સામાન્યમાં અસામાન્ય મૈત્રી
જીવનમાં દરેકને મિત્રો હોય છે. ક્યારેક કોઈની સાથે થોડી મિત્રતા હોય છે અથવા કોઈની સાથે ગાઢ મિત્રતા હોય… મારા જીવનમાં પણ મિત્રનું સ્થાન ખૂબ ઊંચું છે. મારા જીવનમાં ખાસ કહી શકાય એવો એક જ મિત્ર છે જેનું નામ છે કલ્પેશ. હું જ્યારે 11માં ધોરણમાં ભણતો હતો ત્યારે એ સ્કૂલ બદલીને મારી સ્કૂલમાં એડમિશન લઈને આવ્યો હતો. ત્યારે અમે એક જ બેન્ચ પર બેસતા હતા અને એ સ્કૂલમાં નવો હતો એટલે બધી જાણકારીઓ મારી પાસે જ મેળવતો. ત્યારથી અમને બંનેને એકબીજા સાથે ફાવી ગયેલું અને અમારી અનોખી મિત્રતાની શરૂઆત થયેલી. અમે અભ્યાસ, રમત અને પિક્ચર જ્યાં જુઓ ત્યાં સાથે જ હોઈએ…
કલ્પેશ અમારા વિસ્તારમાં જ રહે છે. અમે બંને સાથે સ્કૂલે જતા-આવતા હતા... શનિવાર આવે એટલે શનિ-રવિ બંને દિવસ રાત્રે વૉલીબોલ રમવા જતા. ક્યારેક સાથે જ પિક્ચર જોવા જતા... અમારા બંનેના ઘરે ખબર જ હોય કે કલ્પેશ અને ભદ્રેશ સાથે જ હશે.
અમને બંનેને ફરવા જવાનો ખૂબ શોખ છે. જ્યારે પણ રજા આવે છે ત્યારે ફેમિલી સાથે અને ક્યારેક તો મનમાં આવે તો અમે બંને એકલા પણ ફરવા જતા રહીએ છીએ. અમારા બંનેની ટેવો-કુટેવો પણ સરખી જ છે. જેને કારણે અમારી અંગત-અંગત વાતો ફક્ત અમારા બે વચ્ચે જ શેર કરીએ છીએ.
હાયર સેકન્ડરીથી શરૂ થયેલી મિત્રતાને કારણે જ અમે બંનેએ એક જ કૉલેજમાં બી.કૉમ. કર્યું હતું. કોલેજ સમયના એ દિવસો તો આજે પણ ભૂલી શક્યા નથી. કોલેજ સમયના ઘણા મિત્રો આજે પણ અમારી ઓફિસની મુલાકાત લેતા રહે છે. ત્યારબાદ અમે સાથે જ લાઈફ ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકેની ટ્રેનિંગ લીધી અને બંનેએ સ્વતંત્ર રીતે ઘરેથી જ ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકેનું કામ શરૂ કર્યું. અમે બંને એકબીજા પાસે ઘણું શીખતા રહ્યા, મળતા રહ્યા... અને એકબીજાને પ્રોત્સાહન આપતા રહ્યા અને એ રીતે આગળ વધતા રહ્યા…
આજે અમારા બંનેના વ્યવસાય એક જ છે, પરંતુ અમારી વચ્ચે ક્યારેય સ્પર્ધા કે એકબીજા માટેની ઈર્ષા નથી. બંને પોતપોતાની રીતે મહેનત કરીએ છીએ અને એ હિસાબનું વળતર મેળવીએ છીએ. અમે ફૂલ ટાઈમ ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકે કામ કરીએ છીએ. એકબીજાને સપોર્ટ કરીએ છીએ, મદદ કરીએ છીએ. અમે બંનેએ એક ઓફિસ પણ રાખી છે. એક જ ઓફિસમાં અમે બંને અમારું કામ કરીએ છીએ... ઓફિસ એક છે પરંતુ અમારા કામ સ્વતંત્ર છે.
કામ સરખા હોવાને કારણે અમે અમારી ફિલ્ડ અંગેની ચર્ચામાં ઘણો સમય કાઢીએ છીએ... જો કે આમારે કઈ રીતે ફિલ્ડમાં જઈને કામ કરવું તે બાબતે અમારી પ્રેક્ટીસ છે... પરંતુ નવી ફિલ્ડ ઊભી કરવી અને વધુ ઊંચાઈ પર પહોંચવા માટે શું કરવું તે અંગેની ચર્ચાઓ પણ ગંભીરતાથી કરતા હોઈએ છીએ... આ બાબત અંગે અમે સાચા મિત્રો હોવાને કારણે નિખાલસતાથી ચર્ચા થઈ શકે છે.
અમારી મિત્રતાને લીધે અમારા કુટુંબો પણ પરસ્પર મિત્રો બની ચૂક્યા છે. જો કે અમારા બંનેના ઘરો એક જ વિસ્તારમાં આવેલા હોવાના કારણે વારંવાર કૌટુંબિક મુલાકાતો પણ લેતા હોઈએ છીએ. વેકેશનમાં કે રજાના દિવસોમાં બંને કુટુંબો સાથે કોઈક પ્રોગ્રામ પણ બનાવતા હોઈએ છીએ. નાના-મોટા તહેવારો અને કૌટુંબિક પ્રસંગોમાં પરસ્પર અમારા કુટુંબોની હાજરી ચોક્કસ હોય છે.
જો કે, મિત્રો તરીકેનો અમારો પરસ્પરનો વ્યવહાર ખૂબ સામાન્ય છે, પણ એક વાત ચોક્કસ છે કે, કલ્પેશને મારા વગર ચાલે નહીં અને મને કલ્પેશ વગર ચાલે નહીં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર