ઝંસ્કાર મોરી મોરી રે...
ઝંસ્કાર પરનો રિયલ ચાદર ટ્રેક શરૂ થાય તિલદથી. તિલદથી સિગના કુરમાના છ કિલોમિટર કાપવાના હોય અને ત્યાં ઝંસ્કાર કિનારે તંબુમાં રાતવાસો કરીને ચૌદ કિલોમિટર કાપીને ટીબ સુધી પહોંચવાનું હોય. આમ તિલદ ટુ સિગના કુમરા અને સિગના કુરના ટુ ટીબમાં ત્રણ રાત અને ત્રણ દિવસનો ટ્રેક થાય. ટીબથી નેરક પહોંચવાનું હોય. આ અંતર પણ ચૌદ કિલોમિટરનું હોય. અમારા ટ્રેક દરમિયાન ટીબ સુધી તો અમને એમ જ લાગેલું કે, અમે બગીચામાં ફરીએ છીએ, પરંતુ નેરક સુધી પહોંચતી વખતે ચોથા દિવસે અમને નાના-મોટા પડકાર મળેલા ખરા. શરૂઆતમાં જ ટ્રેક લીડરે જાહેરાત કરી કે, ગઈકાલે સાંજથી થોડાઘણા વાદળ થવાને કારણે ચાદર થોડી પીગળી છે અને જેટલી ચાદર બચી છે એ અત્યંત લપસણી છે. આથી હવે તમામ લોકોએ ટોળામાં નહીં ચાલતા એક લાઈનમાં વારાફરતી ચાલવું અને બને ત્યાં સુધી વાતો ઓછી કરીને ચાદર પર ધ્યાન રાખી અત્યંત સાવચેતીથી ચાલવું.
ચાદર પીગળી જવાને કારણે ઝંસ્કારનું વહેણ વિશાળ થઈ ગયેલું અને લોકમાતાને પણ દિવસો બાદ મોકળું મેદાન મળતા એ પિતાના આંગણામાં મસ્તીથી મહાલતી કોઈ કુંવારિકાની જેમ હિમાલયના ખોળે વહેતી હતી. કિનારા પરની ચટ્ટાનોની આસપાસ બરફના ચોસલા બાઝેલા હતા અને એ ચટ્ટાનોનો સહારો લઈને બરફના લપસણા ચોસલા પરથી હળવેકથી વારાફરતી આગળ વધવાનું હતું. અધૂરામાં પૂરું હાથમાં હેન્ડ ગ્લવ્ઝ હોવાને કારણે ચટ્ટાનોને પકડવામાં ફાવટ નહોતી આવતી અને હાથમાંથી ગ્લવ્ઝ કાઢીને ચટ્ટાન પકડીએ તો કાતિલ ઠંડી અને ચટ્ટાનોની તીક્ષ્ણતા પરેશાન કરતી હતી.
હજુ તો અમારી મંડળી દસેક મિનિટ નહીં ચાલી હોય ત્યાં ટીમ લીડરે સીટી મારીને થોભી જવાનો આદેશ કર્યો અને પાછળ ચાલતા બેચ મેટ્સ તરફથી વાવડ મળ્યાં કે, સૌથી પાછળ ચાલતો બેંગ્લુરુનો સુમન નામનો બેચ મેટ, જે સારો ફોટોગ્રાફર પણ હતો એ બરફની શિલા પરથી સ્લીપ થઈ ગયો છે. ટ્રેક શરૂ થયેલો ત્યારથી મારા સહિતના તમામ બેચ મેટ્સ બરફ પર ધડામધૂમ પડેલા એટલે અમને એમ કે, ફોટોગ્રાફ્સ ક્લિક કરતા એનું ધ્યાન નહીં રહ્યું હોય અને એ જરા અમસ્તો સ્લીપ થયો હશે. પરંતુ પંદરેક મિનિટ સુધી કાફલો આગળ નહીં વધ્યો એટલે પાછળના મિત્રોને બૂમ પાડીને પૂછ્યું ત્યારે ખબર પડી કે, સ્લીપ થઈ જવાને કારણે બેંગ્લુરુના એ મિત્રનું બધુ વજન એના હાથ પર આવી ગયેલું, જેના કારણે એના હાથનું હાડકું ખસી ગયું હતું. અમે ઘણા આગળ હોવાને કારણે અને વચ્ચે ચાદર રિસ્કી હોવાને કારણે અમે ત્યાં નહીં જઈ શક્યા અને એ મિત્ર કેટલું કણસ્યો હશે એ તો રૂબરૂ જોવા નહીં મળ્યું. પરંતુ ઠંડીમાં ગુપ્ત માર વાગે ત્યારે કે શરીરના અંદરના ભાગમાં ઈજા થાય તો કેટલી પીડા થાય એ બાબતનો અહેસાસ તો અમને હતો જ. અધૂરામાં પૂરું શરૂઆતની પાટા-પીંડીને બાદ કરતા પેઈન કિલરના ઈન્જેક્શન કે યોગ્ય તબીબી સહાયતા લેહ સિવાય ક્યાંય ઉપલબ્ધ નહોતી. ટીબ કેમ્પથી લેહ પૂરા બે દિવસ દૂર હતું. અને એથીય મોટી મુશ્કેલી એ હતી કે, ચાદર ટ્રેક માટે જે ચિલિંગ ગામ આવવું પડે એ ચિલિંગ ગામથી અઢી કલાકના અંતરે આવેલા લેહ જવા માટે કોઈ વાહન પણ આસાનીથી ઉપ્લબ્ધ નહોતું.
જોકે ખંતીલા ઝંસ્કાર પુત્રો સાથે હોય ત્યારે આપણા પર મુશ્કેલીઓના પહાડ પણ ખડકાયા હોય તો, આપણી પીડાને કારણે જરાય ડગમગવું નહીં અને ઝંસ્કારીઓમાંની શ્રદ્ધા ગુમાવવી નહીં. આવા સમયે તમે એઈમ્સના ડૉક્ટર હો કે નાસાના એન્જિનિયર હો કે ભલે આઈઆઈએમમાંથી મેનેજમેન્ટ શીખીને આવ્યા હો, આવા સમયે તમારી બધી ડિગ્રીઓ અને તમારું ડહાપણ માત્ર તમારી પાસે રાખવું. અને ઝંસ્કારીઓ જે સલાહ આપે એ એને માનભેર અનુસરવું.
[caption id="attachment_55622" align="alignnone" width="1920"] લેહથી ચિલિંગ જવાનો રસ્તો[/caption]મિત્રની પરિસ્થિતિ જોઈને ટ્રેક લીડર્સ અને પોર્ટર્સની ભૂમિકામાં સાથે ચાલતા ઝંસ્કારીઓએ તરત નિર્ણય કર્યો કે સુમન હવે પછીનો ટ્રેક નહીં કરે અને ટીમમાંનો એક ઝંસ્કારી એને લઈને લેહ માટે રવાના થાય. જોકે એનો અર્થ એ નહતો થતો કે, સુમનને તાત્કાલિક મેડિકલ સારવાર મળશે અને એને એની પીડામાંથી મુક્તિ મળશે! સારવાર મેળવવા માટે સુમને પોતે બે દિવસ ચાલવાનું હતું (ચાદર પાતળી હોય અથવા સંપૂર્ણ ઓગળી ગઈ હોય તો પણ!), બે રાત કણસવાનું હતું અને ઉંચા પહાડો ચઢીને લેહ જવા માટે ચિલિંગ ગામ પહોંચવાનું હતું.
બીજી તરફ અમારે બને એટલી ઝડપે ચાલીને નેરક કેમ્પ સુધી પહોંચવાનું હતું, જેથી બપોરના ત્રણ વાગ્યા પહેલા નેરક કેમ્પ પહોંચી જવાય તો ત્યાંથી એક વિશાળ પર્વતની ટોચ પર આવેલા નેરક ગામમાં રહેલા સેટેલાઈટ ફોનથી લેહ ફોન કરીને ચિલિંગ પર સુમનને એક વાન લેવા આવે એની વ્યવસ્થા કરી શકાય. ત્રેવીસ લોકોના અમારા ગ્રુપમાં બે મિત્રોએ અંગત કારણોસર પરત થવું પડેલું અને સુમને અકસ્માતને ભોગે પરત ફરવું પડ્યું, જોકે આગળ કહેલું એમ ઝંસ્કારનો એક નિયમ અફર છે કે, અહીં સતત ચાલતા જ રહેવું પડે છે. અહીં પ્રકૃતિ ભલે સ્થગિત હોય, પરંતુ ઈન્સાનને સ્થગિત રહેવું નહીં પાલવે. એટલે પોર્ટર્સની ટોળી ઉપરાંત અમારા વીસ જણાનો કાફલો આગળ વધ્યો. ઝંસ્કાર પર ચાલવાનો આ ત્રીજો દિવસ હતો અને એ ત્રણ દિવસ દરમિયાન દુનિયા સાથે અમારું કોમ્યુનિકેશન સદંતર તૂટી ગયું હતું. એવા ટાણે સાથે ચાલતા ઝંસ્કારીઓ અને બેચ મેટ્સ જ આપણા સ્વજનો બની જતાં હોય છે અને એમાંથી પણ કોઈક ખરી પડે તો સ્વાભાવિક રીતે જ જીવ બળે. આને ઝંસ્કારની કરામત જ કહેવાય કે, ટ્રેક શરૂ થયો એ પહેલા જે માણસને જોયો તો શું એના વિશે સ્વપ્નેય ખ્યાલ નહીં આવ્યો હોય એવા માણસને આપણે સ્વજન માની બેસીએ અને એની પીડા આપણી પોતીકી પીડા બની જાય. માનવ સમૂહ, સમાજ કે સંસ્કૃતિઓ કદાચ આવી જ લાગણીઓને કારણે ઘડાતા હશે!
નેરક તરફ આગળ વધતી વખતે આખા ગ્રુપમાં એક બાબતનો અભાવ હતો અને એ બાબત હતી અમારા સૌનો ઉત્સાહ. ઉત્સાહ ઘટી પડવાના ત્રણ કારણો હતા. એક તો સુમનનો અકસ્માત અને એની વાપસી, ચાર દિવસથી ઘરથી સદંતર વિખૂટા પડી જવું અને હવે જે નેરકમાં જઈ રહ્યા હતા ત્યાં રાત્રે ટ્રેકિંગ દરમિયાનની સૌથી વધુ ઠંડી પડવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી.
નસિબજોગે શરૂઆતના બે-ત્રણ કલાક બાદ કરતા અમને ચાદર થોડી ઘટ્ટ મળી અને સાડાત્રણેક વાગ્યાની આસપાસ અમે નેરક કેમ્પ પહોંચી ગયા. કેમ્પ પર પહોંચતા જ 'જૂલે... જૂલે... જૂલે...'ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ઊર્જામય બની ગયું. અમે કેમ્પ પર પહોંચીએ એ પહેલા ઝંસ્કારીઓએ અમારા માટે ચ્હાની સાથે એક બીજી પણ તૈયારી કરી રાખી હતી. અમે કેમ્પ પર પહોંચ્યા એટલે ઝંસ્કાર પુત્રો વારાફરતી અમને ભેટવા માંડ્યા અને સેફ્ટી પીનથી એક સફેદ રિબન અને થુજા નામના વૃક્ષની નાની ડાળીઓ અમારા ખભે બાંધી. એમના ઉત્સાહથી અમે પણ અલિપ્ત ન રહી શક્યા અને એમને આ વિધિ વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે, આપણે જેમ શુકન માટે દહીં ખાઈએ એમ બૌદ્ધ ધર્મમાં શુકન માટે આ વિધિ કરવામાં આવે છે. આ વિધિ દ્વારા ઝંસ્કારપુત્રો અમારા કુશળ-મંગળની કામના કરી રહ્યા હતા અને આવતીકાલથી શરૂ થતી ડાઉન જર્ની બાદ અમે સાજાસમા અમારી ધરતી પર પહોંચી જઈએ એની એમના ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા.
નેરક કેમ્પ પછી પણ ટ્રેકિંગ થઈ શકતું હોય છે. એ ટ્રેકિંગ પર મોટાભાગે વિદેશીઓ જતાં હોય છે. પરંતુ એ ટ્રેકિંગ કરવા માટે સિલકમાં રોકડા પંદર દિવસ જોઈએ અને આજના જમાનમાં લાગલગાટ પંદર દિવસનો ટ્રેક અને કોમ્યુનિકેશન વિનાનું જીવન કોઇને પરવડી શકે નહીં. એટલે મોટાભાગની ટ્રેકિંગ કંપનીઓ નેરક સુધીનું છ રાત, સાત દિવસનું ટ્રેકિંગ કરાવતી હોય છે. નેરક કેમ્પ પાસે ઝંસ્કારનો પ્રખ્યાત થીજેલો ધોધ જોવાની તક મળે છે. ટ્રેકિંગ દરમિયાન થીજેલી નદી અને થીજેલા ઝરણાં તો જોયાં, પરંતુ પહાડ પરથી પ્રચંડ શક્તિએ જમીન પર અફળાતા ધોધને શૂન્યવત થઈને થીજેલો જોવો, આશ્ચર્યની વાત બની ગઈ હતી. અલબત્ત, ફોટોગ્રાફ્સમાં આવા દૃશ્યો અનેક વાર જોવાના બન્યાં હોય, પરંતુ કુદરતનું આ સ્વરૂપ પ્રત્યક્ષ જોઈએ ત્યારે જે અનુભૂતિ થાય એ અવર્ણનિય હોય છે. ધોધને જોઈને એમ જ લાગે કે, ગૌતમે અહલ્યાને શાપ આપેલો એમ જ કોઈક આ ધોધને શાપ આપી ગયું છે અને ધોધની પ્રચંડતા હરી ગયું છે!
નેરક પહોંચીએ એટલે થાકેલા પોર્ટર્સ આપણી પાસે દિલથી ફંડ ઉઘરાવે. ટ્રેકની અડધી જર્ની પૂરી કરી એનો તેઓ જશ્ન મનાવે અને એમાં તેઓ આપણને પણ આમંત્રણ આપે. બે-ત્રણ ઝંસ્કારીઓનું ટોળું ઉપરના પહાડ પર ગગન સમીપે વસેલા નેરક ગામથી એમના માટે રમ અને સ્થાનિક શરાબ છંગ અને અરખ (આ બંને દારુ ઘઉંના અર્કમાંથી બને. અર્ક પરથી અરખ કહેવાતું હશે એવું મારું માનવું છે!) લઈ આવે. શરાબ સિવાય પણ અમારા ટ્રેક લીડરના શિરે બીજી જવાબદારી હતી, જ્યાં નેરક ગામ પહોંચીને એમણે સુમનને ચિલિંગ ખાતે કોઈ સાધન લેવા આવે એની પણ ગોઠવણ કરવાની હતી.
[caption id="attachment_55617" align="alignnone" width="1440"] થીજેલા ધોધ પાસેનો ધબકાર[/caption]કેમ્પ પર ઝંસ્કારીઓએ ઉત્સાહ બતાવ્યો પછી અમારા જીવમાં પણ જીવ આવ્યો. અમને થયું હવે માત્ર ત્રણ રાતો કાઢવાની છે અને ચોથી રાત્રે તો અમે લેહમાં હોઈશું એટલે મોબાઈલ નેટવર્ક મળી જશે. ઝંસ્કારના ટ્રેક દરમિયાન જો કશું સૌથી ભયાવહ હોય તો એ હોય છે ત્યાંની સાંજ. સાંજ્ના સમયનું અંધારું રાતના અંધારા કરતા ઘણું ડરામણું હોય, જે દરમિયાન સ્વજનોના ચહેરા રહી રહીને આંખ આગળ મંડરાય. ચાર દિવસથી એમની સાથે કોઈ જ સંપર્કમાં નહીં હોઈએ ત્યારે એ વાતે થથરી જવાય કે, તેઓ હમણા આપણા વિશે શું વિચારતા હશે અને આપણા વિશે કેવી કેવી કલ્પનાઓ કરતા હશે? આ જ સમયે આપણને ખ્યાલ આવે છે કે, આપણે આપણા કામમાં ભલે ગમે એટલા બિઝી રહેતા હોઈએ કે આપણે આપણા સ્વજનોને કે આપણા સ્વજનો આપણને સમય નહીં આપી શકતા હોય. પરંતુ આપણે એમને ખૂબ ખૂબ ખૂબ ચાહીએ છીએ અને એમના વિના આપણું અસ્તિત્વ શક્ય નથી. ચાદર ટ્રેકને હું એ રીતે પણ મહત્ત્વનો માનું છું કે, આ ટ્રેક આપણને આપણા સ્વજનોની ખરી કિંમત અને આપણા જીવનમાં એમનું શું સ્થાન છે એ વિશેનો સ્પષ્ટ ખ્યાલ આપે છે.
સુવિખ્યાત ફ્રોઝન ફોલ પાસે અઢળક ફોટોગ્રાફ્સ ક્લિક કરાવ્યા પછી રાત્રે કેમ્પફાયર પર અમે ખૂબ જલસા કર્યા. બીજા દિવસની સવારથી શરૂ થતી ઘર ભણીની જાત્રાને કારણે સૌ કોઈ પ્રફુલ્લિત હતા. મનોરંજનનું એકમાત્ર સાધન હતા ગીતો એટલે ગાઢ અંધકારની વચ્ચે એક નાનકડા તાપણા પાસે અમે જોરજોરથી ગીતો ગાયા. અમારા અવાજ દ્વારા હિમાલયના એ ઠંડક ભર્યા અવકાશમાં અમે અમારા હોવાપણાની હાજરી નોંધાવી રહ્યા હતા અને મેદાનોમાંથી અચાનક આવી ચઢેલા અમારા જેવા નગરના માનવીઓને પ્રેમથી પનાહ આપવા માટે હિમાલયપુત્રી ઝંસ્કારનો આભાર માની રહ્યા હતા.
બાકી વાતો હવે પછીના લેખમાં. જૂલે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર