ટાલ, તંબૂરો ને ભાષાનું માધુર્ય
ભાષા એ આપણા પૂર્વજોએ આપણને આપેલી શ્રેષ્ઠતમ ભેટમાંની એક છે. ભલે, આપણા પૂર્વજો ભાષાશાસ્ત્રી કે વ્યાકરણના ધુરંધર નહીં હોય. પરંતુ પેઢી દર પેઢી તેઓ પોતાના દેવના દીધેલોને બોલાતી ભાષાની ભેટ આપતા ગયા, જેના લીધે આપણું જીવન ઘણું સરળ બન્યું છે. પણ આપણને તો વારસામાં મળેલી સંપત્તિની જ ચિંતા હોય છે. જો પૂર્વજો વારસામાં જમીન-જાયદાદ નહીં આપી ગયા હોય તો આપણે એમને વગર વાંકે કોસી મારીએ છીએ કે, ‘મારા રોયાંઓ એક એકરની વાડી સુદ્ધાં નહીં મૂકી ગયા.’ પણ ભાષા માટે આપણે આપણા પૂર્વજોનો ક્યારેય આભાર નથી માનતા કે, ‘બાપા, તમે અમને વારસામાં જમીન નહીં આપી એનું કંઈ નહીં પણ તમે મને ભાષા શીખવી એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે જો મને ભાષા જ ન શીખવી હોત તો હું લોકોને ટોપી કઈ રીતે પહેરાવતે? તમે શીખવેલી ભાષાને કારણે જ હું લોકોને ઠગી ઠગીને મારા વંશજો માટેની સંપત્તિ ભેગી કરી શક્યો છું!’
લખાતી ભાષાનું તો માન્યા હવે. એમાં દુનિયાભરના કાયદા હોય, એનું અલાયદું બંધારણ હોય, વ્યાકરણ હોય, રૂપકો હોય, અલંકારો હોય, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળો હોય. અધૂરામાં પૂરું, લખાતી ભાષા શીખવા માટે ભણવું પડે એ વધારાની પંચાત. વળી, જ્યાં બંધારણ હોય ત્યાં બંધન પણ હોવાનું જ. એ બંધનને કારણે જ બૃહતવર્ગ લખવાનું ગમતું હોવા છતાં લખવાનું ટાળે છે.
પણ બોલાતી ભાષાનું સૌંદર્ય અલગ હોય. બોલવાનું હોય એમાં વળી, બંધન શાના ને વ્યાકરણ શેના? બોલતી વખતે આપણને ભાષાના કોઈ સિમાડા નથી નડતા. એટલે જ ક્યારેક આપણે આપણી જાણ બહાર બેફામ બોલી નાંખીએ છીએ!
અલબત્ત, બોલાતી ભાષામાં રૂપકો અને વિશેષણો હોય જ છે. પરંતુ એ રૂપક અને વિશેષણો લખાતી ભાષાથી સાવ અલગ, સમૃદ્ધ અને મજેદાર હોય છે. એમાંય અમારા તાપીના દક્ષિણ તટે વસતા લોકોની વાત સાવ ન્યારી. અમારી બોલાતી ભાષામાં ગાળનું વિશેષ મહત્ત્વ હોય છે. જેમ કોઈ વાનગી પર ચિઝનું ગાર્નિશિંગ કરવામાં આવે એમ અમે અમારી બોલાતી ભાષામાં ગાળનું ગાર્નિસિંગ કરીએ છીએ. ગાળના વઘારને કારણે અમારા વાક્યો સામાન્ય વાક્યો કરતા થોડા લાંબા હોય છે, પણ એ લંબાણનું માધુર્ય કંઈક અલગ છે.
ધારોકે, કોઈક કામસર મિત્ર સાથે બહાર જવાનું હોય અને આપણે મિત્રને લેવા માટે એના ઘરની નીચે ઊભા હોઈએ અને મિત્ર મહોદય વહેલા ઘરેથી નહીં નીકળે તો, સામાન્ય રીતે એટલું જ કહેવાનું હોય કે, ‘ચાલને ભાઈ, કેટલી વાર?’ પણ તાપી દક્ષિણતટવાસી હોય તો એ કંઈક આમ બોલશે, ‘એ (બે અક્ષરનો શબ્દ)… (ચાર અક્ષરનો શબ્દ) કેટલી વાર? ઘરમાં ભરાઈને હુ (બે વત્તા ત્રણ) છે.’ ગાળમિશ્રિત ભાષામાં જ્યારે આ ઘાણીફૂટ શબ્દોની ફૂલઝરી વરસે ત્યારે બીજાને ભલે એ ગાળ લાગે કે, અશિષ્ટ લાગે પણ અમને તો આકાશમાંથી પુષ્પવર્ષા થતી હોય એવી ફીલિંગ થઈ આવે. જો કોઈ મિત્ર કે ઓળખીતુંપાળખીતું ગાળ દીધા વિના વાત કરે તો અમારું મગજ ચકરાવે ચઢી જાય કે, ‘નક્કી આને કંઈક ખોટું લાગ્યું છે. તો જ એ આમ રસકશ વિનાની, ગાળ વિનાની ફિક્કી ભાષામાં વાત કરે છે.’ ઈનશોર્ટ અમને તો શિષ્ટ ભાષા કરતા વેલ ગાર્નિશ્ડ લૅંગ્વેજ જ વધુ પોતીકી લાગે છે. હું કીધું?
આ તો થઈ એક ચોક્કસ પ્રદેશ અને ત્યાં બોલાતી ગાળોની વાત. પણ આપણી ગુજરાતીમાં કેટલાક રૂપકો અને વિશેષણો યુનિવર્સલ છે, જેને આપણે બધા ભારે લિજ્જતથી બોલીએ છીએ. જો એ રૂપકો અને વિશેષણોને આપણી ભાષામાંથી દૂર કરી દેવામાં આવે તો આપણે ખરેખર અપંગ બની જઈએ અને આપણી બોલાતી ભાષા સાવ વેવલી અને બોદી થઈ જાય.
કેટલાક ઉદાહરણો જોઈએ. એક શબ્દ જે આપણા સૌનો અતિપ્રિય છે એ છે ‘ટાલ’. ‘ટાલ’ શબ્દ અબાલવૃદ્ધ સૌને પસંદ છે. અને પસંદ હોય કે, ન હોય ‘ટાલ’ શબ્દ આપણને ગળથૂથીમાં મળેલો છે. એટલે જ આપણી સામાન્ય વાતચીતમાં હાલતા-ચાલતા આપણે, ‘તારી ટાલ’, ‘તારા બાપની ટાલ’ કે ‘તારા કાકાની ટાલ’ જેવા વિશેષણોનો છૂટથી ઉપયોગ કરી લઈએ છીએ. ટાલ વિશેષણ સાથે આપણને એટલો બધો ઘરોબો છે કે, એ બોલવા માટે સામેની વ્યક્તિના પિતા અને કાકાને પણ વચ્ચે ઢસડી લાવીએ છીએ. સારું છે કે, આ વિશેષણમાં એ વ્યક્તિનું મોસાળપક્ષ બાકાત રહે છે. નહીંતર ‘મામાની ટાલ’ અને ‘માસાની ટાલ’ જેવા વાક્યોય સાંભળવા મળત!
‘ટાલ’ પછી બીજા બે શબ્દો છે ‘કપાળ’ અને ‘માથું’. ટાલનું વિશેષણ વાપરીને માણસ કંટાળી જાય છે ત્યારે તે સામેની વ્યક્તિના બાપ અને કાકાને ફરીથી ઢસડીને કપાળ અને માથાના વિશેષણોનો ઘા કરે છે. આમાં અમને દર વખતે સવાલ રહ્યો છે કે, ‘આ વિશેષણોમાં ટાલ, કપાળ અને માથું જ કેમ?’ ‘તારા કાકાના હાથ’, ‘તારા બાપની વધેલી અને કદરૂપી ફાંદ’, ‘કે ‘તારું ગળતું નાક’ જેવા પ્રયોગો કેમ નહીં? જોકે બોલિવુડે પાછલા દશકમાં એક વિશેષણની ભેટ આપી છે અને એ વિશેષણ છે, ‘મા કી આંખ!’ સ્કૂલ કોલેજમાં પઢતી આજની પેઢીને જ્યારે આશ્ચર્ય થાય છે ત્યારે, ‘માઆઆઆઆઆ કી આંખ…’નો પ્રયોગ આસાનીથી કરી લે છે. ચલો થેંક્સ ટુ બોલિવુડ, કે જેના કારણે બોલાતી ભાષાની ડિક્શનરી વધુ સમૃદ્ધ બની.
શરીરના અવયવો બાદ આપણે વાદ્યોનો પણ વિશેષણ રૂપે ઉપયોગ કરી લઈએ છીએ. વાદ્યોના વિશેષણોમાં સૌથી પહેલા આવે છે તંબૂરો. કોઈ મહત્ત્વની વાતચીત દરમિયાન કોઈને ઉતારી પાડવા માટે આપણને શિષ્ટ ભાષામાંથી કોઈ સારો શબ્દ નહીં જડે ત્યારે અથવા સારો શબ્દ વાપરવાની આપણને ઈચ્છા નહીં થાય ત્યારે આપણે ‘તંબૂરો’ શબ્દનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. કોઈ આપણી આગળ બડાઈ મારે અને કહે કે, ‘મને ફલાણું ફલાણું આવડે છે.’ ત્યારે આપણે મોઢાં પર આર્ટિફિશિયલ સ્માઈલ સાથે ‘તને શું તંબૂરો આવડે?’ એમ મનમાં બોલી લેતા હોઈએ છીએ. તંબૂરા પછીની આપણી પસંદ હોય છે ‘મંજીરા’. જોકે ‘મંજીરા’ અને ‘તંબૂરો’ની વચ્ચે ચૂંટણી થાય તો તંબૂરો બિનહરીફ ચૂંટાઈ આવે કારણ કે, અપક્ષ ઉમેદવારોની જેમ મંજીરાનો ઉપયોગ આપણે જૂજ કરીએ છીએ. વાદ્યોની યાદીમાં આ બે જ ભારતીય વાદ્યોને સ્થાન મળ્યું છે એ પણ નોંધવા જેવી વાત છે. વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સનો આપણે નહિવત્ ઉપયોગ કરીએ છીએ. તંબૂરાની જગ્યાએ આપણે ક્યારેય ગિટાર, પિયાનો કે સેક્સોફોનનો વિશેષણ તરીકે ઉપયોગ કરતા નથી.
હવે રૂપકો પર આવીએ. રૂપકોની બાબતે આપણે પ્રાણીઓને વધુ વગોવ્યા છે. એમાંય કૂતરા, વાંદરા અને ગઘેડા જેવા નિર્દોષ જીવોને આપણે છેક છેલ્લી પાયરીએ બેસાડીએ છીએ. કોઈ તો વળી એવા પરાક્રમીઓ હોય છે, જેમને કોઈ એક ચોક્કસ રૂપકથી સંતોષ નહીં થાય ત્યારે એ બધા ચોપગા પ્રાણીઓને સાથે લઈને સામેવાળાની તાજપોશી કરે છે. લેટ્સ હેવ વન દૃષ્ટાંત ઑફ ઈટ, ‘સાલો ‘ઢોર’ કોઈ વાતમાં સમજતો જ નથી!’ જોકે ઢોરની બાબતે તો લખાતી ભાષા પણ કંઈ ઓછી નથી, કારણ કે, શબ્દકોશમાં ‘ઢોર’ શબ્દના મૂર્ખ અને બેવકૂફ જેવા અર્થો બતાવાયા છે.
આ ઉપરાંત આપણે ઈતિહાસ કે બોલિવુડમાંથી પણ કેટલાક રૂપકો લઈએ છીએ. જેમકે કોઈ માણસ ભારે વટમાં નીકળે તો એની અદા જોઈને આપણે કહી દઈએ કે, ‘મોટો રાજેશ ખન્ના જેવો નીકળી પડ્યો.’ અથવા કોઈ માણસ ભારે રૂઆબ કરતો હોય કે, વધારે પડતા ઓર્ડર કરતો હોય તો, ‘મોટો લોર્ડ કર્ઝનની જેમ ઓર્ડર શેના ફાડે છે?’ એમ કહી દઈએ. આ ઉપરાંત બાજીરાવ પણ એક પ્રચલિત ઐતિહાસિક રૂપક છે. મોડે સુધી ઘોરતા લોકો માટે એમની મા કહેતી હોય છે, ‘આમ બાજીરાવની જેમ બોપોર સુધી ઘોરે છે, તો જરા વહેલો ઊઠીને ઘરના કામ કરતો હોય તો?’
બોલાતી ભાષા પર લેખ લખતા બીજી એક વાત મારા ધ્યાનમાં આવી. વાત ઈન્ટ્રેસ્ટિંગ છે. આપણી આસપાસ કેટલાક ભાષાવિદો એમની વાક્યરચનાઓમાં મ્યુઝિક અથવા નાનીનાની ઝિંગલ્સનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે એમની રજૂઆતની શૈલી એટલી આકર્ષક બની જાય છે કે, બે ઘડી આપણને પણ ત્યાં બેસીને સાંભળવાનું મન થઈ આવે. એવા કલાકારો ઝિંગલ્સ અથવા મ્યુઝિકનો કઈ રીતે ઉપયોગ કરે છે એ જોઈએ. ધારોકે કોઈ સિનિયર ટપોરી એના જુનિયર ટપોરીઓને એના કોઈ પરાક્રમની વાત કરતો હોય તો એ કંઈક આમ કહેશે, ‘અબે જાવા દે ને, બાજુની ગલીનો છોકરો આપણી ગલીની છોકરીને છેડીને ભાગ્યો એટલે મેં પણ ‘ફટ’ દઈને બાઈક શરૂ કરી અને ‘ઝુમ’ દઈને એની પાછળ ભગાવી દીધી. પછી હરામીને પકડીને જે ‘સટાસટ સટાસટ’ બોલાવી છે…’ આખી વાતમાં ટપોરી ‘ફટ’, ‘ઝુમ’ અને ‘સટાસટ’ જેવા શબ્દો એના વિશિષ્ટ રાગ ‘રાગ ટપોરી’માં આલાપશે અને સાથે અકપાત્રીય અભિનય કરીને રજૂઆતને વધુ અસરકારક કરશે. આ ઉપરાંત પણ એવા તો અનેક રૂપકો અને વિશેષણો છે, જેની ગાથા માંડીએ તો એક થિસિસ લખાય.
પણ ઉપર કહ્યું એમ જો એ બધા શબ્દો, વિશેષણો અને રૂપકોને બોલાતી ભાષામાંથી દૂર કરી દેવામાં આવે અથવા કાલ ઉઠીને કોઈ ડિક્ટેટર આવા શબ્દો પર પ્રતિબંધ લાદે તો ભાષા કેટલી નિરસ બની જાય. બોલાતી ભાષાનું ખરું માધુર્ય, ખરો આનંદ જ આ શબ્દોને કારણે છે. બોલાતી ભાષા એ કોઈ વિદ્યાપતિની મોહતાજ નથી. એ ભાષાનું બંધારણ, એના શબ્દો કે રૂપકો, અલંકારો આમ આમદમીએ ઘડેલા છે, રાધર આમ આદમીએ કોઈ સભાનતા કે બૌદ્ધિકતાના ભાર વિના બોલાતી ભાષાને સમૃદ્ધ કરી છે. ભાષાના એ સૌંદર્ય અને એ મીઠાશ માટે આપણે આપણી જાતનો આભાર માનવો જ રહ્યો.
ફીલ ઈટઃ
અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલું અને પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા ગવાયેલું એક ફક્કડ ગુજરાતી ગીત માણોઃ
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=fZ_f18JbXlo[/embed]
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર