વાત મેબલ, પારકા અને ટીકાની…
આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર હિમાંશી શેલતની યુનિક સ્મરણકથા ‘વિક્ટર’ની આપણે વાતો કરતા હતા. ગયા અઠવાડિયે ‘વિક્ટર’ની પ્રસ્તાવનામાં હિમાંશી શેલતે આલેખેલા એમના પ્રાણીપ્રેમ વિશેની કેટલીક વાતો જોઈ. હવે એમના પ્રાણીઓ વિશે થોડું જોઈએ. ટાઈટલમાં જે મેબલ, પારકો અને ટીકાની વાત થઈ એ ત્રણેય એમની બિલાડીઓ હતી. આ ઉપરાંત પણ એમના સુરતના ઘરે શ્યામલ, થિયોડોર, નાનુ, રસેલ, ટપ્પી જેવી અનેક બિલાડીઓ વસતી. અહીં ‘બિલાડી’ ભલે લખાયું હોય, પરંતુ ઉપર જણાવેલા નામોમાં શ્રીમાનો અને શ્રીમતિઓ એમ બંનેનો સમાવેશ થાય છે, પણ ‘બિલાડો’ જેવો રૂક્ષ શબ્દ આ લખનારને પસંદ નથી એટલે બધે આપણું બિલાડી… બિલાડી… જ ચાલવાનું!
આમ તો હિમાંશીબેનના ઘરે દેશી બિલાડીઓનો જમેલો આજીવન રહ્યો, પરંતુ તેઓ સુરત હતા ત્યારે એમના ઘરે ત્રણ સિયામીઝ કેટ્સ પણ આવેલી. એમને ત્યાં સામાન્ય રીતે ઘરની તમામ બિલાડીઓને એમની વર્તણૂક કે દેખાવને હિસાબે નામ અપાતા, પરંતુ ઉંચા કુળની એ ત્રણ બિલાડીઓને મેબલ, રસેલ અને થિયોડોર જેવું એમના કુળને શોભે એવું નામ અપાયેલું. આ તમામ બિલ્લીઓ માટે એમણે ‘વિક્ટર’માં ઉત્તમરીતે સ્મરણો લખ્યાં છે, જેમાં આવતા વર્ણનો વાંચતા અમસ્તાય વર્ષો પહેલા અવસાન પામેલા એ પ્રાણીઓ આપણી આંખ સામે જીવતા થાય અને એમને સહેજ પુચકારીને આપણી પાસે બોલાવવાની ઇચ્છા થાય!
સ્મરણો આલેખતી વખતે ‘વિક્ટર’માં હિમાંશીબહેને શબ્દો પાસે ગજબનું કામ લીધું છે. સામાન્ય માણસોને તો રોજબરોજના જીવનમાં ધ્યાને પણ નહીં ચઢતી હોય, પરંતુ પ્રાણીઓના સ્વભાવ, એમના દેખાવ કે એમની વર્તણૂક વિષયક વાતો આલેખતી વખતે એમણે એક એકથી ચઢે એવા શબ્દોના પ્રયોગો કર્યા છે. આ કંઈ ધુવડગંભીર વિવેચનાત્મક કે તુલનાત્મક લેખ નથી કે, એ બાબતના ઉદારણો હું પુસ્તકમાંથી શોધી શોધીને અહીં ટાંકુ, પણ એટલું જરૂર કહી શકું કે, પ્રાણીઓ ભલે પસંદ હોય કે ન હોય, પરંતુ ભાષાનું માધુર્ય પણ કોઈએ માણવું હોય તો એમણે ‘વિક્ટર’ વાંચવું. અને ‘વિક્ટર’ જ શું કામ કરકસરપૂર્વક લખાયેલા અત્યંત ટૂંકા વાક્યો અને સીધા દિલને સ્પર્શે એવા શબ્દોની મદદથી વાર્તાઓ આલેખવામાં હિમાંશી શેલતની હથોટી છે એટલે હું તો એમના બધા જ વાર્તાસંગ્રહો વાંચવાની સલાહ આપું!
ખૈર, આપણે તો ‘વિક્ટર’માંની બિલાડીઓની જ વાત કરવાની છે આજે. મેબલ, થિયોડોર અને રસેલ ત્રણ ભાઈ બહેન, જેમાં થિયોડોર મેબલ અને રસેલનો એકનો એક લાડકો ભાઈ. મુંબઈમાં એ ત્રણેયનો જન્મ અને એમના કેર-ટેકરને એવી ઈચ્છા કે, આ ત્રણેયને એકસાથે સ્વીકારી શકે એવું કોઈક ઘર મળે તો સારું. અને એમના નસીબે એમને છેક સુરતમાં પત્રકાર કાળિદાસ શેલતનો ગજ્જર બંગલો જડ્યો, જ્યાં કાળિદાસ શેલતની પૌત્રી એ ત્રણ નાનકાઓને તો શું જગતની તમામ બિલાડીઓને એની બાથમાં ભીડવા તૈયાર હતી! અરે, હિમાંશીબેને પોતે જ ‘અનોખું મૈત્રીપર્વ’ નામના પ્રકરણમાં એમના ઘરની સાત-આઠ બિલાડીઓ વિશે એ વાત નોંધી છે કે, ‘મને તો એવુંયે થાય કે માત્ર આટલી જ શા સારુ, હું પ્રત્યેક બિલાડીને ચાહું છું, એટલી ચાહું છું કે મને તો બધી જ મારી લાગે છે.’
ઘરમાં આવેલી એ ત્રણ નાતવાન બિલાડીમાં પણ મેબલ જરા નોખી. ઘરની અન્ય માર્જારપ્રજા કરતા એ થોડી દેખાવડી અને જાજરમાન પણ ખરી અને ખાવા-પીવા બાબતે પણ એને થોડી ચૂંધી. જોકે એના મળતાવડા સ્વભાવને કારણે મેબલ હિમાંશીબેનના દિલની નજીક ખરી. સામાન્ય રીતે બિલાડીઓ બચ્ચાના જન્મની ઘટના અત્યંત ગેબી હોય. ગાય-ઘોડા કે કૂતરાની સુવાવડ જોવાવાળા ઘણા હશે, પણ બિલાડીઓ તો બચ્ચા લઈને ઘર બદલે ત્યારે જ ખબર પડે કે, આના વારસદારો ધરતી પર અવતરી ચૂક્યા છે! પરંતુ મેબલની જ્યારે પહેલીવાર સુવાવડ હતી ત્યારે એણે હિમાંશીબેનનો સાથ નહીં છોડેલો. આમેય કંઈ એનો ઉછેર દેશી બિલાડીઓ જેવો નહોતો કે, બહેનબા પોતાની મરજી મુજબ ગમે ત્યાં આવન-જાવન કરે. ગજ્જરના બંગલામાં દીકરીની જેમ એનો ઉછેર થયો હોય તો સ્વાભાવિક છે કે, એના જીવનની આવી મહત્ત્વની ઘટનામાં એ ઘરના સભ્યોને સામેલ કરે. જોકે મેબલના સંતાનના જન્મ ટાણે ગજ્જર બંગલાના સભ્યો એ ઘટનાના સાક્ષી ભલે રહ્યા હોય, પરંતુ મેબલનું એ સંતાન માત્ર પંદર જ દિવસ જીવ્યું, જેની વાતો હિમાંશીબહેને અત્યંત ભાવુકતાથી આલેખી છે. ચાલો, મેબલના બચ્ચાના અવસાન વિશેની વાતો હિમાંશી બહેનના શબ્દોમાં જ વાંચીએઃ ‘એણે એક જ બચ્ચાને જન્મ આપ્યો જે પંદરેક દિવસ જીવ્યું. પોતાના બીમાર બચ્ચાને સાથે લઈને બેસતી મેબલને હું એકલી નહોતી છોડતી. એને સધિયારો રહે એ માટે નજીક ખાટલા પર સૂઈ રહેતી. જે દિવસે બચ્ચું બહુ સુસ્ત રહ્યું તે રાતે દોઢ વાગ્યે મેબલ મારી પાસે આવી, હાથ ચાટીને મને જગાડી અને પછી પગ નજીક બચ્ચું મૂકી દીધું. એ બેભાન જેવું હતું, સાવ ધીમા શ્વાસ ચાલતા હતા, અંત નજીક હતો. મારા પગને ઘસાઈને મેબલ જાણે કહેતી હતી કે હવે તારાથી જો કંઈ થતું હોય તો કરી જો, મારાથી તો કશું નથી થતું…
પછી શાંત ભાવે એ દૂર બેસી ગઈ. લગભગ વીસેક મિનિટમાં જ બચ્ચું મરી ગયું. મૃત બચ્ચાને મોંમા ઉઠાવી મેબલ પાછી ટોપલામાં બેસી ગઈ. બચ્ચાને સોડમાં રાખી વારંવાર ચાટે અને કરુણ અવાજે બોલાવતી રહે. ખૂબ સમજાવી-પટાવીને એને દૂર લઈ ગયા ત્યારે બચ્ચાને દાટી શકાયું. તે રાતે એણે અમારા સંબંધનો જે આદર કર્યો અને મારામાં એનો કેવો વિશ્વાસ હતો તે વ્યક્ત કરી દેખાડ્યો એ ઘટના અમીટ છાપ છોડી ગઈ છે ચિત્ત પર.’
આ મેબલ એના પાછલા દિવસોમાં કોઇક બીમારીમાં ખૂબ પીડાતી હતી, જેને કારણે મેબલને છૂટકારો આપવા માટે મર્સી-કિલિંગનો સહારો લેવો પડેલો. મર્સી કિલિંગ માટેનો દિવસ નક્કી કરવો એ હિમાંશીબેન માટે અત્યંત કપરું કામ હતું, પરંતુ મૂંગા જીવને એની પીડામાંથી મુક્તિ અપાવવા સિવાય બીજો કોઈ જ રસ્તો બાકી બચ્યો નહોતો. એમણે લખ્યું છે, ‘મેબલના મૃત્યુનો દિવસ નક્કી કરતાં હું તૂટી ગઈ હતી. એણે આંખો મીંચી ત્યારે નાના ભાઈએ એને માથે હાથ ફેરેવ્યા કરેલો. હું તો ખૂણે ઊભીઊભી રડતી રહી. પણ અમને બંનેને એમ હતું કે મેબલ દુનિયા છોડે ત્યારે માણસજાતમાં એનો ભરોસો અકબંધ રહેવો જોઇએ એટલે છેવટ સુધી એની સાથે રહીને એને કહેતા રહ્યા મેબલ, ડરીશ નહીં, તારી પીડા દૂર કરવાનો આ સિવાય બીજો કોઈ ઉપાય મારી પાસે નથી, અમને માફ કરજે અને કોઈ ને કોઈ રૂપે અમારે ઘેર પાછી આવજે… જરૂર આવજે…
ટીકો હિમાંશી શેલતના ઘરનો દેશી નર મર્જાર, જેના વિશે હિમાંશીબેન એવો અભિપ્રાય ધરાવતા કે, ટીકો એમનો થોડો મંદબુદ્ધિ છે. વળી, ટીકાને એની રજૂઆત થોડા મોટા ઘાંટે કરવા જોઈએ. આ ટીકાને ગળા પાસે ચામડીનો કોઈ રોગ થયેલો, જેને કારણે ગળા પાસેની એની રૂવાંટી ઉખડી જાય અને ગજ્જર બંગલાના સભ્યો એ ચર્મરોગ માટે કંઈક દવા કરે તો ટીકો એ દવા બરાબર ન લે એટલે એનો રોગ જેમનો એમ રહે.
આમ તો એ ટીકો સુરતના પ્રખ્યાત દાસકાકાના ગાંઠિયા ખાવાનો શોખીન, પણ પાછળથી એને કાકડીનું ચેટક લાગેલું. બિલાડીઓની સાત પેઢીમાં કોઇને કાકડી નહીં ફાવી અને એમાંની મોટાભાગનીઓને તો ઠંડી પડતી કાકડી સદે પણ નહીં. પણ ટીકો માર્જારકૂળમાં નવો ચીલો ચાતરવા નીકળેલો એટલે એ બહુ ટેસથી કાકડી આરોગતો. મજાની વાત એ બની કે ટીકાના ચર્મરોગ માટે અનેક દવાઓ કરવા છતાં એમાં કોઈ સુધારો નહીં થયો અને ટીકાએ જ્યારથી કાકડી ખાવાનું શરૂ કરેલું ત્યારથી એના ચર્મરોગમાં રાહત જણાવા માંડેલી અને થોડા સમયમાં તો ટીકાલાલનો ચર્મરોગ સંપૂર્ણ ગાયબ થઈ ગયો.
આ ઉપરાંત ‘વિક્ટર’માં બિલાડીઓ વિશેની જે વાતો રજૂ કરાઈ છે એમાનું ઘણું અહીં શેર કરવાની લાલચ થાય છે, પરંતુ લેખની લંબાઈની ચિંતા ઉપરાંત એક અપરાધભાવ થાય કે, આ બધુ તો વાચકો પોતે પણ ‘વિક્ટર’માં વાંચી જ શકે છે, તો પછી આપણે ડહાપણ કરવાની શું જરૂર? એટલે જ ટાઈટલમાં જે પારકાનો ઉલ્લેખ થયો એની વાત પણ અહીં નથી કરતો. આવતા મંગળવારે ખૂદ વિક્ટર-સોનુ-જૂલી અને મારા પ્રિય લાલિયા જેવા શ્વાનો વિશેની વાતો કરીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર