વહી ઝંસ્કાર… વહી ચાદર…

12 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

લેહની ઝંસ્કાર નદી પરના ચાદર ટ્રેકની વાતો એક આર્ટિકલમાં અટોપી લેવી હતી, પણ એકના બે લેખ થયાં અને બેના થયાં ચાર! ફેસબુક અને વ્હોટ્સ એપ પર વાચકોએ ચાદર ટ્રેક પરના લેખોને થાળ ભરી શગ મોતીડે વધાવ્યા અને એમના પ્રતિભાવો વાંચીને આપણને પણ આ શ્રેણી લખવાનો પોરસ ચઢતો રહ્યો, જેના પરિણામે આ ચોથો લેખ લખાઈ રહ્યો છે.

ગઈકાલે સિગના કુરમા કેમ્પ પરના ગરબાની વાત કરેલી. એ જ કેમ્પ પર બપોરે અમને સ્થાનિક ઝંસ્કારીઓનું એક ટોળું મળી ગયેલું. ત્રણેક પુરુષ, બે યુવાનો અને એક દીકરીનું એ ટોળું ઝંસ્કારવેલીના દૂરના કોઈક ગામડેથી લેહ તરફ જતું હતું. બે દિવસના ઝંસ્કારવાસ દરમિયાન ચાદર પર અમને ડાઉન જર્ની કરતા ટ્રેકર્સ તો ઘણા મળેલા, પરંતુ કોઈક અગત્યના કામે વખાના માર્યા લેહ માટે નીકળેલા ઝંસ્કારીઓ પહેલી વખત મળ્યા હતા.

એમની નજીક જઈને એમના નામઠામ અને લેહ જવાનો એમનો ઉદ્દેશ્ય પૂછ્યો ત્યારે ચોકી જવાયું. ટોળામાંના બે-ત્રણ જણા શુદ્ધ ઉચ્ચારણો સાથે અંગ્રેજી બોલી રહ્યા હતા. એમની પાસે જાણવા મળ્યું કે, એમના સંતાનો લેહ અને દેશના બીજા વિસ્તારોમાં ભણે છે, જેમને તેઓ ફ્લાઈટ સુધી મૂકવા જઈ રહ્યા હતા. એમાંના એક યુવાનને મેં પૂછ્યું, ‘ભાઈ તું શું ભણે છે?’ એણે કહ્યું, ‘હું ચંદીગઢમાં માસકોમ્યુનિકેશન કરું છું.’

મેં પણ માસકોમ્યુનિકેશન કરેલું એટલે ઝંસ્કારવેલીનો એ યુવાન મને નાતભાઈ જેવો લાગ્યો અને મેં એને લાગલું જ પૂછ્યું કે, ‘માસકોમ કરીને તારે કયા ક્ષેત્રમાં કામ કરવું છે?’

રેડિયો.’ એણે કહ્યું.

પ્રાઈવેટ એફએમ કે ઑલઈન્ડિયા રેડિયો?’ મારો નવો સવાલ.

બંને નહીં.’

તો?’ મને થયું તો આ ભાઈ નવું શું કરવાના?

ઝંસ્કારવેલીના લોકો માટે કોમ્યુનિટી રેડિયો સ્થપાય એ માટે મારે નક્કર કામ કરવું છે? જો મેળ પડ્યો તો એ કોમ્યુનિટી રેડિયો હું જ ચલાવીશ.

એ યુવાનનો જવાબ સાંભળીને હું દંગ રહી ગયો. ઝંસ્કારીઓની ખાનદાની તો બે દિવસમાં ઘણી જોઈ હતી પરંતુ એમનીન હાડોહાડ ખુમારી જોવાનો આ પહેલો અનુભવ હતો. એ યુવાન પોતાના માટે માસકોમ્યુનિકેશન નહોતો કરતો પરંતુ સમગ્રતઃ વેલીનો ઉદ્ધાર થાય અને છ મહિના સુધી દુનિયા આખીથી વિખૂટી પડી જતી વેલીમાં માહિતીનું આદાનપ્રદાન થઈ શકે એ માટેની ખેવના ધરાવતો હતો. વળી, મેં પૂછ્યું કે, ‘દિલ્હી-નોઈડા કે ચંદીગઢ તરફના કોઈ મીડિયા હાઉસમાંથી મોટી ઑફર આવી તો?’

ના. નહીં જ જાઉં. હું ઝંસ્કારવેલી માટે જ કામ કરીશ.એ યુવાને કહ્યું. મને ઋગવેદનો ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ મંત્ર સાંભરી આવ્યો. સાથે જ યાદ આવ્યું કે ભગવાન બુદ્ધે પણ બહુજન હિતાયના આ મંત્રને જીવન મંત્ર બનાવ્યો હતો અને કોમ્યુનિટી રેડિયોની વાત કરી રહેલો એ યુવાન પણ બૌદ્ધધર્મી હતો.

માસકોમનો અભ્યાસ તો મેં પણ કરેલો, પરંતુ મારા એ અભ્યાસના કેન્દ્રમાં મારો પોતાનો શોખ હતો, મારું વળગણ હતું. સમાજ કે બહુજન દૂરદૂર સુધી નહોતા. અને પેલો અભાવોમાં જીવતો ઝંસ્કારી બહુજનની વાત કરી રહ્યો હતો. એ નોખી ભૂમિના માનવીથી હું અત્યંત પ્રભાવિત થઈ ઉઠ્યો. ની સમજણ આગળ મારું ડહાપણ પાણી ભરી રહ્યું હતું. મેં એને સલામ ઠોકી અને ‘જૂલે’ કહીને આગળ વધ્યો.

સિગના કુરમા કેમ્પથી ટીબ સુધી પહોંચવાનું હોય. 14 કિલોમિટરના આ ટ્રેક પર અમને અત્યંત પહોળી અને ઘટ્ટ ચાદર મળેલી. બંને તરફ તોતિંગ પહાડોની વચ્ચે ટુ લેન રોડ જેટલી પહોળી ચાદર અને ઉપર નીલવર્ણી આકાશ. પવનની શીત લહેરોમાં ઠંડકની સાથે તાજગી પણ ફરફર થાય અને ચાલતા ચાલતા આપણું હ્રદય પોઝિટીવ એનર્જીથી અમસ્તુ છલક છલક થાય.

[caption id="attachment_55443" align="alignnone" width="1920"]zulie-07 PC: Aditi Sarkar[/caption]

આજુબાજુના પહાડોમાંથી ઠેકઠેકાણેથી પાણીના ઝરણ ઝંસ્કારમાં ભળે એવી કુદરતની મજાની વ્યવસ્થા હતી. પરંતુ ઠંડીએ સીત્તેર-એંસી ફૂટ ઉપરથી નીચે પછડાતા ઝરણાને પણ નહીં બક્ષેલા અને આ કારણે ઝરણા જાદુઈ રીતે થીજીને શ્વેત થઈ ગયેલા. જોકે અપવાદ દુનિયામાં બધે જ જોવા મળ્યાં મળ્યા છે, તો અજબગજબથી ભરપૂર ઝંસ્કાર તો અપવાદથી વંચિત કેમ હોય?

ટીબ જતાં રસ્તે એક ઉંચો પહાડ આવે છે, જાણે ઉંચી સપાટ દીવાલ જ! એમાંથી વહેતા ઝરણાએ ઠંડી કે ઠંડીના બાપની પણ પરવા કરી નથી. ઉંચે પહાડ પર ઝરણાના જન્મસ્થળ તરફ જોઈએ તો બે સમાંતર ગુફા દેખાય, જેમાંની એક ગુફામાંથી પાણી ખળખળ વહે અને એની એક વેંતને અંતરે આવેલી ગુફામાં પાણીનું ટીપુંય નહીં જોવા મળે! આ વિશે જાણવા મળ્યું કે, પાણીના ઝરણ વિશે અનેક લોકો સંશોધન કરી ગયા છે, પરંતુ કોઈને હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, ભલભલી ઠંડીમાં આ ઝરણું થીજતુ કેમ નથી અને એકદમ અડીને આવેલી બે ગુફાઓમાંથી માત્ર એક જ ગુફામાંથી પાણી કેમ ઝરે છે?

મિત્ર કશ્યપ ચૌહાણે સ્થાનિક ઝંસ્કારીઓમાં આ વાતની તપાસ કરી તો જાણવા મળ્યું કે, ઝંસ્કારીઓને ખેતી અને જીવન જરૂરિયાત માટે પાણી મળી રહે એ માટે ઈશ્વરે એ ઝરણને અમરત્વ બક્ષ્યું હતું. જોકે એક વાર એક બૌદ્ધ સાધુએ ગુસ્સામાં આવીને એ ઝરણ તરફ પોતાના પગનું જોડું મારેલું અને એ જોડું ઝરણની જે ગુફાને અડેલું એ ગુફામાનુ વહેણ કાયમ માટે અટકી ગયેલું. હવે આ લોકવાયકામાં તથ્ય કેટલું છે એ તો ખૂદ ઝંસ્કાર જ જાણે. પરંતુ આસપાસનું સઘળું થીજી ગયેલું હોવા છતાં એ ઝરણું ખળખળાટ વહે છે એ પણ ઝંસ્કારનું સનાતન સત્ય છે.

ટીબ સુધીનો 14 કિલોમિટરનો વિસ્તાર કાપવા માટે છએક કિલોમિટર ચાલીએ એટલે અડધે રસ્તે પોર્ટર્સે એમનો પડાવ નાંખી દીધો હોય. સવારે આપણા કરતા પાછળથી નીકળતા પોર્ટર્સ ખભે ભારેભરખ સામાન લાદીને અથવા એમની વિશેષ બરફગાડી પર સામાન લાદીને આપણાથી આગળ ક્યારે નીકળી જાય એનો આપણને ખ્યાલ નહીં રહે. આપણે પડાવ પર પહોંચીએ એટલામાં તેઓ આપણા માટે ગરમાગરમ ચ્હા અને બિસ્કિટ તૈયાર રાખે અને પડાવ પર જઈને બેસીએ નહીં એટલામાં તો ‘સા’બજી ચાય રેડી હો ગઈ…’ની બૂમ પાડે.

બીજી તરફ બે-ત્રણ પોર્ટર્સ કેરોસિનના સ્ટવ પર નૂડલ્સનું આંધણ મૂકી દે અને જોતજોતામાં આપણું લંચ પણ તૈયાર થઈ જાય. ટ્રેકિંગ દરમિયાન પોર્ટર્સ આપણી માની ભૂમિકા અદા કરતા હોય છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે, માની જેમ હસતા મોઢે આપણા માટે રાંધતા પોર્ટર્સ મા જેવો જ આગ્રહ કરીને, ‘થોડા ઓર ખાઓના…. પ્લીઝ ઓર લીજીએ… ભૂખે મત રહેના…’ કરીને આપણને ત્રણેય વખત ખવડાવે અને આપણું ખાવાનું પતે પછી જ તેઓ પોતાનું ભોજન આરોગે.

ટ્રેકિંગમાં આપણે જેમ જેમ ચાલતા જઈએ એમ રસ્તામાં ડાઉન જર્ની કરી રહેલા ટ્રેકર્સ મળતા જાય. દરેક ટ્રેકર પાસે એમના ટ્રેકિંગની વાતોનો ખજાનો હોય અને બધા પોતના અનુભવોની, પોતે વેઠેલી હાડમારીઓની વાતો કરતા જાય. રસ્તે મળતો કોઈ માણસ ઝારખંડનો હોય તો કોઈ હોય મુંબઈનો તો કોઈ હોય ઓરિસ્સા તરફનો. વળી ક્યાંક કોઈ ફ્રાન્સ તો કોઈ અમેરિકાનો અને કોઈ સ્કોટલેન્ડનો પણ જડી જાય. જોકે ઝંસ્કારનું આકર્ષણ એટલું બધુ મજબૂત હોય છે કે, ટ્રેકિંગ વખતે દરેક ટ્રેકર પોતાની મૂળ ભૂગોળ અને સંસ્કૃતિને ભૂલી જાય છે અને પોતાની જાતને ઝંસ્કારી જ માની બેસે છે, જેના કારણે કોઈ પણ સામે ભટકાય તો એ નથી તો ‘કેમ છો?’ પૂછતો કે નથી ‘નમસ્કાર’, ‘હેલ્લો’ કે ‘અસ્ સલામો અલયકુમ કરતો. પણ દરેક ટ્રેકરના મોંમાંથી કુદરતી રીતે માત્ર એક જ શબ્દ સરી પડે છે, ‘જૂલે…’

ટીબ સુધીના 14 કિલોમિટરમાં અમારા નસિબ સારા હતા એટલે અમને ચાદર અત્યંત ઘટ્ટ અને મજાની મળી. આ કારણે આખે રસ્તે અમે ફોટોગ્રાફ્સ પડાવતા, ગીતો ગાતા, થેપલા અને ડ્રાયફુટ્સ ઝાપટતા અને એકબીજા સાથે મસ્તી કરતા ચાલતા ગયા. બરફ પર ચાલવાનો મહાવરો થઈ ગયેલો, જેના કારણે બગીચામાં ચાલતા હોઈએ એવું જ લાગે. ન કોઈ પણ ચેલેન્જ કે ન કોઈ નવીનતા. કેટલાક બેચ મેટ્સે તો ફરિયાદ પણ કરી કે, ‘ક્યાં યાર ઈતના ઈઝી ટ્રેક હૈ… કુછ એડવેન્ચર હી નહીં હૈ… વહી હિમાલય, વહી ઝંસ્કાર ઔર વહી ચાદર…’

જોકે ઝંસ્કારે અમારા માટે કંઈક જૂદું આયોજન કરી રાખ્યું હતું. ઝંસ્કાર કોઈ માણસને પડકાર નહીં આપે કે એને એની હેસિયતનું ભાન નહીં કરાવે તો એનું નામ ઝંસ્કાર નહીં. એણે ભલભલાને ભૂ પાયા છે તો અમે તો સાવ અબૂધ અને અજાણ્યા હતા. પણ એ બધી વાતો કાલે. નેરક ગામના અમારા પડાવ અને અમારી ડાઉન જર્ની દરમિયાન અમને પડેલી હાલાકીની વાતો પણ કાલે પતાવી દઈએ. કાલે કદાચ લેખમાળા પણ પૂર્ણ થશે. જૂલે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.