ફેસબુકનું ઘેલુંઃ પ્રાણ જાય પર ફેસબુક ના જાય

11 Apr, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: repstatic.it

'તમે ફેસબુકનો ઉપયોગ કેમ કરો છો?' આ સવાલ  થોડા સમય પહેલા  મેં મારા વ્હોટ્સ એપ કોન્ટેક્ટ્સમાંના કેટલાક મિત્રોને પૂછ્યો. જવાબો ઈન્ટ્રેસ્ટિંગ આવ્યા. કવિ તુષાર શુક્લએ કહ્યું કે, 'મને ફેસબુક ગમે છે એટલે હું એનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત તમામ એઈજ ગ્રુપના લોકોની વચ્ચે મને મારો દૃષ્ટિકોણ મૂકવાની અને એમના સુધી મારું અથવા અન્ય કોઈનું લખાણ પહોંચાડવાનું પણ મને ગમે છે.' રાજકારણ અને સોશિયલ મીડિયા પ્રમોશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા યુવાન પાર્થેશ પટેલે કહ્યું, 'સોશિયલ એક્ટિવિટીઝ, પોલિટિક્સ પર્પઝ અને નવા-નવા લોકો સાથે સંકળાવા માટે હું એફબીનો ઉપયોગ કરું છું.'

પ્રતિભાશાળી અભિનેતા ફરઝાન કરંજીયાએ કહ્યું, 'જાણીતા-માનીતા લોકોને અમારા નવા-જૂના નાટકો વિશે ખબર પડતી રહે એ માટે.' સોશિયલ મીડિયા એક્સપર્ટ રોહન દેસાઈએ વાજબી જવાબ આપતા લખ્યું કે, 'મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મારા જીવનની મહત્ત્વની પળો શેર કરી શકાય અને એમના સંપર્કમાં રહી શકાય એ માટે. આ ઉપરાંત ફેસબુક એ મારા કામનો ભાગ પણ છે.'

'MY FM'ના RJ મિહિર પાઠક કહે છે, 'કારણ કે એ મારું કામ છે.' વાપીનો યુવાન ચિંતન દેસાઈ કહે છે, 'મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે.' કવયિત્રી હર્ષવી પટેલ એમના શાયરાના અંદાજમાં લખે છે, 'ફેસબુક પરના મારા મોટાભાગના મિત્રો સર્જકો છે, એટલે એમના સર્જનો અને નવા પ્રવાહોથી માહિતગાર થવા, ગમતા લોકોની ગતિવિધિ જાણવા અને ઉમળકો ઊઠે ત્યારે પોતાને પ્રકટ કરવા હું Fbનો ઉપયોગ કરું છું.'

ટેલિવિઝન સિરિયલ્સના પ્રોડક્શન, ડિરેક્શન સાથે સંકળાયેલા નિમિત્ત વોરા લખે છે, 'અમારા ક્ષેત્રમાં નેટવર્કિંગ બહુ જરૂરી છે એટલે ફેસબુકનો ઉપયોગ કરવો જ પડે. આ ઉપરાંત જે લોકો રિયલ લાઈફમાં કોન્ટેક્ટમાં નથી એમની સાથે હું વર્ચ્યુઅલી કનેક્ટેડ રહું છું.' વરિષ્ઠ પત્રકાર અલકેશ પટેલ લખે છે, 'હું હિન્દુત્વને બચાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરું છું.'

...ને આ ઉપરાંત  પણ ફેસબુકના ઉપયોગ વિશે જાતજાતના રસપ્રદ જવાબો આવ્યા. આજે તમામ માણસ કોઈ ચોક્કસ હેતુથી ફેસબુકનો ઉપયોગ કરે છે. કોઈએ પોતાનો પ્રચાર કરવો છે, તો કોઈએ પોતાના વ્યવસાયનો પ્રચાર-પ્રસાર કરવો છે. કોઈએ બીજાએ લખેલું ‘સારું’ વાંચવું છે, તો કોઈએ પોતાની વિચારધારાનો ફેલાવો કરવો છે. આ બધા જવાબોનો અર્ક કાઢીએ તો દરેક માણસે જાણીતા અથવા અજાણ્યા મોટા સમુદાયની આગળ કોઈને કોઈ રીતે વ્યક્ત થવું છે, પોતાના વિચારો વ્યક્ત કરવા છે અને હાલના સમયમાં ફેસબુક ખરેખર એના માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. 

ઉપર જે નામો લીધા એ તમામ નામો પોતપોતાના ક્ષેત્રમાં અને પોતાના કામમાં અત્યંત ખૂપેલા, સારી નામના મેળવી ચૂકેલા લોકો છે. એમનો ફેસબુકનો ઉપયોગ લિમિટેડ અને ચોક્કસ હેતુ માટેનો હોઈ શકે છે. પરંતુ આવા લોકો જૂજ છે, લઘુમતીમાં છે. અન્યથા દુનિયાભરમાં ફેલાયેલો બહુ મોટો વર્ગ એવો છે, જે દિવસનો મોટાભાગનો સમય ફેસબુક પર વેડફે છે અને તેઓ વિના કોઈ કારણ ફેસબુકનો ઉપયોગ કરે છે.

આવા લોકોને ફેસબુક એડિક્ટેડ કહેવાય અથવા ફેસબુકના વ્યસની, બંધાણી પણ કહેવામાં આવે છે. જેઓ થોડા થોડા સમયે અમસ્તુ જ પોતાનું ફેસબુક ચેક કરતા રહેશે, સાથે બીજાના પ્રોફાઈલ પણ ચેક કરતા રહેશે, કોઈકની પોસ્ટ અથવા ફોટોગ્રાફને લાઈક નહીં કરે તોય બીજા કેટલા લોકોએ એ સ્ટેટસમાં લાઈક કરી છે કે, કેટલાએ એમાં કોમેન્ટ કરી છે એનો હિસાબ રાખશે અને પોતે તરતા મૂકેલા સ્ટેટસ અથવા કોઈને માથે મારેલા ફોટોગ્રાફ પર વધુ સંખ્યામાં લાઈક્સ કે કમેન્ટ્સ નહીં આવે તો હિજરાતા રહેશે, ડિપ્રેસ્ડ થતાં રહેશે.

ઈન્ટરનેટ પર આવા લોકોની વૃત્તિ અથવા માનસિકતાને ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’ કહેવામાં આવે છે. ફેસબુક માટેના લોકોના વળગણને લઈને દુનિયાના કેટલાક મનોચિકિત્સકોએ સંશોધન પણ કર્યાં છે. જોકે માનસશાસ્ત્રના ક્ષેત્રમાં સત્તાવાર રીતે  FAD એટલે કે, Facebook addiction disorder ને સ્વીકારવામાં આવ્યો નથી. ઈન્ટરનેટ પર જ ખાંખાંખોળા કરતી વખતે આ સિન્ડ્રોમની વ્યાખ્યા પણ જડી આવી છે.

વ્યાખ્યા કંઈક આમ છે, 'જે વ્યક્તિ પોતાના દિવસનો મોટાભાગનો સમય વારંવાર ફેસબુક નોટિફિકેશન્સ ચેક કરવામાં અથવા અન્યોની ફેસબુક ગતિવિધિઓ પર નજર રાખવામાં વીતાવતી હોય તો એ વ્યક્તિના એવા લક્ષણને ફેસબુક એડિક્શન ડિસઓર્ડર કહેવામાં આવે છે, જેના કારણે તે વ્યક્તિના રોજિંદા જીવન, તેના અભ્યાસ અથવા એના કામ તેમજ તેના સંબંધો પર માઠી અસરો થાય છે!'

મુદ્દાની વાત જ અહીં આવે છે. જ્યાં સુધી કોઈ પણ બાબત આપણા ખપમાં આવતી હોય ત્યાં સુધી તે ઠીક છે પરંતુ જ્યારે એની માઠી અસરો શરૂ થાય ત્યારે મોકાણ પડે છે.

ફેસબુકનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે, કેટલાક લોકો એવા હોય છે, જેઓ મૌલિક રીતે એક પણ સ્ટેટસ અપલોડ નહીં કરે, પરંતુ એમની વૉલ પર દેખાતી તમામ પોસ્ટ, તમામ ફોટોગ્રાફ્સ પર એમની એક્સપર્ટ કમેન્ટ્સ આપશે. છેલ્લે કંઈ નહીં તો ‘વાઉઉઉ… ઓસમ..’, ‘બ્યુટીફુલ’, ‘વાહ ક્યા બાત’ તો લખશે જ.

આમાં કશું ખોટું નથી, લખવું જ જોઈએ. સોશિયલ નેટવર્કિંગ છે તો સામાજિક રીતભાતો ઈન્ટરનેટ પર પણ નિભાવવી જ રહી. પણ ઉપર લખ્યું એમ, પ્રશ્ન ત્યારે ઊભો થાય છે, જ્યારે જે-તે વ્યક્તિ બીજાઓ દ્વારા દિવસ-રાતના કોઈ પણ પ્રહરમાં અપલોડ થતાં ફોટોગ્રાફ્સ કે સ્ટેટ્સ પર ત્વરિત પ્રતિભાવ આપતી હોય એનો મતલબ એ કે, એ માણસ ચોવીસ કલાક ફેસબુક પર હાજરાહજુર છે. એની ચોવીસ કલાકની હાજરી જ એ વાતનો પુરાવો આપે છે કે, એ માણસ ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’નો શિકાર છે. બાકી યાર કોણ નવરું હોય આમ ચોવીસ કલાક કમેન્ટબાજી કરવા માટે?

આ તો થઈ બીજાના સ્ટેટસ-ફોટોગ્રાફ્સ પર કમેન્ટ્સ કે લાઈક્સ ઠોકવાળાની વાત. બીજી એક લૉબી એવી છે, જે દિવસના આઠે પ્રહર પોતાની તમામ ગતિવિધિઓની અપડેટ ફેસબુક પર મૂકતા રહે છે. ક્યાંક મંદિરે ગયા તો ચેક-ઈન કરશે, બગીચામાં ગયા તો ફટ દઈને ફોટોગ્રાફ અપલોડ કરશે, ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું તો પહેલા ફીલિંગ સેડ અને પછી ફીલિંગ અલોન લખશે, એક્ઝામ ટાઈમ હોય તો લેટ નાઈટ સેલ્ફી અપલોડ કરશે, વહેલા ઊઠી પડ્યાં તો ફીલિંગ ફ્રેશ સાથેની એક મોર્નિંગ સેલ્ફી મૂકશે, ઘરે બલાળંત પાળ્યંક હોય તો વળી બલળાંનેય મારી-ભટકાટીને સેલ્ફીમાં લઈ લેશે! બપોરે બાપુજી સાથે જમવા બેઠાં તો, ‘હેવિંગ ‘ડિનર’ વિથ બાપુજી’ લખશે, રાત્રે ઉંઘવા ગયા તો ફીલિંગ સ્લીપી લખીને સાથે દસ-પંદર જણાને ટેગ કરશે. એમાંય ટેગ થયેલી વ્યક્તિઓમાં સ્ત્રીઓ અને પુરુષોનું કોઈ વર્ગીકરણ નહીં કરવાનું. જે હાથે ચડ્યું એને દેમાર ટેગ કરવાના.

… અને આવું તો બીજું કેટલુંય. અને પછી પોતાનું સ્ટેટસ, ચેક-ઈન કે પછી ફોટોગ્રાફ અપલોડ થયાં પછી કોઈની લાઈક્સ કે કમેન્ટ આવી છે કે નહીં એ જોવા માટે દર પાંચમી મિનિટે ફેસબુક ચેક કરતા રહેવાનું. ભગવાનની મહેરબાનીથી પાંચ-પચાસ લાઈક્સ અને બે-ત્રણ કમેન્ટ્સ આવી ગઈ તો ઠીક, નહીં તો પોતાની અવગણના થઈ છે એવું માનીને જીવ બાળતા રહેવાનું. મેં તો એમ પણ વાંચ્યું છે કે, પોતાના સ્ટેટસ કે ફોટોગ્રાફ્સ પર પૂરતી લાઈક્સ-કમેન્ટ્સ નહીં આવે તો કેટલાક માણસો ડિપ્રેશનનો શિકાર બન્યાં છે!

જોકે મારું સામાન્ય ઑબ્ઝર્વેશન એવું છે કે, અપવાદોને બાદ કરતા ફેસબુક યુઝ કરતા લગભગ તમામ માણસોને વત્તાઓછે અંશે ફેસબુક એડિક્શન હોય છે. આ બાબત નકારીને પોતાનું સાધુત્વ સાબિત કરી શકાય એમ નથી. કારણ કે, હવે તો સાધુઓ પણ ફેસબુકનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ફરક માત્ર એટલો છે કે, કેટલાક ફેસબુકનો પ્રમાણસરનો ઉપયોગ કરે છે, તો કેટલાક પ્રમાણભાન ભૂલીને ગામ ગજાવે છે.

હવે આપણે ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’ ના કેટલાક લક્ષણો જોઈએ, જે લક્ષણો પરથી તમે જ નક્કી કરજો કે, તમારે સાયકિયાટ્રીસ્ટ પાસે જવાની જરૂર છે કે નહીં. તમારી ટેસ્ટ કન્ફર્મ થઈ જાય અને તમને ખાતરી થઈ જાય કે, તમે ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’ શિકાર નથી તો બીજા લોકોની ગતિવિધિ પર નજર રાખીને એની બીમારીનો ક્યાસ કાઢજો અને એ વ્યક્તિ જો નજીકની હોય તો ક્યારેક એને ખૂણામાં લઈ જઈને સમજાવજો કે, ‘બકા, આ તો સારું છે કે, હાર્દિકના આંદોલન પછી ગુજરાતમાં બીજા કોઈ આંદોલન નથી થયાં. નહીંતર આનંદીબેન સરકારને છાશવારે અઠવાડિયા-દસ દિવસ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદવાની ફરજ પડી હોત, તો તારા શા હાલ થયાં હોત? તું રઘવાયો થઈને વાંદરાની જેમ ગુલાંટો નહીં મારતો હોત?’

તો ચાલો હવે ફેસબુક એડિક્શન ડિસઓર્ડરના લક્ષણો વિશે જોઈએ. આ લક્ષણોમાનું પહેલું લક્ષણ એટલે,

ઓવર શેરિંગઃ

કવિ સુરેશ દલાલે કોઈક ઈન્ટરવ્યુમાં એક વાત કહેલી કે, ‘બોલવું અને બોલબોલ કરવું એ બે બાબતોમાં જમીન-આસમાનનો તફાવત છે.’ કવિની વાત ફેસબુક બાબતે પણ લાગુ પડે છે. આપણે માણસો છીએ એટલે આપણને વ્યક્ત થવાનું, કે લોકોને આપણા જીવનની સારી-નરસી બાબતો વિશે જાણકારી આપવાનું મન થાય એ સ્વાભાવિક છે. અને સોશિયલ મીડિયા તો છે જ એના માટે. પણ જે એડિક્ટેડ હોય એ એની સવારથી લઈને સાંજ સુધીની તમામ ગતિવિધિઓની જાણકારી ફેસબુક પર  આપતા રહે અને વ્યક્ત થવાની જગ્યાએ આખેઆખા ઢોળાતા રહે.

એવા લોકો અમૃતસરમાં ‘જલિયાંવાલા બાગ’ ગયા હોય તો પહેલા ત્યાંનું ચેક-ઈન કરશે, ત્યાંથી બહાર નીકળીને પાંચ મિનિટ પછી મસમોટો લસ્સીનો ગ્લાસ ગટગટાવશે તો એની સાથેનો એક ફોટોગ્રાફ અપલોડ કરીને ફીલિંગ હંગરી પણ લખશે અને ત્યાંથી પંદર ડગલા દૂર સુવર્ણ મંદિરમાં દર્શને જશે તો ત્યાં જઈને ફીલિંગ બ્લેસ્ડ લખીને માથે પીળા રૂમાલ વાળો ફોટોગ્રાફ પણ અપલોડ કરશે. આને ગાંડપણ નહીં કહેવાય તો બીજું શું કહેવાય? ઓવર શેરિંગ અને એડિક્શનનું આનાથી સારું ઉદારણ બીજું કોઈ હોઈ શકે?

ગમે ત્યારે ફેસબુક ચેક કરતા રહેવું

આપણે ફ્રી હોઈએ ત્યારે અથવા દિવસમાં પાંચ-સાત વાર સમય કાઢીને ફેસબુકની ન્યુઝ ફીડ ચેક કરીએ અથવા આપણા પર કોઈ નોટિફિકેશન આવે અને આપણે કોઈની કમેન્ટનો પ્રતિઉત્તર અથવા કોઈ ટેગનું અપ્રુવલ આપીએ એ એકદમ યોગ્ય છે. પણ કેટલાક લોકોના જીવને જરા સરખી શાંતિ નથી હોતી અને દર પાંચમી મિનિટે ફેસબુક એપ પર ક્લિક કરીને નોટિફિકેશન્સ ચેક કરતા રહે છે. આના કારણે થાય છે શું કે તમે જ્યાં, જે કામ માટે બેઠા હો ત્યાં તમારું પૂરું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને તમારા સો ટકા નથી આપી શકતા.

કોઈની સાથે ગપ્પા મારતા હો ત્યાં સુધી ઠીક છે, પરંતુ કેટલાક લોકો ઓફિસમાં કોઈ મહત્ત્વનું કામ કે મિટિંગ હોય અને બોસ સામે બેઠા હોય ત્યારે પણ મોબાઈલમાં ડીંગલીચારો કરતા રહેતા હોય છે. જોકે કેટલાક કિસ્સામાં તો એમ બને કે, બોસ અને કર્મચારી બંને મિટિંગને કોરાણે મૂકીને પોતપોતાના ફેસબુકમાં ડૂબકીઓ મારી રહ્યા હોય અને ત્રીજો માણસ એમને જોઈને ઈમ્પ્રેસ થઈ જાય કે, ‘વાહ, બંને જણા તો જબરા વર્કોહોલિક છે!’ પણ એને ક્યાં ખબર હોય એ બંને ફેસબુક ચેક કર્યા સિવાય બીજું કશું જ નથી કરતા.

ફેસબુક પર સતત હાજરી

ઉપર વાત કરી એમ, કેટલાય લોકો એવા હોય છે, જેઓ ફેસબુક પર પળેપળની જાણકારી આપતા રહેતા હોય છે. આમ તો આ ઓવર શેરિંગનો જ એક પ્રકાર છે, પરંતુ આમાં પેલા બીજાની તમામ પોસ્ટ પર ‘વાઉઉઉઉ….’, ‘ઓસમ’ કરનારા લોકો પણ આવી જાય છે. જેઓ પોતે ભલે કંઈ નહીં લખતા હોય કે વરસને વચલે દિવસે પોતાનું પ્રોફાઈલ પિક્ચર પણ ચેન્જ નહીં કરતા હોય, પરંતુ તેઓ માર્ક ઝુકરબર્ગના આ એડવેન્ચરને આડે નહીં જવા દેવા માગતા હોય એમ પોતાની હાજરી જરૂર નોંધાવતા રહેશે.  

કટાણે લાઈક્સ, કમેન્ટ્સ કે સ્ટેટસ અપડેટ કરતા રહેવું

દિવસ દરમિયાન તમે કોઈ પણ સમયે તમારો ફોટોગ્રાફ અપલોડ કરો ત્યાં સુધી ઠીક છે. પરંતુ કેટલાક લોકોને રાત્રે બાર પછી કે વહેલી સવારે સાત વાગ્યે સ્ટેટસ કે ફોટોગ્રાફ શેર કરવાની આદત હોય. આવા લોકો રાત્રે ઉંઘે ત્યારે છેલ્લું કામ ફેસબુક પર ‘ગુડ નાઈટ દોસ્તો’ લખવાનું કરે અને સવારે ઉઠે એવા ‘ગુડ મોર્નિંગ’ લખે. એવામાં રાત્રે પાણી પીવા ઊઠે ત્યારે ‘ગુડ નાઈટ’ લખ્યું હોય એના લાઈક્સ-કમેન્ટ્સના નોટિફિકેશન્સ ચેક કરે એ વધારાના! આવા લોકો ફેસબુકના ચક્કરમાં પોતાની ઉંઘ કે ખોરાક પણ બરાબર લઈ શકતા નથી, જેના કારણે ઘણી મોટી સમસ્યાઓ સર્જાવાની ભીતિ રહે છે.

વધારે મિત્રો એડ કરતા રહેવાનું ગાંડપણ

આમ તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અજાણ્યા, પણ સારા લોકો સાથે ફ્રેન્ડશીપ કરવાની પણ મજા હોય છે અને કેટલાય લોકોને આ રીતે એકબીજા સાથે સારા સંબંધો પણ બંધાતા હોય છે. પરંતુ આજના સમયમાં સોશિયલ મીડિયામાં હવામાં ગોળીબાર કરવું હિતાવહ પણ નથી. અહીં હર વખતે જો દિખતા હૈ વો હોતા નહીં. એટલે સોશિયલ મીડિયામાં છાશ તો શું, કૉલ્ડ કોકો પણ ફૂંકી ફૂંકીને પીવું જરૂરી બની જાય છે.

જોકે કેટલાક લોકોને આવો કોઈ ડર નથી હોતો અને તેઓ જોયા મૂક્યા વિના ગમે એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દે છે. એમને એવો અભરખો હોય છે કે, ફેસબુકમાં એમના મેક્સિમમ ફ્રેન્ડ્સ હોય! આ કારણે એમના ફ્રેન્ડ્સ તો વધતા જાય પણ ડે ટુ ડે એક્ટિવિટીઝમાં એમનું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી હોતું. નથી એવા અજાણ્યાઓ કોઈના સ્ટેટસ લાઈક કરતા કે નથી તેઓ કોઈના પર કમેન્ટ કરતા. તેઓ માત્ર શોભાના ગાંઠિયા પુરવાર થાય છે. જો તેઓ આપણા પર એક નાની અમસ્તી લાઈકની પણ રહેમત નહીં કરવાના હોય તો એમની આપણા ફ્રેન્ડલીસ્ટમાં જરૂર જ શું? હેં? એમને એડ કરવા પાછળનું કારણ શું? પેલો ફ્રેન્ડ્સનો આંકડો મોટો દેખાય એ એડિક્શન જ ને?

આ ઉપરાંત પણ ફેસબુક એડિક્શન ડિસઓર્ડરને ડિફાઈન કરવાના બીજા કેટલાય તરીકા છે, પણ હવે લેખ લાંબો થવા માંડ્યો છે. હજુ લંબાવવામાં મજા નથી. લેખનો હાર્દ એટલો જ કે આપણે આ બીમારી અથવા ગાંડપણનો ભોગ નથી બનવાનું. નહીંતર આપણે બીજા કોઈના મનોરંજનના સાધન બનીશું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.