…યે દોસ્તી હમ નહીં તોડેગે
જીવનમાં દોસ્તીનું આગવું મહત્ત્વ હોય છે. દોસ્તી વિનાના જીવનને કોઈ ડિફાઈન કરવા કહે તો હું એક જ વાક્યમાં કહીશ કે, ‘દોસ્ત વિનાનું જીવન એટલે, બ્લેક એન્ડ વાઈટ લાઈફ.’ ખરેખર જ દોસ્તો વિનાનું જીવન રંગો વિનાનું જીવન છે. મને તો મારા ઘરના લોકો કે સગાવહાલા કરતા મારા દોસ્તો સાથે જ વધુ ટાઈમ સ્પેન્ડ કરવાનું ગમે છે. આખો દિવસ તો કૉલેજમાં એમની સાથે હોઉં જ છું. પણ સાંજે અમારા ચારમાંથી કોઈના ઘરે અથવા શહેરના રસ્તાઓ પર ફરી અમારું મળવાનું થાય. અને સાંજે વિખૂટા પડ્યાં પછી રાત્રે ફરી વ્હોટ્સ એપમાં ગ્રુપ ચેટ પણ દોસ્તો સાથે જ કરવાની.
મારા ખાસ દોસ્તો એટલે અભિ, કંદર્પ અને વિહાર. અમારા ચારની દોસ્તી સ્કૂલના ફોર્થ સ્ટાન્ડર્ડથી બંધાયેલી, જે હમણા કૉલેજ સુધી અકબંધ છે. આમ તો સ્કૂલમાં એક બેન્ચ પર ત્રણ જણાં જ બેસી શકે, પરંતુ અમને ધમાલીઓને સાથે બેસીને જ મસ્તી કરવા જોઈએ એટલે અમે ટિચર્સની ડાટ ખાઈને કે ક્યારેક તો એમનો માર ખાઈને પણ અમે સાથે જ બેસીએ. કેટલાક ટિચર્સનું તો ક્લાસમાં આવવા પહેલા એક જ મિશન હોય કે, આ ચારેયને આજે એક બેન્ચ પર નથી બેસવા દેવા!
ચાલું ક્લાસે જાતજાતની મસ્તી અમને કરવા જોઈએ એટલે અનેક વખત અમે ચાર જણા એકસાથે પ્રિન્સીપલની ઑફિસમાં પણ ગયા છીએ. એક્ઝામમાં પણ ટિચર્સને અમારો ત્રાસ હોય. કારણ કે ભણવામાં લગભગ ‘ઢ’ એવા અમને ચારને કંઈ નહીં આવડે, એટલે પાસ થઈ જઈએ એટલું લખવા માટે અમે ચારેય જાતજાતના ત્રાગા કરીએ, નવીનવી તરકીબો કરીએ અને આખા ક્લાસને માથે લઈએ. કોઈક વાર તો એક્ઝામ હૉલમાં એટલી બધી મસ્તી થઈ જતી કે, ખૂદ પ્રિન્સીપલે અમારા ક્લાસની વિઝિટ લેવી પડતી અને અમારા પેપરમાં માઈન્સ મૂકી દેવાની ધમકી આપવી પડતી. હા, જોકે એટલું ખરું કે, ચોરીને નામે અમે ક્યારેય કાપલાં નથી કર્યા. વિદ્યાર્થી તરીકે અમે છેક લબાડી નથી કરી.પરીક્ષાઓમાં ધમાલ કરવાનો સિલસિલો કૉલેજમાં પણ ચાલું જ છે!
દસમાં ધોરણમાં જ અમે ચારે નક્કી કરી નાંખેલું કે, આમેય આપણે ચારેય ભણવામાં એવા કોઈ બ્રિલિયન્ટ નથી, કે આપણે ક્યાંક એન્જિનિયરિંગ કે મેડિકલ કૉલેજમાં ભણવા જવાનું થાય. તો આવતે વર્ષે સાથે કોઈ કોમર્સ સ્કૂલમાં ભણીશું અને બારમાં પછી શહેરની કોઈ સારી (એટલે કે, જે કૉલેજમાં એડમિશન મળે એ!) કોમર્સ કૉલેજમાં સાથે ગ્રેજ્યુએશન કરીશું. થયું પણ એવું જ દસમાં અને બારમાં દરમિયાન અમારા ચારમાંથી એક પણ જણના 55થી વધુ ટકા નહીં આવ્યાં. અને અમારી મરજી મુજબની સ્કૂલ-કૉલેજમાં એડમિશન લીધું.
કૉલેજમાં આવ્યા પછી તો જાણે અમને ચારેયને પાંખ મળી. કારણ કે, અમારા ચારેયના હાથમાં સ્માર્ટફોન આવી ગયેલા અને સાથે હતી અમારા ચારેયની બાઈક્સ. જોકે બાઈક્સ અમે કોઈ પણ બે જ વાપરીએ. ડબલ સીટની મજા લેતાં લેતાં ઘરેથી કૉલેજ નીકળીએ, કૉલેજમાં ભરપૂર મજા કરીએ, શહેરમાં કોઈક લારી પર ખાઈએ, ઘરે આવીને થોડો આરામ કરીએ અને સાંજે ફરી કોઈક અડ્ડે ડેરો જમાવીએ.
મજાની વાત એ છે કે, હમણા અમારી પાસે વાંચવાનું કે અસાઈન્મેન્ટનું જોરદાર બહાનું છે. ઘરેથી બહાર નીકળીએ એટલે તરત અમારી મમ્મી અમને પૂછે કે, ‘ક્યાં જાઓ છો?’ એટલે કોઈ પણ એક ફ્રેન્ડનું નામ દઈને એના ઘરે વાંચવા જઈએ છીએ કે, અસાઈન્મેન્ટ કરવા જઈએ છીએ એમ કહી દઈએ. મમ્મીને થાય કે, વાહ મારો લાડેસર તો ખૂબ ભણે! પણ એને ક્યાં ખબર હોય કે, લાડેસર વાંચવા નહીં પણ સાંજે છ વાગ્યે છૂટતી સાયન્સ કૉલેજની છોકરીઓને જોવા જઈ રહ્યા છે! એ તો કૉલેજની ફાઈનલ એક્ઝામમાં એટીકેટીનું સોહામણું રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે કે, અમે કેટલું વાંચેલું અને કેટલા અસાઈન્મેન્ટ તૈયાર કરેલા.
પણ મજા છે આ જીવનની. હવે તો અમે ચારેય કૉલેજના સેકન્ડયરમાં આવી ગયા છીએ. એક વર્ષ પછી કૉલેજ પણ પૂરી થઈ જશે. હાલમાં તો અમારો એવો પ્લાન છે કે, કૉલેજ પછી પણ અમારે ચારેય જણે સાથે જ રહેવું છે. એટલે અમે સાથે મળીને કોઈક બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. જોઈએ હવે શું થાય? કારણ કે હમણા તો અમારું ધ્યાન ભણવામાં પણ નથી ત્યાં બિઝનેસમાં ક્યાં ધ્યાન આપવાના? હમણા તો અમે માત્ર અમારી કૉલેજ લાઈફમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખૂબ જલસો કરવો છે, ખૂબ રખડવું છે. કૉલેજને ભરપૂર એન્જોય કરવી છે. રોજ, પ્રત્યેક ક્ષણ અમારી મૈત્રીનો મહોત્સવ જ ઉજવવો છે. બીજું કંઈ જ નહીં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર