છેલ્લા સમયની દોસ્તી
આજે હું એ ઉંમરે પહોંચી ગયો છું કે આ ઉંમરે ભાગ્યે જ કોઈ નવા મિત્રો બને. આખું જીવન જીવી લીધું અને હવે હું દુનિયા માટે કોઈ કામનો રહ્યો નથી. નકામી વસ્તુ માળિયા ઉપર પડી રહે તેમ મને પણ મારા ઘરમાંથી મારા પોતાના જ લોકોએ વૃદ્ધાશ્રમમાં ખસેડી દીધો છે. અને જે રીતે માળિયા ઉપર પડેલી વસ્તુને એક દિવસ ભંગારવાળાને આપીને ભૂલી જવાય છે તે જ રીતે મને આગ્નિદાહ આપીને ભુલી જવામાં આવશે. આ સમય મારા માટે શૂન્યાવકાશથી વિશેષ કંઈ નથી. શરીરની સ્થિતિ અને સમયની ગતિ બંને મારા માટે શૂન્યાવકાશ બની ગયાં છે.
આવા સંજોગોમાં કોઈ નવો મિત્ર બનાવવો જોઈએ એવો તો વિચાર પણ ક્યાંથી આવે? પણ મને સમયે સાથ આપ્યો અને મારા વૃદ્ધાશ્રમમાં લગભગ મારા જેવી જ પરિસ્થિતિ ધરાવતી એક નવી વ્યક્તિ આવી. આમ તો બીજા ઘણાં હતા પણ એ લગભગ પોતાના વિચારોમાં જ ખોવાયેલા રહેતા હતા. એ વ્યક્તિને જોતાં જ મને થયું કે, હું આ વ્યક્તિને મિત્ર બનાવું. અને મેં પહેલ કરી... તે વ્યક્તિનો પહેલો દિવસ તો એડજસ્ટ થવામાં અને બધી વ્યવસ્થાને ચકાસવામાં પસાર થયો.
બીજા દિવસે હું એ વ્યક્તિને મળ્યો અને પહેલા મેં મારી ઓળખાણ આપી. મારું નામ રસીક, તેમણે સામેથી કહ્યું, મારું નામ અજીત. તે દિવસે અમારી વચ્ચે ઔપચારિક વાતો થઈ. અજીતભાઈ ખૂબ નિખાલસ અને શાંત સ્વભાવના માણસ છે. એટલે તેઓનો મળીને મારામાં એક નવો ઉત્સાહ આવ્યો. અને મને એમ લાગ્યું કે મને કોઈક જૂનો મિત્ર મળી ગયો હોય એટલો આનંદ થયો.
હું એમને નિયમિત રીતે મળવા લાગ્યો... અમે થોડા કુટુંબના અને થોડા વ્યક્તિગત પ્રશ્નો વિશે ચર્ચા કરવા લાગ્યા. રોજ અમે બંને સાથે ચાલવા જતા... સાથે જમતા અને ત્યાં આવેલા નાના પુસ્તકાલયમાં પણ સાથે જ જતા. એમ ને એમ અમે ગાઢા મિત્રો બની ગયા અને અમારી વચ્ચે લાગણીના સંબંધો પણ બંધાયા, સમદુખિયા થઈ ગયા.
ધીરે ધીરે થોડા દિવસોમાં અમારી વચ્ચેની નિખાલસતા વધતી ગઈ. અમે બંને એકબીજાનું ધ્યાન રાખીએ છીએ. અમારા સમાજ, અમારા કુટુંબો અને અમારા જીવનો અંગે અમે એકદમ નિખાલસતાથી વાત કરી શકીએ છીએ. અમારા બાળપણના સ્મરણો અને જુવાનીના પરાક્રમોના વર્ણન કરીએ છીએ. જીવનમાં શું મેળવ્યું, શું ગુમાવ્યું... અને કયા સંજોગોમાં કેવા નિર્ણયો લેવાયા... તેવા વિષયો પણ અમારી વચ્ચે લાંબો સમય ચર્ચા ચાલતી રહે છે.
અજીતભાઈ મારું ઘણું ધ્યાન રાખતા. અજીતભાઈ ફક્ત રાત્રે અને આરામ કરવાના સમયે જ મારાથી દૂર હોય બાકી અમે બંને સાથે જ હોઈએ... હળવા કાર્યોમાં મન પરોવતા. અજીતભાઈ આમ તો ઘણા લાગણીશીલ હતા તેથી વારંવાર વિચારોમાં ખોવાઈ જતા... પોતાના કુટુંબને યાદ કરીને અને પોતાના સંજોગોને કારણે તેઓ ઘણી વાર દુઃખી થઈ જતાં... આવી નિરાશાઓમાંથી બહાર નિકળવા અમે નિર્ણય કર્યો કે, ક્યારેય કુટુંબની વાતો કરવી નહીં... તેઓ બધા પોતાની જગ્યા પર સુખી જ છે...
અમે એવા મિત્રો બન્યા કે એક એકબીજાનો સંપૂર્ણ સહારો અમને મળી રહે છે. અમે એકબીજાની તંદુરસ્તીનો ઘણો ખ્યાલ રાખીએ છીએ. અમારી નિયમિત લેવાતી દવાઓ અંગે પણ અમે દરેક સમયે એકબીજાને યાદ દેવડાવીએ છીએ. અને અમારા જીવનમાં બાકી રહેલો સમય પસાર કરી રહ્યા છીએ. છેલ્લે એટલું જ કહીશ કે, એવા સમયે અને એવા સંજોગોમાં અજીતભાઈ મને મિત્ર તરીકે મળ્યા કે જ્યારે મને કોઈક વ્યક્તિની ખરેખર ખર જરૂર હતી. જો કે એમને પણ મારી સાથે ખૂબ ફાવે છે, એ મારો પ્લસ પોઈન્ટ છે.
(રસીક દામાણી, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર