આર્મચેર એક્ટિવિઝમનો સફળ નમૂનો એટલે #ProfileForPeace
આ મુદ્દા પર ગયા મંગળવારે લખવાની ઈચ્છા હતી, પરંતુ સરદાર સાહેબ પ્રત્યેની પ્રીતિને કારણે ગયા અઠવાડિયે આ વિષય રહી ગયો. જોકે પ્રેમ-કરુણા અને શાંતિ એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે આ વિષય હંમેશાં પ્રાસંગિક રહેવાનો. પંદરેક દિવસ પહેલા શિવસેનાએ ગુલામ અલીના કાર્યક્રમનો વિરોધ કર્યો, જેની સાથે દેશભરમાં કોમવાદી રાજકારણ તંગ થઈ ગયું. આ પહેલા શિવસેનાએ સુધીન્દ્ર કુલકર્ણી પર કાળી શાહી ફેંકેલી. તો ભૂતકાળમાં પણ શિવસેના પાકિસ્તાનના કલાકારોને લઈને ધિક્કારપૂર્ણ વિધાનો કરતી રહી છે. જમણેરી માનસિકતા ધરાવતા જૂથો કે લોકો શિવસેનાના આવા વર્તનનો જાહેરમાં સ્વીકાર નથી કરતા એ જ રીતે એનો વિરોધ પણ નથી કરતા. તેઓ જેમ ચાલે છે એમ ચાલવા દોની નીતિ અપનાવે છે! બીજી તરફ પાકિસ્તાનમાં પણ હાફીઝ શઈદ જેવા જડ કોમવાદીઓ ભારત વિરુદ્ધ બેહૂદા ભાષણો આપીને ત્યાંની સામાન્ય પ્રજાને ભડકાવે છે. તો ક્યારેય સરકારનું કહેલું નહીં માનતી પાકિસ્તાનની આર્મી પણ સમયાંતરે શાંતિના કરારોનો ભંગ કરે છે અને ભારત તરફ ગોળીબાર કરે છે.
આ બધાને કારણે ભારત-પાકના સંબંધોમાં દાયકાઓથી જૈસે થેની સ્થિતિ છે. જોકે આ બધુ રાજકીય તૂત છે. માત્રને માત્ર રાજકીય કારણોસર આ બે દેશના સંબંધોની સ્થિતિમાં સુધાર નથી આવતો. બાકી બંને દેશોની આવામ પરસ્પર શાંતિ ઝંખે છે. આપસમાં પ્રેમ ઝંખે છે. પણ બંને દેશોના મુઠ્ઠીભર લોકો બહુ મોટા વર્ગની માનસિકતા પર રાજ કરે છે. એ નાનો વર્ગ બંને દેશોના લોકોને ધર્મ અને પોકળ રાષ્ટ્રવાદનું અફીણ પાયા કરે છે, એવા લોકોના રાષ્ટ્રવાદમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રની એકતા સૌથી છેલ્લા ક્રમે આવતા હોય છે, જેના કારણે બંને દેશોના સામાન્ય લોકો વચ્ચે સતત તણખા ઝર્યા કરે છે અને આ લોકો એકબીજાને ધિક્કારવા મજબૂર થયાં કરે છે.
જોકે હજુય સ્થિતિ સાવ નિરાશાજનક નથી. ધિક્કારપૂર્ણ ભાષણો, કૃત્યોની ઘટનાઓથી બંને દેશોના અખબારો ખદબદતા રહેતા હોવા છતાં ક્યાંક એકાદ બોક્સ આઈટમ એવી દેખાઈ આવે છે, જે આપણને ધરપત આપી જાય છે. એ વાંચીને દિલમાં ટાઢક પ્રસરી જાય છે કે, નહીં હજુય આ બંને દેશોમાં એવા અનેક લોકો જીવે છે, જેઓ માનવતાને ધબકતી રાખવા માટે, આપસી પ્રેમ જાળવી રાખવા માટે કે, બંને દેશોના સંબંધ સૌહાર્દપૂર્ણ રાખવા માટે યત્નશીલ રહે છે અને એ માટે પોતાનું યોગદાન પણ આપતા રહે છે.
આ માટેની એક મહત્ત્વની ઘટના પંદરેક દિવસ પહેલા બની, જ્યારે શિવસેનાના ગુલામ અલી વિશેના ફતવાના વિરોધમાં મુંબઈના એક યુવાને પોતાનું ફેસબુક પ્રોફાઈલ પિક્ચર બદલ્યું અને દેશભરના લોકોને પણ પોતાના પ્રોફાઈલ પિક્ચર બદલવાનું આહ્વાન કર્યું. આ વાતનો પડધો ભારતમાં તો પડ્યો જ પરંતુ પાકિસ્તાન અને દુબઈ જેવા દેશોમાંથી પણ એની પ્રતિક્રિયા આવી. દુનિયાના તમામ દેશોમાં પથરાયેલા ભારતીયો અને પાકિસ્તાનીઓએ આ બાબતની હકારાત્મ નોંધ લીધી અને લાખો લોકોએ પોતાના ફેસબુક પ્રોફાઈલ પિક્ચર બદલ્યા.
એ યુવાન એટલે મુંબઈનો રામ સુબ્રમણ્યન, જેણે 22મી ઑક્ટોબરે એના ફેસબુકનું પ્રોફાઈલ પિક્ચર ચેન્જ કરીને ભારત અને પાકિસ્તાનના યુવાનો અને સોશિયલ નેટવર્ક યુઝર્સમાં હોહા મચાવી દીધી. સેલ્ફીમાં રામ સુબ્રમણ્યનના હાથમાં એક કાપલી હતી. એ કાપલીમાં કાળી શ્યાહીથી લખાયેલું હતું કે, 'I am an indian, I am From Mumbai, I Don't hate Pakistan, I am not alone, there are many people like me.' પોતાના આ ફોટોગ્રાફની સાથે રામે #ProfileForPeace નું હેઝટેગ આપ્યું અને દેશભરના લોકોને પહેલ કરી કે તમે પણ જો બંને દેશો વચ્ચે શાંતિ ઈચ્છતા હો તો આ આવા સંદેશા સાથે સેલ્ફી પાડીને 'પ્રોફાઈલ ફોર પીસ' લખીને એને સોશિયલ મીડિયામાં અપલોડ કરો.
22મી ઑક્ટોબરની સાંજથી જ આ બાબત ફેસબુક પર વાઈરલ થઈ ગઈ, જેણે ગણતરીના કલાકોમાં ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પણ દસ્તક દીધા અને આ ત્રણેય સાઈટ્સ પર #ProfileForPeaceનું હેઝટેગ ધૂમ ચાલ્યું. સામાન્ય માણસો હોય કે, યુનિવર્સિટી, કોલેજોમાં ભણાવતા અધ્યાપકો હોય કે પછી કલા- અભિનયના ક્ષેત્રમાં કામ કરતી હસ્તીઓ હોય. કન્યાકુમારી હોય કે કાશ્મીર હોય કે પછી કરાંચી અથવા લાહૌર હોય. સૌકોઈ વ્યક્તિઓએ આ હેઝટેગ અને ટ્રેન્ડિંગને દિલથી વધાવ્યું અને લોકોએ પોતાના પ્રોફાઈલ પિક્ચર ચેન્જ કરીને સાથે સંદેશો લખ્યો કે, ‘બંને દેશો વચ્ચે શાંતિ ઝંખનારા અમે એકલા નથી. અમારા જેવા લાખો લોકો એવા છે, જેઓ સૌહાર્દ ઝંખે છે.’
આ સાથે જ વાઈરલ બનેલા આ ટ્રેન્ડિંગને વખોડનારાઓનો અદેખો વર્ગ પણ ઊભો થયો. ‘આ તો લાઈક્સ અને કમેન્ટ્સ મેળવવાનું નવું તરકટ ઊભું કરાયું છે’ એમ કહીને #ProfileForPeaceને ઉતારી પાડનારાઓ પણ ઓછા નહોતા. પણ અંગતપણે આ બાબત મને એક સંદેશા સમાન લાગી, એક પ્રતીક સમાન લાગી. કારણ કે બંને દેશોના સામાન્ય લોકો ખરેખર આ બધી રાજકીય ખટપટોમાં શામેલ નથી. એમને કોમવાદ કે ખૂનખરાબા સાથે કોઈ જ મતલબ નથી. એ બાબત સાફ તરીને ઉપર આવી હતી.
કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે, ‘આનાથી કોઈ મોટા પરિવર્તનો થઈ જવાના નથી. આને તો આર્મચેર એક્ટિવિઝમ કહેવાય. એક-બે દિવસ ચાલશે આ ખેલ, પછી બધા પોતપોતાની વાટે પડશે!’ આર્મચેર એક્ટિવિઝમને પણ ભારતમાં સેક્યુલરિઝમ જેવી જ સૂગથી જોવામાં આવે છે. જોકે હજુ આ શબ્દ એટલો બધો પ્રચલિત થયો નથી. સેક્યુલરિઝમમાં જેમ લોકોને દંભ અને એકતરફીપણું દેખાય છે એમ આર્મચેર એક્ટિવિઝમને પણ ઉશ્કેરણી કરવા માટેનું માધ્યમ માનવામાં છે, જેના વિશે એમ પણ માન્યતા છે કે, આવી ગતિવિધિઓથી કોઈ નક્કર કામ નથી થતાં અને એ હેઠળ જે ચાલે એ ચાર દિન કી ચાંદની હોય છે.
આર્મચેર એક્ટિવિઝમ માટેની આ વાત સાવ ખોટી પણ નથી. સોશિયલ મીડિયામાં કે બ્લોગ વેબસાઈટ્સ પર એવા અનેક અભિયાનો કે ચળવળો દેખાઈ આવશે, જેમાં લોકો લેનાદેના વિના અમસ્તા જ કૂદી પડતા હોય છે. અને પાછળથી સત્યનું ભાન થતાં એમને ભોઠાં પડવાનો પણ વારો આવે છે. એનું એક તાજુ ઉદાહરણ જોઈએ તો જૂન મહિનામાં અમેરિકાની સુપ્રિમ કોર્ટે સેઈમ સેક્સ મેરેજની તરફેણમાં ચૂકાદો આપેલો, જેને સેલિબ્રેટ કરવા ફેસબુકે એક સ્પેશિયલ ફીચર આપેલું, જેમાં ફેસબુક યુઝર્સને રેઈનબો કલરમાં એમનું પ્રોફાઈલ પિક્ચર બદલવાનું ઑપ્શન મળતું હતું. આ ઑપ્શન જોઈને બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના થઈને ભારતીયોએ પણ એમના પ્રોફાઈલ પિક્ચર સપ્તરંગી કર્યા. પણ, વાસ્તવમાં ભારતને ફેસબુકની આ મુહિમ સાથે કોઈ લેવાદેવા ન હતી. મજાની વાત એ છે કે, જે જે ઘેંટાઓએ પોતાના પ્રોફાઈલ પિક્ચર બદલ્યા એમાંના અડધાને તો એ પણ ખબર નહોતી કે તેમણે કયા કારણોસર એમના પ્રોફાઈલ પિક્ચર સાત રંગોમાં ઝબોળ્યાં છે? આ કિસ્સામાં ફેસબુકને નહીં પરંતુ પોતાના પ્રોફાઈલ પિક્ચર્સ બદલનારા લોકોને આર્મચેર એક્ટિવિસ્ટ કહેવાય.
આ ઉપરાંત એસી ચેમ્બરમાં બેઠાં બેઠાં બ્લોગ્સ લખતા અને દેશ-સમાજના વિવિધ મુદ્દે કોઈ પણ જાતની જાણકારી વિના કમેન્ટબાજી કરતા ડફોળોને પણ આર્મચેર એક્ટિવિસ્ટ કહેવાય છે, જેઓ પોતાની ખુરશી કે પોતાનું ઘર છોડીને ક્યારેય બહાર નથી નીકળતા, રસ્તાઓ પર કોઈ આંદોલન નથી કરતા કે ક્યારેય ધરપકડ નથી વહોરતા અને બીજાઓને આમ કરી નાંખો ને તેમ કરી નાંખોની સલાહ આપતા હોય છે! એટલે એકરીતે જોવા જઈએ તો આ આર્મચેર એક્ટિવિસ્ટ્સ પણ સ્યુડો સેક્યુલર્સની જમાતના જ કહેવાય. એમના ગોત્ર એક જ પણ તેઓ હજુ બહુ વગોવાયા નથી. જોકે એમનો વારો પણ આવશે.
#ProfileForPeaceનું હેઝટેગ પણ આર્મચેર એક્ટિવિઝમનું જ ઉદાહરણ છે, છતાં આ ટ્રેન્ડિંગ મને અંગતપણે સફળ લાગ્યું છે. બીજા કિસ્સાઓની જેમ આમાં પણ લોકો ભલે રસ્તા પર નહીં ઉતરી પડ્યાં હોય પરંતુ આ ટ્રેન્ડિંગ દરમિયાન બંને દેશના સામાન્ય લોકોની લાગણીઓ સ્પષ્ટ નજરે ચઢી છે. આ લોકોએ ઝેરીલા ભાષણો ઓકતા લોકોને સણસણતો જવાબ આપ્યો છે, કે તમારી બૂરી દાનત તમને મુબારક. અમારે તો એકબીજાને પ્રેમ કરવો છે અને અમારે અમનથી રહેવું છે.
એમને શિવસેના કે ઔવેસી કે હાફિઝ શઈદ જેવાના ભાષણોમાં કોઈ રસ નથી. આ લોકોને તો ગુલામ અલીની ગઝલ ગમે છે, કોક સ્ટુડિયોના ગીતો ગમે છે કે અમિતાભ બચ્ચન ગમે છે અને બોલિવુડની ફિલ્મો ગમે છે. પણ દુખની વાત એ છે કે બંને દેશોના લોકોને પેલા મુઠ્ઠીભર લોકો નાહકની વાતમાં સંડોવે છે, જેના કારણે એમણે એમની પછીની પેઢીઓએ ભોગવવું પડે છે. પણ તોય રહી રહીને #ProfileForPeace જેવા ઉદાહરણો આપણને મળતા રહે છે, જે આપણા દિલને ટાઢક બક્ષતા રહે છે.
ફીલ ઈટઃ
when you close the doors to art, you open up a door for dark and unwanted things to come in
-રામ સુબ્રમણ્યમ (‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ને આપેલી મુલાકાતમાં)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર