અજાતશત્રુ અટલ (3) - જનસંઘનો વિલય અને જનતા પક્ષની સ્થાપના
ઈન્દિરા ગાંધીએ વર્ષ 1975મા ઈમરજન્સી લાદી દીધી અને સતત એકવીસ મહિના સુધી વિરોધી પક્ષના નેતાઓથી લઈ સામાન્ય માણસોએ અનેક યાતનાઓ સામનો કરવો પડ્યો. ઈમરજન્સી દરમિયાન રાજકીય રીતે એવી સ્થિતિ સર્જાઈ કે, એક તરફ ઈન્દિરા ગાંધી ઊભા થઈ ગયા અને બીજી તરફ તમામ અન્ય રાજકીય પક્ષો ભેગા થયા. જયપ્રકાશ નારાયણજીએ સમાજવાદી પક્ષો અને અન્ય વિચારધારા ધરાવતા પક્ષોને ભેગા થવાનું આહ્વાન કર્યું કે, જો ઈન્દિરા ગાંધી સામે લડવું હોય તો બધાએ સાથે થવું પડશે. વળી, સાથે થવું એટલે ગઠબંધન કરીને જોડાવું એમ નહીં પરંતુ ઈન્દિરા ગાંધીને પરાસ્ત કરવા એક ધ્યેય અને એકસરખા વ્યૂહ સાથે એક છતની નીચે ભેગા મળવું!
એ સમયે સમાજવાદી પક્ષો અને જનસંઘના નેતાઓની વિચારધારા વિરુદ્ધ છેડાની હતી. વળી, જનસંઘને આરએસએસનો ટેકો હતો એટલે જેપી જેવા ગાંધીયુગના નેતાઓ હંમેશાં જનસંઘના નેતાઓની અવગણના કરતા રહ્યા. અવગણનાનું કારણ એ કે, ત્યારે અનેક લોકો એમ માનતા કે, ગાંધીજીની હત્યા પાછળ સંઘનો હાથ છે. પરંતુ ઈમરજન્સી દરમિયાન સંઘનું દેશમાં પ્રશંસનિય કાર્ય અને સંઘની વિચારધારામાં ઘડાયેલા અટલ બિહારી વાજયેપી અને અડવાણી જેવા યુવાનેતાઓનું વલણ જોઈને જેપી એમનાથી ખૂબ પ્રભાવિત થયેલા. આ કારણે જ જ્યારે બધા પક્ષોના શંભુમેળાસમા 'જનતા પક્ષ'ની સ્થાપના કરવા અંગે વિચાર થયો ત્યારે જેપીએ સૌથી પહેલા વાજપેયીજી અને અડવાણીજીનો સંપર્ક કરેલો.
વર્ષ 1977મા દેશની સામાન્ય ચૂંટણીઓ આવવાની હતી અને દેશભરમાં ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસની વિરુદ્ધ આક્રોશ હતો. જોકે ઈન્દિરા ગાંધીને કે કોંગ્રેસને સત્તાથી વિમુખ કરવું કંઈ ખાવાના ખેલ નહોતા. જેપી અને આચાર્ય કૃપલાણીએ જે વ્યૂહ તૈયાર કરેલો એ વ્યૂહ પણ કારગર નીવડશે કે એક એ બાબતે ઘણા પ્રશ્નો હતા. કારણ કે, દેખીતી રીતે જુદા જુદા પક્ષો ભેગા ભલે થયા હોય, પરંતુ એ સૌ પક્ષોના નેતાઓના ભૂતકાળમાં એકબીજા સાથેના સંબંધો તેમજ એમની વિચારધારાઓ સામસામેના છેડાની હતી. ઈન્દિરા ગાંધીની સામે લડવા એક થયેલા નેતાઓને જેપીએ ગાંધીજીની સમાધી પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી કે, પોતાના રાજકીય મતભેદો ભૂલીને કે રાજકીય મનસાઓને ત્યજીને સૌએ એક થવું અને દેશની ઉન્નતિ માટે કાર્યરત રહેવું.
આખરે વર્ષ 1977ની સામાન્ય ચૂંટણીઓ આવે એ પહેલા જેપીએ એક નવા રાજકીય પક્ષની સ્થાપનાની જાહેરાત કરી અને એ પક્ષ એટલે 'જનતા પક્ષ', જેમાં કોંગ્રેસ (ઓ), જનસંઘ, સમાજવાદી પક્ષો અને લોકદળ જેવા પક્ષોનો વિલય થયો. પક્ષની સ્થાપના થતાં જ 'જનતા પક્ષ'ની 28 સભ્યોની એક એક્સિક્યુટિવ કમિટી પણ તૈયાર કરી, જેનું સુકાનપદ મોરારજી દેસાઈને સોંપવામાં આવ્યું. બીજી તરફ 'જનતા પક્ષ'માં 'જનસંઘ'ના વિલયને લઈને જનસંઘના કાર્યકરોમાં મતભેદ હતો, પરંતુ બાજપેયીજીએ બાજી હાથમાં લઈને દિલ્હીમાં કાર્યકરોની એક બેઠક બોલાવીને એમને સમજાવ્યા અને 'જનતા પક્ષ'માં સામેલ થવા રાજી કર્યા.
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી અને નવનિર્મિત 'જનતા પક્ષ' પાસે ન તો કોઈ ચૂંટણી ચિહ્ન હતું કે નહીં એમની પાસે પક્ષની ઓળખાણસમો કોઈ ઝંડો હતો. આ તો ઠીક દેશભરમાં ચૂંટણી પ્રચાર કરી શકાય એ માટે યોગ્ય ફંડ પણ નહોતું. જોકે એ સમયે દેશની હવામાં હજુ આદર્શવાદ ધબકતો હતો એટલે આજે ચૂંટણીઓમાં જે પૈસો વેડફાય છે એટલો પૈસો નહોતો ખર્ચાતો, જેથી 'જનતા પક્ષ'ના નેતાઓને પૈસા બાબતે ઝાઝી ચિંતા નહોતી, પણ પક્ષનું ચૂંટણી ચિહ્ન અને ઝંડો તાત્કાલિક ધોરણો નક્કી કરવો પડે એવી ત્યારે સ્થિતિ ઊભી થઈ.
આ માટે મોરારજી દેસાઈના ઘરે વાજપેયીજી, અડવાણીજી, પીલુ મોદી અને ચરણ સિંહ જેવા નેતાઓએ એક બેઠક કરી અને ચિહ્ન અને ઝંડા બાબતે ચર્ચા શરૂ કરી. તમામ નેતાઓએ પોતાના અગાઉના પક્ષની વિચારધારા મુજબ ઝંડાનો રંગ સૂચવવા માંડ્યો, જેમાં સૌથી પહેલા પીલુ મોદીએ સૂચન કર્યું કે, જનતા પક્ષનો ઝંડો વાદળી રંગનો હોવો જોઈએ. તો ચૌધરી ચરણ સિંઘે સૂચવ્યું કે, ઝંડાનો રંગ લીલો હોવો જોઈએ! જોકે એક નેતા એવી વાત લાવ્યા કે, પાકિસ્તાનના ઝંડાનો રંગ પણ લીલો છે એટલે કોઈ પણ હિસાબે 'જનતા પક્ષ'ના ઝંડાનો રંગ ન હોઈ શકે. વળી, જમણેરી વિચારધારામાં ઘડાયેલા અડવાણીનું માનવું હતું કે, ભૂરા રંગના ચક્ર સાથે ભગવા રંગનો ઝંડો જનતા પક્ષની ઓળખાણ હોવી જોઈએ. અંતે મોરારજી દેસાઈએ એવું સૂચન કર્યું કે, જનતા પક્ષના ઝંડામાં બંને રંગો એટલે કે, ભગવો અને લીલો રંગ હોવા જોઈએ. જેમાં મોટાભાગના નેતાઓની સહમતી થઈ એટલે ઝંડામાં બે તૃતીયાંશ ભગવો અને એક તૃતીયાંશ લીલો રંગ લેવાનું નક્કી થયું. વળી, કેસરી રંગવાળા ભાગમાં હળ પકડેલા ખેડૂતનું ચિત્ર પણ પસંદ કરવામાં આવ્યું, જે ખેડૂતને જ જનતા પક્ષના ચૂંટણી ચિહ્ન તરીકે પસંદ કરાયો.
ઝંડાના રંગની પસંદગી દરમિયાન જનતા પક્ષના નેતાઓ વચ્ચે કોઈ તડાતડી નહોતી થઈ, પરંતુ એ મિટિંગ એટલું સમજવા માટે પૂરતી હતી કે, જે નેતાઓ ઝંડા અને ચૂંટણી ચિહ્ન જેવી નાની બાબતોએ એકમત ન થઈ શકતા હોય એ નેતાઓ સરકારના મહત્ત્વના નિર્ણયો કે એકબીજાની કામ કરવાની ઢબની બાબતે કઈ રીતે એકમત થઈ શકે?
ખૈર, જનતા પક્ષની રચના બાદ તરત જ દેશની સામાન્ય ચૂંટણી થઈ અને ચૂંટણીમાં જીત મેળવવા માટે મોરારજી દેસાઈથી લઈને અટલ બિહારી વાજપેયી કે ચૌધરી ચરણ સિંઘ જેવા નેતાઓએ કમર કસી. 16 માર્ચ 1977ના દિવસે જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ઈન્દિરા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ બોખલાઈ ગયા કારણ કે આઝાદી પછી ક્યારેય કોંગ્રેસના ભાગે હારવાનો વારો નહોતો આવ્યો. જનતા પાર્ટીએ લોકસભામાં સફાયો બોલાવી દીધો હતો અને 542માંથી 295 સીટો પર જીત મેળવી. કટોકટીને કારણે ઈન્દિરા ગાંધીની છાપ એટલી ખરાબ પડેલી કે, ખૂદ ઈન્દિરા ગાંધી રાયબરેલીથી હારી ગયેલા અને નસબંધી સ્પેશિયાલિસ્ટ સંજય ગાંધીએ પણ અમેઠીમાં કરારી હારનો સામનો કરવો પડેલો.
આ તરફ જનતા પક્ષની જીતને કારણે દેશમાં ફરી આઝાદી મળી હોય એવો માહોલ બની ગયેલો, કારણ કે છેલ્લા એકવીસ મહિનામાં ઈન્દિરા ગાંધીએ કટોકટીના માધ્યમથી ફરી અંગ્રેજી સલતનતની યાદ આવે એવું કૃત્ય આચરેલું. જોકે જીત મળવા છતાં જનતા પક્ષમાં બધુ ઠરીઠામ નહોતું. આમ ભલે જનતા પક્ષ એક હોય, પણ તોય પક્ષમાં વર્ગવાદ તો હતો જ અને બધા નેતાઓ પોતપોતાના વર્ગનું પ્રભુત્વ વધારવાના પ્રયત્નોમાં રમમાણ રહેતા. જનતા પક્ષની જીતમાં અટલજીના નેતૃત્વવાળા જનસંઘને 93 સીટ મળી હતી તો ચૌધરી ચરણ સિંઘના લોકદળને 71 સીટો તેમજ મોરારજી દેસાઈના નેતૃત્વની કોંગ્રેસ (ઓ)ને 44 સીટો મળેલી. આ ઉપરાંત અન્ય સમાજવાદી દળો પણ વીસ-પચ્ચીસ સીટો લઈ આવેલા.
જનતા પક્ષની સ્થાપના વખતે નક્કી એવું થયેલું કે, જો પક્ષની સરકાર બનશે તો દરેક વર્ગના ત્રણ ત્રણ નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરાશે, પરંતુ વડાપ્રધાનની પસંદગી લાયકાત અને અનુભવના હિસાબે કરાશે. જનતા પક્ષને બહુમતિ મળતા પક્ષના નેતાઓ જેપી પાસે સલાહ લેવા ગયા અને એ જવાબદારી એમના પર નાંખી કે, દેશના વડાપ્રધાન કોણ હશે એ જેપી નક્કી કરશે. તમામ પાસા અને આવનારા પડકારોનો વિચાર કરીને જેપીએ મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું અને સૌથી વધુ બહુમતિ ધરાવતા વાજપેયીજી સહિત જનતા પક્ષના તમામ નેતાઓએ દેસાઈના નામને વધાવી લીધું. જોકે જેપીએ જ્યારે મોરારજીના નામનું સૂચન કર્યું ત્યારે એક નેતા ત્યાં ગેરહારજર હતા અને એ નેતા હતા ચૌધરી ચરણ સિંઘ, જેમને પોતાને વડાપ્રધાન બનવાની ઈચ્છા તો હતી, પરંતુ મોરારજી દેસાઈ સાથેય એમને બારમા ચંદ્ર હતા. વળી, ચૌધરી ચરણ સિંઘ અને મોરારજી દેસાઈ બંને નેતાઓ અત્યંત અહમી હતા, જેમના માટે એક જ કેબિનેટમાં સાથે કામ કરવું અત્યંત મુશ્કેલ હતું.
આમ તો મોરારજી દેસાઈની સરકાર દોઢ-પોણા બે વર્ષ સુધી ચાલેલી, પણ સરકાર તૂટી પડવાના એંધાણ સરકાર બનવાના પહેલા જ દિવસથી વર્તાતા હતા. એ જ સરકારામાં અટલજીને વિદેશ મંત્રી બનાવાયેલા અને અડવાણીને માહિતી અને પ્રસારણ ખાતુ સોંપાયેલું. મોરારજી દેસાઈ સરકાર તૂટી પડવાના પાછળ અનેક કારણો જવાબદાર હતા, પરંતુ અટલજી કે અડવાણી જનતાદળમાંથી છૂટા પડવા પાછળ માત્ર એક જ કારણ હતું, જે કારણ આજની ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવાનું નિમિત્ત પણ બનેલું. જોકે એ બધી વાતો કરવા આવતા મંગળવારની રાહ જોવી પડશે. આજે લેખ લંબાવવામાં કે ભાજપના જન્મ વિશેની વાતો ટૂંકાણમાં પતાવવામાં મજા નહીં આવે.
ફીલ ઈટઃ
મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણ સિંઘ વચ્ચે છાસવારે અહમનો ટકવાર થતો. વડાપ્રધાન દેસાઈ એમની કેબિનેટના મંત્રીઓને તેમજ નજીકના સાથીઓને હંમેશાં હળવી શૈલીમાં કહેતા કે, આ ચરણ સિંઘને તો હું ચૂરણ સિંઘ બનાવી દઈશ. તો ચરણ સિંઘ મોરારજીની મજાક કરતા કહેતા, મોરારજી દેસાઈ તે કંઈ નેતા છે? જે માણસ પાંચ-સાત હજાર વોટથી જીતતો હોય એવા માણસને તે કંઈ વડાપ્રધાન બનાવાતો હશે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર