યા હોમ કરીને પડો ચાદર છે આગે...
ગઈકાલે 'ટેક ઈટ ઓર લીવ ઈટ'માં આપણે ઝંસ્કાર નદી અને શિયાળામાં એના પર બાઝતી ચાદર વિશેની કેટલીક વાતો જાણી. આજે ચાદર ટ્રેક ક્યાંથી શરૂ થાય, ટ્રેક દરમિયાન ચાદરના કેવાક રંગો હોય, ટ્રેક દરમિયાન ક્યા પ્રકારના પડકારો અને પડકારોની સાથે કયા પ્રકારની મજા આવે એ વિશે જોઈએ. ભારતના સૌથી ટફ ટ્રેક્સમાં હંમેશાં ટોપથ્રીમાં સ્થાન પામતો ચાદર ટ્રેક જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જ કરી શકાય છે. આ સિવાયના સમયમાં જ્યારે નદી ખળખળ ધસમસતી હોય ત્યારે પ્રવાસીઓ ઝંસ્કારમાં રિવરક્રાફ્ટિંગની મજા માણતા હોય છે.
ચાદર ટ્રેક માટે અનેક ટ્રેકિંગ કંપનીઓ ઓનલાઈન બુકિંગ કરે છે. સત્તરથી વીસ હજારના પેકેજમાં છ નાઈટ સાત દિવસનું બુકિંગ કરાવી શકાય છે. ટ્રેકિંગ માટે ઉત્સુક ગુજરાતીઓએ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાથી બુકિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, બુકિંગ કરવા માટેનું રિમાઈન્ડર હમણાથી મૂકી દેવું હોય તો મૂકી દો, જેથી તમને સામાન્ય ભાવ કરતા થોડા સસ્તા ભાવમાં ટ્રેકિંગ પેકેજ મળે અને ફ્લાઈટની ટિકિટ્સ પણ સાવ નજીવા દરે મળે. પછી જેમ મોડું કરશો એમ સિટ્સ બુક થવા માંડશે અને વિવિધ કંપનીઓના ભાવ વધવા માંડશે અને ફ્લાઈટ્સના ભાવ તો પેલી વાર્તાની રાજકુમારી કરતાય વધુ ઝડપે વધતા જશે. યાદ રહે કે, શિયાળામાં લેહ જતાં જમીન માર્ગો બંધ થઈ જાય છે એટલે ત્યાં ફ્લાઈટમાં ગયા વિના છૂટકો નથી.
ચાદર ટ્રેક માટે જાઓ ત્યારે ફ્લાઈટની ટિકિટ્સ એ રીતે બુક કરાવવી કે ટ્રેક શરૂ થાય એ પહેલા લેહમાં તમને દોઢથી બે દિવસ રહેવા મળે, જેથી ટ્રેક દરમિયાન વાતાવરણની કઠણાઈઓ શરૂ થાય એ પહેલા તમે લેહના વાતાવરણ સાથે તાલમેલ સાધી શકો. કારણ કે દિલ્હીથી ઉડતી ફ્લાઈટમાં તમે જ્યારે લેહ ઉતરો ત્યારે અચાનક જ વધી જતી ઉંચાઈ તેમજ માઈનસમાં જતું રહેતું તાપમાન અમસ્તા જ તમારું માથું ભારે કરી દેશે અને તમને ઊલટી થવાનો અહેસાસ થતો રહેશે.
ટ્રેકિંગ પર જતાં પહેલા વુલન શોક્સથી લઈને જાડા સ્વેટર કે ફ્લિશ જેકેટ હોય કે પછી વુલન ઈનર્સ હોય કે હેન્ડ ગ્લવ્ઝ અને ટ્રેક પેન્ટ હોય એ બધુ જ વ્યવસ્થિત પેક કરી લેવું. અને હા, આ બધાની બબ્બે જોડી સાથે રાખવી. કેટલીક વસ્તુ તમારે લેહના બજારમાંથી જ લેવાનો આગ્રહ રાખવો. જેથી વસ્તુની ક્વોલિટી પણ ત્યાંના તાપમાન મુજબની મળી રહે અને ગુજરાત કે દિલ્હીથી લેહ જઈએ ત્યારે આપણને એનો ભાર પણ ઓછો લાગે.
લેહ પહોંચીએ ત્યારે આપણી હોટેલનું બુકિંગ ટ્રેકિંગ કંપનીએ કરી જ દીધું હોય, એટલે આપણે માત્ર જે-તે સ્થળે પહોંચવાનું જ રહેતું હોય છે. લેહ એરપોર્ટ પર ઉતરો એટલે તરત માથે ઉનની ટોપી પહેરી લેવી અને આખો દિવસ બને એટલું વધુ પાણી પીવાનું રાખો. જેથી માથું દુખવાની સંભાવના નહીંવત થઈ જાય. અને હા, બને ત્યાં સુધી પહેલા ત્રણેક દિવસ આલ્કોહોલ કે સિગારેટનું સેવન પણ ટાળવું.
ચાદર ટ્રેકનો રોમાંચ તો તમે તમારી હોટેલમાં પહોંચો ત્યારથી જ શરૂ થઈ જતો હોય છે. એક તરફ તમારી ટ્રેકિંગ કંપની તમારા બેચ મેટ્સ સાથે તામારો મેળાપ કરાવી આપે છે, તો ટ્રેક પૂરો કરીને આવતા અગાઉના બેચના સાહસવીરો પણ એમની ટ્રેકિંગ બેગમાં ચાદરની ભાતભાતની વાતો લઈને હોટેલ આવી પહોંચેલા હોય, જેઓ 'અમે આવી પરેશાનીનો સામનો કર્યો અને અમે ચાલતા હતા ત્યારે વાતાવરણે અમને જરાય સાથ નહીં આપ્યો કે અમારા પેશનને કારણે જ આ ટ્રેક પૂરો થયો, બાકી ઢીલા પોચાનું આ કામ નહીં.' જેવી અનેક વાતો કરીને પોતાની સાહસગાથાનું પઠન કરતા હોય. આ બધી વાતોમાં કેટલીક નેગેટિવ વાતો પણ સાંભળવામાં આવતી હોય, પરંતુ આપણે એ બાબતો પ્રત્યે ધ્યાન નહીં આપવાનું અને ચાદર માટેના આપણા રોમાંચને જરા પણ ઓછો નહીં થવા દેવાનો.
દોઢેક દિવસના લેહ રોકાણ પછી તમારી ટ્રેકિંગ કંપની, એક બસમાં તમારા આખા ગ્રુપને સિત્તેર કિલોમિટર દૂર વાયા ચિલિંગ તિલદ લઈ જશે, જ્યાં તમારા ટ્રેકિંગનો પહેલો પડાવ હશે. મેગનેટિક હિલ્સના રસ્તે વાયા ચિલિંગ થઈ તિલદ પહોંચતી બસની બંને તરફ હિમાલયનું સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય અને સાથે દિલમાં ચાદરનો રોમાંચ હોય ત્યારે દિલમાં લાગણીઓના જે ઘોડાપુર ઉમટે એ લાજવાબ હોય છે. ઈન્ડસ વેલીમાંથી પસાર થતી બસ ઝંસ્કાર વેલીની ચટ્ટાનો પર ક્યારે ઘરેરાટી બોલાવતી થઈ જાય એની કોઈ સરત નહીં રહે. સદીઓથી માનભેર ઊભેલી ચટ્ટાનોની નીચે દેખાતી ઝંસ્કાર નદી જોઈને તમને એમ જ થાય કે, હવે જો આ બસ નહીં અટકે તો મારે બસની બારીમાંથી બહાર નીકળીને ઝંસ્કાર પર એક ભૂસકો મારવો છે!
બસ જ્યારે ચિલિંગ જઈને ઊભી રહે ત્યારથી જ ટ્રેકિંગ શરૂ થઈ જાય, જ્યાં તમારે તમારા ગાઈડ સાથે ઊંચી પહાડી પરથી ઉતરીને નીચે તિલદ સુધી પહોંચવાનું રહે. થોડા નીચે ઉતરો એટલે ઝંસ્કારની ચાદર તમને એના આલિંગનમાં લેવા માટે તત્પર હોય. તમે ઝંસ્કારના સૌંદર્યથી અભિભૂત થઈને એની સુંદરતામાં ગળાડૂબ થયાં હો ત્યાં અચાનક તમારે કાને, 'જૂલે... જૂલેજી.... જૂલે...'ના અવાજો સંભળાય. તિલદ પોઈન્ટ પર ઝંસ્કારના કિનારે બેઠેલા સ્થાનિક ઝંસ્કારીઓ આ રીતે તમારું સ્વાગત કરે છે, જેઓ પછીથી તમારી સાથે પોર્ટર્સ તરીકે જોડાતા હોય છે અને તેઓ જ આવનારા સાત દિવસો સુધી તમારા સુખ-દુખના સાથી બનતા હોય છે, તમારા શિક્ષક બનતા હોય છે.
[caption id="attachment_55121" align="alignnone" width="1920"] ખુશમિજાજ ઝંસ્કારપુત્રો[/caption]ઝંસ્કાર વેલીમાં દૂરદરાઝના ગામડામાં વસતા આ ઝંસ્કારીઓના સ્વભાવ તમને અચંબામાં પાડી દે એવા હોય. નિયતના એકદમ ચોખ્ખા આ સાફદિલ ઈન્સાનોના કપડા ભલે ચાડી ખાતા હોય કે, તેઓ અભાવમાં જીવે છે પરંતુ એમના હસમુખા ચહેરા હંમેશાં કોઈને કોઇ આનંદગાથા ગાતા હોય, જેમને જોઈને કે એમની સાથે વાતો કરીને તમને ગજબનાક પોઝિટીવ એનર્જી મળે. આ પોર્ટર્સ જ તમને આવનારા દિવસોમાં એ સમજાવી દે છે કે, 'બકા, હસવા કે આનંદમાં રહેવા માટે ક્યારેય કોઈ કારણની જરૂર નથી હોતી. કે ન તો હસવા માટે કોઈ ભૌતિક બાબતની જરૂર હોય. હસવું જ હોય, આનંદમાં રહેવું જ હોય તો ઉપર આકાશ તરફ જો, એમાં વિહરતા વાદળના ગોટા તરફ જો, આસપાસ સરસરાતા પવનને મહેસૂસ કર, એના લયને માણ, મન થાય તો આ કોતરોને લલકારીને એકાદ બૂમ પાડ અને કોતરોમાંથી પરત થતાં તારા ધ્વનિને માણ, નદીના ખળખળાટને ધ્યાનથી નિહાળ અને આ ઠંડકની દિવ્ય અનુભૂતિ કર. જો તો ખરો આ વિચારતા જ તારા ચહેરા પર ખુશી પ્રકટી ગઈ, હાસ્યની નાનકડી લહેરખી ફરકી ગઈ તો જ્યારે તું આ બધુ અનુભવશે ત્યારે તને કેવી મજા આવશે!'
આ નવો અને નિર્મળ પ્રદેશ જોઈને તમે થોડા આગળ વધશો ત્યાં જ તમને તમારો ગાઈડ આદેશ આપશે કે, 'બસ હવે આપણે વધુ નથી ચાલવાનું સામે જે તંબુ બંધાઈ રહ્યા છે એ જ આજનું આપણું નિવાસસ્થાન છે. આજનું ટ્રેકિંગ બસ આટલું જ!' વળી, થોડા જ સમયમાં પોર્ટર્સ અને કુક તમને લંચ કરાવી દે છે અને પહેલા દિવસે હજુ તો બપોરના બે પણ વાગ્યા નહીં હોય ત્યાં તમે સાવ નવરા થઈ જાઓ. તમારી પાસે કોઈ કામ રહેતું નથી. મોબાઈલ ફોનના નેટવર્ક નહીં હોય એટલે ફેસબુક, વ્હોટ્સ એપ કે ઈમેલની વાત તો ભૂલી જ જવાની. તો કરવાનું શું? વાતો? બેચ મેટ સાથે દોસ્તી કેળવવાની? કે પછી પોતાના ટેન્ટમાં જઈને કે ઝંસ્કારની રેતી પર લંબાવીને આરામ કરવાનો? ના... ના... ના...
બેચ મેટ્સ સાથે હાય-હેલ્લો તો આમ પણ તમારું થઈ જ ગયું હોય. અને આગલા સાત દિવસ સુધી ઝંસ્કાર તમને એટલી બધી તકો પૂરી પાડશે કે, તમે ગમે એટલા અંતર્મુખી હશો તો પણ તમે તમારા બેચ મેટ્સના ખાસમખાસ થઈ જશો. એટલે સંબંધ કેળવવાના પોકળ વલખા મારવા કરતા ક્યાં તો કેમેરા હાથમાં લઈ ફોટોગ્રાફ્સ ક્લિક કરવા નીકળી પડો અથવા હેડ ફોન લઈને મોબાઈલમાં સુંદર ગીતો વગાડતા ઝંસ્કારની ચાદર પર હળવે હળવે લટાર મારવા નીકળો. થોડે દૂરની કોઈક શિલા પર બેસવું અને હિમાલયની અસીમ સૌંદર્યતા અને અખંડ નિરવતા વચ્ચે આપણું એકાંત માણવું. ચાદરના પડ જોવાના, બે તરફની ચાદર વચ્ચે વહેતી ઝંસ્કારને માણવી. એ નિરવતામાં તમને આવનારા સાત દિવસ સુધી ઝંસ્કારમાં ઝઝૂમવાની તાકાત મળશે, ઝંસ્કાર જાણે તમારા ખભે હાથ મૂકીને કહેશે કે, 'તારામાં અને મારા ઝંસ્કારી સંતાનોમાં કોઈ ભેદ નથી. મારા માટે તમે બંને એક જ છો. તારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે, આ ટ્રેક કોઈ મિશન નથી, આ ટ્રેકમાં તારે કંઈ અચિવ નથી કરવાનું નથી. 75 કિલોમિટરની આ યાત્રામાં તારે માત્ર તને જ પામવાનો છે, તારો ક્રોધ, તારી ઉતાવળ, તારો સંતાપ બધુ જ તારે મારા પાણીમાં વિસર્જિત કરવાના છે. તું મારામાં શ્રદ્ધા મૂકી તો જો, હું તને એવી ભેટ આપીશ કે, પરત ફરતી વખતે તને વિશ્વાસ નહીં થશે કે, તું પણ આવો હોઈ શકે.'
આજુબાજુના પર્વતો, ઝંસ્કાર અને તમારી જાતને માણીને ઊઠશો એટલામાં અંધારુ છવાઈ ગયું હશે, ડિનર તૈયાર કરીને કુક અને પોર્ટર્સ ડિનર માટે વ્હિસલ મારીને તમને બોલાવશે, જમીને થોડા સમય માટે તમે કેમ્પફાયર પાસે જશો, જ્યાં તમારા બેચ મેટ્સ સાથે તમારે ફરજીયાન અંતાક્ષરી રમવી પડશે, ગીતો ગાવા પડશે કે દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એની વાતો કરવી પડશે. કદાચ એમ પણ બને કે તમારી શરમ અને તમારા અંતર્મુખી સ્વભાવને કારણે તમે આમાનું કશું નહીં કરી શકો. પરંતુ એ વાત નક્કી કે, ઠંડીથી બચવા તમે કેમ્પફાયર પાસે જશો જ, જ્યાં તમારી જાણ બહાર તમે થોડા થોડા ઉઘડશો, ભલે મોટેથી નહીં, પરંતુ હળવેકથી પણ થોડું ગણગણશો અને બાજુમાં ઊભેલા કો'ક સાથે વચ્ચે વચ્ચે થોડી વાત કરી લેશો અને ત્યાં કલાકેક ઊભા રહીને પોતાના ટેન્ટમાં જઈ સ્લીપિંગ બેગમાં ઉંઘીને થરથરશો. ઝંસ્કારને કિનારે ઉંઘ સળંગ નથી આવતી. ઠંડીને કારણે તમે સતત તંદ્રામાં રહેશો, ક્યારેક ઉંઘ સમૂળગી પણ ઊડી જશે. પરંતુ એનાથી થાક નહીં વર્તાય બીજા દિવસે ચાલવાનું જોમ તમને અમસ્તુ મળી રહેશે.
અને હા, ટેન્ટમાં સૂવા જતાં પહેલા માથે ઝૂલતું આભ જોવાનું નહીં ચૂકતા. સહસ્ત્ર તારાઓની ફોજ માથે ઝળહળાટ કરતી હશે. તારાઓની આવી ચમક આપણા મેદાનોમાં ક્યારેય નહીં દેખાય. એટલે જ, આપણા આદિલ સાહેબ સુગંધનો દરિયો શ્વાસમાં ભરી લેવાની વાત કરતા એમ તારાઓના એ ચળકાટનો દરિયો આંખમાં ભરી લેવાનું નહીં ચૂકતા. આ ઝંસ્કાર છે અહીંની ચાદર જ નહીં, અહીંનું બધુ જ ખૂબસૂરત છે. જો એ ખૂબસૂરતીના પ્રેમમાં નહીં પડો તો ચાદર ટ્રેકથી ઘરે આવો એ પહેલા સાઈકિયાટ્રીસ્ટની અપોઈમેન્ટ લઈ લેવી. ચાદર વિશેની વાતો આ લેખમાં પૂરી કરી દેવી હતી. પરંતુ કમબખ્ત યાદો મૂળ મુદ્દાને અવળે પાટે લઈ જાય છે. કેટલા લેખોમાં ચાદરગાથા પૂરી થશે એની ખબર નથી. કિપ રીડિંગ. જૂલે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર