એ કરતૂત… એ યાદો…
દોસ્તો વિશેની કોઇ વાત કરવાની હોય ત્યારે સૌથી મોટી અવઢવ એ થઈ આવે કે, એ નિકમ્માઓ માટે લખવું શું? એમણે એવા તે કયા મહાન કામો કર્યા છે કે, એમની બિરદાવલી ગાવા આખેઆખા લેખ લખવાના? જોકે આ વિષયક થોડું વધુ ચિંતન કરીએ તો યાદ આવે એ બેફિકરાઈના દિવસો, જે દિવસોમાં દોસ્તો સાથે મસ્તી કરેલી, એમની સાથે સપનાં જોયેલા, એમની સાથે ભણેલા-ગણેલા, એમની સાથે છોકરીઓ જોયેલી, પ્રવાસો કરેલા, ઘરે કહ્યા વિના ફિલ્મો જોયેલી, પહેલી વાર સિગારેટ પીધેલી, થોડા વર્ષો બાદ શરાબ ટ્રાય કરેલો, પીને ટલ્લી થઈ ગયેલા, બાદમાં ગામ ગજવેલું અને એવું બીજું તો કેટલુંય કરેલું, જે બધા વિશે હવે વિચાર કરવા બેસું તો એમ થાય કે, આમાં કઈ બાબતો વિશે લખું અને કઈ બાબતોને પડતી મૂકું? નિકમ્માઓએ આમ કશા મહાન કામો કર્યા નથી, પણ એની સાથે એ વાત પણ સાચી કે, જો એ લોકો મારા જીવનમાં નહીં હોત તો શું જીવન આટલું બધું રંગીન હોત ખરું? આટલું બધું જીવવા જેવું લાગ્યું હોત ખરું? અને જ્યારે આ પ્રશ્ન અંતરમાંથી ઊઠે છે ત્યારે સાથે જવાબ પણ ઊઠે છે, ના, દોસ્તો નહીં હોત તો જીવન જ ન હોત!
મારા દોસ્તોની યાદીમાં ચાર જણાનું નામ પ્રથમ ક્રમે આવે. મિહિર, હેત, યશ અને કૃતાર્થ. ગુજરાતના જુદા જુદા જિલ્લામાં વતન ધરાવતા અમે ચારેય વડોદરાની એક જ સોસાયટીમાં જન્મેલા અને ત્યાં જ અમે મોટા પણ થયેલા. સોસાયટીનો માહોલ જ એવો પોતીકો લાગે કે, ચાળીસ ફ્લેટ્સની સોસાયટીના બધા સભ્યો કુટુંબની જેમ રહે. સુખ-દુખમાં સૌ સાથે રહે અને વર્ષના બધા ઉત્સવો સાથે ઉજવે. એમાં અમે પાંચ લગભગ એકસરખી ઉંમરના એટલે અમારી વચ્ચે મિત્રતા ઘણી સારી થઈ ગયેલી. સ્કૂલો બધાની જુદી જુદી પણ ટ્યૂશન મોટેભાગે બધાના એક જ રહ્યા, જે કારણે સ્કૂલ સિવાયના સમયમાં બધાને સાથે જ રહેવાનો મોકો મળવા માંડ્યો. વિકાસના એ દિવસોમાં બાળક તરીકે અમને હંમેશાં કંઈ ને કંઈ નવું કરવાનું મન થાય, એટલે બધી કરતૂતોમાં અમે બધા સાથેને સાથે હોઈએ.
એક વાર ટ્યૂશનથી છૂટીને ઘરે આવતા હતા ત્યારે અમારામાંથી એકે એમ પ્રસ્તાવ મૂક્યો કે, સાલું આપણે પણ બીડી ટ્રાય કરવા જેવી છે. આપણા બધાના દાદા બીડી પીએ છે અને અન્ય પણ અનેક લોકો બીડી પીએ છે તો આપણે કેમ નહીં? અમે બધાએ એ માટે સહમતિ દર્શાવી કે, સાલી વાત તો સાચી છે. બધા જ બીડી ફૂંકે છે તે એમાં આવતું શું હશે? કંઈક ફાયદો થતો હશે તો જ લોકો બીડી પીતા હશેને? એ ચર્ચા દરમિયાન અમારામાંનું જ એક વાત લાવ્યું કે, બીડી પીવાથી બોડી બનતી હશે તો જ મોટા લોકો આટલી બધી બીડી પીવે છે!
અને બસ પછી તો વાત ખલાસ! આખરે અમને બધાને નાનપણથી એક એવી ઈચ્છા હતી કે, અમારી પણ જીમ ટોન્ડ બોડી હોય અને અમે પણ સ્માર્ટ દેખાઈએ. એટલે અમે બધાએ તૈયારી દાખવી કે, આપણે બધાએ બીડી પીવી જ છે. જોકે મોકાણ એ વાતનું હતું કે, બીડી લેવા જાય કોણ? અને આપણને બીડી આપશે કોણ? એ ઉંમર એવી તો હતી નહીં કે, અમે સોસાયટીની બહાર ક્યાંક રખડવા જઈ શકીએ અને બહારની કોઇક દુકાનેથી બીડી લઈ શકીએ. અને સોસાયટીની કોઈ દુકાને બીડી લેવા ગયા તો અમારું જ આવી બને, કારણ કે, દુકાનવાળા કાકા અમારા મમ્મી-પપ્પાને કહ્યા વિના રહે નહીં.
જોકે એ ઉંમરે જેમ નવા નવા આઈડિયાઝ આવતા એમ નવા નવા ઉપાયો પણ જડી જ જતાં, એટલે અમે મોટાભાગના મિશનમાં સફળ પણ જતાં. એક દિવસ અમારા કૃતાર્થભાએ ઉપાય શોધી કાઢ્યો કે, આવતીકાલે ટ્યુશન જવાને ટાઈમે આમ પણ એના દાદા ઉંઘતા હશે, તો એ ટાઈમે એ તેના દાદાના ગજવામાંથી બે-ત્રણ બીડી કાઢી લાવશે. તો સામેથી મેં અમારા ઘરના મંદિરમાંથી માચીસની પેટી તફડાવી લાવવાની જાહેરાત કરી.
બીજા દિવસે બધુ અમારા આયોજન મુજબનું જ થયું અને અમારી પાસે અમારી જરૂરિયાત મુજબની વસ્તુઓ આવી ગઈ હતી. ટ્યુશન પર પણ અમે આજુબાજુમાં જ બેસતા એટલે આખો કલાક અમે એ જ બધી બાબતોમાં મગજ ઘસ્યું કે, બીડી પીવી ક્યાં અને કેવી રીતે? ટ્યુશન પત્યું એટલે અમે દોડીને અમારા નક્કી કરેલા સ્થળે જઈ પહોંચ્યા. અમારી સોસાયટીને છેવાડે જ એક અવાવરું જગ્યા આવેલી છે, જ્યાં બાળકો સિવાય લગભગ જતુંઆવતું નથી હોતું. બાળકોય પાછા સાંજે પાંચને સમયે જ રમવા આવતા એટલે ચારેક વાગ્યે અમને કોઇ હેરાન કરી શકે એમ નહોતું.
ત્યાં પહોંચ્યા પછી વીસેક મિનિટ તો અમારી રકઝકમાં જ ગઈ. આજે મને ચોક્કસ યાદ નથી આવતું કે, એ દિવસે અમે વીસેક મિનિટ શું રકઝક કરેલી? પણ જો રકઝકમાં અમે સમય નહીં બગાડ્યો હોત તો અમે એ દિવસે નક્કી બચી ગયા હોત. પણ અમે એ સમય બગાડ્યો એવામાં અમારા ઘરના લોકોને વહેમ ગયો કે, આ પાંચેય ગયા? એમાંય હું, કૃતાર્થ અને મિહિર તો એક જ બિલ્ડિંગમાં રહીએ એટલે રોજના સમય કરતા પંદર મિનિટ લેટ થયું એટલે તરત જ અમારી મમ્મીઓએ તપાસ કરી કે, બિલ્ડિંગના બીજા એક-બે છોકરાઓ ટ્યુશનથી આવી ગયા છે તો આ ત્રણ ક્યાં ગયા?
અમારી મમ્મીઓએ નીચે ઉતરીને તપાસ કરી તો દુકાનવાળા તરફથી એમને જાણવા મળ્યું કે, ચાર-પાંચ છોકરા પેલી અવાવરું જગ્યાએ ગયા છે ખરા. દુકાનવાળાની બાતમીથી ચોકીને અમારી મમ્મી તરત જ એ તરફ આવી રહી હતી, જે દરમિયાન અમે પાંચેય અમારી ચર્ચામાંથી મુક્ત થઈને બીડી સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમારા ટ્યુશન બેગ તો અમે ક્યાંય ફેંક્યા હતા એની અમને ખબર સુદ્ધાં નહોતી પણ અમારી મમ્મીઓ ત્યાં આવી ત્યારે બીડી સૌથી પહેલા મોઢામાં નાંખે કોણ અને એને સળગાવે કોણ એની ખેંચતાણ ચાલી રહી હતી. સૌથી પહેલો કશ કોણ મારશે એવું નક્કી કરીને હજુ તો અમે માચીસની કાંડી સળગાવવાનો પ્રયત્ન જ કર્યો ત્યાં મોટેથી રાડ પાડી, ‘સાલા જગધાઓ… આવા ધંધા કરો છો આ ઉંમરે?’ ગભરાઈને અમે ત્રાડની દિશામાં જોયું તો સામે અમારી મમ્મીઓ જ હતી, જેમને જોઈને અમે ભયંકર ડરી ગયા હતા. એમને જોઈને અમે બીડી તો તરત ફેંકી દીધી, પણ તેઓ અમારી બધી વાતો સાંભળી ગયા હતા, જેને કારણે બીડી અમારા હાથમાં હોય કે ન હોય એનાથી ઝાઝો ફરક પડતો ન હતો.
ત્યાં તમાશો ન થાય એનું ધ્યાન રાખીને સૌથી પહેલા તો તેઓ અમને ઘરે જ લઈ ગયા અને ત્યાં પાંચેયને અદાલતમાં ઊભા રાખીને બરાબરના લીધા. એક-બેને તો થપ્પડ પણ પડી અને સાંજે પપ્પાઓ આવ્યા પછી ગાળો પડી એ વધારાની!
અમને હજુ યાદ છે એ ઘટના પછી અમે બધા અઠવાડિયા-દસ દિવસ સુધી કામ સિવાય ઘરની બહાર નીકળી શક્યા નહોતા. ઘરથી સ્કૂલ કે ટ્યુશન અને ત્યાંથી સીધા ઘરે! જોકે થોડા દિવસો બાદ બધું ફરી ઠેકાણે પડી ગયું હતું. જોકે એવુંય નહોતું કે, એ ઘટના બાદ અમે સુધરી જ ગયા હતા. ત્યાર પછી તો અમારા પાંચનું બોન્ડિંગ જાણે વધી ગયું અને એકબીજા સાથે વધુ કારનામા કરવા માંડ્યા. અને કારનામાને કારણે જ બની કેટલીય યાદો. જોકે એ બધી યાદોને અહીં આલેખી શકાય નહીં એટલે જ અમારી પહેલી કરતૂતની વાત અહીં માંડી. કેવી લાગી અમારી વાત?
(દિવ્યાંગ પટેલ, વડોદરા)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર