એટલે જ અમારી મિત્રતા છે
એની સાથેની મિત્રતાને લગભગ ત્રણથી ચાર વર્ષ થયા. એનો સ્વભાવ હસમુખો, શાંત તો જરાપણ નહીં, ખુશ મિજાજ, પણ સમજૂક ખરી. નામ એનું મીરાં.
મારી અને મીરાંની મુલાકાત સાવ ઓચિંતી થયેલી અને મિત્રતા ખૂબ ધીરે થયેલી. અને મિત્રતા જામી પછી તો એવી જામી કે, અમને સતત એવું લાગ્યા કરે છે કે, અમારી વચ્ચે જરૂર કોઈ ચુંબકત્વ હોવું જોઈએ. તો જ અમને એકબીજાનું આટલું બધુ આકર્ષણ રહે છે. એ ઓફિસેથી આવે એટલે સીધી મારા ઘરે આવે. રોજ સાંજે અમારે મળવાનું થાય. સાથે બેસીને ચા પીવાની, ક્યારેક નાસ્તો પણ કરીએ, એનું ઘર મારા ઘરથી થોડું જ દૂર એટલે સાંજે ચા લઈને આવે ત્યારે કલાક બેસે.
રાત્રે એણે જે રાંધ્યું હોય તે લઈને આવે. ફરી પાછી અડધો કલાક બેસે. જમ્યા પછી પાછી આવે. પછી કહેવાય જ નહીં એ કેટલું બેસશે... બસ વાતો વાતો અને વાતો.. પોતાની, બીજાની, નવી-જૂની કે ભૂત-ભૂવાની. એને બધા જ વિષયો પર બોલવાની સારી એવી ફાવટ. કોઈ પણ વિષય પર ધાણીફૂટ બોલે. વળી, એને હસવા બહુ જોઈએ. હું હસાવું અને એ હસે, ક્યારેક હું નહીં હસાવું તોય હસે. ક્યારેક મારો ચહેરો જોઈને અમસ્તી અમસ્તી જ હસે! એ હસે ત્યારે ક્યાંકથી પાણીની વાછટ આપણા ગાલને સ્પર્શતી હોય એવો તાજગીસભર અનુભવ થાય. આ જ તો એનો જાદુ છે.
અમારી વચ્ચે બે સામ્યતા છે અમને બંનેને હસવા બહુ જોઈએ અને ચા બહુ જોઈએ. ચાના બહાને અમે કલાકોના કલાકો સાથે બેસીએ અને જગત આખાની વાતો કરતા કરતા ચા ગરાડીઓ મગ પર મગ ખાલી કરતા જઈએ.
એને તહેવાર પણ બધા જ ઉજવવા જોઈએ. ઉતરાયણ, નવરાત્રી અને બીજા બધાય તહેવારો! દિવાળી પર એ દિવાનો ઢગલો કરી દે... મોડી રાત સુધી જાગીને એને રંગોળી દોરવા જોઈએ. ધૂળેટી પર તો મારે ફક્ત એનાથી જ સાચવવું પડે, નહીં તો ગયા કામથી. મને રંગવાના પૂરેપૂરા પ્રયત્નો કરી લે. પછી હું સામેથી જઈને એની સામે ઊભો રહી જાઉં એટલે એ મને રંગે. રંગે એટલે કંઈ સામાન્ય નહીં પણ રંગ ભરેલી આખી બાલદી મારા પર ઉંધી વાળી દે ત્યારે જ એને શાંતિ થાય.
ક્યારેક કુટુંબની કોઈ વાતથી દુઃખી થાય તો રડે પણ ખરી. પછી મારે એને બેસાડવાની, પાણી આપવાનું અને શાંત રાખવાની. પછી થોડી સમજાવવાની અને વાતાવરણ હળવું કરવાનું. જોકે એ જાય ત્યારે એ હસતી હોય. એ મારા આંસુ નહીં જોઈ શકે અને એને એ વાતની તો ખબર જ હોય કે, એ રડે ત્યારે મારી આંખો ભલે કોરી ધાકોર હોય, પરંતુ મારું હ્રદય તો ભીનું થયું જ હોય!
એને રાંધવાનો પણ શોખ ખરો. એ પાંઉભાજી બનાવવાની થાય ત્યારે આખું રસોડું માથે લે, પાંઉભાજીમાં મીઠું વધારે પડે એટલે જમતા જમતા પણ ખડખડાટ હસી પડે. ક્યારેક એ ખીચડી બનાવે એટલે હું કહું કે, આને તો ઓનિયન પુલાવ કહેવાય તો વળી એ ખડખડાટ હસે. હસવા માટે એને માત્ર કારણ જ જોઈએ. હું એની સાથે ખૂબ મજાક કરું, એ પણ મારી ખાસ્સી મશ્કરી કરે.
પણ... એને ક્યારેક ખોટુંય લાગી જાય. ખોટું લાગે ત્યારે એ બરાબર રિસાઈ જાય. એને રિસાઈ જવાનો હક પણ છે જ. આવા ટાણે એ થોડા દિવસ દેખાય નહીં. ચા બંધ, નાસ્તો બંધ, હું થોડા દિવસ રાહ જોઉં, પણ એ એકદમ અડગ. જ્યાં સુધી હું એના ઘરે મનાવવા ન જાઉં ત્યાં સુધી એ સમયગાળો લાંબો થતો જાય. પછી મારે એના ઘરે મનાવવા જવાનું. ભલે કોઈ ખુલાસો ન કરું પણ એને માટે તો એટલું જ પૂરતું હોય. અને એ તરત જ બધું જ ભૂલી જાય. એ એનો સ્વભાવ છે. એ ગમે તેટલી નારાજ થઈ હોય પણ એને મનાવી લેવાનો મારો સ્વભાવ છે.
આ બધા કારણોને લીધે અમારી વચ્ચે ખૂબ સારી મિત્રતા છે. અને રહેશે....
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર