અજાતશત્રુ અટલ (2) - નહેરુનું શિર્ષાસન અને વાજપેયીની નમ્રતા

15 Nov, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: openthemagazine.com

રાજકારણ અને આદર્શવાદને હંમેશાં આંકડાવેર રહ્યું છે. પરંતુ આગલા લેખમાં વાત થઈ એમ અટલજી એ બાબતે અપવાદ રહ્યા છે. એમણે મોટેભાગે આદર્શો સાથે બાંધછોડ નથી કરી. પદને માટે નહીં, પણ પક્ષને માટે ક્યારેક નાનીમોટી બાંધછોડ કરવી પડી હોય તો એનો એમને વસવસો રહ્યો છે. ખંધાઈથી એ બધુ ભૂલી નથી ગયા. યુવાનવયે અટલજી તો અધ્યાપક બનવાની ઈચ્છા ધરાવતા હતા અને આજીવન લેખન-વાંચનની સમીપ રહેવા ધારતા હતા. પરંતુ કાશ્મીરમાં ડૉ શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યા બાદ સંજોગો એમને સક્રિય રાજકારણમાં લઈ આવ્યા અને વાજપેયીજીએ 'રાજનીતિ કી રપટીલી' રાહો પર ચાલવું પડ્યું. પોતાના રાજકારણ પ્રવેશ વિશે એમણે હિન્દી 'નવનીત'માં લખાયેલા એક લેખમાં મજાની વાતો કરી છેઃ

'मेरी सबसे बडी भूल है राजनीति में आना । इच्छा थी कि कुछ पठन-पाठन करुंगा, अध्ययन और अध्यवसाय की पारिवारिक परंपरा आगे बढाऊंगा, अतीत से कुछ लूंगा और भविष्य को कुछ दे जाऊंगा । किंतु राजनीति की रपटीली राह में कमाना ओत दूर रहा, गांठ की पूंजी भी गवा बैठा। मन की शांति मर गयी । संतोष समाप्त हो गया । एक विचित्र-सा खोखलापन जीवन में भर गया है। ममता और करुंणा के मानवीय मूल्य मूंह चुराने लगे हैं। क्षणिक, स्थायी बनता जा रहा है और स्थायित्व को जडता मानकर चलने की प्रवृत्ति पनप रही है।'

વાજપેયીજી ભલે એમ લખતા હોય કે, એમના રાજકારણમાં આવ્યા બાદ મમતા અને કરુણા તેમજ માનવીય મૂલ્ય એમનાથી મોઢું ફેરવી રહ્યા છે. પરંતુ એમના જીવન ઘડતર, સાહિત્યના ગહન વાંચન-ચિંતન અને અનેકવિધ અનુભવોને કારણે તૈયાર થયેલી એમની વિચારસરણીએ એમને ક્યારેય મૂલ્યોથી દૂર થવા નથી દીધા. અટલજી અને એમના આદર્શો તેમજ આદર્શોની જાળવણી માટે અટલજીના પ્રયત્નો બાબતના એકથી વધુ ઉદાહરણો આપી શકાય એમ છે. પરંતુ હજુ ગઈકાલે જ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ગઈ છે તો એ સંદર્ભના એક-બે ઉદાહરણો જોઈએ.

કોંગ્રેસ અને જનસંઘની વિચારધારામાં જમીન-આસમાનનો ફરક છે. કયા પક્ષની વિચારધારા સારી, કોની ખરાબ અને સમાજવાદ કે રાષ્ટ્રવાદ અથવા ફલાણો-ઢિંકણો કોઈ પણ વાદ દેશની તરક્કી માટે યોગ્ય છે કે નહીં, એ બાબતની ચર્ચા અહીં અસ્થાને છે. અહીં વાત છે રાજકીય વિરોધીઓની જેમનો પક્ષ, વિચારધારા કે રાજકીય ઘડતર સાવ જુદા છે અને એ જુદાઈ જ બે વ્યક્તિઓ વચ્ચે મોટો વિરોધાભાસ ઊભો કરે છે અને રાજકીય નિર્ણયોથી લઈને સંસદના ગૃહો સુધી એમને બે વિરુદ્ધ છેડે બેસાડે છે. 

ઉંમરને હિસાબે વાજપેયીજી નહેરુ કરતા ઘણા નાનાં અને 1960ના દાયકામાં જ્યારે નહેરુ દેશના વડાપ્રધાન હતા ત્યારે એમના કદની સામે જનસંઘ કે ખૂદ અટલજીનું કદ ઘણું નાનું હતું. પરંતુ   1960ના દાયકામાં જ્યારે તેઓ પહેલી વખત સંસદમાં ચૂંટાઈને ગયા અને જનસંઘની સંસદમાં સમ ખાવા પૂરતી બેઠકો હતી ત્યારથી નહેરુ જનસંઘના યુવાન નેતા અટલ બિહારી વાજપેયીની નોંધ લેતા થઈ ગયેલા. સાંસદ કે રાજકારણી તરીકોને એમનો ઓછો અનુભવ હોવા છતાં તેમજ સત્તામાં આઝાદીકાળના અત્યંત લોકપ્રિય નેતા હોવા છતાં વાજપેયીજી પોતાની આગવી છટામાં સંસદમાં ભાષણ કરતા અને જ્યાં જ્યાં વિરોધ કરવા જેવું હોય ત્યાં નહેરુ જેવા નહેરુની જાહેર ટીકા કરતા.

એક વખત કોઈક કારણસર નહેરુએ સંસદમાં જનસંઘને આડેહાથે લીધેલું અને જનસંઘ વિશે એમણે આકરી ટીકા કરેલી. સદનમાં બેઠેલા વાજપેયીજીને નહેરુની આ રીત નહીં ગમી અને એમને લાગ્યું કે, પોતાના પક્ષનો બચાવ કરવો જોઈએ. પોતાનો વારો આવ્યો એટલે એમણે પહેલું નિશાન નહેરુ પર સાધ્યું. એ સમયે નહેરુ યોગ અને આસનો કરવા માટે જાણીતા હતા. નહેરુ શિર્ષાસન પણ કરતા. ગુગલ પર નહેરુ શિર્ષાસન કરતા અનેક ફોટોગ્રાફ્સ છે એ જોજો. વાજપેયીજીએ સંસદમાં કહ્યું, 'હું જાણું છું કે, પંડિતજી રોજ શિર્ષાસન કરે છે. તેઓ શિર્ષાસન કરે એ સારી વાત છે અને મને એમાં કોઈ વાંધો પણ નથી. પરંતુ એટલું જરૂર કહીશ કે, શિર્ષાસન વખતે તેઓ મારા પક્ષની તસવીર અવળી ન જુએ...' એમના આ વક્તવ્ય દરમિયાન નહેરુ પણ ખૂબ હસેલા અને સંસદની બહાર એમણે વાજપેઈજીને અભિનંદ પાઠવેલા. 

વાજપેયીજી નહેરુની વિદેશનીતિના ખાસા ચાહક હતા અને એમના વિશે ઘણી વખત એવું કહેવાયું પણ છે કે, વાજપેયીજીની વિદેશનીતિમાં નહેરુની નીતિઓ કે એમના વિચારોના પડઘા જણાતા. પરંતુ નહેરુની કાશ્મીર અંગેની નીતિઓના વાજપેયીજી કટ્ટર વિરોધી હતા અને જ્યારે જ્યારે નહેરુ શેખ અબદુલ્લાને છાવરતા ત્યારે વાજપેયીજી સંસદમાં નહેરુની આકરા શબ્દોમાં ટીકા કરતા. કહેવાય છે કે, નહેરુ પોતે વાજપેયીજીના સંસદમાંના વક્તવ્યોના ચાહક હતા, પરંતુ પોતાની ટીકા તો કોને પસંદ હોય? એટલે નહેરુની એવી ઈચ્છા હતી કે, બીજી વખત જનસંઘનો આ યુવાન સંસદમાં ચૂંટાઈને આવવો ન જોઈએ. આ માટે 1962મા ત્રીજી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન નહેરુએ અટલજીને હરાવવા વિશેષ કવાયતો હાથ ધરેલી.

કિંગશુક નાગના પુસ્તક 'વાજપેયી અ મેન ફોર ઑલ સિઝન' અને વિજય ત્રિવેદીના પુસ્તક 'હાર નહીં માનૂંગા'માં આ સંદર્ભ વાંચવા મળે છે કે,  ત્રીજી લોકસભામાં વાજપેયીજી હારે એ માટે નહેરુએ યુવાન અને સુંદર સુભદ્રા જોશીને બલરામપુરમાં વાજયેપીની સામે ઊભા રાખેલા. વળી, પોતે આવા મોટા નેતા થઈ એક યુવાન નેતાની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા જાય એ પણ યોગ્ય ન હતું. એટલે એનો રસ્તો કાઢતા એમણે એ સમયના લોકપ્રિય અભિનેતા બલરાજ સાહનીને પ્રચાર માટે મોકલી આપ્યા. સાહનીના પ્રચાર અને સુભદ્રા જોશીની ઉમેદવારીના દાવમાં નહેરુ સફળ રહેલા અને વાજપેયીજીએ હારનો સામનો કરવો પડેલો. 

નહેરુ અને વાજપેયીમાં ઘણો વિરોધાભાસ હોવા છતાં બંને નેતાઓને એકબીજા પ્રત્યે ખૂબ માન હતું. દિલ્હીના અનેક પત્રકારોએ એ વાત નોંધી છે કે, પોતાની દીકરી કરતા પણ નાની ઉંમરના વાજપેયીજી માટે નહેરુને સોફ્ટકોર્નર હતો. કદાચ એટલે જ વાજપેયીજી જેવા ઓછો અનુભવ ધરાવતા અને વિરોધપક્ષના નેતાને નહેરુએ પોતાની 'રાષ્ટ્રીય એકતા પરિષદ' (એનઆઈએ)ના સભ્ય બનાવેલા.

પીઢ નહેરુ અને યુવાન વાજપેયીજીની લવહેટ રિલેશનશીપ નહેરુના અવસાન સુધી ચાલું રહેલી. નહેરુ જે સમાજવાદની વાત કરતા એ સમાજવાદ મુજબ મૂલ્યાંકન કરીએ તો કોંગ્રેસની સરકારને ઘણા ઓછા ગુણ મળે. વળી, કાશ્મીર કે ચીનને મુદ્દે પણ નહેરુ સરકાર દ્વારા કાચું કાપવામાં આવતું હતું, જેને પગલે જ વાજપેયીજીએ અનેક વખત કોંગ્રેસ સરકારની ટીકાઓ કરી હતી અને જરૂર પડ્યે આંદોલનોમાં પણ ભાગ લીધો હતો. 

જોકે નહેરુજીના અવસાન સમયે વાજપેયીજી અત્યંત ભાવુક થઈ ગયેલા. નહેરુને શ્રદ્ધાંજલિ આપતા એમના એક યાદગાર વક્તવ્યમાં વાજપેયીજીએ કહેલું,

'એક સપનું અધૂરું રહી ગયું, એક ગીત મૌન થઈ ગયું. એક જ્યોતિ શમી ગઈ. દુનિયા આખીને ભૂખ અને ભયથી મુક્ત કરવાનું સપનું, ગુલાબની ખુશબુ તેમજ ગીતાના જ્ઞાનથી ભરેલું ગીત અને પથદર્શક પેલી જ્યોતિ... કંઈ ન રહ્યું હવે.'

આ તો ઠીક દોઢેક દાયકા બાદ મોરારજી દેસાઈની સરકારમાં જ્યારે વાજપેયીજીને વિદેશમંત્રીની જવાબદારી સોંપવામાં આવી ત્યારે પણ એમણે એક નાનકડી વાત દ્વારા ભારતીય રાજકારણમાં સક્રિય નેતાઓને ઘણું મોટું દૃષ્ટાંત આપેલું. નવી સરકારમાં વિદેશમંત્રી તરીકે જ્યારે વાજપેયી પહેલી વખત એમની ઑફિસમાં ગયા ત્યારે ઑફિસમાંથી પંડિત નહેરુની તસવીર ગાયબ હતી. વર્ષો સુધી વિદેશ મંત્રાલયની ઑફિસની દીવાલ પર લટકેલી નહેરુની તસવીર અચાનક ગાયબ થઈ ગઈ એટલે વાજપેયીજીએ તપાસ કરાવડાવી કે આ તસવીર ગઈ ક્યાં? 

પછીથી એમને ખબર પડી કે, ઑફિસના કર્મચારીઓએ નહેરુની તસવીર દૂર કરી દીધી હતી કારણ કે, જનસંઘની વિચારધારા નહેરુની વિચારધારાથી વિરુદ્ધ છેડાની હતી અને જનસંઘના નેતાઓ હંમેશાં નહેરુના કટ્ટર હરીફ રહ્યા હતા. દેશમાં પહેલી વખત એવું બની રહ્યું હતું કે, કોઈ બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી હતી એટલે વિદેશ મંત્રાલયના અધિકારીઓ વિમાસણમાં પડ્યા હતા કે, બિનકોંગ્રેસી સરકારની ઑફિસમાં કોંગ્રેસી નેતાની તસવીર મૂકવી કે નહીં? એમણે વિચાર્યું કે, પોતાની ઑફિસમાં નહેરુની તસવીર જોઈને વાજપેયીજી ગુસ્સે થશે એટલે એમણે વાજપેયીજી આવે એ પહેલા તસવીર હટાવી દીધી. 

જોકે વાજપેયીજીએ તરત જ આદેશ કર્યો કે, નહેરુની તસવીર યથાસ્થાને મૂકવામાં આવે. સાથે એમણે ઑફિસના અધિકારીને એમ પણ કહ્યું કે, સતત સત્તર વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા નહેરુનું યોગદાન કંઈ નાનુંસૂનું નથી. એમને યોગ્ય સન્માન મળવું જ જોઇએ! મંત્રાલયના અધિકારીઓ આ વાત સાંભળીને અચંબામાં પડી ગયા હતા કારણ કે, એ જ નહેરુના દીકરીએ કટોકટી દરમિયાન એમને બેંગ્લુરુ અને પછી રોહતકની જેલોમાં મહિનાઓ સુધી કેદ કર્યા હતા, જે દરમિયાન વાજપેયીજીની તબિયત પર પણ અત્યંત માઠી અસર પડી હતી. પરંતુ આ નેતાનું ઘડતર કંઈક જુદી માટીથી થયું હતું, તેઓ સત્તામાં હોય કે ન હોય, તેઓ એમના આદર્શો કે નમ્રતાને ક્યારેય તડકે નહીં મૂકતા.

(વધુ આવતા અંકે)            

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.