નિકી અને નીતિની દોસ્તીની વાતો
પ્રેમનું આ પવિત્ર ઝરણું છે
અને એમાં જ અમારે વહેવું છે
કુદરત પણ અમારી સાથે છે
અને એણે જ આ નાતો જોડ્યો છે
નિકી એટલે પ્રેમ, સ્નેહ અને નીતિ એટલે નિયમ અને આદર્શ. અને જીવનમાં જ્યાં યોગ્ય વ્યવહાર હોય, સારી અને સાચી ભાવના હોય ત્યાં પ્રેમ જ પ્રેમ હોય છે. હું જે સંબંધની વાત કરવા જઈ રહી છું એ એવો પવિત્ર સંબંધ છે, જેની નિયતિ ખૂદ ઈશ્વરે જ નક્કી કરી હતી. હું નીકી અને એ મારી નીતિ. ઈડર પાસેના થરાદ નામના એક ગામમાં અમારું ફેમિલી રહેતું હતું. ત્યાં જ અમારો જન્મ થયો અને ત્યારથી લઈને અત્યાર સુધીની આ વાત છે.
અમારો જન્મ એક જ દિવસે થયેલો. એ સવારે જન્મી અને હું બપોરે. અમારી વચ્ચે ફરક માત્ર અટલો જ. બાકી તમામ વાતે અમે બંને એક જ. અમારી મૈત્રી એટલી યુનિક છે કે, અમને ભાઈ-બહેન, માતા-પિતા જેવા સંબંધોની જેમ દોસ્તી પણ જન્મથી જ મળી! આવું બહુ જૂજ કિસ્સામાં બનતું હોય છે. નહીં?
નાનપણથી જ અમે બંને ખૂબ તોફાની. સ્કૂલ હોય કે ઘર હોય બધે જ અમારી મસ્તીખોરની ઈમેજ. આમ તો અમારી દોસ્તીના અને ધમાલ-મસ્તીના અનેક કિસ્સા છે પણ અહીં હું અમારી સ્કૂલના સમયનો એક કિસ્સો કહીશ.
હું અને ટકો (નીતિનું હુલામણું નામ) બંને સ્કૂલમાં પહેલી પાટલી પર બેસીએ અને આખો દિવસ દુનિયભરની વાતો અને મસ્તી કરીએ. તોય જોકે અમે ભણવામાં ખૂબ હોશિયાર. આમ ભલે અમે એક જ જાન પણ ભણવાની વાતમાં અમે એકબીજાના કટ્ટર હરીફ. પહેલી પાટલી પર જ ખૂબ વાતો થાય એટલે અમારા સર અમને ભારે ખખડાવે. જોકે અમારા પર સરના કોઈ ઉપદેશ કે એમની ધાકધમકીની લેશમાત્ર અસર નહીં થતી અને અમે તો એય અમારી વાતોમાં ગુલતાન રહેતા.
એક વાર સાહેબે કંટાળીને મને પહેલી પાટલીએ અને નીતિને છેલ્લી પાટલી પર બેસાડી દીધી. પણ ભારે જીદ્દી અને મસ્તીખોર એવા અમે આમ થોડા માનવાના હતા! છેલ્લી પાટલીથી લઈને પહેલી પાટલી સુધી અમે ઈશારામાં અને ક્યારેક તો પેન્સિલ ફેંકીને કે જોરજોરથી બોલીને પણ વાતો તો કરીએ. અમને એકબીજા વિના નહીં ચાલે એ નહીં જ ચાલે.
એમાંય વળી પ્રાર્થનાના સમયે અમને બંનેને સાથે પ્રાર્થના કરવા જોઈએ. નીતિનો અવાજ એકદમ મધુર અને મારો કાબર જેવો કર્કશ. તોય પ્રાર્થના તો અમે સાથે જ કરીએ. જરા વિચારો કે માઈકમાં આવા અલગ-અલગ રાગમાં પ્રાર્થના થતી હોય તો બિચારા સાંભળનારા લોકોની શું હાલત થતી હશે?
એકવાર તો હદ જ કરી દીધી અમે. મારા પપ્પા ગણિતના શિક્ષક અને અમે બંને એમની પાસે જ ગણિત શીખીએ. અમે છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે ગણિતનું પેપર બહુ અઘરું નીકળ્યું અને અમને પ્રશ્નપત્રમાનું ઘણું ન આવડ્યું. ઘરે પાછા આવતાય ડર લાગતો હતો કેમ કે ગણિતના સાહેબ ઘરમાં જ અમારી રાહ જોતા હતા. અમે જેમ તેમ કરતા હિંમત ભેગી કરીને ઘરે આવ્યા તો ખરા પણ ઓસરીથી જ અમે જોર જોરથી રડવા લાગ્યા. અમે આવું કેમ કર્યું ખબર છે?
કેમકે અમને રડતાં જોઈને પપ્પા કંઈ બોલે નહીં અને પપ્પાના ગુસ્સાથી બચી જઈએ! અને અમારી એ યોજના પણ સફળ ગઈ. અમને રડતા જોઈને પપ્પા કંઈ ન બોલ્યા અને કહ્યું કંઈ વાંધો નહીં આવતી પરીક્ષામાં આપણે વધારે મહેનત કરીશું!
અમે બંને ઘરના કામોમાં પણ હોશિયાર. અમારા વિસ્તારમાં પાણીની બહુ તંગી એટલે ઘર માટેનું બધું પાણી બહારથી ભરી લાવવું પડે. અમે બંને પાણી ભરવા પણ સાથે જ જઈએ. ત્યાં એકવાર લાંબી લાઈન હતી અને અમે અમારો વારો આવવાની રાહ જોતા ઊભા હતા. ઊભા રહીને અમે કંટાળી ગયેલા. એવામાં મારો ક્યાંકથી મેળ પડી ગયો અને નીતિ મારા કરતા આગળ હોવા છતાં મેં પાણી ભરી લીધું. મેં આમ કર્યું એટલે નીતિએ તરત જ મારું પાણી ઢોળી નાંખ્યું અને મને કહે કે, 'તે પહેલા કેમ ભર્યું?' મેં કહ્યું, 'એમાં શું થઈ ગયું? આપણે જવાનું તો સાથે જ છે ને? તું પહેલું ભરે કે હું?' અને પછી તો અમારી વચ્ચે એ વાતે એવી ચકમક ઝરી કે, એણે ઉશ્કેરાઈને મને આખી પલાળી દીધી. આમને આમ અમે પાણી ભર્યા વગર પાછા ઘરે આવ્યા અને અમે ત્યારે નક્કી કર્યું આજ પછી આપણે એકબીજાના ઘરનો ઓટલો પણ નહીં ચઢીએ.
આ વાત સાંભળીને અમારા ઘરના બધા લોકો પણ એકદમ સ્તબ્ધ થઈ ગયા કે હવે શું થશે? જોકે બીજા દિવસે સવારે નિયત ક્રમ મુજબ મને બહારથી અવાજ આવ્યો, 'નિક્કી ચાલ સ્કૂલે... ટાઈમ થઈ ગયો.' અને હું પણ રોજની જેમ જ બેગ લઈને એની સાથે ચાલી નીકળી. એવું લગભગ 5-6 દિવસ ચાલ્યું. અમે બંને બોલીએ, સાથે જ રમીએ અને ખાઈએ. પણ એકમેકના ઘરે નહીં જવાનું! અમે તો માત્ર એકબીજાનો ઓટલો નહીં ચઢવાની વાત કરી હતીને? એકબીજા સાથે નહીં બોલવાની વાત ક્યાં કરેલી?
અમારું ભણવાનું આમ જ ચાલતું રહ્યું અને અમે મોટા થઈ ગયા. દસમા ધોરણ પછી તો અમારું રહેવાનું પણ અલગ થઈ ગયું. અંતરને કારણે બધાને એમ કે હવે અમારી વચ્ચે કોઈ સંબંધ નહીં રહે. નવા લોકો આવશે જિંદગીમાં અને નવા મિત્રો પણ બનશે અને એ બધામાં અમારી નિર્દોષ મિત્રતા ક્યાંક ખોવાઈ જશે. પણ એવું ન થયું. ભલે અમે અલગ થયા પણ દિલ અમારું સાથે જ રહ્યું.
એ સુરત રહેતી અને હું મહેસાણામાં ભણતી. અંતરને કારણે અમારાથી મળી તો ન જ શકાતું પરંતુ ત્યારે કંઈ મોબાઈલની સુવિધા પણ ન હતી કે, ફોન પર પણ વાતો કરી શકાય. હા, પણ એ ખરું કે અમે ગમે એમ મેળ પાડીને અમારા જન્મ દિવસ પર એકબીજા સાથે વાત કરી જ લેતા.
આમ જ સમય ચાલતો રહ્યો. નવા-નવા લોકો તો આવતા ગયા અમારી જિંદગીમાં પણ દિલના સંબંધો અમસ્તા જ થોડા ભૂલાય? અમે ગમે ત્યાં, ગમે એની સાથે રહીએ પણ અમે એકબીજાને જેટલું ઓળખી શક્યા એટલું અમને કોઈ ના સમજી શક્યું.
પછી હું પરણી ગઈ અને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરીએ લાગી ગઈ. એ હજુ ભણતી હતી અને જેવું એનું ભણવાનું પુરું થયું કે જોગાનુજોગ એનું સિલેકશન પણ મારી કંપનીમાં જ થયું. પાછા બંને જણા એક જ કંપનીમાં અને એક જ ડિપાર્ટમેન્ટમાં ભેગા થયા! જરા વિચાર તો કરો કે જો સ્કૂલવાળાની હાલત કફોડી થઈ હતી તો કંપનીવાળાનું તો શું થયું હશે? અમે સાથે થયા પછી ફરી એ જ જિંદગી જીવવા લાગ્યા, જાણે અમારું બાળપણ ફરી આવી ગયું હોય.
અમે બંનેએ એક વાત નક્કી કરી છે કે અમારે અન્યોની જેમ જિંદગી પસાર નથી કરવી પરંતુ અમારે તો ભરપૂર જિંદગી જીવવી છે. આ કારણે અમે જ્યારે પણ ભેગા થઈએ ત્યારે પૂરા ઉત્સાહ અને જિંદાદિલીથી અમને મળેલી ક્ષણોને જીવીએ.
પાછળથી નોકરીમાં મારી ટ્રાન્સફર થતાં મારે અમદાવાદ આવી જવું પડ્યું. અને ફરી એવો જોગ રચાયો કે અમે પાછા એક જ શહેરમાં ભેગા થયાં. કારણ કે નીતિ પણ પરણીને અમદાવાદ આવી રહી હતી અને હું તો ત્યાં પહેલાથી મોજૂદ હતી જ. આમ ફરી અમારું મળવાનું વધી ગયું. અમારી મિત્રતાને 27 વરસ થઈ ગયા છે પણ અમે જ્યારે મળીએ ત્યારે અમને એવું લાગે કે, હજુ પણ અમે નાના જ છીએ. એ મારે ત્યાં આવે કે હું એને ત્યાં જાઉં ત્યારે અમે આખેઆખી રાત જૂની વાતોને યાદ કરીને પેટ પકડીને હસીએ. આવા સમયે આંખો તો ભીની થાય છે પણ રડીને નહીં પરંતુ ખુશીના આંસુથી. કારણ કે અમે અમારી જિંદગીનો એક નિયમ બનાવ્યો છે કે, ‘અમે ખુશ રહીશું અને બધાને ખુશ રાખીશું’. અંતે હું નીતિ વિશે એટલું જ કહીશ કે,
જિંદગી શરૂ થઈ તારી સાથે, જીવતા પણ શીખ્યા એકસાથે,
નાના-નાના હાથ પકડીને બચપણ પણ એકબીજાના સહારે સંભાળ્યું
હંમેશાં રહેશે આપણા સંબંધમાં પ્રેમ અને મિઠાશ,
કેમ કે હું છું નિકી અને તું મારા જીવનની સાચી નીતિ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર