મૈં મંદિર ક્યૂં જાઉં? મેરા યાર ખુદા હૈ
આજે આ લખવા બેઠો છું ત્યારે દિલમાં એક વાતનો સતત અહેસાસ થઈ રહ્યો છે કે દોસ્તો કે દોસ્તી વિશે કંઈક લખવું એ ઘણો મોટો પડકાર છે. કારણ કે દોસ્તીમાં ક્યારેય ‘કંઈક’ જેવું નથી હોતું, દોસ્તીમાં જે બને એ હંમેશાં ભરપૂર જ હોય છે. એટલે એ ‘ભરપૂર’ને ઓછા શબ્દોમાં કે નાના ફલક પર અભિવ્યક્ત કરવાની વાત આવે ત્યારે એ વાત મોટો પડકાર બની જતી હોય છે.
ખેર, મૂળ મુદ્દા પર આવીએ તો દોસ્તોની બાબતે હું ઘણો નસીબદાર રહ્યો છું. મારી આસપાસના લોકોને હું ઘણી વાર કહેતો હોઉં છું કે, ‘ગયા જન્મે મેં પાંચ આંગળીએ પૂણ્ય કર્યા હોવા જોઈએ, તો જ આ જન્મે મને આવા દોસ્તો મળ્યાં!’ આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. જીવનમાં જે કોઈ યાદગાર કિસ્સા બન્યાં છે એ બધા કિસ્સા દોસ્તો સાથે જ બન્યાં છે. દોસ્તો સાથે હર્યો ફર્યો છું, એમની સાથે લડ્યો-બાખડ્યો છું. ક્યારેક કોઈ રાતે હોસ્ટેલમાં સેમી ન્યૂડ હાલતમાં એમની સોડમાં ભરાઈને ઘસઘસાટ ઉંઘ્યો છું. બાઈક પર બેસીને શહેરભરમાં અલગારી રખડપટ્ટી કરી છે, કારમાં લાઉડ મ્યુઝિક બજાવીને લોંગ ડ્રાઈવ પર ગયો છું, કોલેજ કેમ્પસમાં ભેગામળીને છોકરીઓ જોઈ છે. આ છોકરી મારી આ તારીની રમત રમ્યો છું. એક્ઝામમાં કાપલા કર્યાં છે, જેમતેમ પાસ થયાં છીએ. કરિયરની ચિંતા કરી છે, ઈન્ટરવ્યુઝ આપ્યાં છે, નોકરીએ લાગ્યાં છીએ. એકબીજાના પગારની ઈર્ષા કરી છે, નસીબને ગાળો દીધી છે. અને ક્યારેક એક હાથમાં બ્લેક સિગારેટ અને બીજા હાથમાં શરાબનો છલોછલ ગ્લાસ લઈને નવાબી પળોની મજા પણ માણી છે! ધૂમ્રશેરના ગોટા છોડ્યાં છે, શરાબના ઘૂંટ માણ્યાં છે. થોડું ઢિંચ્યું છે, ઘણું ચઢ્યું છે અને ધિંગાણા કર્યાં છે. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત!
આહા! કેટલા પ્રસંગો, કેટલી યાદો. આનંદો આનંદો, બસ દોસ્તો જ દોસ્તો! આ તો થઈ દોસ્તોની વાત. પર બાત યહાં ખતમ નહીં હોતી. અહીં તો દોસ્તીનો એક કિસ્સો પણ લખવાનો છે. તો જરા યહાં ભી ગૌર ફરમાઈએ. મારું રહેવાનું ઉમરગામ અને નોકરી સુરતમાં. નોકરીના કલાક સાત અને ટ્રેનના અપડાઉનમાં નાંખી દેતાંય પાંચ કલાક નીકળી જાય. નોકરીએ પહોંચવા મારે નિયમિત સવારે આઠ વાગ્યે ઘર છોડવું પડે અને એ જ રીતે રાત્રે નવ-સવા નવે ઘરે ઠેકાણે પડવાનું. નોકરીમાં જેટલો થાક નહીં લાગે એનાથી બમણો થાક અપડાઉનમાં લાગે. રાત્રે ઘરે પહોંચ્યાં પછી માત્ર બે જ કામ કરવાના, પહેલું કામ જમવાનું અને બીજું કામ ઉંઘવાનું. એટલે કે દિવસ પૂરો!
દિવસના આવા કાર્યક્રમના કારણે જીવન પર કંઈક રિસ ચઢેલી. પણ મારી આ નોકરી અને ક્ષેત્ર મેં સામે ચાલીને સ્વીકાર્યું હતું. એટલે મારા પર આવી પડેલું ભોગવ્યે જ છૂટકો. ખેર, આ તો જરા પૂર્વભૂમિકા બાંધી. હવે દોસ્તી પર પાછા ફરીએ. ઓફિસમાં ઉત્પલ પટેલ સાથે મારી અચ્છી દોસ્તી થઈ ગયેલી. કાયદેસર ઉત્પલ મારા બોસ હતા. પરંતુ ઉત્પલને લાગણીહિન કોર્પોરેટ કલ્ચર કરતા માણસાઈમાં વધુ રસ હતો એટલે એમણે મારા નોકરીના પહેલા જ દિવસથી કડક સૂચના આપેલી કે મને સર કે સાહેબ નહીં કહેવાનું. માત્ર ભાઈ કહેવાનું. ઓફિસમાં આવું વાતાવરણ મળતા આપણે બંદા ખુશખુશાલ થઈ ગયા. આમેય ઉત્પલ અને મારી વચ્ચે ઉંમરનો ઝાઝો ફરક હતો નહીં. ઉત્પલ અને મારો સંબંધ ધીમે ધીમે ગાઢ થઈ રહ્યો હતો. ઓફિસમાં અમે ભલે ઓફિસના કામોની વાત કરીએ પરંતુ ઓફિસ સિવાયના સમયમાં વ્હોટ્સ એપ પર અમારા શોખ અને દોસ્તીની વાતો કરીએ.
સાંજે ઓફિસથી છૂટીને મારે ઉમરગામ માટે ૬.૨૦ની લોકલ પકડવાની હોય અને લોકલમાં ઘરે પહોંચતા મને અમસ્તા અઢી કલાક થઈ જાય. મને વાંચવાનો શોખ એટલે ટ્રેનમાં મેં વાંચવાની આદત રાખેલી, પણ તોય રસ્તો ખૂટે નહીં અને ઘર જલદી આવે નહીં. કોઈક વાર તો સાંજે ભૂખ એવી લાગી હોય કે મને એમ લાગે કે હું ભાનમાં નથી અને મારું શરીર યંત્રવત કામ કરી રહ્યું છે. એવામાં કોઈ વાર નસીબ પાધરું નહીં હોય તો ટ્રેન મોડી ચાલે અથવા બે-ત્રણ જગ્યાએ સાઈડિંગ પર જાય. એટલે ઘરે પહોંચવાના સમયમાં ઓર દેરી થાય. એક વાર એવું જ બન્યું અને મારી ટ્રેન વાપી સ્ટેશને સાઈડિંગમાં ગઈ. ટ્રેન મૂળે મોડી ચાલતી હતી એટલે નવ તો વાપી પર જ વાગી ગયા હતા. એવામાં ટ્રેન સાઈડિંગ પર ગઈ એટલે બીજી વીસેક મિનિટ બગડી. ઘડિયાળમાં જોઈને મેં ગણતરી માંડી જોઈ તો તાળો મળ્યો કે પોણા દસ સુધી ઘરે પહોંચી શકાય એમ નથી.
એ દિવસે પણ મારું પેટ દાદ દઈ ગયું અને મને કકળાવીને ભૂખ લાગી. ટ્રેન કે સ્ટેશનો પર મળતા કચરા ફૂડ પર મને નાનપણથી સૂગ એટલે એ ખોરાક ખરીદીને ખાવાની દાનત લગીરે નહીં. એટલે ભૂખે મરવા સિવાય છૂટકો ન હતો. એવામાં મારા પર ઉત્પલનો મેસેજ આવ્યો કે, ‘ઘરે પહોંચી ગયો?’ મેં કહ્યું, ‘નહીં ભાઈ, ટ્રેન વાપી પર સાઈડિંગમાં ગઈ છે અને હજુ ઘરે પહોંચતા અડઘો કલાક પાકો.’ મેં વધુમાં ઉમેર્યું કે, ‘ભાઈ તમે તો ઘરે પહોંચી પણ ગયા હશો અને જમી પણ લીધું હશે. અને મને કચકચવીને ભૂખ લાગી છે. મારું શરીર તૂટી રહ્યું છે.’ ઉત્પલનો એટલો જ મેસેજ આવ્યો કે, ‘કંઈ નહીં, ધીરજ રાખ. ઘરે પહોંચે એટલે મને મેસેજ કર.’
મને થયું હશે કંઈ. એટલે મેં ઉત્પલની વાતને ગણકારી નહીં. ટ્રેન ધીમે ધીમે ચાલીને આગળ વધવા માંડી અને મારું સ્ટેશન નજીક આવવા માંડ્યું. વચ્ચે ઉત્પલનો ફરી એક વાર એ જ મેસેજ આવ્યો કે, ‘ઘરે પહોંચે એટલે મેસેજ કર.’ મેં લખ્યું, ‘ઓ.કે.’ આખરે હું પોણદસને ટકોરે ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચતાવેત મેં ઉત્પલને ઘરે પહોંચ્યાનો મેસેજ કર્યો. મને ભૂખ એટલી લાગી હતી કે હું ઉત્પલને મેસેજ કરવાનું ભૂલી જ ગયો હોત પરંતુ કોણ જાણે મને અચાનક યાદ આવ્યું અને મેં એમને મેસેજ કર્યો. હું ઝડપથી ફ્રેશ થયો અને દોડીને ડાઈનિંગ ટેબલ પર બેઠો ત્યારે મોબાઈલના સ્ક્રીન પર ઉત્પલનો મેસેજ ફરી બ્લિંક થયો. એમાં લખ્યું હતું, ‘ચાલ દોસ્ત હવે જમી લઈએ!’ સાથે જ એમણે એમની થાળીનો ફોટોગ્રાફ પણ મોકલ્યો. ઉત્પલની થાળીમાં ફરાળી આહાર દેખાતો હતો અને મને યાદ આવ્યું કે ઉત્પલનો આજે ઉપવાસ હતો.
ઉત્પલનો મેસેજ વાંચીને મારું શરીર ઠંડું થઈ ગયું. બધી ભૂખ ઉડી ગઈ કારણ કે મારો દોસ્ત એનો ઉપવાસ હોવા છતાં મારા માટે ભૂખ્યો બેઠો હતો. એ નજીક હોત તો એને દોડીને ભેટી પડ્યો હોત. મારી આંખોમાં પાણી તરી આવ્યાં, હૈયે લાગણીઓનું ધસમસતું પૂર આવ્યું. હું દ્રવી ઉઠયો. એ ક્ષણે હું સમજી નહીં શક્યો કે એ મારો સુદામા કે હું એનો સુદામા? ઉત્પલને લઈને મારા મનમાં જાતજાતની અટકળો શરૂ થઈ. આ માણસને બોસ કહેવાય? ના! તો ભાઈ કહી શકાય? ના જરાય નહીં! ભાઈઓ તો મૂઆ ભૂખા રાખે એવા. એ કંઈ આપણા માટે ભૂખે થોડા મરે? તો શું કહેવું? આ અટકળો મનની હતી. એવામાં દિલમાંથી અવાજ આવ્યો આ માણસને દોસ્ત કહેવાય દોસ્ત! અને મને જે તૃપ્તિ થઈ એ અપ્રતિમ હતી. અવર્ણનિય. દોસ્તો આવા જ હોય છે. એ લોકો આપણી જાણ બહાર આપણો બિયર ભલે પી જાય, પણ દોસ્તો આપણી ભૂખે પોતે પણ ભૂખે મરતા હોય છે. આ જ મજા છે દોસ્તીની!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર