અમે ચાર અને અમારા જલસા
મારા દોસ્તો મને એટલા બધા વહાલા છે કે ન પૂછો વાત. કારણ કે મારા જીવનમાં અમારા સગા વહાલાઓનું મહત્ત્વ ઘણું ઓછું રહ્યું અને મારા મિત્રોનું મહત્ત્વ ઘણું વધારે! એનું કારણ એ જ કે મારા જન્મ પહેલાથી નોકરીને કારણે મારા પિતાએ અમારા વતનથી દૂર જવું પડેલું અને આ કારણે હું જન્મ સમયથી જ મારા વતન અને સગાં-વહાલાઓથી દૂર થઈ ગયેલો. નાના હતા ત્યારે વેકેશનમાં એકાદ વખત વતન જવાનું થતું પરંતુ પછી તો એ પણ બંધ થઈ ગયું અને હું વતનથી સમૂળગો દૂર ફેંફાઈ ગયો.
આ કારણે નાનો હતો ત્યારથી સોસાયટીમાં રહેતા લોકો અને ત્યાંના મારી ઉંમરના નાના છોકરા મારા દોસ્ત બની ગયેલા. જોગાનુજોગ એવો થયેલો કે પાછળથી અમે અમારું ઘર બદલેલું તો મારા બે મિત્રોના પરિવારે પણ અમારી જ સોસાયટીમાં ઘર લીધું અને એક મિત્રનો પરિવાર બાજુની સોસાયટીમાં શિફ્ટ થયો. એટલે મારી કુશ, યક્ષ અને યશ સાથેની દોસ્તી હંમેશને માટે બરકરાર રહી.
અધૂરામાં અમારી સ્કૂલ પણ એક જ હોવાને કારણે અમે બધા સતત સાથે રહ્યા અને એકબીજા વગર જીવવાનું મુશ્કેલ બની ગયું. કારણ કે રમવાનું પણ સાથે જ થયું અને ભણવાનું પણ સાથે જ થયું. અને સૌથી મહત્ત્વની વાત તો એ થઈ કે, અમે અમારી ટીન એજ સાથે માણી અને યુવાનીમાં પણ સાથે પગ મૂક્યો. આ કારણે કેટલીક ટીનએજ મસ્તીમાં અમે ખૂબ મૌજ કરી અને લાઈફ વિશે ઘણી બધી વસ્તુઓ સાથે શીખ્યાં.
જોકે કોલેજના સમયમાં અમે બધા એકબીજાથી વિખૂટા પડ્યા ખરા. અમે ચારેય જણાએ જુદી જુદી સ્ટ્રીમમાં એડમિશન લીધું હતું. વળી, બધાએ જુદા જુદા શહેરોમાં એડમિશન લીધું હતું, જેને પગલે ચારેક વર્ષ અમારું મળવાનું એકદમ ઓછું થઈ ગયું, પણ ચાર વર્ષ પછી અમેં ફરી મળ્યાં અને ફરીથી એ જ જલસા શરૂ કર્યા.
બાળપણ પછી અમારો એ સમય અત્યંત મહત્ત્વનો અને મજાનો રહ્યો. કારણ કે એ સમયમાં અમને ભણતરનો કોઇ ત્રાસ ન હતો. વળી, અમે બધા કુંવારા હતા એટલે સંસાર-પરિવારની બાબતે પણ અમને કોઈ ટેન્શન ન હતું. આ કારણે અમને મન થયું ત્યારે અમે ફિલ્મો જોઈ અને જે વીકએન્ડમાં મન થયું ત્યારે અમે દમણ કે આબુની મુલાકાતે નીકળી ગયા અને શરાબની મહેફિલો માણી. આ બધામાં અમને સૌથી મોટો એડવાન્ટેજ એ હતો કે અમને કોઇને ગર્લફ્રેન્ડ ન હતી એટલે અમને રોકવા-ટોકવા વાળું કોઈ હતું જ નહીં.
પણ નસિબ કંઈ તમને દર વખતે જલસા કરવાનો ચાન્સ નથી આપતું. હજુ તો અમે ભણીને અમદાવાદ આવીએ અને બેએક વર્ષ જલસા કરીએ નહીં ત્યાં તો અમારા યશના લગ્ન નક્કી થઈ ગયા. આ કારણે અમારા ચારમાંથી અમે ત્રણ જ બચ્યાં અને બાપડા યશની બધી આઝાદી પળવારમાં છીનવાઈ ગઈ. જોકે હજુ એના લગ્નને વાર છે. હજુ તો એ છેક ડિસેમ્બરમાં લગ્ન કરવાનો છે એટલે અમારી મહેફિલોમાં એની હાજરી તો હોય છે પરંતુ અમારી સાથે રહીને પણ એ સતત ફોન અને વ્હોટ્સ એપ પર મચેલો રહેતો હોય છે.
એના લગ્ન પહેલા અમારે અમારી એક અખંડ બેચલર પાર્ટી કરવી છે, જેના માટે અમે થાઈલેન્ડ જવાનું નક્કી કર્યું છે. યશના લગ્ન પછી પણ અમારામાંથી કોઇના લગ્ન ગોઠવાશે ત્યારે અમે બેચલર પાર્ટી ગોઠવીશું, પરંતુ એ બેચલર પાર્ટીમાં યશ નહીં હોય. તો ત્યાર પછીની પાર્ટીમાં જેના લગ્ન થઈ ગયા હશે એ નહીં હોય, એટલે અમારી અખંડતા તૂટી જશે. આમ પણ આવતે મહિને ગરમીઓ ખૂબ હશે એટલે ગરમીઓના એ દિવસોમાં અમે થાઈલેન્ડમાં રખડીશું અને જલસો કરીશું.
જોકે જીવનમાં દોસ્તી જેટલી મહત્ત્વની છે એટલો જ મહત્ત્વનો પરિવાર પણ હોય છે. એટલે અમારો મિત્ર હવે પરણી રહ્યો છે ત્યારે અમને બધાય મિત્રોને ખૂબ આનંદ છે. થાઈલેન્ડ જવા કરતા અમે યશના લગ્નની ભરપૂર તૈયારીમાં વધુ મંડી પડ્યાં છીએ, જ્યાં અમે ત્રણેય મિત્રોએ લગ્નની ત્રણ ઈવેન્ટ માટે મુંબઈથી ડિઝાઈનર ડ્રેસ તૈયાર કરાવ્યા છે. સાથે જ એના લગ્નમાં ક્યા પ્રકારના જલસા કરી શકાશે એનું પ્લાનિંગ પણ અમે હાથમાં લઈ લીધું છે. આખરે ઈશ્વરને એ જ કહેવાનું કે, અમારા ચારેયની દોસ્તી અખંડ રાખે અને અમારા ચારેય વચ્ચેનો પ્રેમ બરકરાર રહે.
(નિરવ પટેલ, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર