થેંક યુ મિસ્ટર વકીલ
દોસ્તો અને દોસ્તી જીવનના કોઈ પણ પડાવ પર થઈ શકે છે. દોસ્તી માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો. કોઈકની સાથે જન્મોના ઋણાનુબંધન હોય તો મોટાભાગની જિંદગી જીવાઈ ગઈ હોય અને સાંજને ઉંબરે બેઠા બેઠા મૃત્યુની પ્રતિક્ષા કરતા હોઈએ તો પણ દોસ્તો મળી જાય, જેઓ જીવનના આખરી પડાવ પર આપણો રસ્તો પૂરો કરવામાં આપણને સાથ આપતા હોય છે. કહેવાય છે કે, સાંઠે બુદ્ધિ નાઠી, પરંતુ મને જીવનના છઠ્ઠા દાયકામાં એક દોસ્ત મળી ગયો છે, જેણે મારા છેલ્લા વર્ષોને અત્યંત સરળ અને યાદગાર બનાવ્યા છે.
હર્ષદ વકીલ અને હું ત્રણ વર્ષ પહેલા અમારા ઘરના પાર્કમાં મળેલા. એલઆઈસીમાંથી રિટાયર્ડ થયાના એક જ વર્ષમાં મારે પત્ની ગુમાવવી પડી, જેના કારણે મારા જીવનમાં ભયંકર ખાલીપો સર્જાયો. સંતાનો વિદેશમાં ઠરીઠામ થયેલા અને કામ અને પત્ની વિના હું ભેંકાર એકલતામાં સરી પડેલો. સપનાં જોયેલા કે છેલ્લો દોઢેક દાયકો પત્ની સાથે નિરાંતથી વીતાવીશું અને એકબીજાની ખૂબ દરકાર લઈશું. પરંતુ કુદરતનું આયોજન મારા કરતા કંઈક અલગ હતું અને ધાર્યુ તો હંમેશાં થયું છે ને? સંતાનોએ વિદેશમાં એમની પાસે બોલાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ મારે છેલ્લા વર્ષો દેશમાં જ કાઢવા હતા એટલે એમના લાખ સમજાવ્યે પણ હું ત્યાં ન ગયો એ ન જ ગયો.
સાંજનો ખાલિપો પૂરવા માટે મેં અમારા ઘરની નજીકના પાર્કમાં લટાર મારવા જવાનું શરૂ કર્યું. ત્યાં મારા જેવા અનેક સિનિયર સિટિઝન્સ પણ આવતા, પરંતુ ટોળામાં બેસીને ગપ્પાબાજી કરવામાં મને બહુ રસ નહોતો. આ કારણે હું પાર્કમાં આંટા મારતો રહેતો અને આંટા મારીને થાકુ તો ખૂણામાં કોઈક બાકડો શોધીને ત્યાં બેસી જતો.
થોડા દિવસોથી મારા ધ્યાનમાં આવ્યું કે, બિલકુલ મારી જ ઉંમરનો એક વૃદ્ધ પણ ટોળાથી જૂદો બેસે છે અને કાનમાં ઈયરફોન નાંખીને એના સંગીતમાં મગ્ન રહે છે. એને જોઈને હું એટલુ તો સમજી જ ગયો કે, આ માણસ પણ ટોળાનો માણસ નથી અને એના શોખ પણ બીજા ગપ્પેબાજો જેવા નથી.
એક દિવસ મેં સામેથી પહેલ કરી અને હું એને મળવા ગયો. એની સાથે ઓળખાણ કરી અને શહેરમાં એ ક્યાં રહે છે અને આખો દિવસ એ શું કરે છે એ વિશેની જાણકારીઓ મેળવી. હર્ષદ મારા ઘરની નજીક જ રહેતો હતો અને અમારી વચ્ચે મુખ્ય સામ્યતા એ હતી કે, અમે બંનેએ અમારા જીવનસાથી ખોયા હતા, જેના કારણે અમારા જીવનમાં ખાલિપો સર્જાયો હતો. હર્ષદને પગમાં વાની તકલીફ હોવાને કારણે એ પાર્કમાં બહુ ચાલી શકતો નહીં, પરંતુ હું થાકુ નહીં ત્યાં સુધી આંટા મારતો અને પછી હર્ષદની પાસે જઈને બેસતો.
હર્ષદને વાંચનનો ખૂબ શોખ હતો અને એ દિવસનો મોટાભાગનો સમય અખબારો અને પુસ્તકો વાંચવામાં વીતાવતો. મને વાંચનનો થોડો ઓછો શોખ હતો અને મને ગુજરાતી લેખકો કે પુસ્તકો વિશેની ઝાઝી ગતાગમ પણ નહોતી. પરંતુ હર્ષદે મને અશ્વિનિ ભટ્ટ અને હરકિશન મહેતાની નવલકથાઓ આપી અને કહ્યું કે, ‘આ પુસ્તકો તમને ચોક્કસ જ ગમશે.’ એની સલાહ માનીને મેં વાંચવાનું શરૂ કર્યું અને જોતજોતામાં મને એ નવલકથાઓનો એવો ચસ્કો લાગ્યો કે, મારો આખો દિવસ ક્યાં પસાર થવા માંડ્યો એની મને કંઈ ખબર ન રહેતી.
તો બીજી તરફ મને ફિલ્મો અને નાટકો જોવાનો કે રેસ્ટોરાંમાં જમવાનો ખૂબ શોખ છે. એટલે મેં એને કહ્યું કે, ‘આપણે અઠવાડિયામાં એક સારી ફિલ્મ અને શહેરમાં આવેલું એકાદ નાટક પણ જોવાનું રાખીએ.’ તો એણે એમાં સહેમતી દાખવી અને અમે બંનેએ સાથે ફિલ્મો અને નાટકો જોવાનું પણ શરૂ કર્યું. સાથે જ રવિવારે બહાર જમવાનું પણ શરૂ કર્યું, જેના કારણે અમારી રવિવારની સાંજો ખૂબ સુંદર રીતે પસાર થવા લાગી. આ ઉપરાંત મને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ પણ આવડે એટલે ક્યારેક એને સવારના સમયે ઘરે બોલાવું અને એને પણ સોશિયલ મીડિયા શીખવું, જેથી એ મોબાઈલમાં આસાનીથી ફેસબુકનો ઉપયોગ કરી શકે.
પાર્કમાં બેઠા હોઈએ ત્યારે અમે એકબીજાએ જે વાંચ્યું હોય એ વિશે અને ફિલ્મ કે નાટકો કે ભાવતા વ્યંજનો વિશેની ચર્ચા કરીએ અથવા અખબારમાં કોઈક મહત્ત્વની ઘટના વાંચવામાં આવી હોય તો એ વિશેની વાતો કરીએ. બાકી, ફલાણાની ઘરે આમ થયું કે ઢીંકણાની વહુ એને બહુ ત્રાસ આપે છે જેવી વાતોથી અમે સદંતર દૂર રહીએ.
આવો ક્રમ અમારો છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે અને આ નિત્યક્રમને કારણે ઘણે અંશે અમારો ખાલિપો દૂર પણ થયો છે. હર્ષદ નહીં મળ્યો હોત તો કોણ જાણે મારો સમય કઈ રીતે પસાર થયો હોત? એ મળ્યો એના કારણે જ હું સોશિયલ મીડિયાની માયાજાળથી અંતર રાખી શક્યો અને પુસ્તકોના સહારે દિવસો પસાર કરી શક્યો. તેમજ એની કંપનીને કારણે જ હું ફરી ફિલ્મો કે નાટકો જોઈ શક્યો કે રેસ્ટોરાંમાં જઈને વ્યંજનો માણી શક્યો. જીવનના છેલ્લા તબક્કે આવો દોસ્ત મળી જશે અને એ જીવનના અવકાશને ભરી દેશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. થેંક યુ મિસ્ટર વકીલ.
(વિનોદ જોષી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર