જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી

18 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

લાહોર શહેરમાં મોઘલકાળના સ્થાપત્યોની ભરમાર છે. પણ કોઈ માણસથી એના જીવન દરમિયાન એ સ્થાપત્યોની મુલાકાત નહીં લેવાય અથવા એ સ્થાપત્યોની સામે ઊભા રહીને સેલ્ફી નહીં લઈ શકાય તો કંઈ ખાટુંમોળું નહીં થાય. તો પછી ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ એવું કેમ? પણ જેમ કમલેશ્વરની નવલકથા ‘કિતને પાકિસ્તાન’માં પાકિસ્તાન શબ્દને વિભાજન કે માણસ-માણસ વચ્ચેની તિરાડના સંદર્ભમાં લેવાયેલો એમ અહીં લહોરને દરેક માણસના વતન-માતૃભૂમિના પ્રતીક તરીકે લેવામાં આવ્યું છે. દરેક માણસને પોતાના વતન પ્રત્યે અનહદ મમત્વ હોય. ભલે પછી એ વતન અભાવોથી છલોછલ અને વિષમતાઓથી ભરપૂર કેમ નહીં હોય. પરંતુ પ્રત્યેક જણના દિલમાં વતન પ્રત્યે ખાસ જગ્યા હોવાની. જો તમે વતન છોડીને સ્વેચ્છાએ ક્યાંક સ્થળાંતર કરો તો બહુ વાંધો નહીં આવે કારણ કે, આ કિસ્સામાં મન થાય ત્યારે ગાડી ગામને રસ્તે હંકારી શકાય છે. ઘરની દીવાલોને સ્પર્શી શકાય છે, વાડીમાં આંટો મારી શકાય છે અને ‘સ્વ’જનોને મળી શકાય છે. પરંતુ જો તમને તમારા વતનમાંથી બળજબરીપૂર્વક તગેડી મૂકવામાં આવે તો? જ્યાં તમે જન્મ્યા છો કે, જે ભૂમિ પર તમારા પૂર્વજોની ચિતા સળગી હોય કે, જ્યાંની કબરોમાં તેઓ પોઢ્યાં હોય એ ભૂમિ પરથી રાતોરાત તમારો અધિકાર જતો કરવામાં આવે અને કહેવામાં આવે કે, હવે જમીનનો આ હિસ્સો ભારત છે અથવા પાકિસ્તાન છે અને અહીં તમારો કોઈ અધિકાર નથી તો તમારી કેવી કફોડી હાલત થાય?

બસ, આવું જ કંઈક થયેલું ‘47ના વિભાજન વખતે, જ્યાં સિરિલ રેડક્લિફે  દોરેલી રેખાઓને કારણે રાતોરાત લાખો લોકો ઘરથી બેઘર અને વતનથી બેવતન થઈ ગયેલા. ‘જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જન્માઈ નઈ’ એ નાટક પણ આ જ વિષય પર આધારિત છે. અસગર વજાહતનું આ નાટક ભારતમાં હબીબ તન્વીરે ભજવેલું. ‘વિભાજનની વ્યથા’ પુસ્તકમાં જણાવાયા મુજબ, ‘લખનવી ઉર્દૂ તથા પંજાબી ભાષાનું સંમિશ્રણ ધરાવતા આ નાટકની જેટલી ચર્ચા થઈ, એના જેટલા પ્રયોગો થયા એટલા છેલ્લાં વીસ વર્ષમાં ભાગ્યે જ કોઈ નાટકના થયાં હશે.’ નાટકમાં આઝાદી-વિભાજન પછીના લાહોરને દર્શાવાયું છે. અહીં કોઈ અંબાલા છોડીને આવ્યું છે તો કોઈ પોતાનું લખનૌ છોડીને આવ્યું છે. બીજી તરફ લાહોરમાં વસતા હિન્દુઓ પણ નવા બનેલા ભારત દેશમાં હિજરત કરી ગયા હતા. આ હિજરત દરમિયાન બંને કોમ વચ્ચે ખૂનની હોળી રમાય છે અને કેટલાય લોકો પોતાનું વતન છોડીને નવા દેશની શોધ માટે નીકળે એ પહેલા જ મોતને ભેટે છે.

લખનૌથી લાહોર આવીને વસેલા મિર્ઝાસાહેબના કુટુંબને ત્યાંના હિન્દુ રતન ઝવેરીની હવેલીનો કબજો સોંપવામાં આવે છે. મિર્ઝાસાહેબ હવેલીમાં આવે એ પહેલા હવેલીમાં એક વૃદ્ધાને બાદ કરતા ત્યાંના તમામ સભ્યોના ઢીમ ઢાળી દેવાયા હોય છે. રમખાણોમાં પોતાના સંતાનોના અવસાન થયા પછી પણ વૃદ્ધા તેના વતન લાહોરનો મોહ નથી છોડતી અને તે મરે ત્યાં સુધી લાહોરમાં જ રહેવા માટે કટિબદ્ધ છે. શરૂઆતમાં તો મિર્ઝાસાહેબ એ વૃદ્ધાને હવેલીમાંથી કાઢવા લાખ પ્રયત્ન કરે છે પરંતુ પાછળથી પોતાની હમદર્દ જેવી વૃદ્ધા એમને પોતીકી લાગવા માંડે છે. તે મિર્ઝાસાહેબના કુટુંબ તેમજ હવેલીની આસપાસ વસતા મુસલમાનોની માઈ બની જાય છે. મુસલમાનોની વસતીમાં કોઈ હિન્દુ અથવા હિન્દુઓની વસતીમાં મુસલમાનનું રહેવું આજે પણ આપણા દેશમાં ટેબૂ છે તો ‘47ની તો વાત જ શું કરવી? નાટકમાં પણ મુસલમાનોની વસતીમાં હિન્દુ મહિલાનું રહેવું કેટલાક લોકો સાંખી લેતા નથી અને વૃદ્ધાને ત્યાંથી હટાવવા કે તેની હત્યા કરવા માટે પેંતરા રચે છે. જોકે અહીં ધર્માંધતાની સામે માનવતાની જીત થાય છે. લાહોરમાં આવીને વસેલા મુસલમાનો હિન્દુ વૃદ્ધાને ઉની આંચ પણ નથી આવવા દેતા.

નાટકમાં અંતે વૃદ્ધાનું મૃત્યુ થાય છે ત્યારે લાહોરના મુસલમાનો ભારે અવઢવમાં મૂકાઈ જાય છે. કારણ કે,  હિન્દુઓના ગયા પછી લાહોરના સ્મશાનોમાં મકાનો બની ગયા છે અને કોઈને હિન્દુઓના રીતરિવાજો આવડતા નથી. બીજી તરફ ત્યાંના મૌલવીનો એવો આગ્રહ હોય છે માણસના અંતિમ સંસ્કાર તેના ધર્મના વિધિવિધાન મુજબ જ થવા જોઈએ. એટલે પછી ત્યાં ભેગા થયેલા લોકો ભારતમાં પોતે જોયેલા હિન્દુ રીતરિવાજોને યાદ કરે છે અને એ મુસલમાનો વૃદ્ધાના શબને ‘રામ નામ સત હૈ, યહી તુમ્હારી ગત હૈ…’ બોલીને અંતિમ સંસ્કાર માટે લઈ જાય છે. આમ તો નાટકમાં ત્યાર પછી પણ એક દૃશ્ય આવે છે પરંતુ માનવતાની જીત દર્શાવનારા આ દૃશ્યને હું નાટકનું અંતિમ દૃશ્ય અને આપણા સૌનું અંતિમ સત્ય માનું છું. એક થયાં વિના કે શાંતિથી એકમેકના સહવાસમાં રહ્યા વિના આપણો છૂટકો નથી. આગલા વર્ષોમાં લોહી રેડીને આપણે કોઈ મોટી ઉપ્લબ્ધિ નથી મેળવી.

તો પાકિસ્તાની લેખિકા બૅપ્સી સિધવાની ‘Ice Candy Man’માં પણ લાહોર શહેર નવલકથાના કેન્દ્રમાં છે. આ નવલકથા પરથી દીપા મહેતાએ ‘1947 Earth’ નામની ફિલ્મ પણ બનાવી છે. ‘Ice Candy Man’માં એક પોલિયોગ્રસ્ત નાની બાળકીની દૃષ્ટિએ વિભાજનની વાતો કરવામાં આવી છે. વિભાજનની જાહેરાત થયાં બાદ લાહોર શહેર કઈ રીતે ભડકે બળ્યું અને વર્ષોથી એકબીજાની સાથે રહેતા લોકો અચાનક હિન્દુ-મુસ્લિમ કે શીખ બનીને એકબીજાના લોહીના તરસ્યાં કેમ થઈ ગયા એ કરુણ વાતોનો ઉલ્લેખ છે. ‘Ice Candy Man’માં વિભાજન દરમિયાન નામર્દો દ્વારા થયેલા સ્ત્રીઓના શોષણનો પણ આછડતો ઉલ્લેખ છે. જોકે આખી નવલકથામાં ભારત-પકિસ્તાનના ભાગલાની વાત હોવા છતાં શરીફા વીજળીવાળા ‘Ice Candy Man’ને વિભાજનની વાર્તા માનતા નથી.

‘વિભાજનની વ્યથા’માં હિન્દીના ખ્યાતનામ લેખક મંઝુર એહતેશામની બહુવખણાયેલી નવલકથા ‘સુખા બરગદ’નો પણ આસ્વાદ છે. આ નવલકથમાં વિભાજન વિશેની વાતો નથી પરંતુ નવલકથામાં જે સમસ્યા દર્શાવાઈ છે એ સમસ્યાના મૂળ વિભાજનમાં છે અને એ સમસ્યાનો સામનો આજે પણ આપણે કરી રહ્યા છીએ. અહીં આઝાદી પછી ભારતમાં હિન્દુ-મુસ્લિમ કોમના સંબંધ અને વિભાજનના પરિણામોની વાત છે. ભારત દેશમાં ધર્મ નામની બાબત દેશના સામાન્ય માણસના અંગત જીવન અને સામાજિક જીવનમાં ફાટ પડાવે છે એની વાતો થઈ છે અહીં.

ખુશવંતસિંહની ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ અને રાહી માસૂમ રઝાની ‘આધા ગાંવ’ બે એવી નવલકથાઓ છે, જેમાં દેશના સાવ અભણ અને મેઈન સ્ટ્રીમથી કંઈક અંશે વિખૂટા માણસની વાત કરવામાં આવી છે. આ બંને નવલકથામાં વિભાજન સમયે ગામડામાં રહેતા માણસને ધર્મ કે રાજકીય કાવાદાવા સાથે શું લેવાદેવા હતી એની હકીકત છે. ‘ટ્રેન ટુ પાકિસ્તાન’નું મનોમાજરા ગામ હોય કે, ‘આધા ગાંવ’નું ગંગૌલી હોય, આ ગામડામાં ભેળા જીવતા બંને ધર્મના લોકોને તેમની ખેતીવાડી કે જીવનની નાનીમોટી જરૂરિયાત સિવાય અન્ય કોઈ બાબત સાથે લેવાદેવા જ ન હતી. ‘આધા ગાંવ’નો છિકુરિયો કહે છે એમ, ‘हम कौनो महापुरुष ना हुई, किसान हुईI हम आकिस्तान-पाकिस्तान ना जानी लाI खेत-बाडी की बात समजी लाI’ પરંતુ કહેવાતા ધર્મના રક્ષકો અને જાડી ખાલના રાજકારણીઓને ખબર છે કે, જ્યાં સુધી આ અભણ પ્રજાને ભડકાવવામાં નહીં આવે અને જ્યાં સુધી એમનું લોહી નહીં રેડાય ત્યાં સુધી એમનો હેતુ પૂરો થઈ શકે એમ નથી એટલે બહારથી આવેલા કહેવાતા ભણેલાબાબુઓ ગામના અબુધ લોકોને હથેળી પર ચાંદ બતાવે છે અને ધર્મને નામે ભડકાવીને ખુવાર કરી નાંખે છે. આ બંને નવલકથાઓમાં બહારથી આવેલી તાકાત જ્યાં સુધી સામાન્ય લોકોને બહેકાવતા નથી ત્યાં સુધી ગામના લોકોની વચ્ચે ગજબનું ઐક્ય જોવા મળે છે. પરંતુ ધર્મ અને રાજકારણના મુદ્દે ભયંકર માઈન્ડ વોશિંગ થયાં બાદ સદીઓથી સાથે રહેતા અને એકબીજા વિના સરપમો દહાડો નહીં ઉજવી શકતા અને વારેતહેવારે એકબીજાને ગળે મળતા એ લોકો એકબીજાના ગળા કાપવાની ચેષ્ટા કરી બેસે છે.

આ લેખના સંદર્ભે મેં શરીફા વીજળીવાળાનો ખાસ સંપર્ક કરેલો અને એમની સામે, ‘આ સંપાદન કેમ?’નો પ્રશ્ન મૂકેલો. તેમણે કહેલું કે, ‘વર્ષ 2002ના દંગાએ મન ભયંકર હલાવી દીધેલી. કેમ માણસ ધર્મને નામે જ ઓળખાય અને ધર્મને કારણે જ કેમ માણસો એકબીજાને કાપવા માટે તૈયાર થઈ જાય છે? આવું શા માટે થયું? તો મને એના મૂળિયાં 1947 જડ્યાં. 1947 પછી બંને કોમ સામસામે એક જ દલીલ કરે કે, તમે કંઈ અમારા પર ઓછું નથી વિતાડ્યું. આ સવાલ મને પાર્ટિશન લિટરેચર પાસે લઈ ગયો. એ દરમિયાન મે મન્ટો, ઇતિંઝાર હુસૈન જેવા લેખકોની વાર્તાના અનુવાદ કર્યાં કે, ‘જેણે લાહોર નથી જોયુ…’નો અનુવાદ કર્યો. આ સાહિત્યના સંપર્કમાં આવ્યાં બાદ મને બીજા પ્રશ્નો થયાં, જેમાં એક વાત મેં સતત અનુભવી કે, સામાન્ય પ્રજાને ન તો ભારતના વિભાજન સાથે કોઈ લેવાદેવા હતી કે ન એમને ધર્મની લડાઈ સાથે લેવાદેવા હતી. બીજું એ કે, 1947માં પણ સામાન્ય પ્રજાને લડાવનારા રાજકારણીઓ જ હતા અને વર્ષ 2002ની ઘટના પાછળ પણ રાજકારણ જ જવાબદાર હતું. પરંતુ મારે એ સાબિત કરવું હતું એટલે મેં બૌદ્ધિકો ઉપરાંત લાહોર, કરાંચી કે સિંધમાં રહેતા લોકોની મુલાકાત લઈને ‘વ્યથાની કથા’ની પુસ્તક તૈયાર કર્યું. ‘વ્યથાની કથા’ એ જ વાતની સાબિતી આપે છે કે, તે સમયની સામાન્ય પ્રજા ન તો વિભાજન વિશે કશું જાણતી હતી કે ન તો એમણે ક્યારેય ભાગલા ઈચ્છયા હતા. પરંતુ આખરે એમણે બળજબરીનો ભોગ બનવું પડ્યું અને એમણે પોતાનું વતન છોડવું પડ્યું.’

આપણે અહીં ‘વિભાજનની વ્યથા’ની વાત કરી પરંતુ શરીફા વીજળીવાળાએ તૈયાર કરેલું ‘વ્યથાની કથા’ પણ ઉત્તમ સંશોધન પુસ્તક છે, જેમાં વિભાજનનો ભોગ બનેલા લોકોથી લઈને દેશ-ગુજરાતના ખ્યાતનામ વિચારકો અને સમાજિક ચિંતકોની લાંબી મુલાકાતો રજૂ કરવામાં આવી છે. ‘વિભાજનની વ્યથા’માં તેમણે ફિક્શન (નવલકથા+ફિલ્મ) દ્વારા વાસ્તવિકતાના મૂળિયાં શોધવાનો પ્રયત્ન કર્યો છે તો ‘વ્યથાની કથા’માં નક્કર વાસ્તવિકતાને જ પૂરાવા તરીકે રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકો આપણને ભારત દેશમાં હિન્દુ-મુસ્લિમ પ્રજાના સદીઓના સહિયારા ભૂતકાળની યાદ અપાવે છે. અહીં સાબિત થયું છે કે, જ્યારે જ્યારે ધર્મ માણસાઈથી ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે માણસને ભાગે માત્ર વેઠવાનું જ આવે છે. સાથે જ અહીં એ વાત પણ નક્કરપણે સાબિત થઈ છે કે, ધર્મ ક્યારેય સંસ્કૃતિથી ઉપર નથી હોતો. કમલેશ્વરની ‘કિતને પાકિસ્તાન’માં કહેવાયું છે એમ આપણે જ્યારે ધર્મમાં માનવાની સાથે ધર્મનું પણ માનતા થઈશું ત્યારે આપણે ચોક્કસ જ એક રહી શકીશું. બાકી દુનિયાનો એકપણ એવો ધર્મગ્રંથ લાવીને બતાવો, જેમાં પ્રેમ અને સહિષ્ણુતાની વાતો નહીં કરવામાં આવી હોય. જો આપણો ધર્મ આપણને સહિષ્ણુતા શીખવતો હોય તો આપણે કેમ દિવસેને દિવસે આટલા અસહિષ્ણુ થતાં જઈએ છીએ?

 ફિલ ઈટઃ

આપણા રોજિંદા પ્રશ્નો, મુશ્કેલીઓ અને જરૂરિયાતો સરખી જ છે, આપણી ભાષા અને સંસ્કૃતિ એક જ છે પછી ધર્મના નામે લડવાથી શો ફાયદો?

-શરીફા વીજળીવાળા

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.