તૂ કહાઁ યે બતા...

30 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

આ દુનિયામાં મને સૌથી ગરીબ, સૌથી અભાગી કોણ લાગે? જેની જિંદગીમાં સમ ખાવા પૂરતો એકાદો સાચુકલો મિત્ર પણ ન હોય તે... હું સાચુકલો મિત્ર કોને કહું? મારા માટે મિત્રની જાતિ (સ્ત્રી/પુરુષ), ધર્મ કે મોભો મહત્ત્વનો નથી. જ્યાં કોઈ જ અપેક્ષા વગરનો, ઈર્ષ્યા કે ફરિયાદ વગરનો સંબંધ હોય, જ્યાં પરસ્પર સંપૂર્ણ વિશ્વાસ હોય તેવા સંબંધને હું દોસ્તી કહું. જેની સાથે તમે બધું જ વહેંચી શકો, જ્યાં પરસ્પર વચ્ચે કોઈ પરદો જ ન હોય તેવો પારદર્શક સંબંધ એટલે મૈત્રી. જે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થઈ શકે, જેની પ્રાથમિકતા માત્ર તમે હો તે ખરો મિત્ર... ને આવા સાચુકલા, સો ટચના સોના જેવા મિત્રો મેળવવા બાબતે કોઈને પણ ઈર્ષ્યા આવી શકે એટલી હું ભાગ્યશાળી છું. મને પણ મારા આવા નસીબ બાબતે નવાઈ લાગે. ઘડીકની વારમાં ભડકો થઈ જાય એવો સ્વભાવ ને તોય મને આટલી હદે ચાહનારા મિત્રો કઈ રીતે મળ્યા? આ મિત્રોનો અઢળક પ્રેમ જોઈને ગયા ભવની લેણદેણવાળી વાત પર વિશ્વાસ મૂકવાનું મને મન થાય, નહીંતર ભલા કઈ રીતે કો’ક પંદરમે, કો’ક પચીસમે તો કો’ક છેક ચાળીસમે વર્ષે આવીને ઊભાં રહ્યાં અને જોતજોતામાં મારી જિંદગીનો અનિવાર્ય અંશ બની ગયા! મારા માથે શીળી છાંય થઈને ઝળૂંબનારા મિત્રોની આજે મારે વાત નથી કરવી. આજે તો એ દોસ્તની વાત કરવી છે, જે મને હાથતાળી દઈને કાળગંગાને પેલે પાર જઈને બેઠી છે...

1981થી 1992 હું વડોદરા યુનિવર્સિટીની જાણીતી હૉસ્ટેલ હંસા મહેતા હૉલના રૂમ નં. 4માં રહેતી હતી. મોટા ભાગે વિદ્યાર્થિનીઓ 3, 5 કે 6 વર્ષે ભણીને ઘરે જાય, પણ મારી બાબતે એવું ના બન્યું. ત્રણ ત્રણ વૉર્ડન બદલાયા તોય આપણા રામનો અડ્ડો નંબર 4 જ રહ્યો, કારણ કે બી.ફાર્મ. પૂરું કરી તરત જ નોકરી મળી ગયેલી. વડોદરામાં તો સાત પેઢીએ કોઈ સગું ના મળે. ને હૉસ્ટેલમાં રહેવા માટે કંઈક ભણવું પડે. એટલે મેં બી.એ. શરૂ કરેલું. પછી તો મને આર્ટસમાં એવા જલસા પડી ગયા કે ગાડી છેક પી.એચ.ડી. સુધી ચાલી. એક જ રૂમમાં સાડા અગિયાર વર્ષ રહી. સ્વાભાવિક છે કે હૉસ્ટેલમાં મારી આણ પ્રવર્તતી જ હોય. એક તો કોઈપણ માંદું પડે તો મારું દવાનું જ્ઞાન વહારે ચડે... કોઈના લડાઈ-ઝઘડા, હૉસ્ટેલનું ટીવી બગડે, કંઈ દાદ-ફરિયાદ - આ બધામાં હું મોખરે રહેતી. કોઈની પણ મુશ્કેલીમાં ખભો ધરવાની ટેવને કારણે મારા એક અવાજે સાડી ત્રણસો છોકરીઓ બેઠી થઈ જવા ટેવાયેલી હતી, પણ આ જ કારણે મારે ને વૉર્ડનને કાયમ બારમો ચંદ્રમા રહેતો... હું હૉસ્ટેલ બાબતે કંઈ પણ રજૂઆત કરું. સુધારા સૂચવું તો એમને હંમેશાં પોતાની સામેનું ષડ્યંત્ર જ લાગતું.

રૂમની ચોખ્ખાઈ બાબતે, વ્યવસ્થા બાબતે હું અતિશય ચીકણી... ને મારી રૂમપાર્ટનર આ બાબતે સામા છેડાની...‘87થી મારી સાથે રહેતી રીટાએ ‘ધૂળમાં પગલાં દેખાય તો પણ મને વાંધો નથી, પણ હું કચરા-પોતાં નહીં કરું’ એવું મને મોઢા પર જ કહી દીધેલું. ઈજનેરી કૉલેજમાં ભણતી રીટાની પથારી, એની વસ્તુઓ એવી તો વેરવિખેર હોય કે હું ગળે આવી ગયેલી. મને અતિશય પ્રેમ કરનારી આ છોકરી મારી તમામ ધમકીઓને ઘોળીને પી ગયેલી... હું ગમે તેટલી ગરમ થાઉં... એની પ્રતિક્રિયામાં એ બસ હસ્યે જાય... હું હસી પડું ત્યાં સુધી એ હસે ને પછી બધું બડાબૂટ મૂકીને નીકળી જાય... એના આ રોજિંદા ક્રમથી થાકીને મેં વૉર્ડનને સ્પષ્ટ સૂચના આપી હતી. (વિનંતીની ટેવ તો એ જમાનામાં હતી જ નહીં) કે મને ઘોળે ધરમે પણ ત્રીજી પાર્ટનર ઈજનેરી કૉલેજની ના ખપે, પણ વૉર્ડન બાપડાં મારા પરનો ગુસ્સો બીજી કોઈ રીતે કાઢી શકે એમ નો‘તાં એટલે...

એક સાંજે હું નોકરી પરથી થાકીપાકી આવીને લાંબી થયેલી. હજી તો ઝોકે ચડી જ હતી ને બારણું જોરથી ઠોકાયું. પરાણે ઊભાં થઈને મેં બારણું ખોલ્યું. સામે નીલરંગી આંખવાળી, ગોરી, પાંચ-હાથ-પૂરી, જોતાંવેંત પ્રેમમાં પડી જવાય એવી મોહક, રૂપાળી છોકરી ઊભી હતી. ‘મારું નામ બિનીતા છે. સુરતથી આવું છું, મને તમારા રૂમમાં રહેવા કહ્યું છે.’

‘શામાં ભણે છે?’

‘ઈજનેરી કૉલેજમાં M.E. કરવા આવી છું.’

મારો મિજાજ ગયો. ‘મેં ઘસીને ના પાડી છે કે મને ઈજનેરી કૉલેજની કોઈ છોકરી ના જોઈએ તોય...’ હું આગળ કશું બોલું એ પહેલાં તો એ નીલી આંખોમાં પાણી તગતગી ઊઠ્યું અને એ પાછા પગલે ચાલી ગઈ. પાંચ-સાત મિનિટમાં પાછી આવી ત્યારે એનાં મમ્મી એની સાથે હતાં.

‘અમને તો આ જ રૂમમાં રહેવા કહ્યું છે.’

‘તો રહો, ના કોણ પાડે છે? મારું મગજ હજીયે ફાટેલું જ હતું.

બિનીતાનાં મમ્મીએ એકદમ નરમાશથી પૂછ્યું, ‘કોઈ માણસ મળશે, જે ગાડીમાંથી સામાન લાવી આપે?’

‘એટલી બધી સાહ્યબી હોય તો હૉસ્ટેલને બદલે હોટલમાં જ રાખો ને?’

ગુસ્સો હતો વૉર્ડન પર, પણ નીકળી રહ્યો હતો આ અજાણી, રૂપકડી છોકરી પર.

કંઈ પણ બોલ્યા વગર બેઉ મા-દીકરી બહાર નીકળી ગયાં ને ધીમે ધીમે સામાન રૂમ સુધી પહોંચાડ્યો. બેઉની આંખ રડું રડું થાય. બિનીતાને મૂકીને જતાં એનાં મમ્મીને તો દીકરીને જમના હાથમાં સોંપ્યા જેવું જ લાગ્યું હશે ને?

જેમતેમ ગાદલું પાથરીને ઉપર નિમાણા મોઢે બેઠેલી એ છોકરી પર આપોઆપ વહાલ ઊપજે એવું અનુપમ રૂપ ભગવાને એને આપ્યું હતું. પણ મારો ગુસ્સો કદાચ હજીયે નો‘તો ઊતર્યો. આમ તો હું નવા આવનારાઓની સૌથી મોટી મદદગાર. મારી લૉબીની એક પણ છોકરીનું નામ લેવાની કોઈ હિંમત ના કરે. રેગિંગથી ડરનારા મારી ઓથમાં ભરાય... ને તો પછી મેં બિનીતાની આવી અવદશા કેમ કરી હશે એનો જવાબ તો મને કદી નથી મળ્યો... પણ કરી હતી એ વાત ચોક્કસ.

બિનીતા આવી એ દિવસે મારો જન્મદિવસ હતો. રાતે બાર વાગ્યે હૉસ્ટેલના રીતરિવાજ પ્રમાણે આસપાસની રૂમોવાળાં ભેળાં થયાં. હા... હા... હા... હી... હી... ચાલ્યું. કંઈ પણ બોલ્યા-ચાલ્યા વગર ખાટલાના એક ખૂણે બેઠેલી આ છોકરીને જોઈને મારા મનમાં પસ્તાવો તો ક્યારનોય શરૂ થઈ ચૂકેલો. છેલ્લા પાંચેક કલાકથી હું એની ઢબ-છબ જોતી હતી. ચોખ્ખાઈ બાબતે એ મારા જેવી જ હોય એવું લાગ્યું. મેં મન મનાવ્યું. ‘ચાલ જીવ આમેય રીટાને તો કોઈ ફરક પડવાનો નથી. તું પણ નભાવી લે...’ રીટા-બિનીતા એક જ ગામ ને એક જ નિશાળનાં... ને રીટાએ જ એને અમારા રૂમમાં આગોતરું નોતરું પાઠવેલું!!! એ તો એણે મને ખાસ્સું મોડું કહેલું. સવાર પડ્યે શક્ય તેટલું બિનીતાને બતાવી, સમજાવી હું તો નોકરી પર નીકળી ગઈ. સાંજે આવીને ટેવ પ્રમાણે જરાક લાંબી થઈ. હજી ઊંઘ નો’તી આવી ત્યાં બિનીતા કૉલેજથી આવી. મારી ઊંઘ ન તૂટે એમ હળવેકથી એણે બારણું ઉઘાડ્યું ને શાંતિથી ખાટલામાં બેસી ગઈ. વાવાઝોડાની જેમ આવતી રીટાથી આ તદ્દન નવો જ અનુભવ હતો. એકાદ કલાકે હું ઊઠી ત્યારે એ જેમની તેમ જ બેઠી હતી. આ છોકરી ડરતી હતી કે પછી ખરેખર જ હું ઊઠી ન જાઉં એની કાળજી લેતી હતી? એવો પ્રશ્ન એની નીલરંગી ભોળી આંખોમાં ઓગળી ગયો. જરાક તંદ્રામાં સરી ગયેલા એ નમણા ચહેરા સામે મેં જરાક ધ્યાનથી જોયું. ઉપરવાળો જ્યારે નવરો હશે ત્યારે એને ઘડી હશે. જેમ જેમ સાથે રહેતાં થયાં એમ એમ ખબર પડતી ગઈ કે એ જેટલી રૂપાળી હતી એટલી જ હોશિયાર પણ હતી. બીજાને ગમે તે રીતે વર્તવું, બીજાની કાળજી લેવી એ એની મૂળભૂત પ્રકૃતિ હતી. મારાથી પાક્કાં ચાર વર્ષ નાની હતી. તે છતાં કેટલીયે વાર મારી દાદી હોય એમ વર્તતી. પ્રથમ દિવસની સાંજે મેસમાં જોડે જમ્યાં એ પછીની દરેક સાંજે, બે વર્ષ સુધી અમે સાથે જ જમ્યાં. મને મોડું થાય તો એ મારી રાહ જોઈને બેસી રહે. ન તો મેસમાં એકલી જાય, ન કદી બહારથી જમીને આવે. પૈસા તો એની પાસે પણ રીટાની જેમ પાર વગરના. ધારત તો એ રીટાની જેમ રોજ હોટલમાં ખાઈને આવી શકત, પણ એણે કદી એવું કર્યું નહીં. એને મારી આર્થિક પરિસ્થિતિ વિશે ખબર પડી ગયેલી. કપડાંને બાદ કરતાં એ લગભગ મારા જેવી જ રહેણીકરણીથી જીવવા મથતી. જે શનિ-રવિ એનાં મમ્મી-પપ્પા ન આવે એ સાંજે અમે રૂમમાં જ શાક-ખીચડી બનાવીને ખાઈ લેતાં. મારાં ખિસ્સાં અને મારી ખુદ્દારી બેઉનો એને અંદાજ હતો. એટલે મારા ઝમીરને ઠેસ પહોંચાડવાને બદલે એ જ મારા ઢાળામાં ઢળતી ગઈ. એકાદ મહિનામાં તો અમારી દોસ્તી એવી પાક્કી થઈ ગઈ કે જોનારને એવું લાગે કે કદાચ અમે બે-ત્રણ ભવથી તો સાથે જ રહેતાં હોઈશું. જે ઝડપે બિનીતા મારી નજીક આવી એટલી ઝડપે મારે કોઈ સાથે દોસ્તી નથી થઈ. જોકે જે ઝડપે એ છોડી ગઈ એવું પણ કોઈ મિત્રે નથી કર્યું!

સુખી-સમૃદ્ધ મા-બાપનું એકનું એક સંતાન... એટલે ઘરે કદી એક સળીના બે ટુકડા એણે કરેલા નો‘તા. પણ મેં રૂમ સાફ કરવાના વારા રાખેલા... બિનીતા એના ભાગે આવતા દિવસે કચરા-પોતાં કરતી... ‘રીટા કેમ નથી કરતી?’ એવું પૂછ્યા વગર કરતી... કડકબજાર જઈને જરૂરી ચીજવસ્તુઓ લઈ આવવાની ને રાંધવાનું પણ ખરું. રાંધવામાં મારા કરતાં એનો હાથ વધુ સારો હતો... હોટ પ્લેટ પર પાક્કા બે મહિના એણે વહેલા ઊઠીને મને શાક-રોટલી બનાવી આપેલાં. એ યાદ કરું ત્યારે જાત પ્રશ્ન કરે... મેં તો એને એવું કશું આપી નો’તું દીધું, સિવાય કાળજી, પ્રેમ... આ છોકરી મારા પર આટલી કાં વરસે? 1989માં ત્રણ મહિનાના અંતરે મેં બે વાર પગ ભાંગ્યો, ત્યારે આ છોકરી ખભાના ટેકે મને બાથરૂમ સુધી દોરી જતી એ તો સમજ્યા, પણ મને કામવાળીનાં ધોયેલાં કપડાં ના ગમતાં એટલે મારાં તમામ કપડાં પણ એણે અને કૃતિકાએ વારાફરતી ધોયેલાં!! આવી ત્યારે બિનીતા બહુ ભીરુ અને શાંત હતી, પણ અમારી ટોળકીમાં ભળ્યા પછી લૉબીમાં સંભળાય એવું હસતી થઈ ગયેલી. વાંચવું, વાતો કરવી અને ફેફસાં ફાટી જાય એવું હસવું એ આમ પણ મારા રૂમની ઓળખ હતી. ભણવા સિવાયનું નહીં વાંચનારી બિનીતા મારા ને રીટાના રવાડે ચડીને નવલકથાઓ વાંચતી થઈ એથી એનાં મમ્મી પહેલી વાર મારા પર ખુશ થયેલાં.

રીટા-બિનીતા બેઉને મારા પ્રત્યે અતિશય પ્રેમ અને આદર પણ એટલો જ... બેઉની પારદર્શક આંખોમાં જોઈ શકાય એવો... પણ રોજ રાતે બેઉ ભેળાં થાય ત્યારે એ બેઉને મારા ટાંટિયા ખેંચવામાં બહુ જલસા પડે. મારા જેવી ગામડિયણને એમની મહેનતથી શહેરી પાસ લાગ્યો હતો એવો એમનો દાવો. જોકે બિનીતાનો દાવો અમુક અંશે સાચો, પણ ટહુકે રીટાઃ ‘જો ભવિષ્યમાં મહાન બનો તો એમાં અમારો ફાળો ભૂલી ના જશો. તમે જે કંઈ બનશો તે અમારા કારણે... એટલે યાદ રાખજો તમારી આત્મકથામાં એક આખું પ્રકરણ અમારા નામે હોવું જોઈએ, અને ચોપડી લખો તો અમને અર્પણ કરવાની.’ ત્યારે તો મને સપનેય કલ્પના નો’તી કે હું કદી લખતી થઈશ કે ચોપડી છપાવીશ, પણ જ્યારે ખરેખર જ ચોપડી છપાઈ, અને મેં બિનીતાને અર્પણ કરી ત્યારે એ એનું નામ વાંચવા રોકાઈ નહીં એની કારમી પીડા હું કોને કહું?

મૂળભૂત રીતે એ બેઉ એટલી તો સુંદર હતી કે કૉલેજના છોકરા બેઉની આગળપાછળ સજદા કરે. રાત પડે ને બેઉ અરસપરસના અનુભવો વહેંચે ને ખડખડાટ હસતી જાય. રોજ રાત પડે ને એ બેઉના પંડ્યમાં શેખચલ્લી પ્રવેશે. સપનાંઓના મહેલ ચણાતા જાય અને ખિખિયાટા વધતા જાય. હૉસ્ટેલની રૂમોમાં ડ્રૉઈંગરૂમ, બેડરૂમથી માંડીને એમનાં સપનાં મેસમાં ચાઈનીઝ, પંજાબી, ઈટાલિયન મેનૂ પાસે વિરામ લે... ક્યારેક એમાં ભવિષ્યની જિંદગીનાં સપનાંનો તાર પણ ગૂંથાઈ જાય... મારી પાસે એ બેઉ જેટલો વખત મળે નહીં. દિવસે NGOની કમરતોડ નોકરી અને રાત્રે MA માટે વાંચવાનું. પણ આ બેઉની રાત રોજ રંગીન જ... એકાદ ઊંઘ ખેંચીને અગિયાર-સાડા અગિયારે ઊઠી જાય... ને પછી રાજાપાઠમાં આવે... આજુબાજુવાળા જાગતા હોય તો એમનેય બોલાવે. પછી તો હુંય એમાં ભળું. દુનિયાભરની ફિલસૂફી ફાડીએ. ફિલ્મો, રાજકારણ અને સાહિત્ય એ ત્રણ અમારા રસના વિષયો... ચર્ચાઓ ગંભીર રંગ પણ પકડે... મુનશીની ચૌલા ચડે કે ધૂમકેતુની? ‘દીપનિર્વાણ’ ચડે કે ‘સૉક્રેટિસ’? ‘અમૃતા’ અમારી પ્રિય નવલકથા, પણ અનિકેત, ઉદયન માટે લડાઈઓ... સાહિત્યની ચર્ચાઓ દરમિયાન રીટા બહુ ગાજે, પણ બિનીતા શાંત થઈ જાય અથવા વાતનો વિષય બદલવા પેરવી કરે... કદાચ આમ શાંત બેસી રહેવું નો’તું ગમતું એટલે જ એ વાંચતી થઈ. મને યાદ નથી કે અમારી ચર્ચાઓનો સ્તર કદી પણ છીછરો થયો હોય... ફિલ્મોની ચર્ચાઓમાં બધા બોલે ને કોઈ ન સાંભળે એવો ઘાટ થતો’તો. અમને ત્યારે એવું લાગતું કે અમે જો આટલી ગંભીરતાથી દુનિયા વિશે નહીં વિચારીએ તો દુનિયાનું શું થશે?! પણ આ ચર્ચાઓએ ખરેખર અમારી દલીલશક્તિને ધાર કાઢી આપેલી, પોતાની વાત બધા વચ્ચે મૂકવાની આવડત આપેલી અને જે ન જાણતા હોઈએ તે જાણવાની વૃત્તિ જગાડેલી. ક્યારેક એવું બને કે મારે વધુ કામ હોય, આસપાસમાંથી પણ કોઈ ન આવ્યું હોય તો આ બેઉ માત્ર ગપ્પાં મારે ને પછી ખિખિયાટા આદરે. એમનો અવાજ એટલો વધી જાય કે સામે જ રહેતાં વૉર્ડન બારણું ખખડાવે. જેવાં એ અંદર આવે કે આ બેઉ નિર્દોષ ચહેરે આંખ મીંચીને સૂઈ જાય ને ગાળો ને ગમ ખાવાનું મારા ભાગે આવે. જેવાં પેલાં બારણું બંધ કરીને જાય કે તરત જ આંખો નચાવતાં બેઉ ઊઠે ને માંડે ખિખિયાટવા... રીટાએ શાંત બિનીતાને સાવ જ બદલી નાખેલી. તે તોફાની બાળક જેવી થઈ જતી.

કદાચ’88થી ’92ના દિવસો મારી જિંદગીના સૌથી મજાના દિવસો હતા. નોકરી પછી સાંજ રાજેશ-સમીર સાથે અને રાત રીટા-બિનીતાના ખિખિયાટા સંગાથે. રીટાએ તો કૉલેજના પ્રથમ વર્ષમાં જ જીવનસાથી શોધી કાઢેલો. એટલે હૉસ્ટેલનાં બારણાં બંધ થવાના સમયે જ એ અંદર આવતી. પણ બિનીતાની ભણવા સિવાયની દરેક પળ મારી સાથે જ જતી. કેટલું રખડ્યાં સાથે? કમાટીબાગની નિયમિત સેરથી લઈને ભાવનગર-મહુવાના પ્રવાસ સુધી... મને નવાઈ પણ લાગતી કે કેમ આ છોકરી મને આમ વધુને વધુ વીંટળાતી ફરે છે? કેમ જરાક વાર શનિ-રવિ પણ કેમ - અળગી જ નથી થતી? પણ ત્યારે મને ક્યાં ખબર હતી. કે એ થોડાંક વર્ષોમાં લાંબો હિસાબ પતાવવાની વેતરણમાં હતી!!

બિનીતા એનાં મા-બાપની જિંદગીનું કેન્દ્રસ્થાન હતી. શનિ-રવિ મોટા ભાગે એ લોકો મળવા આવે. કોઈ મોંઘીદાટ હોટલમાં ઊતરે, પણ એ ભાગ્યે જ એકલી જાય. જમવા કે રહેવા... જ્યાં જાય ત્યાં મને સાથે લેતી જાય. મને જરાય માઠું ન લાગે એટલી સહજતાથી એ મને હોટલની રીતભાત શીખવે. મારા મિજાજને સાચવીને એણે મને જરાક શહેરી પાસ આપ્યો. જોકે એનો જશ કાયમ રીટા જ લેતી હતી એ પાછી અલગ વાત છે! બિનીતાને પાક્કી ખબર હતી કે મારું કઈ કઈ વાત પર છટકી શકે. જોકે નવાઈની વાત તો એ છે કે પ્રથમ મુલાકાતને બાદ કરતાં હું પછીથી ભાગ્યે જ કદી બિનીતા પર ગુસ્સે થઈ હોઈશ! પ્રથમ દિવસનો પસ્તાવો કદાચ બહુ લાં...બો ચાલેલો.

આ છોકરીએ મને પ્રેમ કરતાં શીખવ્યું... જેને ચાહીએ એનું બધું જ માફ. એની સામે કોઈ ફરિયાદ જ ન હોય એ પણ એણે વગર કહ્યે શીખવ્યું... મને એની અતિશય લાગણીથી બીક લાગતી... હવે આના વગર રહેવાનું થશે તો કેમની રહીશ એવી બીક લાગતી... ને’90માં એનું ભણવાનું પૂરું થયું... હૉસ્ટેલ છોડતી વખતે સ્વસ્થપણે સામાન બંધાવતી બિનીતા ખરેખર જવાની ઘડી આવી ત્યારે સ્વસ્થ ના રહી શકી. હું તો આગલા દિવસથી રડતી હતી. આમેય મેં 10 વર્ષમાં કેટલા બિસ્તરા બાંધ્યા હતા ને કેટલાની પાછળ આંખ નિતારી હતી? પણ બિનીતાનું જવું મારાથી નો’તું વેઠાતું... એની મમ્મીને નવાઈ લાગે કે આ છોકરીને હૉસ્ટેલ કરડવા દોડતી હતી અને હવે એને હૉસ્ટેલ છોડતાં રડવું આવતું હતું! બે જ વર્ષના સંબંધનો આ તે કેવો ચમત્કાર? પણ કદાચ કુદરતને અમારું આમ છૂટાં પડવું મંજૂર નો’તું. એ’90માં ગઈ પછી છ મહિને રીટા પણ ગઈ. ને હું પાછળ’91માં સુરત પહોંચી. એમ.ટી.બી. આર્ટસ કૉલેજના ઈન્ટરવ્યૂથી માંડીને સ્ટેશનથી સામાન સાથે મને હૉસ્ટેલમાં થાળે પાડવા સુધી બિનીતા સતત દોડતી રહી. નાની-મોટી ચીજવસ્તુઓ ખરીદવાથી લઈને બેંકમાં ખાતાં ખોલાવવા જેવાં બધાં કામમાં એ પડછાયાની જેમ સાથે ને સાથે ભમી. સાવ અજાણ્યું શહેર... ને ખાવા દોડે એવી હૉસ્ટેલ... સાંજ તો એવી અડવી ને અણોહરી લાગે કે વાત ના પૂછો... પણ મારી એ બધી વેરાન સાંજને બિનીતાએ સભર કરી દીધેલ. એ યુનિવર્સિટીમાં નોકરી કરે... ત્યાંથી છૂટીને પાંચેક વાગતામાં મારે ત્યાં પહોંચી જાય. કાં તો હું રાંધુ ને અમે ખાઈએ અથવા એના બજાજ પર સવાર થઈ ભટકવા નીકળી પડીએ ને કશે બહાર જ ઝાપટી લઈએ. એ મને સુરતી ખાવાના ખજાનાનો, લારીઓનો પરિચય કરાવતી જાય. ગલીએ ગલી દેખાડતી જાય ને માત્ર ભજિયાં ખાવા છેક ડુમ્મસ સુધી પણ ખેંચી જાય. સાત-સાડા સાતે ઘરે જવા નીકળે... હું શરૂઆતના ગાળામાં સુરતમાં ટકી ગઈ એનો બધો યશ એકલી બિનીતાને ભાગે જાય.

આટલી હોશિયાર, રૂપાળી બિનીતાએ કદાચ એની વધારે પડતી ઊંચાઈને કારણે પરણવા માટે અમેરિકા રહેતો દેસાઈ પસંદ કર્યો. જોકે આમ પણ બધી રીતે સરળ એવી એ છોકરીમાં એનું અનાવિલપણું ક્યારેય ઝળકી જતું. ખબર નહીં કેમ, પણ એની સગાઈના દિવસે મારું હૈયું ધબકારો ચૂકી ગયેલું. મનના ઊંડાણમાંથી અવાજ આવેલો કે ‘હવે આ ગઈ!’ અમેરિકા જઈને એણે પી.એચ.ડી. શરૂ કર્યું. ત્યાંથી લાંબા... લાંબા કાગળો લખે. જાતભાતના ફોટા મોકલે... લિસ્સા, સુંવાળા, કાળા વાળ કપાવીને ફોટો મોકલ્યો એ દા’ડે તો હું એના પર તમાચો મારવા જેટલી ગરમ થયેલી. કાગળોમાં હું તમાચા ઠાલવતી પણ ખરી. એના કાગળોમાં થોડીક વાતો વર્તમાન વિટંબણાઓની હોય અને ઝાઝી વાતો ભવિષ્યનાં સપનાંઓની. એ સુરતને ચોક્કસ યાદ કરતી. પણ અમેરિકામાં એ દુઃખી નો’તી. મને એના વગર જીવતાં નો’તું આવડતું, પણ એ શીખી ગયેલી. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ સાથે, ગમે તેવા સંજોગોમાં કઈ રીતે સુખેથી રહેવું એની જાણે કે એની પાસે ગુરુચાવી હતી!! એ પોતાના કામમાં, એમાં મળતી સફળતાઓમાં મસ્ત રહી શકતી. એને આટલી હદે ચાહી શકી ખરી, પણ હું એની આ ગુરુચાવી અપનાવી ના શકી. બિનીતા ગઈ પછી તરત જ રીટા પણ અમેરિકા ચાલી ગઈ. મારા માટે સુરતમાં નર્યો શૂન્યાવકાશ જ બચ્યો. આ બેઉ મળવાના વાયદા કરતી આવે ત્યારે અલપઝલપ મળી પણ લેતી... 1995માં બિનીતાના મમ્મી અમેરિકા મળવા ગયાં ત્યારે એ મમ્મીને લઈને રીટાને ત્યાં ગયેલી... પાછા વળતી વખતે એક ગોઝારો કાર અકસ્માત અને... એને છેલ્લે જોનાર રીટા કહે છે કે એના શરીર પર નાનોસરખો ઉઝરડો પણ નો’તો થયો... માત્ર કરોડરજ્જુમાં ઈજા થઈ અને હસતી હસતી જ એ જતી રહી...

29 ડિસેમ્બર, 1995નો એ ગોઝારો દિવસ મારા માટે કારમા સમાચાર લઈને ઊગ્યો હોય. કેટલા બધા દિવસ સુધી હું એ સમાચારને સાચા નો’તી માની શકી. ક્યાંક, કો’ની ભૂલ થાય છે... આમ થોડું કોઈ જતું રહે? હજી તો પીએચ.ડી.ની પદવી લેવી બાકી હતી. હજી તો સપનાંઓની લંગાર હતી ને ખાસ તો મને અમેરિકા ફેરવવી હતી ને... પણ પંદર દા’ડા પછી પાછા ફરેલા બિનીતાનાં મમ્મીની આંખોમાં જોયેલા સૂનકારે મને સમજાવી દીધું કે કાયમ બીજાનો વિચાર કરનારી આ છોકરી આ વખતે એવો વિચાર કરે એ પહેલાં જ જતી રહી હશે... કાળે એને એવો વખત જ નહીં આપ્યો હોય. નહીંતર એ આમ ના જતી રહે. એના ગયા પછી ત્રીજા કે ચોથા દા’ડે એનાં સપનાંઓની લાંબી કથા કહેતો એનો પત્ર મળ્યો ત્યારે મને ઈશ્વરના હોવા વિશે શંકા જાગેલી.

બિનીતા, એક વાત કહીશ કે તું આટલી જલદી, મારી આટલી નજીક કેમ આવી ગયેલી? તને ખબર છે ખરી કે તારા જવાથી મારા વ્યક્તિત્વનો એક અંશ કાયમી ધોરણે મરી ગયો છે? કોઈ સંજીવની એને નવું જીવન આપી શકે તેમ નથી. તું મારી જેટલી નજીક પહોંચી, જે તીવ્રતાથી મેં તને ચાહી એવું પછીથી કદાચ નથી થઈ શક્યું. જાણે કે મારી અંદરથી કશુંક ઠલવાઈ ગયું, જાણે કે તને ચાહ્યા પછી હું ખાલી થઈ ગઈ.... તને ખબર છે બિનીતા, તારા ગયા પછી હું કોઈ મિત્રને બહુ નજીક આવવા નથી દઈ શકતી? મને ડર પેસી ગયો છે કે મારી નજીક આવનાર તારી જેમ જ... ઘણી વાર મને એવું લાગે છે કે જો મેં તને આટલી તીવ્રતાથી ન ચાહી હોત તો તું આજેય હોત.. આજે 12-13 વર્ષ પછી રીટા કાયમી ધોરણે સુરત પાછી આવી છે. ખાસ્સી ઠરેલ થઈ ગઈ છે. એનું મારા પ્રત્યેનું વળગણ પહેલાં કરતાં ખાસ્સું વધ્યું છે. તને યાદ કરીને, અમે હજીયે ખડખડાટ હસીએ છીએ... પણ રીટા એક વાત જાણે પણ છે અને સમજે પણ છે કે તારી જગ્યા કાયમી ખાલી જ રહેવાની છે. વર્ષો પહેલાં પણ એ વાત જાણતી હતી, પણ ત્યારે એ મશ્કરી કરતી. આજે સજળ નયને સ્વીકારે છે એનો બીજો નંબર.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.