એક નેક મૈત્રીની વાત...
‘સંબંધોના રંગો અનેક, પણ મિત્રતાનો એક,
સ્વાર્થ ઘણા હોય સંબંધમાં, મૈત્રી તો છે નેક.’
આપણી જીવનસફરમાં આપણને ઘણા સંબંધોનો અનુભવ થાય છે. મારું માનવું છે કે, મોટાભાગે સંબંધો કોઈને કોઈ સ્વાર્થ પર જ ટકેલા હોય છે. એવામાં મૈત્રીનો સંબંધ એવો છે કે, જેમાં સ્વાર્થને કોઈ અવકાશ નથી હોતો. એ એક નેક સંબંધ છે. મૈત્રી એક એવો સહજ ભાવ છે કે, એક વાર ત્યાં દિલ જોડાય જાય પછી બીજા વિચારો ગૌણ બની જતા હોય છે.
આમ તો સંબંધો બે પ્રકારના હોય છે,
૧) અમુક સંબંધ જન્મથી જ નક્કી થયેલા છે.
૨) બીજા આપણે પોતાની પસંદગીથી નક્કી કરવાના છે.
જે જન્મથી જ નક્કી છે એવા સંબંધોમાં આપણે માતા-પિતા, ભાઈ-બહેન જેવા સંબંધોને લઈ શકીએ, જ્યારે આપણે પોતે નક્કી કરવાના સંબંધોમાં સૌથી પહેલો સંબંધ હોય છે ‘મૈત્રી’ અને ત્યાર પછી આવે જીવનસાથી. એક સત્ય એ પણ છે કે, જો માણસ આ બે સંબંધની પસંદગીમાં થાપ ખાઈ ગયો તો એણે જીવનમાં ઘણું ભોગવવાનો વારો આવે છે. એટલે આ બંને સંબંધની પસંદગી અત્યંત સતર્કતાથી કરવી.
મારું નામ ઝરણા છે અને આજે હું અહીં મારી જીજ્ઞાશા (જીગુ) સાથેની ફ્રેન્ડશીપ વિશેની વાત કરવાની છું. હું ધોરણ ૧૧મા ભણતી ત્યારની આ વાત છે. પહેલાથી જ સ્વભાવે હું ઘણી ઓછાબોલી એટલે મારાથી જલદીથી કોઈની સાથે મિત્રતા ન થાય. દસમાં ધોરણ પછી હાયર સેકન્ડરી સ્કૂલમાં એડમિશન લીધા બાદ નવા વિદ્યાર્થીઓ સાથે, નવા ગ્રુપ સાથે જોડાવાનું મારા માટે મોટો પડકાર હતો. લજામણીના છોડ જેવા મારા સ્વભાવને કારણે મારે માટે સ્વાભાવિક રીતે નવા વાતવરણમાં જલદી સેટ થવું મુશ્કેલ હતું.
જોકે જીવનનો એ તબક્કો એવો હતો, જ્યારે મન અને દિલ સતત કોઈની કંપની ઝંખે. કારણ કે, જ્યારે આપણે બાલ્યાવસ્થામાંથી મુગ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યા હોઈએ, જ્યારે શારીરિક ફેરફારોની સાથે માનસિક ફેરફારો પણ થઈ રહ્યા હોય ત્યારે એ વહેતી લાગણીઓ આપણાથી ભલે જલદી વ્યક્ત ના થાય. પણ એ લાગણીઓ પોતાને વ્યક્ત થવાનો માર્ગ હંમેશાં શોધતી જ રહેતી હોય છે.
આ ભાવનગરની વાત છે. શહેર નાનુ હોય અને રહેણીકરણી મધ્યમવર્ગના હોય એટલે સ્વાભાવિક છે કે, ત્યારે ‘છોકરીયું-છોકરીયું’ વચ્ચે જ દોસ્તી કેળવાય. એવામાં જીજ્ઞાશા સાથે મારો પરિચય થયો. અમારા પરિચયને મૈત્રીમાં પરિવર્તિત થતાં ખાસો સમય લાગ્યો. કારણ કે, એક તો હું પોતે ઓછાબોલી અને એમાં જીજ્ઞાશા મનેય આંટી જાય એવી અંતર્મુખી! એટલે અમારા કિસ્સામાં તો એવું બનેલું કે, અમારા બેમાં હું વધારે બોલું! હું જીગુને જેટલું પૂછું એટલાનો એ મને જવાબ આપે. આ કારણે શરૂઆતમાં મને અમારો સંબંધ એકતરફી લાગતો. એ ક્યારેય મારી આગળ એની લાગણીઓ વ્યક્ત નહીં કરે. એવું કેમ થતું હશે એ ત્યારે મને સમજાતું નહીં. પરંતુ હું એને આ વિશે કંઈ પૂછતી પણ નહોતી.
એવામાં અમારી પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ આવ્યું. જીગુને મારા કરતા ઘણા ઓછાં માર્ક્સ આવ્યા એટલે એ થોડી વ્યથિત હતી. પણ ત્યારે પહેલી વાર એણે મને સામેથી પૂછ્યું કે, ‘ઝરણા, તું પરીક્ષાની તૈયારી કઈ રીતે કરે છે?’ ત્યારે મને એમ થયું કે, ચાલો સારું થયું આ પરીક્ષાના બહાને પણ એ કંઈક બોલી તો ખરી. અને ત્યાર પછી તો અમારો વાર્તાલાપ પણ વધતો ગયો. ક્લાસમાં સાથે બેસવા માટે અમે એકબીજાની જગ્યા રાખતા થયાં. વધુ સમય સાથે પસાર કરી શકાય એ હેતુથી અમે અમારી સાયકલ ચલાવવાને બદલે અમે એને દોરીને ઘરે આવીએ.
એવામાં અગિયારમાં ધોરણનું એ વર્ષ પૂરું થવાની તૈયારી હતી અને દરેક વિષયની પાકી બુક નિરિક્ષણ માટે જમા કરાવવાની હતી. મારી તો બધી જ બુક્સ લગભગ તૈયાર હતી. પણ જીગુની બુક્સ હજુ બાકી હતી. બીજા દિવસે એણે મને ક્લાસમાં કહ્યું, ‘તારી P.T.ની જર્નલ મને આપીશ? મારે બનાવવાની બાકી છે.’
મેં કહ્યું, ‘હા, મારી જર્નલ તૈયાર જ છે. લઈ જજે.’
‘મને આવવાનું નહીં ફાવે. તું જો ફ્રી હોય તો મારા ઘરે આપી જઈશ?’ એણે થોડા ખચકાટ સાથે પૂછ્યું.
‘હા, વાંધો નહીં. હું પાંચેક વાગ્યે આવીશ’ મેં જવાબ આપ્યો.
મને ફક્ત એટલી ખબર હતી કે, જીગુ એમના કોઈ સંબંધીના ઘરે રહે છે અને એના ઘરમાં બહુ કડક નિયમો છે. એટલે શક્ય છે કે, એ ના આવે. પણ સાથે મને એ વાતનું પણ કુતૂહલ હતું કે, ‘આવા કડકાઈભર્યા વાતાવરણવાળું ઘર કેવું હોય?’ એટલે મને જીગુને ત્યાં જવાની ઉત્સુકતા આમ પણ વધારે હતી.
જોકે નિયત કરેલા સમય કરતા મને થોડું મોડું થયું. જીગુ તો બહાર મારી રાહ જોઈને ઊભેલી. એ દૂરથી જ મને દેખાઈ. મને જોઈને એની આંખોમાં ચમક આવી ગઈ. હું એને મળવા ગઈ એટલે એ ઘણી ખુશ થઈ. ત્યારે અમે થોડો સમય વાતો કરી અને પછી હું નીકળી ગઈ.
પરંતુ આ પ્રસંગ પછી અમારી મિત્રતા વધી અને મને એ પણ ખ્યાલ આવ્યો કે જીગુ અહીં એના ફોઈના ઘરે રહે છે. એ ફક્ત ભણવા માટે જ અહીં આવી હતી અને એના ઘરમાં એવો નિયમ છે કે, કોઈની સાથે મૈત્રી કેળવવી નહીં અને સ્કૂલના સમય સિવાય બહાર જવું નહીં. એટલે ત્યારે મને સમજાયેલું કે જીગુ સાથેનો મારો વ્યવહાર કેમ એકતરફી વધારે રહેતો.
મુગ્ધાવસ્થાની આ ઉંમર જ ખીલવાની ઉંમર હોય છે. અને આ સમયે જો માણસે દબાયેલા રહેવું પડે, મૂંઝાઈને જીવવું પડે તો તેનું વ્યક્તિત્વ ખીલી ના શકે તેમજ અભ્યાસ પર પણ તેની અસર થાય. બન્યું પણ એવું જ. અમારી વાર્ષિક પરીક્ષા પૂરી થઈ અને વેકેશન પડ્યું. જીગુ તો એના ગામ બાબરા જતી રહેલી એટલે પરિણામ આવતા હું જ અમારા બંનેનું પરિણામ મારા ઘરે લઈ આવેલી. જીગુને મારા કરતા ઘણા ઓછા ટકા આવેલા.
થોડા દિવસો બાદ પરિણામ અને જીગુનો સમાન લેવા એના પપ્પા ભાવનગર આવેલા. જીગુના ફોઈના ઘરેથી જીગુના પપ્પાનો મારા પપ્પા પર કોલ આવ્યો અને મને ત્યાં પરિણામ પત્રક આપવા આવવા કહ્યું. પણા મારા પપ્પાએ એમને અમારા ઘરે આવવા આગ્રહ કર્યો અને એ આવ્યા.
જીગુના પરિણામની ચિંતા વ્યક્ત કરતા એમણે કહ્યું, ‘જીગુને અહીં ફાવતું નથી. એટલે હવે બીજે ક્યાંક એની વ્યવસ્થા કરવી પડશે. અહીંથી હું જીગુનો દાખલો જ કઢાવી જાઉં છું.’ દરમિયાન વાતો વાતોમાં એમણે જણાવ્યું કે, ‘આ જીગુ અમારે બોઉં લાડકી છે, ખરેખર એ મારા નાનાભાઈની દીકરી છે પણ જીગુ જ્યારે ૬ મહિનાની હતી ત્યારે એક અકસ્માતમાં એના મમ્મી અને પપ્પાનું અવસાન થયેલું. બસ ત્યારથી જીગુ મારી જ દીકરી છે અને અમે જ એને મોટી કરી છે.’
જીગુના પપ્પા (વાલી-પિતા)ની આ વાતો સાંભળીને મને થયું કે જીગુ અહીં મારા ઘરે જ રહે અને ભણે તો? એટલે મેં બધાની વચ્ચે જ વાત રજૂ કરી દીધી, ‘કાકા, જો તમને ગમે તો જીગુ અમારા ઘરે જ રે’શે અને મારી હારે જ ભણશે.’ મારા પપ્પાએ પણ મારી વાતમાં સૂર પૂરાવ્યો અને જીગુના પપ્પાને પણ આ વાત ગમી. અમારી લાગણી જોઈને એ ગળગળા થઈ ગયા અને જીગુને અમારા ઘરે જ ભણાવવા રાજી થયા.
ઉઘડતી સ્કૂલે એના મમ્મી-પપ્પા બંને જીગુને અમારા ઘરે મૂકવા આવ્યા અને તેઓ એક દિવસ રોકાયા પણ. બસ, ત્યાર પછી તો કોલેજ સુધી જીગુ મારી સાથે જ, મારા ઘરે જ રહીને ભણી. અમારા ઘરે રહીને એ ઘણી ખીલી હતી. એની અંદર રહેલો ડર ઘણે અંશે દૂર થઈ ગયો હતો અને એ અભ્યાસમાં પણ સારું પ્રદર્શન કરતી થઈ ગઈ હતી. આમ તો એ મારી પાકી બહેનપણી પણ અભ્યાસમાં અમારી વચ્ચે જોરદાર હરીફાઈ થાય. કોના માર્ક્સ વધુ આવે, કોણ વધારે કલાક મહેનત કરે એની અમારી વચ્ચે કટ્ટર હરીફાઈ થતી. જોકે અમારી મિત્રતા અત્યંત અનેરી હતી અને પ્રેમની બાબતે અમે હંમેશાં અવ્વલ રહીએ.
પણ હવે એ સમય વીતી ગયો છે. પાછળથી અમારા લગ્ન પણ થઈ ગયા. આજે એ અમદાવાદમાં એના સાસરે રહે છે. તે એક દીકરીની મા બની ચૂકી છે અને તેના જીવનમાં ખૂબ ખુશ છે. મજાની વાત એ છે કે, મારું સાસરું પણ અમદાવાદમાં જ છે. એટલે થોડાક વર્ષોના વિયોગ પછી હવે ફરીથી અમે અવારનવાર મળીએ છીએ. ક્યારેક નાનપણના એ સુવર્ણ દિવસો યાદ કરીને આંખોના ખૂણા ભીના પણ કરી લઈએ છીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર