મિત્રો વિશે લખવું એટલે…
મિત્રતા, ફ્રેન્ડશીપ, યારિયા એટલે નિસ્વાર્થભાવનો લાગણીસભર સંબંધ. રવિવારે દુનિયાભરમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી પરંતુ મારા મતે વર્ષમાં માત્ર એક દિવસ મિત્રો સાથે ઉજવણી કરવા માટે પૂરતો નથી અને કોઈ એક જ દિવસ ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવી શકાય પણ નહીં. તમે જ્યારે તમારા મિત્રની જરૂરિયાતના સમયે તેની પડખે ઊભા રહો એ દિવસ આપોઆપ જ ફ્રેન્ડશીપ ડે બની જતો હોય છે. અને હું આ બાબતે ઘણી નસીબદાર છું કે મારા જીવનમાં એક પછી એક એવા મિત્રો આવતા ગયા જે અર્થમાં મારા સાચા મિત્રો બનીને રહ્યા છે અને એમની સાથે મેં માણેલી એક એક ક્ષણને મેં ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવી છે.
'khabarchhe.com'ના આ વિભાગ માટે મેં જ્યારે લખવાનું વિચાર્યું ત્યારે મારા મનમાં હતું કે, મિત્રો સાથે લખવા માટે માત્ર અડધો કલાક પૂરતો છે. પરંતુ જ્યારે હું આ આર્ટિકલ લખવા બેઠી તો લાગે છે કે મિત્રો વિશે તો જેટલા પુસ્તકો લખવામાં આવે તેટલા ઓછા પડે તેમ છે. આ કામ ખરેખર ડિફિકલ્ટ છે. અહીં મારા જીવનના કેટલાક મહત્ત્વના મિત્રો વિશે વાત કરી રહી છું. સ્કૂલના મિત્રો નિશીત, નિપુર્ણ, નીપા અને અન્યો સાથે કરેલી ધમાલ મસ્તી બાદ બી.બી.એ.માં એડમિશન લીધા બાદ થતું હતું કે નવા મિત્રો જલદીથી બનશે કે નહીં. પરંતુ કોલેજના થોડા દિવસોમાં જ હીરલ, શ્રદ્ધા, મહેકી અને પૂજા સાથે પરિચય થયો અને એ પરિચય ક્યારે ગાઢ મિત્રતામાં બદલાઈ ગયો એની ખબર પણ ના પડી.
રવિવારે ફ્રેન્ડશીપ ડેના દિવસે જ કોલેજના પ્રથમ વર્ષમાં ચારેય બહેનપણીઓ સાથે વરસાદમાં પલળતા પળતા ઉજવેલો પહેલો ફ્રેન્ડશીપ ડે, સુમુલ ડેરીની મુલાકાત બાદ શ્રદ્ધાના ઘરે તેની છાયા આન્ટીના હાથનું બનાવેલું ટેસ્ટી લંચ, સિઝનનો પહેલો વરસાદ પડ્યો નથી કે ઓન.એન.જી.સી બ્રિજ પર પલળવા માટે પહોંચી જવું, મહેકી પાસે જબરજસ્તીથી ક્લાસ બંક કરાવવા, ક્લાસમાં મોડા પહોંચતા સરનું ચિડાવું, ટ્યૂશનમાં કરેલી ધમાલ-મસ્તી, પૂજાના ઘરેથી ટિફિન ભરી ડુમસ જઈ પાર્ટી કરવી, ગાડી ચલાવતા ચલાવતા શહેરના બધા રેડિયો સ્ટેશનના ટાઈટલ સોંગ ગાવા, મહેકી અને શ્રદ્ધાનું ગુજરાતી ગઝલો ગાઈને મને હેરાન કરવું, ચાલુ ગાડીએ મારું અને શ્રદ્ધાનું ઉપમા ખાવું, શ્રુતિની કોફી ટ્રીટ, તેના ઘરે રેસ્ટરાં જેવું ટેસ્ટી અને ડિલિશિયસ ખાવાનું બનાવી આપવું, શ્રદ્ધાના ઘેર નાઈટ આઉટ મારવું કે મોડી રાત્રે હોરર વીડિયો જોવા જેવી અનેક બાબતો આ લખતી વખતે મારા માનસપટ્ટ પર ફિલ્મની રિલની જેમ એક પછી એક સામે આવી રહ્યા છે.
કોલેજના આ બેફિકરાઈભર્યાં દિવસો બાદ માસ્ટર ડિગ્રીની સફર શરૂ કરતા મહેકી અને રાજ સાથે હોવાને લીધે નવું તો નહોતું લાગ્યું પરંતુ અહીં સમય પસાર થવાની સાથે 18 વિદ્યાર્થીઓ ક્યારે એક પરિવાર જેવા બની ગયો તેની ખબર જ ન પડી. દરેકની બર્થ ડે પર પાર્થનું સરપ્રાઈઝ કેક લઈને આવવું, પહેલી અનઓફિશિયલ દૂધનીની ટ્રીપ, માસ કમ્યુનિકેશન ભવનના કોન્ફરન્સ રૂમમાં ઉજવેલા તહેવારો અને ડી.જે પાર્ટી, અમદાવાદ અને હૈદરાબાદની યાદગાર સ્ટડી ટુર્સ, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અંકિત, ધ્રુવ અને કશ્યપની પાગલપંતી, ફુઝેલ અને નિલેશની ધમાલ, પહેલા દિવસથી લઈને માસ કોમ્યુનિકેશ પત્યું ત્યાં સુધી હંમેશાં મોડા પહોંચવા બદલ કલ્પના મેમનું મને અને મહેકીને ટોકવું, જોલીતા, પ્રિતમ, પૂર્વી, મનિષા, મહેકી અને હિલસા સાથે મોડે સુધી બેસીને કરેલી ધમાલ મસ્તી, છેલ્લા એક અઠવાડિયામાં 'મીડિયા બઝ' માટે કરેલી તૈયારી, કોલેજ કાળ ખતમ થયા બાદ પણ અંકિત અને નિલેશ જોબ પર મારી સાથે હોવાને લીધે તેમનું મને વિવિધ ઉપનામ આપી ચિડવવું જેવી અનેક વાતો અને ઘણી બધી યાદો છે, જેને કાગળ પર ઉતારવી શક્ય નથી પરંતુ આ બધી યાદો કાયમ માટે મારા સંસ્મરણોમાં કેદ થઈ ગઈ છે.
મને ફોટોગ્રાફીનો શોખ હોવાને લીધે દૃષ્ટિકોણ ફોટોગ્રાફી ક્લબ સાથે જોડાયા બાદ અમન, પીંકી, ઉમંગ, સંદીપ અને બીજા મારા ઘણા સારા મિત્રો બની ગયા છે. આ મિત્રો મારા બીજા મિત્રો જેટલા જૂના નથી પરંતુ થોડા સમયમાં તેઓ પણ નિકટના મિત્રો બની ગયા છે. આ સિવાય પણ એવા ઘણા મિત્રો છે, જેમની સાથે એક યા અન્ય રીતે મારી ઘણી યાદો જોડાયેલી છે. રવિવારે ફ્રેન્ડશીપ ડેના દિવસે જ જૂની યાદોને ફરીથી વાગોળતા પણ એવું લાગી રહ્યું હતું કે જાણે હજુ થોડા સમય પહેલા જ આ દિવસોની મજા માણી હતી.
ખાટા-મીઠા સંસ્મરણોની સાથે બધા મિત્રો સાથે કોઈક ને કોઈક બાબતનો ઝઘડો પણ થયો જ છે. પરંતુ કહેવામાં આવે છે કે, દિલના સંબંધોમાં ઝઘડો થવો જરૂરી છે, જેથી તમે એકબીજાની વધુ નજીક આવી શકો. શાળામાં હતા ત્યારે કોલેજમાં જવાની અને કોલેજ પત્યા પછી નોકરી શોધી સેટ થવાની ઉત્સુકતા હતી. પરંતુ આજે જ્યારે પાછા વળીને જોઈએ છે તો લાગે છે કે તે બેફિકરાઈના દિવસો આજના દિવસો કરતા ઘણા સારા હતા. આજે પણ રસ્તામાં આવતા જતા કોલેજના ગ્રુપને જોઈને સૌ કોઈને પોતાના કોલેજના દિવસો યાદ કરીને પોતાના ગ્રુપને ચોક્કસથી યાદ કરે છે.
છેલ્લે મારા મિત્ર અંકિતે મિત્રો વિશે ફેસબુક પર લખેલી કેટલીક પંક્તિ શેર કરવા માગુ છું: 'દોસ્ત…. દોસ્ત વિશે લખવા બેસીએ ત્યારે કલમ શાહીમાં નહીં પરંતુ બીયરમાં બોળીને લખવું પડે. જોકે બડ્ડી કે ડિયર આગળ ઉઘડવા માટે બીયરની જરાય જરૂર નથી પડતી એ વાત પણ એટલી જ સાચી છે. દોસ્ત પાસે સહદેવ અને સંજયની દૃષ્ટિ હોય છે, જે આપણો મૂડ જોયા વિના પણ આપણી અંદર ચાલતા દ્વંદ્વને પામી જતો હોય છે. આ તો ઠીક આપણે કોઈ છોકરીના પ્રેમમાં છીએ કે નહીં એ આપણે નક્કી કરીએ એ પહેલા દોસ્ત આપણે કહી દેતા હોય છે કે, ભાઈ તું એના લવમાં છે. મોડુ નહીં કર અને પહેલી તકે એને પ્રપોઝ કરી દે. નહીંતર બાજી બગડશે.’ એની વાત સાચી જ છે કારણ કે, દોસ્તો ક્યારેય નોર્મલ હોતા નથી. દોસ્તી પર પાસ્ટ-ફ્યુચરની કોઈ અસર થતી નથી. દોસ્તો શરાબ જેવા હોય છે, શરાબ જેટલો જૂનો થાય એટલી વધારે મજા આવે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર