અજાતશત્રુ અટલ (5) - તેર દિવસના વડાપ્રધાન

06 Dec, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: patrika.com

'આજ સે પહેલે ઈસ સદન(લોકસભા) મેં એક દલ કી સરકાર હોતી થી, ઔર બીખરા હુઆ વિપક્ષ હોતા થા. લેકીન આજ બીખરી હુઈ સરકાર હૈ ઔર એકજુટ વિપક્ષ હૈ. ક્યા યૈ દૃશ્ય અપને આપ મેં જનાદેશ કી અવહેલના કી ખૂલી કહાની નહીં કેહ રહા? લેકીન અધ્યક્ષજી, ઈતિહાસ મેં એસા પહેલી બાર નહીં હુઆ કી રાજ્ય કા સહી અધિકારી અપને રાજ્યાધિકાર સે વંચિત કીયા ગયા હો. ત્રેતા મેં યહી ઘટના રામ કે સાથે ઘટી થી, રાજ ટિલક કરતે કરતે ઉન કો વનવાસ ભેજ દીયા ગયા. દ્વાપર મેં યહી ઘટના ધર્મરાજ યુધિષ્ટિર કે સાથ ઘટી થી, જબ ધૃત શકુની કી દુષ્ટ ચાલો ને રાજ્ય કે અધિકારી કો રાજ્ય સે બાહર કર દીયા થા. અધ્યક્ષજી અગર એક મંથરા ઓર એક શકુનિ રામ ઔર યુધિષ્ઠિર જેસે મહાપુરુષો કો સત્તા સે બાહર કર શકતે હૈ તો હમારે ખિલાફ તો કિતની મંથરાએ ઔર કિતને શકુનિ એકઠ્ઠે હુએ હૈ, હમ રાજ્ય મેં બને કેસે રહ શકતે હૈ? શાયદ રામ રાજ્ય ઔર સ્વરાજ કી નિયતિ હી યે હૈ કી, વો એક બડે ઝટકે કે સાથ મિલતા હૈ. ઓર ઈસી લીયે મેં પૂરે વિશ્વાસ કે સાથ યે કહેના ચાહતી હું કી જીસ દિન (28 મે 1996) મેરે આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીને ઈસ સદન મેં પ્રધાનમંત્રી પદ સે અપને ત્યાગપત્ર કી ઘોષણા કી થી, હિન્દુસ્તાન મેં ઉસ દિન રામરાજ્ય કી ભૂમિકા તૈયાર હો ગઈ થી. હિન્દુસ્તાન મેં ઉસ દિન સ્વરાજ કી નીવ પડ ગઈ થી....'

બહારથી કોંગ્રેસના ટેકા સાથે જ્યારે એચ. ડી દેવેગૌડાની શંભુમેળા સરકાર બનેલી ત્યારે લોકસભામાં વિશ્વાસ મતનો વિરોધ કરવા માટે હાલના વિદેશમંત્રી સુષ્મા સ્વારાજે લોકસભામાં એક તડકતભડ વકતવ્ય આપેલું એનો અંશ ઉપર જેમનો એમ મૂકાયો છે. સુષ્મા સ્વરાજનું આખું વકતવ્ય યુટ્યુબ પર અવેલેબલ છે. અડધા કલાકનું એ વકતવ્ય એટલું રસપ્રદ અને તથ્યોના આધાર પર હતું કે, એ સમયે લોકસભાના સ્પિકર એવા નિતિશ કુમારે સુષ્મા સ્વરાજને આજીજી કરવી પડેલી કે, 'પ્લીઝ, ડોન્ટ મેક યોર સ્પીચ સો ઈન્ટ્રેસ્ટિંગ...!'

સુષ્મા સ્વરાજે એ વકતવ્યમાં એમ પણ પૂછેલું કે, જેમની વિચારધારાઓ બે અંતિમ છેડા પરની હોય એવા લોકો કયા હિસાબે એક થયા અને કયા આધારે એ બધાએ સરકાર બનાવી? જે મમતા બેનરજી બંગાળમાં કોમ્યુનિસ્ટો સાથે લડી લડીને અનેક વાર ઘવાયા છે એ મમતા બેનરજી લોકસભામાં કયા હિસાબે સોમનાથ ચેટર્જીની સાથે બેઠા? રામલખન યાદવ અને લાલુ યાદવ કયા સિદ્ધાંતે સાથે બેઠા? ઉત્તરાખંડની મહિલાઓના સોદા કરીને નારાયણદત્ત તિવારી મુલાયમ સિંઘ યાદવની બગલમાં શું કામ બેઠા? અને કરુણાનિધિએ દેવેગૌડાને વડાપ્રધાન તરીકે કયા હિસાબે સ્વીકાર્યા? 

એક રીતે જોવા જઈએ તો સુષ્મા સ્વરાજની વાત પણ સાચી હતી કારણ કે, જે નેતાઓ પોતાના રાજ્યમાં એકબીજાની વિરિદ્ધ લડતા હતા એ બધા કેન્દ્રમાં એક થઈ ગયા હતા અને 1996ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપને સત્તાથી દૂર કરવાની મથામણમાં હતા. વિરોધી વિચારધારા અને એકબીજાના કટ્ટર હરીફ કહી શકાય એવા નેતાઓએ એક થઈને દેવેગૌડા સરકાર બનાવી એની પાછળ તેઓ એવું કારણ આપી રહ્યા હતા કે, ભાજપ એક સાંપ્રદાયિક પક્ષ છે અને સાંપ્રદાયિક તાકાતોને સત્તામાં લાવવું દેશ માટે હાનિકારક છે!

જોકે સુષ્મા સ્વરાજ આ બાબતનો પણ જવાબ આપતા કહે છે કે, આ બધાએ બિનસાંપ્રદાયિકતાનું તો મહોરું પહેર્યું છે. બાકી, દિલ્હીની સડકો પર ત્રણ હજાર શીખોની કતલ કરનારા પોતાની જાતને બિનસાંપ્રદાયિક કઈ રીતે કહી શકે? મુસ્લિમ અને યાદવોની જોડ બેસાડનારા આ જનતા દળવાળા સેક્યુલર છે? પોતાની વોટબેન્કને ખુશ કરવા માટે નિર્દોષ રામ ભક્તોને ગોળીએ દેનારા સપા (સમાજવાદી પક્ષ)વાળા પોતાને સેક્યુલર કહેડાવે છે? બાંગ્લાદેશના ઘૂસણખોરોની વકીલાત કરનારા આ કોમ્યુનિસ્ટો સેક્યુલર છે? પરંતુ સચ્ચાઈ તો એ છે કે, આ બધા બિનસાંપ્રદાયિકતા માટે ભેગા નથી થયાં, પરંતુ બોફોર્સ કાંડથી લઈ ચારાકાંડ અને હવાલાકાંડ જેવા અનેક કૌભાંડોનો ઢાંકપીછોડો કરવા માટે આ બધા ભેગા થયા છે અને એમણે સરકાર બનાવી છે.

થયેલું એમ કે 1996ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ વખતે પરિણામો ખૂબ અસ્પષ્ટ આવેલા. અટબિહારી વાજપેયીના નેતૃત્વવાળી (જોકે ત્યારે પક્ષના પ્રમુખ અડવાણી હતા, પણ નેતૃત્વ તો અટલજીનું જ!) ભાજપને 161, કોંગ્રેસને 140, જનતા દળને 46, સીપીએમને 32, સીપીઆઈને 12, સમાજવદી પક્ષને 17, અને ડીએમકેને 16 સીટો મળેલી. આવે ટાણે કોઈ પણ એક પક્ષે રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્મા સામે પોતાની બહુમતી રજૂ કરીને સરકારની રચના કરવાની હતી. કોંગ્રેસ તો ઠીક ભાજપને અન્ય પક્ષો સાથે પણ ઝાઝું બનતું ન હતું ત્યાં એમના માટે અન્ય પક્ષોનો ટેકો મેળવવો મુશ્કેલ હતો. અને બંગાળ અને દક્ષિણ ભારતમાંથી ચૂંટાઈને આવેલા ડાબેરીઓ એક સંયુક્ત મોર્ચો બનાવીને એમની સરકાર બનાવવાની ફિરાકમાં હતા. આ માટે તેઓ રાષ્ટ્રપતિ પાસે જઈને પોતાનો મનસૂબો જણાવી પણ આવ્યા હતા અને સાથે એવું પણ કહી આવેલા કે, અમે કોંગ્રેસનો ટેકો લઈ આવીશું અને બને એટલી જલદી સરકાર રચીશું!

જોકે રાષ્ટ્રપતિને મળી આવ્યા બાદ કોમ્યુનિસ્ટ લિડર હરકિશનસિંહ સુરજીત અને અન્ય કોમ્યુનિસ્ટ નેતાઓનો કોઈ અતોપતો ન હતો એટલે રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેઈને ચીઠ્ઠી મોકલી કે, 'ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં તમારી સાથે થોડી ચર્ચા કરવી છે.' રાષ્ટ્રપતિએ બોલાવ્યા એટલે અટલજી રાષ્ટ્રપતિ ભવન ગયા તો ખરા, પરંતુ રાષ્ટ્રપતિ કંઈક બોલે એ પહેલા એમણે કહ્યું કે, 'ચર્ચા? કેવી ચર્ચા? ચર્ચા કરવાનો કોઈ અર્થ છે ખરો? તમારે તો મને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવાનું હોય, ચર્ચા કરવા માટે નહીં...' 

અટલજીની આ વાત સાંભળતા જ રાષ્ટ્રપતિએ એમના ખીસામાંથી એક પત્ર કાઢ્યો અને વાજપેયીજીને આપ્યો. વાજપેયીજીએ પત્ર વાંચીને સ્મિત સાથે માત્ર એટલું જ કહ્યું કે, 'સ્વીકાર હૈ...' કારણ કે, ભારતના લોકતંત્રના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું હતું! અલબત્ત, જ્યારે રાષ્ટ્રપતિના સરકાર બનાવવાના આમંત્રણનો સ્વીકાર કર્યો ત્યારે ભાજપ પાસે ન તો બહુમતી હતી કે નહીં તો બહુમતી મેળવવા માટેની કોઈ આશા સુદ્ધાં હતી, પરંતુ અટલજીએ વિચાર્યું કે, કાલનું કાલે જોવાયું હશે અને અમારો પક્ષ અમે સંસદમાં મૂકીશું. આજે તો રાષ્ટ્રપતિના પ્રસ્તાવનો સ્વીકાર કરવો જ રહ્યો! એમણે રાષ્ટ્રપતિ ભવનમાંથી જ અડવાણીને ફોન કરીને કહ્યું કે, 'રાષ્ટ્રપતિ ને લડ્ડુ દે દીયા...'

વાજપેયીજીએ રાષ્ટ્રપતિના આમંત્રણનો સ્વીકાર તો કર્યો, પરંતુ ભાજપનું મોવડી મંડળ માટે આ મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે, બહુમતી કઈ રીતે સાબિત કરવી? રાષ્ટ્રપતિના આમંત્રણ બાદ બીજા જ દિવસે વાજપેયીજીએ વડાપ્રધાન તરીકેના શપથ પણ લઈ લીધા અને ભાજપ શિવસેના તેમજ પંજાબના અકાલી દળના સમર્થનથી 194 સીટ સુધી તો પહોંચી હતી, પણ તોય હજુ દિલ્હી ઘણું દૂર હતું. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ વિશ્વાસમત રજૂ થાય એના આગલા દિવસે વાજપેયીજી પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ તેમજ વાજપેયીજીના મિત્ર નરસિમ્હા રાવના ઘરે એમને મળવા જાય છે અને એમની પાસે ટેકો માગે છે, જોકે નરસિમ્હા રાવે વાજપેયીજીને સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી અને કારણ આપ્યું કે, 'કોંગ્રેસ એક સેક્યુલર પક્ષ છે!'

આખરે અનેક કમઠાણો બાદ 28મી મે નો દિવસ આવી પહોંચ્યો, જે દિવસે તેર દિવસ પહેલા જ દેશના વડાપ્રધાન બનેલા અટલજીએ ભાજપની બહુમતી રજૂ કરવાની હતી. શિવસેના અને અકાલી દળ ઉપરાંત દેશના એક પણ પક્ષે ભાજપને ટેકો નહીં આપ્યો અને અલ્પમત હોવાને કારણે તેર દિવસની સરકાર તૂટી પડવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. તમામ પક્ષો એવું કહેતા રહ્યા કે, ભાજપ એક સાંપ્રદાયિક પક્ષ છે અને એને ટેકો આપવો એટલે દેશના લઘુમતી વર્ગની લાગણીઓ દુભવવી અને વિવિધ રાજ્યોમાં પોતાની વોટબેંક પર અસર પહોંચાડવી! 

સંસદમાં લાંબી ચર્ચા બાદ વાજપેયીજી બોલવા ઊભા થયા અને એમણે કહ્યું, પક્ષની વિચારધારા સાથે બાંધછોડ કરીને કે પક્ષને તોડીને માત્ર સત્તા માટે નવું ગઠબંધન કરવાથી જો સત્તા હાથમાં આવતી હોય તો એવી સત્તાને તેઓ ચીપીયાથી પણ નહીં અડકે! સાથે જ એમણે ભગવાન રામનો દાખલો આપતા કહ્યું, રામે કહેલું કે, હું મૃત્યુથી નથી ડરતો, પરંતુ મને લોકોમાં બદનામીથી અત્યંત ડર લાગે છે. એમણે એમ પણ કહેલું કે, જ્યારે મેં વડાપ્રધાન તરીકેના શપથ લીધેલા ત્યારે એવું નહોતું કે મારા હ્રદયમાં આનંદ ઉછાળા મારતો હતો. તો હવે જ્યારે હું રાજીનામું ધરીને વિપક્ષમાં બેસીસ ત્યારે પણ મારા મનમાં લેશમાત્ર રંજ નહીં હોય... 

આખરે અટલજીના નેતૃત્વની સરકાર તેર દિવસમાં જ તૂટી પડે છે અને થોડા દિવસોમાં સંયુક્ત મોર્ચાની સરકાર બને છે, જેમાં એચ.ડી. દેવેગૌડાને વડાપ્રધાન બનાવાય છે. જોકે પત્રકારો તો એમ કહે છે કે, દેવગૌડા પહેલા વી.પી. સિંઘ અને બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુને વડાપ્રધાન બનાવવાની તજવીજ થયેલી, પરંતુ આ નેતાઓએ હોળીનું નાળિયેર નહોતું બનવું. કારણ કે, એમને આ વાતની ગંધ આવી ગયેલી કે, વાજપેયીજીની સરકાર પછી જે કોઈ સરકાર બને એ સરકાર લાંબી ટકવાની નથી. જેના પાયામાં જ મૂલ્યોનું સિંચન ન હોય અને સ્વાર્થના પાયા પર જે સરકાર બનેલી હોય એ આખરે કેટલી ટકે? આખરે બે વર્ષ પછી ફરી સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થાય છે અને ફરી 1998મા અટલજી દેશના વડાપ્રધાન બને છે. સુષ્મા સ્વરાજે એમના ભાષણમાં કહેલી વાત સાચી પડી હતી કે, 'મેં પૂરે વિશ્વાસ કે સાથ યે કહેના ચાહતી હું કી જીસ દિન (28 મે 1996) મેરે આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીને ઈસ સદન મેં પ્રધાનમંત્રી પદ સે અપને ત્યાગપત્ર કી ઘોષણા કી થી, હિન્દુસ્તાન મેં ઉસ દિન રામરાજ્ય કી ભૂમિકા તૈયાર હો ગઈ થી. હિન્દુસ્તાન મેં ઉસ દિન સ્વરાજ કી નીવ પડ ગઈ થી....'

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.