓને જોઈને દિલમાં જાતજાતની યાદો ઉભરાય. પછી તરત જ ગજવામાં પડેલા મોબાઈલ તરફ હાથ જાય અને પછી વ્હોટ્સએપના એક ગ્રુપમાં એક મેસેજ લખાય.

'યાદ આવે છે તમારી... હરામીઓ મળો ક્યારેક...'

સામે છેડેથી પણ અચાનક મેસેજીસનો તોપમારો થાય છે.

'સાચી વાત છે... મળો ક્યારેક.'

'આ દિવાળી બધા સાથે કરીએ.'

'ના ભાઈ, દિવાળીએ સાસરે જવાનું હોય. એમ કરો ક્રિસમસ પર બધા ભેગા થઈએ.'

'અરે ભાઈ આ ક્રિસમસ પર તો અમારે સિમલાની ટ્રીપ છે. સંક્રાત પર રાખો.'

'પ્લીઝ યાર, સંક્રાત પર મારા ઘરે મહેમાન આવવાના છે. સંક્રાત પર તો મેળ પડે એમ નથી. હોળી પર રાખો. સો ટકા મળવું છે બધાને.'

'એ ડોફા... હોળી પર મળાય ખરું? આ દિવસે દુનિયાભરના લોકો ઘરે આવે.'

બધાએ એકબીજાને મળવું છે. બધાએ જીવાયેલો સમય ફરી જીવવો છે પરંતુ હવે દરેકના સંજોગો બદલાયેલા છે. આ સંજોગો કોઈને મળવા નથી દેતા. બધાની ભાવના શુદ્ધ છે પણ બધા ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલા છે. હાથમાંથી સરી જતી રેતીની જેમ એ સમય સરી ગયો છે. પણ સ્મરણપટ પર રહી ગઈ છે અઢળક યાદો.... એ ક્યારેય નહીં ભૂંસાય... એ ક્યારેય નહીં ભૂલાય...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.