મુજસે દોસ્તી કરોગે?
2011નું વર્ષ હતું. એપ્રિલ મહિનો ચાલતો હતો. બસ અત્યારે લાગે છે એવી જ ગરમી ત્યારે અમદાવાદમાં પડતી હતી. મારી જિંદગીમાં પણ 45 ડિગ્રીથી 50 ડિગ્રીનું તાપમાન હોય એવો ગરમાવો ફૂંફાડો મારીને બેઠો હતો. મુંબઈની એક નામાંકિત આઉટસોર્સિંગ કંપનીમાં હું ક્રિએટિવ પ્રોજેક્ટ મેનેજર હતી. અધધધ કહેવાય એવો પગાર, ગાડી અને કંપનીએ આપેલા વન બીએચકે ફ્લેટની મને આદત પડી ગઈ હતી. બ્રાન્ડેડ કપડાં, ચશ્મા કે શૂઝ મેં ન પહેર્યાં હોય તો જાણે મને મારામાં કંઈક ખૂટતું હોય એવી લાગણી થઈ આવતી. પણ પરિવર્તન દુનિયાનો નિયમ છે. મારી કંપની અચાનક મંદીના મોજામાં સપડાઈ અને બે મહિના સુધી રગશિયાની જેમ પ્રોજેક્ટ ચાલ્યા. ધીમે ધીમે અમારા પ્રોજેક્ટ્સ બંધ થવા માંડ્યા અને એક ભૂંડા દિવસે અમારી કંપની પણ બંધ થઈ.
મુંબઈ તો હું કમાવા ગઈ હતી. લેવિસ જિંદગી જીવવા મળે એ માટે જ તો મેં માર્કેટિંગમાં એમબીએ કરતી વખતે દિવસ કે રાત જોયા નહોતા. અમદાવાદમાં એક એડ એજન્સીમાં ઈન્ટર્નશિપ કર્યા પછી, ક્રિએટિવ મેનેજર અને પછી સીધી બીજી જ જોબ મુંબઈમાં મળી હતી. સેવિંગ્સ હોવા છતાં મુંબઈમાં જોબ વગર કેટલા દિવસ દાણા પાણી નીકળે? વળી ભવિષ્યનો પણ વિચાર કરવાનો. મમ્મી, પપ્પા, ભાઈ અને પરિવાર અમદાવાદમાં રહે. બિસ્તરા બોરિયા બાંધીને કમને હું અમદાવાદ ભેગી થઈ. મુંબઈમાં હતી ત્યારે ઓફિસના કામે એક શહેર શહેરથી બીજા શહેર વિમાનમાં ઉડાઉડ કરતી અને અમદાવાદ ગઈ ત્યારે હું ટ્રેનના સેકન્ડ ક્લાસના રિઝર્વેસન કોચમાં બેઠી હતી. ક્યારેય ન કલ્પેલી આ વિકટ પરિસ્થિતિને કારણે દુનિયાભરની હતાશાઓ મને ઘેરી વળી હતી. મને લાગ્યું કે હવે હું ક્યારેય બેઠી નહીં થાઉં.
ઘરે પહોંચી તો પપ્પાએ સલાહ આપી કે આજે નહીં તો કાલે નોકરી મળી જશે. મમ્મી અને ભાઈએ પણ હૈયાધારણા આપી. ધીરે ધીરે મારા ઘરે આવતા મિત્રો અને સગાસંબંધી પણ સ્વતંત્રતાથી જીવવા ટેવાયેલી મને જાતજાતની સલાહો આપે. કોઈ દયા ખાય તો કોઈ મારી ઠેકડી પણ ઉડાડે. કોઈ કહે લગ્ન કરી લે. જો કે મારે આમાનું કશું જ નહોતું કરવું. મારે તો ફરી બેઠા થવું હતું અને દુનિયા આગળ મારે ફરી એક વાર મારી ક્ષમતાઓ બતાવવી હતી. જીવન આ કપરા સમયમાં લોકોની અટપટી સલાહોને કારણે ધીરે ધીરે મેં એ બધાને મળવાનું બંધ કર્યું. મિત્રો સાથે પણ ખાસ વાતચીત કરવાની ટાળવા લાગી.
આખો દિવસ મારા ઘરમાં મારા રૂમનો દરવાજો બંધ કરીને લેપટોપ પર જોબ એપ્લિકેશન કરતી. જોબ માટે રિપ્લાય ન આવે એટલે રડતી. ઘરમાં પણ બધા મારી સ્થિતિને સમજીને મને સ્પેસ આપવા માગતા હતા. એક દિવસ મેં જોબ માટે એપ્લાય કરવા મારું ઈમેલ આઈ ડી ખોલ્યું. એક મેઈલ આવ્યો હતો. સબ્જેક્ટમાં હતું, 'મુજસે દોસ્તી કરોગે?''
મેં મેઈલ ઈગ્નોર કર્યો. બીજા દિવસે પણ એ જ મેઈલ હતો. 'મુજસે દોસ્તી કરોગે?' અને મેઈલમાં પછી તો ગુજરાતીમાં લખ્યું હતું કે, 'મારા કોલેજ ફ્રેન્ડ વિશાલના ફ્રેન્ડ લિસ્ટમાં તમે છો એટલે તમારી પ્રોફાઈલ ડિટેઇલ જોઈ. અને તમારું ઈમેઇલ આઇડી મળ્યું. હું કોલેજમાં તમારાથી જુનિયર હતો. તમે તો કોલેજમાં અમારા બધા માટે હીરો હતા. પ્રોફેસર્સ અને પ્રિન્સિપાલ બધા પાસેથી તમારા વખાણ સાંભળવા મળતા, પણ સાથે સાથે તમારાથી અમને ડર લાગતો. તમારી છાપ ટોમ બોયની હતી એટલે. ઘણા વખત પછી હમણા વિશાલની એફબી વૉલ પર તમારી કમેન્ટ જોઈ એટલે તમારી સાથે વાત કરવાનું મન થઈ આવ્યું અને તમને મેઈલ કર્યો.'
મારા લેપટોપની સ્ક્રીન પરના મારા ઈમેઇલ આઈડીમાં સ્મોલ લેટરમાં લખાયેલા એ શબ્દો વાંચીને મારી આંખમાંથી આંસુની ધાર વહેતી હતી. હું હીરો? મારી હતાશા સાથેના ગુસ્સા હું રોકી ન શકી. મેઈલમાં હું મનમાં આવે એ ટાઈપ કરવા લાગી, 'જુઓ હીરો બીરો તો ઠીક. બીજી વાર મને મેઈલ કરવો નહીં. શું હીરો હેં? મારી સાથે વાત કરવાના પેંતરા કરવાના નહીં અને હું ફેસ ટુ ફેસ જેને ના ઓળખતી હોઉં એને પણ દોસ્ત બનાવતી નથી. સમજી ગયા ને? મને ચીટચેટ અને લપરાવેડા બિલકુલ પસંદ નથી.'
બીજા દિવસે ફરી મેઈલ આવ્યો. સબજેક્ટમાં લખ્યું હતું, 'મુજસે દોસ્તી કરોગે...' સબજેક્ટના ત્રણ ટપકાં જોઈ હું ગુસ્સામાં લાલ થઈ. મેં આખો મેઈલ વાંચીને કરારા જવાબ મિલેગા સ્ટાઈલમાં જવાબ આપવાનું નક્કી કર્યું. મેઈલમાં લખ્યું હતું. 'ઓ ઝાંસીના રાણીમેમ... ઉનાળાના દિવસો છે. જાઓ પહેલાં ફ્રિઝમાંથી બોટલ કાઢીને ઠંડુ પાણી પી લો. હું તમારી પાછળ પડ્યો હોઉં એવું તમને લાગતું હોય તો જણાવી દઉં કે હું એક પરણિત અને પત્નીવ્રતા પતિ છું. મારી પત્ની શુભાંગી સાથે દરેક વાત શેર કરતો હોઉં છું. અમારા પ્રેમલગ્ન છે અને અમે બંને યુએસમાં એક વર્ષથી સેટલ્ડ છીએ. હું એક યુએસની કંપનીમાં ક્રિએટિવ આસિસ્ટન્ટ છું. મારી જાણ મુજબ તમે ઈન્ડિયામાં ક્રિએટિવ બિઝનેસ પ્રોફેશનલ તરીકે કામ કરતા હશો એટલે તમારી પાસેથી અમુક સલાહ લેવાની ઈચ્છા છે અને પ્લિઝ તમારા કન્સલટન્ટ તરીકેના ચાર્જિસ પણ મેઈલમાં લખી મોકલશો. મારી કંપનીને કોઈ ઈન્ડિયન કન્સલટન્ટની જરૂર છે.'
અમદાવાદની કાળઝાળ ગરમીમાં પણ મારા હાથ ઠંડા પડવા લાગ્યા હતા. નોકરી જેટલું વળતર તો નહીં પણ એક તક ખરેખર મારા નસીબના દરવાજે ઊભી હતી. એ પણ કોઈ અજાણી વ્યક્તિને કારણે મને તક મળી છે જેનું નામ પણ હજી મને ખબર નથી એ મારી મદદ કરે છે? મેં ધીરજ સાથે એક પ્રોફેશનલ મેઈલ ટાઈપ કર્યો. એમાં મારી પ્રોફેશનલ ડિટેઈલ લખી કે હાલમાં હું કોઈ કંપની સાથે જોડાયેલી નથી અને તમારી કંપનીના પ્રોજેક્ટ કયા પ્રકારના છે એ જણાવશો.
બીજા દિવસે વળતા મેઈલમાં યુએસ કંપનીની અને પ્રોજેક્ટ્સની બધી જ ડિટેઇલ હતી. સાથે મુજસે દોસ્તી કરોગી વાળા અજાણ્યા દોસ્તની પ્રોફેશનલ ડિટેઈલ પણ હતી. એનું નામ સૂરજ. તેની પત્ની શુભાંગી પણ મારા પછીની બેચમાં જ એમબીએની સ્ટુડન્ટ હતી તેની સાથે પણ અવાર નવાર પછી તો ફોન પર વાત થતી.
સૂરજ અને તેની કંપની સાથે લગભગ સાતેક મહિના સુધી કન્સલ્ટન્ટ તરીકે મેં કામ કર્યું. સાતેક મહિના પછી મને બેંગ્લોરની એક એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ક્રિએટિવ હેડ તરીકેની નોકરી મળી. એટલે મેં સૂરજને આ વાત મેઇલમાં જણાવી. તેણે કહ્યું કે, 'હું તમને ફોન કરીને એક વાતનો ખુલાસો કરવા માગું છે. હું ફોન કરું?'' મેં સામેથી જ તેને ફોન જોડ્યો. સૂરજે જે કહ્યું એ શોકિંગ હતું અને સુખદ પણ. તમારી નોકરી ચાલી ગઈ છે એ વાત મને વિશાલે જણાવી હતી. વિશાલ મારી કંપનીના ઘણા પ્રોજેક્ટ માટે ક્રિએટિવ કન્સલટન્ટ તરીકે ઈન્ડિયાથી કામ કરે છે. એમાંથી જ કેટલાક પ્રોજેક્ટ્સ એમણે તમને આપવા માટે કહ્યું હતું. કોલેજના દિવસોમાં તમે બંનેએ હંમેશાં ચોકલેટ, પફ, દાબેલી કે કોલ્ડડ્રિંક શેર કર્યા છે અને હવે વિશાલે પોતાને મળેલા પ્રોજેક્ટ્સ શેર કર્યા.
અમારી આ વાત દરમિયાન તેણે કહ્યું, 'ઓ મેડમ હજુ હું તમને મેડમ જ કહું છું હોં. હવે તો મુજસે દોસ્તી કરોગેના? હું હસી પડી અને કહ્યું, ના આપણે તો બિઝનેસ પ્રોફેશનલ્સ રહીશું હોં. આવડું મોટું બિઝનેસ સિક્રેટ પણ તે ક્યાં મારી સાથે શેર કર્યું?''
બીજા દિવસે વિશાલ તેની પત્ની સપના અને દીકરા વિશ્વેશ સાથે મને નવી નોકરી મળી એ માટે વિશ કરવા આવ્યો. બધાએ સાથે ડિનર લીધું પછી મેં કહ્યું તારા યુએસના પ્રોજેક્ટ કેવા ચાલે છે હેં? મારા સવાલના જવાબમાં તેણે કહ્યું, 'તારા ચાલતાતા એવા. હવે એને ખખડાવતી નહીં હોં બે... સૂરજે મને કીધું કે, એના પેટમાં અપચો થયો અને તને બધું કહી દીધું. હવે એક કામ કરજે તું તો ક્રિએટિવ હેડ થઈ ગઈને. તો મને તારી કંપનીમાં નોકરી અપાવી દેજે બસ. બાકી અત્યારે તો તારો આઇસ્ક્રિમ શેર કર એટલે વાત પતે.'
'સુદામા... ઉત્સવ મૈત્રીનો'માં આ વાત શેર કરવાનું મને એટલે મન થયું કે આ ઘટનાએ મને એક નહીં પણ બે મિત્રો આપ્યાં. એવા મિત્રો જેમણે મને મારા જીવનના સૌથી કપરા સમયમાં મદદ કરી અને એ પણ પોતાની મૂળ ઓળખ છુપાવીને, જેથી હું નાનમ ન અનુભવુ અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકું. મુંબઈની નોકરી છૂટ્યા બાદ હું સાવ ભાંગી પડી હતી. મને કોઈ દિશા જડતી ન હતી પરંતુ મારા આ મિત્રોએ મને હૂંફની સાથે ટેકો પણ આપ્યો, જે ટેકાને કારણે હું આજે અડિખમ અને માનભેર ઊભી રહી શકી છું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર