સંથારોઃ મૃત્યુના આવકારનું વિજ્ઞાન
પાટીદારોની અનામતની માગણીઓ અને વિવિધ શહેરોમાં રેલીઓના નામે થતાં રહેલા એમના શક્તિ પ્રદર્શનોને કારણે જૈનોનો સંથારાનો વિવાદ પાછળ ધકેલાઈ ગયેલો. અધૂરામાં પૂરું આપણા વિઝિટિંગ પી.એમ. થોડા દિવસના ભારત રોકાણ બાદ ફરી દુબઈ તરફ આંટો મારી આવ્યા એટલે એ સમાચારોમાં સંથારાને લગતા સમાચાર અખબારોમાં બોક્સ મેટર બનીને રહી ગયા. પરંતુ થોડા દિવસો પહેલા રાજસ્થાન હાઈકોર્ટે સંથારાને લગતો એક ચુકાદો આપેલો એટલે જૈનોનો સંથારો સમાચારોમાં ભારે છવાયેલો. દેશભરના જૈનોએ રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી અને અહિંસામાં માનનારા જૈનોએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મૌન રેલીઓ કાઢી. ઓગસ્ટ મહિનાના પહેલા હપતામાં રાજસ્થાન હાઈકોર્ટે સંથારો લેવાની પ્રક્રિયાને આત્મહત્યા સમાન ગણીને આપણી દંડસંહિતાની કલમ 306 મુજબ ગુનો દાખલ કરવાના આદેશ આપ્યા છે. જૈનોએ આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે અને સાથોસાથ કોર્ટને તેમની ધાર્મિક બાબતોમાં ચંચુપાત નહીં કરવાની ભલામણ પણ કરી છે. જૈનો એવી દલીલ કરી રહ્યા છે કે, સંથારો એ સ્વપીડનની પ્રક્રિયા નથી એટલે એને આત્મહત્યા કે મર્સિકિલિંગ ગણી શકાય નહીં. આ ઉપરાંત તેઓ એક બીજો પ્રશ્ન પણ કરી રહ્યા છે કે, અન્ય ધર્મોમાં તો રીતસરની સ્વપીડનને લગતી ક્રિયાઓ હોય છે, તો દેશની અદાલતો કે સરકાર એમના ધર્મોને લઈને આવા ચુકાદા કેમ નથી આપતી?
જૈનોમાં મુખ્યત્વે ચાર ફિરકા છેઃ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી. એમાં મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનો સંથારામાં માનતા નથી અને બાકીના ત્રણ ફિરકા સંથારાને માન્યતા આપે છે. જોકે પેલા ત્રણ ફિરકાના જૈનો કરતાં મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનોની સંખ્યા વધારે છે અને ગુજરાતમાં પણ મૂર્તિપૂજકોનું જ પ્રભુત્વ વધુ છે. શ્વેતાંબરોએ ત્રણેક સદીથી સંથારો કરવાનું બંધ કર્યું છે કારણ કે તેઓ એવું માને છે કે, આ કાળમાં એવું કોઈ પરિબળ નથી જે માણસના મનને કાબૂમાં રાખી શકે. અને જો મન જ કાબૂમાં રહેતું ન હોય તો કોઈ તપ કરવાનો કે કોઈ અનુષ્ઠાન કરવાનો અર્થ રહેતો નથી એટલે ત્રણેક સદી પહેલા શ્વેતાંબર પૂર્વાચાર્યોએ સંથારાનો નિષેધ કર્યો હતો. જાણવા જેવું એ છે કે પોતે સંથારાની પ્રક્રિયા કરતા ન હોવા છતાં શ્વેતાંબરો, હાઈકોર્ટના ચુકાદાથી જૈનોના અન્ય ફિરકાઓ જેટલા જ નારાજ છે. આ માટે વાપી ખાતે ચતુર્માસ ગાળી રહેલા જૈનાચાર્ય રવિરત્ન સુરીજી કહે છે કે, ‘હકીકતમાં કોર્ટે આવો નિર્ણય લેવો જોઈતો ન હતો કારણ કે આ ધર્મનો પ્રશ્ન છે અને ધર્મના વિવિધ નિર્ણય સાધુ-સંતો કે ધાર્મિક આગેવાનો જ લેતા હોય છે. કોર્ટે આ બાબત ધાર્મિક આગેવાનો પર છોડી દેવી જોઈતી હતી. આ ઉપરાંત આ દેશમાં અન્ય ધર્મો પણ પ્રવર્તે છે તો કોર્ટ એમાં કેમ હસ્તક્ષેપ નથી કરતી? ઉદાહરણ તરીકે મુસ્લિમો પણ તાજીયા કાઢે છે, જેમાં સ્વપીડનનું જ કૃત્ય હોય છે. એમને ક્યારેય અટકાવવાનો પ્રયત્ન થયો છે? તો જૈન ધર્મમાં આવો હસ્તક્ષેપ કેમ?’
ધર્મની વાત આવે એટલે વાદ-વિવાદ થાય એ સ્વાભાવિક છે. ભારત જેવા દેશમાં ધર્મ અત્યંત સંવેદનશીલ બાબત બની ગઈ છે. કોઈ બાબતમાં તર્ક-તથ્ય હોય કે ન હોય પરંતુ તે વાતને એક વાર ધર્મનું લેબલ લાગી જાય એટલે એ વાતમાં પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરી શકાતા નથી. એ વાતને આખરી, સનાતન માની લેવામાં આવે છે. ઈચ્છામૃત્યુને લઈને આપણે ત્યાં પહેલા પણ વિવાદો થતાં રહ્યા છે. પરંતુ આપણા દેશનો કાયદો ઈચ્છામૃત્યુને અનુમતિ નથી આપતો એટલે જ સંથારાનો વિવાદ પણ ઊભો થયો છે. સંથારામાં નહીં માનતા જૈનો પણ સંથારો એટલે શું એ જાણતા હશે પરંતુ જૈનેતર જાતિના લોકોને આ બાબતે ઉત્સુકતા થઈ શકે છે કે, સંથારો એટલે શું? કોર્ટે તેને આત્મહત્યા કે ઈચ્છામૃત્યુ સાથે કેમ સરખાવવું પડ્યું? અને જૈનોની દલીલ મુજબ સંથારો આત્મહત્યા કે ઈચ્છામૃત્યુથી કઈ રીતે અલગ પડે?
સંથારામાં જૈનો અન્ન-જળ તેમજ સ્થળનો ત્યાગ કરે છે અને ધીરે ધીરે મૃત્યુને આવકારે છે. કેટલાક જૈન મુનિઓ કહે છે કે, આપઘાતમાં માણસ તેની વિકટ પરિસ્થિતિના અંતિમ વિકલ્પ તરીકે હારી-થાકીને મુત્યુને સ્વીકારે છે, જ્યારે સંથારામાં માણસ પોતાના શરીરની વિવિધ જરૂરીયાતોને અતિક્રમીને, તમામ મોહને ત્યજીને શરીરને ધીમે ધીમે કેળવીને તેના અંતિમ શ્વાસ સુધી પહોંચે છે. શરીરના વિજ્ઞાન મુજબ સંથારા દરમિયાન શારીરિક પીડા હોઈ શકે છે પરંતુ સંથારો કરનારી વ્યક્તિ ક્યારેય માનસિક પીડા નથી ભોગવતી એવો દાવો જૈનગુરુ યુગ દિવાકર ગુરુદેવ એમના એક પ્રવચનમાં કરે છે. આત્મહત્યામાં જીવનનો અંત આણવા માટે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સંથારામાં પૂરી સમજદારીથી અને સહજતાથી, સગવડતાઓ અને અનુકૂળતાઓ ત્યજીને મૃત્યુને આવકાર આપવામાં આવતો હોય છે.
સંથારો અને આત્મહત્યા વચ્ચેનો ભેદ જાણવા હજુ કેટલાક ઉદાહરણો જોઈએ. યુગ દિવાકર ગુરુદેવ સંથારાને લગતા એક પ્રવચનમાં કહે છે કે, મૃત્યુને આવકારવામાં અને મૃત્યુને બોલાવવામાં ફરક હોય છે. મહેમાનને આપણે આવકારીએ છીએ, જ્યારે નોકર-ચાકરોને આપણે બોલાવીએ છીએ! આત્મહત્યામાં માણસ અત્યંત દુખી થઈને, નેગેટિવ ફિલિંગ્સ સાથે દુનિયામાંથી વિદાય લે છે, જ્યારે સંથારામાં માણસ મોહમાયાનો ત્યાગ કરીને પૂરા આનંદથી પોઝિટિવ ફિલિંગ્સ સાથે વિદાય લે છે. તેઓ સંથારાને જૈન ધર્મમાં અધ્યાત્મિક અનુભૂતિ કરવાના અવસર તરીકે ગણાવે છે. તેઓ એમ પણ જણાવે છે કે, દુનિયાના તમામ ધર્મો જન્મોત્સવ ઉજવે છે જ્યારે જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે, જે મૃત્યુનો ઉત્સવ મનાવે છે. એટલે જ કોઈ માણસ જ્યારે સંથારો કરતો હોય ત્યારે તે પ્રત્યેક ક્ષણ મૃત્યુની નજીક જતો હોવા છતાં તે પરમાત્માની નજીક જાય છે, જે વાત તેના માટે આનંદદાયી હોય છે.
જૈન ધર્મની ફિલોસોફી મુજબ આત્મહત્યા દરમિયાન માણસ મૃત્યુને ભેટતો હોવા છતાં એ તેના સંબંધો કે મોહમાયાથી નથી છૂટતો. (કદાચ એટલે જ આત્મહત્યા કરનાર માણસનો જીવ અવગતે જાય છે એવું કહેવાતું હશે!) જ્યારે સંથારામાં માણસ મૃત્યુ આવે એ પહેલા દુન્યવી સંબંધો અને તમામ પ્રકારની માયાનો ત્યાગ કરી ચૂકેલો હોય છે. જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે. અલબત્ત સંથારાની પ્રક્રિયા શરૂ થયા બાદ સંસારી માણસે સંસારની માયા છોડવી પડે છે.
જોકે સંથારાની પ્રકિયાને લઈને જૈન ધર્મગુરુઓમાં મતમતાંતર પ્રવર્તતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આચાર્ય રવિરત્ન સુરીજીના જણાવ્યાં મુજબ સંથારાની પ્રક્રિયામાં માણસ એક જ ઝાટકે અન્ન-જળનો ત્યાગ કરે છે. તો યુ ટ્યુબ પરના એક વીડિયોમાં યુગ દિવાકર ગુરુદેવ એવી માહિતી આપે છે કે, સંથારામાં માણસ અન્ન-જળનો તબક્કાવાર ત્યાગ કરે છે. સંથારો શરૂ કર્યાં બાદ પહેલા માણસ એક સમયના ભોજનનો ત્યાગ કરે છે, ત્યાર બાદ તે બંને ટાણાના ભોજનનો ત્યાગ કરે છે અને પછી તે ધીરે ધીરે પાણીનો પણ ત્યાગ કરે છે. જૈનોમાં ચાર પ્રકારના આહારની વાતો પણ વીડિયોમાં સુંદર રીતે સમજાવવામાં આવી છે. જૈન ધર્મ મુજબ સંથારો એ માણસની ઈનર ક્લિનિંગ પ્રોસેસ છે. ઈન શોર્ટ જૈન ધર્મની ફિલોસોફી મુજબ મૃત્યુના ઉત્સવને આવકારવાની પ્રક્રિયા એટલે સંથારો, જેને આત્મહત્યા કે ઈચ્છા મૃત્યુ સાથે સાંકળી શકાય નહીં. એવું હું નહીં, ભારતભરના જૈનો કહે છે. કારણ કે આત્મહત્યામાં માણસની જીવન પાસેની અપેક્ષા ખૂટી જાય અથવા તે જીવનથી નાસીપાસ થઈ જાય ત્યારે પલાયન સાધવા મૃત્યુનો વિકલ્પ તરીકે સ્વીકાર કરે છે, જ્યારે સંથારામાં માણસ તમામ અપેક્ષાઓથી ઉપર ઊઠીને મૃત્યુ નામના ઉત્સવને આવકારે છે!
સંથારા અને આપઘાત વચ્ચેનો આ ધાર્મિક ભેદ છે. પણ બંનેનું અંતિમ સત્ય તો મૃત્યુ જ છે. એટલે કોર્ટ આ બાબતે સદંતર ખોટી છે એવું કહેવું પણ વાજબી નથી. ક્યારેક કોઈ વ્યક્તિ નાદાનિયતમાં પણ ધર્મથી પ્રભાવિત થઈને સંથારો લે તો મોટી ઉપાધિ થાય. વળી, થોડા દિવસો અગાઉ રાજકોટમાં તો સંથારાનો એક જુદો જ કિસ્સો પ્રકાશમાં આવેલો, જેમાં ગોંડલના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજ સાહેબના સંથારાને લઈને ઘણા વમળો સર્જાયેલા. બીજી તરફ જૈનોના ચારેય ફિરકાના ધર્મગુરુઓ કે સાધુઓ ભલે હાઈકોર્ટના ચુકાદાથી નારાજ હોય પરંતુ જૈન ધર્મના કેટલાક સામાન્ય લોકો અંદરખાને આ ચુકાદાનું સમર્થન પણ કરી રહ્યા છે. જોકે એ વર્ગ નાનો છે અને ધર્મની બાબત હોવાને કારણે એ વર્ગ ખુલ્લેઆમ ચુકાદાનું સમર્થન નથી કરતો. લેખમાં એમનો મત ઉમેરવા માટે મેં ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એ તમામે વિવાદના ડરથી મિચ્છામિ દુક્કડમ જ કર્યું હતું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર