એક ચડ્ડી બડ્ડીની વાત
ઘણા બધા માણસોને જીવનમાં ઘણા બધા દોસ્તો હોય છે. કોઈના સ્કૂલના દોસ્ત અલગ હોય તો કોઈના કૉલેજના અલગ હોય. કોઈના અપડાઉનના દોસ્ત અલગ હોય અને પાનના ગલ્લે બેસવાવાળા દોસ્ત અલગ હોય. વળી, સવારે બગીચામાં લાફિંગ ક્લબના દોસ્ત અલગ હોય તો સાંજે મંદિરના દોસ્ત અલગ હોય. આમ માણસોને જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો સાથે મૈત્રી કેળવાઈ જ જતી હોય છે પરંતુ મારી બાબતે એવું નથી. હું સ્વભાવે ઘણો શરમાળ છું અને લોકો આગળ ઝડપથી ઊઘડી શકતો નથી. વળી, પાછળથી મને મારું કામ એટલું બધું માફક આવી ગયું કે, હું ચોવીસે કલાક મારા કામમાં રમમાણ રહેવા માંડ્યો, જેની અસર એ થઈ કે મારા જીવનમાં હું એક જ વ્યક્તિ સાથે દોસ્તી કેળવી શક્યો અને આવડી મોટી દુનિયામાં મને એક જ એવો માણસ મળ્યો, જેના ખભે હું હાથ મૂકી શકતો હતો કે, જેની પીઠ પર હું ધબ્બો મારી શકવાની હિંમત ધરાવતો હતો.
મારો એ દોસ્ત એટલે નિકેત, જેને રૂબરૂ મળ્યાંને પણ હવે તો પાંચેક વર્ષ થઈ ગયાં છે. એટલે હવે ધબ્બા મારવાનો પણ સમય કે ચાન્સ નથી મળતો! અમે નાના હતા ત્યારથી અમારી દોસ્તી બંધાઈ ગયેલી. શરમાળપણું જો મને નાનપણથી વળગ્યું હોત તો કદાચ નિકેત સાથે પણ દોસ્તી નહીં થઈ શકી હોત પરંતુ આ બાબતે થોડો ફાયદો થયો, જેને કારણે નિકેત સાથે દોસ્તી બંધાઈ. અમારા બંનેની સ્કૂલ અલગ અલગ હતી, પરંતુ અમારા ટ્યુશન એક જ જગ્યાએ રહેતા, જેના કારણે અમારું સાથે રહેવાનું ઘણું બનતું. સ્કૂલ-ટ્યૂશનથી ઘરે આવ્યા બાદ અમારું રમવાનું પણ સાથે જ થતું. જોકે, અમારા રમવામાં ક્રિકેટ કે ફૂટબોલ જેવી રમતો ઓછી રહેતી અને અમે સાથે બેસીને ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રોફી જેવી ચેનલો વધુ જોતાં અને જીકેને લગતાં પુસ્તકો વધુ વાંચતા.
નાના હતા ત્યારથી અમને સાયન્સ અને ટેક્નોલોજીમાં ખૂબ રસ પડતો અને અમે એ સંદર્ભનું ખૂબ વાંચતા પણ ખરા. આ કારણે નાનપણથી અમને પુસ્તકો સાથે સારી એવી મૈત્રી બંધાઈ ગયેલી. કદાચ પુસ્તકો સાથેની અમારી મૈત્રીને કારણે જ અમે ધીરેધીરે બહારની દુનિયાથી છૂટાં પડતા ગયેલા અને અમારા આગવા વિશ્વમાં જ રાચવા માંડેલા.
અમારા બંનેની સ્કૂલ ભલે અલગ હતી, પરંતુ સ્કૂલમાં પણ અમને અન્ય કોઈ વિદ્યાર્થી સાથે દોસ્તી બંધાઈ શકી નહીં. દોસ્તી થાય પણ ક્યાંથી? સ્કૂલમાં ક્લાસ ચાલતા હોય ત્યારે અમે ટીચર્સ દ્બારા રચાતી દુનિયામાં ખોવાઈ જતાં તો બ્રેકમાં અડધુંપડધું ખાઈને લાઇબ્રેરી તરફ દોટ મૂકતા!
આમ ને આમ અમે અમારું બારમું ધોરણ પતાવ્યું અને વિદ્યાનગરની જુદી જુદી કૉલેજોમાં અમારી ગમતી ફેકલ્ટીમાં અમે એડ્મિશન લીધું. સાથે વીતાવેલા શ્રેષ્ઠ સમયમાં એન્જિનિયરિંગનાં ચાર વર્ષ ગણી શકાય, જે વર્ષોમાં કોલેજો જુદી જુદી હોવા છતાં અમે એક જ હોસ્ટેલમાં રહેતા અને એક જ રૂમ શેર કરીને ઘણો વખત સાથે વીતાવતા. આ વર્ષોમાં અભ્યાસ અને ઇતર વાચનની સાથે અમે હોલિવુડ ફિલ્મો ખૂબ જોઈ, જેના કારણે અમારી કલ્પનાશક્તિને એક નવી દિશા મળી.
જોકે, એન્જિનિયરિંગ પત્યું ત્યારબાદ અમે એકદમ વિખૂટા પડી ગયા કારણ કે નિકેત એના આગળના અભ્યાસ માટે અમેરિકા ગયો અને મેં મારા વધુ અભ્યાસ માટે દિલ્હીની વાટ પકડી. પછી પણ અમે બે વર્ષમાં એકાદ વાર અલપઝલપ મળી લેતાં પરંતુ એણે ત્યાં નોકરી શરૂ કર્યા પછી એનું ભારત આવવાનું એકદમ બંધ થઈ ગયું, જેને પગલે એને રૂબરૂ મળ્યાને પાંચથી વધુ વર્ષ થઈ ગયાં. હું પણ હવે તો દિલ્હીમાં જૉબ કરું છું અને મારા કામમાં ગળાડૂબ રહું છું. આ કારણે નિકેત તો શું મારા ઘરના સભ્યોને પણ ઘણા અંતર પછી મળું છું.
પરંતુ નિકેત સાથે મૈત્રીના તાર એટલા મજબૂત છે કે, મને અડધી રાત્રે પણ એની યાદ આવે તો હું જસ્ટ એક વ્હોટ્સ એપ છોડી દઉં છું અથવા એને મારી યાદ આવે તો એ મને મેસેજ કરે છે અને પછી અમે અમારા દિવસનો થોડો સમય ચોરીને એકબીજા સાથે ચેટ કરી લઈએ અને એકબીજાના હાલચાલ પૂછી લઈએ. હવેની વ્યસ્તતાને કારણે એટલું જરૂર લાગે છે કે, હવે એકબીજાને રૂબરૂ મળવું લગભગ અશક્ય થઈ ગયું છે પરંતુ ટેકનોલોજીને એ બાબતે થેંક્સ કહેવું જ રહ્યું કે, એના કારણે ફિઝિકલ નહીં પણ વર્ચ્યુઅલી મળી શકાય છે અને એકબીજાનો સંપર્ક કરીને એકબીજાની નજીક રહી શકાય છે.
જીવનમાં એક જ દોસ્ત મળ્યો છે મને એના પ્રત્યે ઘણો લગાવ છે. કારણ કે એ એક જ એવી વ્યક્તિ છે, જેની સાથે મારા બાળપણની યાદો જોડાયેલી છે અને એનામાં મારો ભૂતકાળ ધબકે છે. આ કારણ કે મેં એનો નંબર પણ ચડ્ડી બડ્ડી તરીકે જ સેવ કર્યો છે.
(સ્વર ઓઝા, દિલ્હી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર