અનેક અજન્મા વાર્તાઓની પાછળ કારણભૂત કેસ

05 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

ચંદ્રકાન્ત બક્ષીએ ‘કુત્તી’ નામની એક વાર્તા લખેલી અને એ વાર્તા પર ગુજરાત સરકારે અશ્લીલતાનો કેસ કરેલો એ વિશે સાહિત્યના જાણકારો જાણે છે. કેસ સુરતની કોર્ટમાં ચાલેલો અને ‘કુત્તી’ વાર્તા સુરતની ખ્યાતનામ સાહિત્ય અને પ્રકાશન સંસ્થા ‘સાહિત્ય સંગમે’ બક્ષીના એક વાર્તાસંગ્રહમાં પ્રકાશિત કરેલી એટલે બક્ષી ભેગા ‘સાહિત્ય સંગમ’ના કર્તા નાનુભાઈ નાયક પર પણ સરકારે કેસ ઠોકી બેસાડેલો. બક્ષીએ એમની આત્મકથા ‘બક્ષીનામા’માં ‘કુત્તી’ વાર્તા વિશેનો ઉલ્લેખ કર્યો છે, જેમાં એમણે લખ્યું છે કે, કેસ ચાલતો હતો ત્યારે સુરત મેજિસ્ટ્રેટની કોર્ટમાં એમણે અને એમના પ્રકાશકે એટલે કે, નાનુભાઈ નાયકે મુજરીમોની જેમ, રંડીઓના દલાલો અને સાઇકલ ચોરોની સાથે બેસવું પડેલું!

વાર્તા પર થયેલા કેસ બાબતે બક્ષી જેટલા આહત હતા એના કરતા વધારે ઝટકો એમને આ બાબતનો લાગેલો કે, મેજિસ્ટ્રેટ બુટાલાની સામે એમણે સાઇકલના ચોરો અને દલાલો તેમજ ઘરફોડ ચોરી કરતા લૂંટારુઓની બાજુમાં બેસવું પડેલું. આ વિશે બક્ષીએ એમ લખ્યું છે કે, ‘ગુજરાતી ભાષાના એક પ્રમુખ કથાકાર તરીકેનો વર્ષોનો કેફ ઊતરી જવા માટે આ થોડી મિનિટો પર્યાપ્ત હતી.’ વિનોદ ભટ્ટે પણ એમની લાક્ષણિક શૈલીમાં ‘કુત્તી’ કેસ સંદર્ભે લખેલું. ‘કોઈકે ખાનગીમાં બક્ષીને ભડકાવ્યા પણ ખરા કે આ વાર્તા બીભત્સ છે એવું પુરવાર થયું તો કાયદામાં જેલની પણ જોગવાઈ છે! ને બક્ષીના મોતિયા મરી ગયા. તે બક્ષીશાઈ ગરમાવો ખોઈ બેઠા.’

બક્ષી પર જ્યારે ‘કુત્તી’નો કેસ ચાલતો હતો ત્યારે આખા ગુજરાતી સાહિત્યમાંથી કોઈ કરતા કોઈ લેખક કે કવિ બક્ષીની વહારે નહીં આવેલો. આ બાબતનો ચચરાટ બક્ષીને છેલ્લે સુધી રહેલો. અધૂરામાં એમને કોઈએ એમ માહિતી પૂરી પાડેલી કે, સરકારને આ કેસ કરવા માટે કેટલાક ગુજરાતી લેખકોએ પ્રોત્સાહન પૂરું પાડેલું. આ માટે જ બક્ષીએ ‘તથાકથિત મૂર્ધન્ય ગુજરાતી લેખકોને’ છાશવારે અડફેટે પણ લીધા છે. બક્ષીના એ આર્થિક, માનસિક અને વ્યાવસાયિક તારાજીના સમયમાં એક માણસ બક્ષીનો હમસફર બનેલો અને એ માણસ એટલે આપણે ઉપર જેમનો ઉલ્લેખ કર્યો એ સુરતના નાનુભાઈ નાયક.

‘કુત્તી’ જે વાર્તા સંગ્રહમાં સંગ્રહિત થયેલી એ વાર્તાસંગ્રહના પ્રકાશક નાનુભાઈ નાયક હતા એટલે સરકારે નાનુભાઈ પર પણ કેસ કરેલો. પરંતુ જો સરકારે એમ નહીં કર્યું હોત અને માત્ર બક્ષી પર જ કેસ કરાયેલો હોત તોય નાનુભાઈ નાયક બક્ષીની સાથે ઊભા રહ્યા હોત. કારણ કે, નાનુભાઈ કર્મે ભલે લેખક-પ્રકાશક હોય, પરંતુ જન્મે તેઓ નખશિખ અનાવિલ હતા અને ‘એક ડાળને કપાતી બચવવા માટે અનાવલો પચાસ આંબા કપાવવા તૈયાર થઈ શકે છે’ એવું બક્ષીએ જ મહાજાતિ ગુજરાતીમાં નોંધ્યું છે! એટલે નાનુભાઈ નાયક ગમે તે ભોગે પણ બક્ષીને એકલા તો નહીં જ પડવા દેત.

સુરતમાં ‘સાહિત્ય સંગમ’ હેઠળ સાહિત્ય અને સંસ્કૃતિને લગતી વિવિધ પ્રવૃત્તિઓને ધોમધખતી રાખતા નાનુભાઈ નાયક હાલમાં નવમા દાયકામાં જીવે છે. જોકે, હજુ પણ એમની યાદદાસ્ત સાબૂત છે અને કાયા કડેધડે છે. ગુજરાતી સાહિત્યના મર્દ વાર્તાકાર ચંદ્રકાન્ત બક્ષી પર જ્યારે ગુજરાત રાજ્યની જ સરકાર અશ્લીલતાનો કેસ માંડે અને આ કેસથી આહત થઈને બક્ષી હંમેશાં માટે ટૂંકી વાર્તાઓ લખવાનું જ માંડી વાળે એ નાનીસૂની વાત નથી. આમ તો આ કેસમાંથી બક્ષી ઊગરી ગયેલા પણ એ લાખો કથારસિકોનું શું જેઓ બક્ષીની અનેક અજન્મા ટૂંકી વાર્તાઓથી વંચિત રહ્યા?

ખેર, નાનુભાઈ નાયક સુરતમાં જ રહેતા હોય ત્યારે પત્રકાર અને બક્ષીનાં લખાણોના આશિક તરીકે મને એમ ઇચ્છા થઈ કે, નાનુબાપાને મળી આવું અને ‘કુત્તી’ના કેસ વખતે બક્ષીની મનઃસ્થિતિ કેવી હતી એ વિશે જાણી આવું. આખરે બક્ષીના જીવનના ઘણા ઓછા બનાવો છે, જે બનાવોએ વાધ જેવા બક્ષીને તોડી નાંખ્યા હોય કે એમના અવાજમાં નરમાશ આવી ગઈ હોય! જેમાં સાધના કૉલેજનો કેસ, પત્ની બકુલા બક્ષીનું અવસાન અને ‘કુત્તી’ પરનો કેસ મુખ્યત્વે છે.

નાનુબાપાએ આ કેસ સંદર્ભે જે માહિતી આપી એ અત્યંત રસપ્રદ છે. વર્ષો પહેલાં જ્યોતિષ જાની વડોદરામાં ‘પ્રજ્ઞા’ નામનું સાહિત્યનું મેગેઝિન ચલાવતા અને ‘પ્રજ્ઞા’માં ‘કુત્તી’ પહેલી વાર છપાયેલી. એ સમયના રિવાજ મુજબ તમામ મેગેઝિનોએ એમની પ્રકાશિત કોપી સરકારના માહિતી ખાતામાં મોકલવાની રહેતી અને પાંચ-સાત માણસની એક ટીમ તમામ મેગેઝિન્સમાં છપાતી સામગ્રી પર નજર રાખતી. એ સમયે મણિલાલ શાહ નામના એક અધિકારી પેલી ચકાસણી કરતી ટીમના હેડ એટલે એમણે પણ ‘કુત્તી’ વાંચી. ‘કુત્તી’માં થ્રીસમ સેક્સની વાત હતી, જેમાં એક સ્ત્રી બે પુરુષો સાથે એકસાથે સેક્સ માણી રહી હતી એવું વર્ણન હતું.

જે ગુજરાતી સાહિત્યની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓની નાયિકા રસોડામાં ફૂંકણી ફૂંકીને ચૂલો સળગાવવામાંથી ઊંચી નહોતી આવતી અને ઘરના પુરુષોની હાજરીમાં ઘરને ઓટલે નહીં આવી શકતી એ જ સાહિત્યની વાર્તાની નાયિકા બે પુરુષો સાથે સૂતી હોય તો સ્વાભાવિક છે કે, અનેક લોકોના ભવાં તંગ થવાનાં.

‘કુત્તી’ વાંચીને શાહસાહેબે સીધો ‘પ્રજ્ઞા’ના તંત્રીને કાગળ લખ્યો કે, ‘તમે કુત્તી જેવી સાવ સામાન્ય વાર્તા શું છાપો છો? જરા સારી વાર્તા છાપોને…’ એ સમયે ચર્ચાપત્રો લખવાનું સારું એવું ચલણ હતું અને ત્યારના તંત્રીઓ સમાચારો અને લેખોની સાથે ચર્ચાપત્રો છાપવામાં અને એને મઠારવામાં પણ ઘણો રસ લેતા. ત્યારે વાચકો અને લેખકો ચર્ચાપત્રોના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા અને કેટલાક કિસ્સામાં લેખકો અને વાચકો બાખડી પડ્યાનાં ઉદાહરણો પણ પ્રાપ્ત છે. આ જ ચંદ્રકાન્ત બક્ષી અને જાણીતા લેખક સૌરભ શાહે એકવાર ‘સમકાલીન’માં એકબીજા સાથે ખૂબ તડાતડી કરેલી અને તંત્રી હસમુખ ગાંધીએ બંને પક્ષોના ચર્ચાપત્રો દિલથી છાપેલા. જોકે એ સમય જુદો હતો અને મજાનો પણ હતો. હવે તો ઉતારાબાજ ગુજરાતી પત્રકારોના ન્યૂઝ રિપોર્ટમાં જોડણી અને માહિતીનાં ઠેકાણાં નહીં હોય ત્યાં ચર્ચાપત્રોમાં વળી કોણ મગજ ઘસવા બેસવાનું?

થોડું વિષયાંતર થઈ ગયું કેમ? વાંધો નહીં, ફરી બક્ષી પર આવીએ. શાહસાહેબે ‘પ્રજ્ઞા’ના તંત્રીને કાગળ લખ્યો એટલે તંત્રીએ ‘પ્રજ્ઞા’માં એ પત્ર આબેહૂબ છાપ્યો. સ્વાભાવિક જ બક્ષીએ એ વાંચ્યો હોય અને પોતાની વાર્તાઓ વિશે ઘસાતું સાંભળી લે એ બીજા. બક્ષી તો નહીં જ! એટલે બક્ષીએ એમની તેજાબી શૈલીમાં જવાબ વાળ્યો કે, ‘એ(અધિકારી) ક્યાંના લેખક? અને એ તો જાહેરખબરના માણસ છે. એમને સાહિત્યમાં શું સમજ પડે?’ બક્ષીના આવા જવાબથી પેલા અધિકારી સમસમી ઊઠ્યા પરંતુ ત્યારે એમણે કોઈ પગલું ભર્યું નહીં.

થોડા સમય પછી નાનુબાપાના ‘સાહિત્ય સંગમે’ બક્ષીનો 'મશાલ' નામનો વાર્તા સંગ્રહ પ્રકાશિત કર્યો, જેમાં ‘કુત્તી’ને પણ સ્થાન અપાયું હતું. તમામ પ્રકાશન ગૃહોએ પોતાને ત્યાં પ્રકાશિત થતી સામગ્રી સરકારના માહિતી ખાતામાં ફરજિયાત મોકલવાની રહેતી એટલે ‘મશાલ’ વાર્તા સંગ્રહ પણ માહિતી ખાતમાં પહોંચ્યો અને ‘મશાલ’માં ‘કુત્તી’ નામના તણખાએ જ ભડકો પણ કર્યો.

આ પહેલાં પણ ‘કુત્તી’ વાર્તા ‘પ્રજ્ઞા’ના માધ્યમથી માહિતી ખાતામાં પહોંચી હતી પરંતુ ત્યારે સરકારે આ બાબતે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો પરંતુ બીજી વખતે એ જ વાર્તા ફરી સરકાર પાસે પહોંચી તો સરકારને એ વાર્તા બીભત્સ લાગી! આમ, ‘મશાલ’ પ્રકટ થયો એના ગણતરીના દિવસોમાં સરકારે વાર્તાના લેખક અને પ્રકાશ પર કેસ નોંધાવ્યો અને સરકારના ઈશારે દોડતી થઈ ગયેલી પોલીસે ‘સાહિત્ય સંગમ’ પર છાપો મારી ‘મશાલ’ની તમામ કોપી જપ્ત કરી.

સુરત મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસની નોંધણી થઈ અને બક્ષીબાબુ મુંબઈમાં પ્રોફેસરી કરતા એટલે જ્યારે તારીખ પડતી ત્યારે બક્ષીએ મારતે ઘોડે સુરત આવી પહોંચવું પડતું. જોકે, ઘણાના મનમાં એવું છે કે, ‘કુત્તી’ વખતે કોર્ટમાં કાર્યવાહી ચાલેલી અને બક્ષીએ પોતાના બચાવમાં ધારદાર દલીલો કરેલી. સાધના કૉલેજના કેસ વખતે બક્ષીએ મુંબઈની કોર્ટમાં દલીલો કરેલી ખરી અને એવા જ એક દિવસે એમને મેસિવ હાર્ટએટેક પણ આવેલો પરંતુ કુત્તી વખતે બક્ષીને કોર્ટમાં દલીલ કરવાની તક નહોતી મળી.

સતત ચાર વર્ષ સુધી માત્ર બક્ષી અને નાનુબાપાના નામના ઠરાવ પડ્યા કીધેલા અને ચાર વર્ષ સુધી મહિનામાં બે વખત બક્ષીએ મુંબઈથી સુરત હાજરી પુરાવવા આવવું પડેલું. એવામાં ગુજરાતમાં ચીમનલાલ પટેલની સરકાર આવી અને એ સરકારે સુરત કલેક્ટર ઓફિસને ‘કુત્તી’નો કેસ રફેદફે કરવાની સૂચના આપી. સુરતમાં નાનુભાઈને આ વિશે ખબર પડી એટલે એમણે બક્ષીને ફોન કરીને આ સમાચારના વધામણા આપ્યાં અને આવતા ઠરાવ વખતે સુરત નહીં આવવાની સલાહ આપી. જોકે, કોઈક કારણસર કલેક્ટર ઓફિસ મેજિસ્ટ્રેટ સુધી આ માહિતી નહીં પહોંચાડી શકેલી એટલે ઠરાવ વખતે કોર્ટમાં બક્ષીની ગેરહાજરીથી જજ ધૂંઆપૂંઆ થઈ ગયેલા.

નાનુબાપાએ કોર્ટમાં આ બાબતની જાણકારી પણ આપી કે, સરકારે આ કેસને પાછો ખેંચી લીધો છે અને એટલે જ બક્ષી આજે ગેરહાજર છે પરંતુ કોર્ટ પાસે એવી કોઈ માહિતી ન હતી એટલે કોર્ટે બક્ષીના નામનું નોનબેલેબલ વોરંટ કાઢીને બક્ષીની ધરપકડના આદેશ આપ્યાં. નાનુબાપાએ ત્યારે પણ સતર્કતા વાપરી અને બક્ષીને ફોન કરીને ચેતવી દીધા, જેથી બક્ષી ધરપકડથી બચી શકે. જોકે, પછી નાનુબાપાએ કલેક્ટર ઓફિસમાં જઈને એમની મુશ્કેલીની વાત કરી એટલે કલેક્ટર ઓફિસે તરત જ કોર્ટમાં સરકાર તરફથી મળેલી માહિતી મોકલી અને આખો કેસ થાળે પાડ્યો.

બક્ષી નામના વાઘને જ્યારે સત્તા પર બેઠેલા કે સત્તાધીશોનાં ચરણોમાં બેઠેલા લોકોએ કાયદાની જાળમાં ફસાવવાનું નક્કી કરેલું ત્યારે એમને અંશતઃ સફળતા પણ મળેલી અને બક્ષી એ જાળમાં ફસાઈને માછલીની જેમ તરફડેલા પણ ખરા. એ સમયે તેઓ બધી બાજુએથી એકલા પણ હતા પરંતુ સુરતના આ અનાવિલ બંદા બક્ષીની પડખે ઊભા રહેલા અને એમણે બક્ષીને ટકાવી રાખેલા. બક્ષીએ પોતે આ બાબતે આત્મકથામાં લખ્યું છેઃ ‘હું ટકી શક્યો કારણ કે, નાનુભાઈ મારા હમસફર હતા.’

ફીલ ઈટઃ

‘કુત્તી’ના કેસ પછી ગુજરાતી સાહિત્યની ધૂતસભાના બધા જ કૌરવો મારી આંખોમાંથી ઊતરી ગયેલા.

-‘બક્ષીનામા’માં ચંદ્રકાન્ત બક્ષી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.