યે દોસ્તી હમ નહીં તોડેંગે
મારું નામ પ્રકાશ અને એનું નામ મયંક. અમે કોલેજનાં ત્રણ વર્ષ હોસ્ટેલમાં સાથે રહ્યા અને અમારી વચ્ચે જે મિત્રતા બંધાઈ તે પછી તો લાઈફટાઈમની બની ગઈ. ત્રણ વર્ષ સાથે રહ્યા એટલે અમે બે સગા ભાઈઓની જેમ જ રહ્યા. મારી જવાબદારી એની અને એની જવાબદારી મારી અને 24 કલાક સાથે જ રહેવાનું. સવારે ઊઠીએ ત્યારથી... ચા-નાસ્તો, જમવાનું... કોલેજ જવાનું, કોલેજથી આવીને ફ્રેશ થઈને ફરવા જવાનું... રાત્રે જમીએ પણ સાથે.. અને પછી અભ્યાસ કરીએ... રાત્રે પણ ક્યારેક લટાર મારવા નીકળી પડીએ...
એક વખત મને પથરીનો દુઃખાવો ઉપડ્યો. અસહ્ય દુઃખાવાને કારણે મારાથી પથારીમાં બેઠું પણ થવાતું નહોતું. આવા સંજોગોમાં હોસ્ટેલમાં હોઈએ ત્યારે શું થાય? પણ મયંકે મને જરાપણ એકલો પડવા દીધો નહોતો. એ મને તાત્કાલિક દવાખાને લઈ ગયો. ડૉક્ટરે ઈન્જેકશન આપ્યું અને થોડી વારમાં રાહત થઈ. પછી દવા લઈને હોસ્ટેલ આવ્યા અને મારી બીમરીની ગંભીરતા જોઈને બપોરે મયંક મને ઘરે મૂકવા આવ્યો. આ બીમારી પછી તો અમારી મિત્રતા ખૂબ ગાઢ બની અને આગળ જતાં એ દોસ્તી સોળે કળાએ ખીલી.
મારા ઘરના બધા સભ્યો એને ઓળખતા અને અમે હોસ્ટેલમાં રહેતા ત્યારે મારા કુટુંબના સભ્યોને પણ શાંતિ લાગતી કે એની સાથે એનો મિત્ર મયંક છે. એના મળતાવડા સ્વભાવને કારણે એ મારા કુટુંબના સભ્યો સાથે એવી રીતે હળીમળી ગયો છે કે, કોઈ બહારની વ્યક્તિ આવી હોય તો એને જરા પણ એમ ન લાગે કે, આ વ્યક્તિ આ કુટુંબની નથી, પણ એક મિત્ર તરીકે આ ઘરમાં છે.
વેકેશનમાં પણ અમે એકલા પડતાં જ નહીં. ક્યાં તો એ મારા ઘરે રહેવા આવે અથવા પછી હું એના ઘરે રહેવા જાઉં.
અભ્યાસકાળ પૂરો થયો અને બંને નોકરીની શોધમાં નીકળ્યા. ત્યારે કાકરાપાર અણું મથકમાં એને સરસ નોકરી મળી ગઈ અને જેવી એને નોકરી મળી કે તરત જ એણે મારા માટે પ્રયત્નો શરૂ કરી દીધેલા. એના નોકરી લાગ્યા બાદ દોઢેક વર્ષ પછી એક દિવસ એનો ફોન આવ્યો.
'પ્રકાશ બને એટલો ઝડપથી તું કાકરાપાર આવી જા... તારી પણ જોબ અહીં ગોઠવાઈ જવાની તૈયારીમાં છે. મારાથી બનતું બધું મેં ગોઠવી લીધું છે.' અને ખરેખર એણે ત્યાં જે વ્યક્તિઓ સાથે એની મિત્રતા હતી તેઓની સાથે વાત કરીને મારી જૉબ પણ ગોઠવી દીધી. એને રહેવા માટે ક્વાટર્સ મળી ગયું હતું એટલે અમારે રહેવાની તો કોઈ તકલીફ નહોતી. અમે હોસ્ટેલમાંથી છૂટા પડ્યા પછી ફરી અહીં ખૂબ સુંદર જગ્યામાં - સ્ટાફ ક્વાટર્સમાં સાથે થઈ ગયા.
હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે ઘરેથી પૈસા મંગાવવા પડતા હતા એટલે અમારે જે પણ મોજશોખ કરવા હોય તે મર્યાદામાં રહીને થતા હતા. પણ અહીં તો પોતે કમાવા લાગ્યા એટલે જલસા કરવાના મૂડમાં રહ્યા. અમે નક્કી કર્યું હતું કે, લગ્ન કરવાની કોઈ ઉતાવળ કરવી નહીં. થોડા સમય માટે ખાઈ-પી અને જલસા કરી લેવાના, લગ્ન તો એના સમયે થશે જ.
મેં જોબ જોઈન્ટ કરી પછી બે વર્ષ પછી મને પણ ક્વાટર્સ મળી ગયું. ત્યારબાદ મયંકના માતા-પિતાએ એના લગ્નની તૈયારીઓ કરવા માંડી અને એનું ક્યાંક ગોઠવી પણ કાઢ્યું. એના લગ્ન પ્રસંગે પણ અમે ખૂબ આનંદ કર્યો અને ફરી પાછા કાકરાપાર પહોંચી ગયા. ત્યારબાદ છ જ મહિનામાં મારા લગ્ન પણ થઈ ગયેલા.
અમારા માટે સૌથી આનંદની વાત એ હતી કે, અમારા બંનેની પત્નીઓને પણ એકબીજા સાથે અમારા બંને જેવી જ મિત્રતા થઈ ગઈ છે. એ વાતનો અમને બંનેને ખૂબ સંતોષ છે. મયંકને ત્યાં દિકરીનો જન્મ થયો... એનું નામ રાખ્યું છે કિંજલ. હવે તો એને ચાલતા પણ આવડી ગયું છે. એ દીકરીને કારણે અમારા બંનેના ઘરોમાં કિલ્લોલનું વાતાવરણ ગુંજી ઊઠે છે. એની પહેલી વર્ષગાંઠ પ્રસંગે મયંકના બધા જ સગા-સ્નેહીઓને આમંત્રણ પાઠવ્યું હતું, ત્યારે લગભગ બધાના મોં પર અમારી મિત્રતાની ચર્ચા સાંભળીને હૃદયમાં ખૂબ ગર્વ થતો હતો.
આજે અમે પાંચેય વ્યક્તિઓ એક કુટુંબની જેમ રહીએ છીએ ત્યારે એનો બધો યશ અમે અમારી મિત્રતાને આપીએ છીએ. અમારા વચ્ચેની મિત્રતા હજી તો ગાઢ બનતી જાય છે. સાથે અમારા કુટુંબો વિસ્તરતા જાય છે.
હું મયંક જેવા મિત્રને મેળવીને જીવનમાં ખૂબ જ ધન્યતા અનુભવું છું. યે દોસ્તી હમ નહીં તોડેંગે... છોડેંગે દમ અગર તેરા સાથ ના છોડેંગે....
(પ્રકાશ પટેલ, કાકરાપાર)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર