ચદરીયા ઝીણી રે ઝીણી...
'જીવનમાં કશું કાયમી નથી હોતું એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ પણ છે કે, લાઈફમાં આપણું પેશન પણ કાયમી નથી હોતું. કોઈ એક-બે કે ત્રણ બાબત, કામ કે હૉબી માટેના તમારા પેશન માટે તમને એમ હોય કે, ખોળિયામાંથી જીવ જશે ત્યાં સુધી આ પેશન જવાનું નથી. પરંતુ કોઈક ઘટના, પ્રવાસ કે ક્ષણમાંથી કલાક અને કલાકમાંથી દિવસો કે મહિનો બની જતો સમય કોઈક બાબત, કામ કે હૉબી માટેની તમારી ચાહત, લગાવ કે તમારા ગાંડપણની માત્રામાં ઘટાડો કરી શકે છે. એમ પણ બને કે, ક્યારેક તમે એ બાબત, કામ કે હૉબી માટે મરણિયા થઈને મથ્યાં હો એ બાબત તમને લગીર નહીં આકર્ષે.'
અવતરણ ચિહ્નમાં લખાયેલું આ વાક્ય મેં મારા અનુભવમાંથી લખ્યું છે પરંતુ એ કેટલે અંશે સાચું છે કે એ યુનિવર્સલ ટ્રુથ છે કે નહીં એ વિશેનો કોઈ જ દાવો નથી કરતો. અને દાવા-દલીલોમાં ઝાઝો રસ પણ નથી! આ લખાઈ રહ્યું છે ત્યારે હું નક્કી નથી કરી શકતો કે, લેખન-પત્રકારત્વ માટેનો મારો લગાવ, એ તરફની મારી ચાહત કે એમાં કોઈક નવા પ્રયોગો કરવાની મારી પેશન ઓછી થઈ ગઈ છે કે મારા પ્રવાસ અને પ્રવાસ દરમિયાન અનુભવેલા સ્પંદનોને કારણે ઉદભવેલી આ કોઈ ટેમ્પરરી અસર છે. કારણ કે, જે કોરી વર્ડ ફાઈલ જોઈને એ ફાઈલ હજાર-બે હજાર શબ્દોથી ભરી દેવાની ચાનક ચઢતી કે TVS ના જે કીબોર્ડ પર ટાઈપ કરતી વખતે ઉદભવતો ખટખટાખટનો અવાજ પિયાનોની ધૂન જેવો લાગતો, એમાંનું કશું આકર્ષતું નથી. બધુ વ્યર્થ લાગે છે. આશા રાખીએ કે, આ ફીલિંગ્સ પણ ટેમ્પરરી જ હોય!
ખૈર, ઝંસ્કારની વાત કરીએ. લેહ-લદાખની ખીણમાં વહેતી આ નદી કંઈક નોખી છે. સામાન્ય રીતે નદીમાં આપણે નહાતા, તરતા હોઈએ, કોઈક નદીને કિનારે બેસીને પ્રિયજનના હાથમાં હાથ પરોવીને સૂર્યાસ્ત માણતા હોઈએ કે, ક્યારેક એકાદ હોડી ભાડે લઈને નદીની સેર કરતા હોઈએ. પણ ઝંસ્કાર નોખી એટલે છે કે, એ થીજેલી નદીની છાતી પર આપણે ચાલવું પડે છે અને કલાકો સુધી ચાલીને થાકી જઈએ તો ઝંસ્કારની મધ્યે કોઈક ખડક પર બેસીને થોડો પોરો પણ ખાઈ શકીએ છીએ. પાછળથી સિંધુ નદીમાં ભળીને પોતાનું અસ્તિત્વ ખોઈ બેસતી ઝંસ્કાર નદી ઝંસ્કાર વેલીના બાર હજાર લોકો માટે શિયાળામાં લાઈફ લાઈન છે, તો ટ્રેકર્સ, માઉન્ટેનર્સ કે એડવેન્ચર સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો માટેનું સ્વર્ગ છે.
લેહના છ મહિનાના કાતિલ શિયાળામાં જ્યારે વાયા કારગીલ લેહ જતો રસ્તો બરફને કારણે બંધ થઈ જાય છે ત્યારે ઝંસ્કાર વેલીના લોકો લેહ જવા માટે થીજેલી ઝંસ્કારનો સહારો લે છે. આ કારણે જ ઝંસ્કારને થીજી ગયેલી કહેવી સરાસર ગુનો કહી શકાય કારણ કે, થીજેલી ઝંસ્કાર પર અનેક ઝંસ્કારીઓ અવિશ્રાંત ચાલે છે અને ટ્રેકરો ટ્રેક કરે છે, આ કારણે જ તે વહેતી રહે છે, ઝંસ્કાર ખળખળ ધબકતી રહે છે.
શિયાળાના છ મહિના ઝંસ્કાર સાવ અને સતત થીજેલી જ હોય એવું પણ નથી હોતું. આ હિમાલય પુત્રી ક્યાંક ક્યાંક ખળખળ વહે છે તો ક્યાંક બંને કાંઠે ધોધમાર વહે છે, જેના પાણીમાં તમે જરા જરખો હાથ બોળો તો ઠંડીને કારણે હાથમાં લોહીનું પરિભ્રમણ પણ ઓછું થઈ જાય અને હાથ કામ કરતા બંધ થઈ જાય! જોકે ઝંસ્કારનું આ રૂપ બહુ જૂજ જગ્યાએ જોવા મળે. બાકી, મોટાભાગે તો એ થીજેલી જ હોય. આ કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઝંસ્કાર નદીના 75 કિલોમિટરના વિસ્તારમાં મોટાપાયે ટ્રેકિંગ થાય છે, જેને 'ચાદર ટ્રેક' કહેવામાં આવે છે. ચાદર નામ એટલા માટે જ કે, ઝંસ્કાર થીજી જાય ત્યારે બરફને કારણે એવું લાગે કે, ઝંસ્કારે બરફની સફેદ ચાદર ઓઢી છે. અલબત્ત, ઝંસ્કારની આ ચાદર આપણા ઘરની ચાદરની જેમ નરમ-મુલાયમ કે આરામદાયક નથી હોતી. એની ક્યારેક સાવ ખરબચડી તો ક્યારેક સાવ લપસણી સતહ તમને વારંવાર પાડે છે અને સાવ નજીવું અંતર કાપતા તમને હંફાવે છે, જેના કારણે જ ચાદર ટ્રેક ભારતના ટફેસ્ટ ટ્રેકમાં ટોપ થ્રીમાં આવે છે.
ચાદર ટ્રેકમાં થીજેલી કે વહેતી ઝંસ્કાર કરતા મોટી ચેલેન્જ હોય છે ત્યાંની ઠંડી. જ્યાં દિવસ દરમિયાન માઈનસ પાંચથી સાત, સાંજે માઈનસ દસથી બાર, રાત્રે પંદરથી વીસ અને મળસકે માઈનસ વીસથી સત્તાવીસ સુધીનું તાપમાન રહેતું હોય ત્યારે માણસ યોગ્ય રીતે ઊભો નહીં રહી શકતો હોય અને ક્યારેક ઓક્સિજનની અછત વર્તાવાને કારણે એણે મોટે મોટેથી શ્વાસ લેવા પડતા હોય ત્યાં દિવસના બાર-પંદર કિલોમિટર સુધી ચાલવાની તો વાત જ શું કરવી? પણ તોય દેશ-વિદેશના સેંકડો સાહસવીરો ઝંસ્કારની છાતી પર હિંમતભેર ઉતરી પડે છે અને ઝંસ્કાર વેલીના તમામ પડકારોનો સામનો કરીને ચાદર ટ્રેક પૂરો કરે છે.
ચાદર ટ્રેક ટફ ભલે હોય પરંતુ આ ટ્રેક અશક્ય તો નથી જ. ઠંડી કી ઐસી કી તૈસી કરીને તમે એકવાર ત્યાં પહોંચી જાઓ અને ચાદરને જોઈને નક્કી કરી લો કે, તમારે આ ટ્રેક પૂરો કરવો છે તો ચાદરની મજાલ નથી કે, એ તમને અટકાવી શકે. અહીં પગલે પગલે પડકાર આવે છે. એ પડકારો તમારી ધીરજ અને તમારી હિંમતની કપરી પરીક્ષા કરી નાંખે છે.
ચાદરનો એક જ નિયમ છે કે, અહીં સતત ચાલતા રહેવું પડે છે. જો અહીં અટકવાનો વિચાર કરશો કે ચાલવાની આળસ કરશો તો તમારી હાલત કફોડી થઈ જશે. ચાલતા નહીં રહો તો શરીરમાં ગરમી ઉત્પન્ન નહીં થાય, તમે ઠંડીનો સામનો નહીં કરી શકો અને તમારે ઠુઠવાઈને મરવાનો વારો આવે. અને બીજું કારણ એ કે, ઝંસ્કારની ચાદરનો કોઈ ભરોસો નથી હોતો. એ ચાદર સતત આકાર બદલતી રહે છે અને જે ચાદર સવારે અત્યંત કઠણ જણાતી હોય એ જ ચાદર સાંજ ઢળ્યે પાતળી પણ થઈ જાય, જેના પર પગ મૂકતા જ તે કડડભૂસ થઈ જાય અને ઝંસ્કારના ઠંડા પાણી, બરફના ગાંગડા તમારા પગને સ્પર્શી જાય અને તમે ઠંડીની કાતિલતાથી ચિલ્લાઈ ઊઠો.
[caption id="attachment_54950" align="alignnone" width="1440"] તસવીરઃ અદિતી સરકાર[/caption]ચાદર ટ્રેકનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે, આ ટ્રેક તમારો તમારી જાત સાથે સીધો સંપર્ક કરાવી આપે છે. 75 કિલોમિટરના આ ટ્રેકમાં એડવેન્ચરની સાથે તમને અધ્યાત્મની પણ અનુભૂતિ થતી રહે છે. ચાદરની સફેદી, હિમાચ્છાદિત હિમાલયની તોતિંગ ભેખડો, અમાપ આકાશ અને એવી જ અસીમ નિરવતા તમારા આત્માને ઢંઢોળીને ઉઠાડી મૂકે છે. ત્યાંના વાતાવરણને કારણે તમે ટ્રેકર હો તો પણ તમને સતત સાધુત્વનો અહેસાસ થતો રહે છે. એમાંય જો ક્યારેક ચાદર લાંબી અને સરળ હોય અને ચાલવામાં બહુ જહેમત નહીં લેવાની હોય તો તમારું ચાલવું ઑટો મૉડ પર થઈ જાય છે તમે તમારી જાત સાથે સંવાદ કરતા થઈ જાઓ છો. અને જાતને અનેક ન પૂછવાના સવાલ પૂછી બેસો છો.
ત્યાંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આખા ચાદર ટ્રેકમાં એક જ કોમ્યુનિકેશન શક્ય છે. અને એ છે તમારું તમારી જાત સાથેનું કોમ્યુનિકેશન. બાકી મોબાઈલ ટાવર્સ કે વ્હોટ્સ એપ કે ફેસબુક તો પરગ્રહના કોમ્યુનિકેશન ટુલ્સ જ સાબિત થાય.
છ રાત અને સાત દિવસ તમે તમામ સંબંધો, તમામ પદવીઓ અને બધી આવડતોથી દૂર થઈ જાઓ છો. ઝંસ્કારને એ બાબત સાથે કોઈ લેવા દેવા નથી કે, તમે કોના દીકરા છો, કોઈ તમને કેટલું ચાહે છે કે તમે કોઈને કેટલો પ્રેમ કરો છો? ચાદરને એની સાથે પણ કોઈ નિસ્બત નથી કે તમે શું ભણ્યા છો કે, તમારામાં કેટલી સ્કીલ્સ છે, કે મેદાનોની હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં સૂટ બૂટમાં તૈયાર થઈને એપલના લેપટોપ પર તમે શું તોપ ફોડો છો અને તમે કેટલું કમાઓ છો. એના માટે તમારું માણસ હોવું એ જ તમારી લાયકાત છે. એના માટે ઝંસ્કાર વેલીમાં ભયંકર અભાવોમાં રહેતા અદના લદાખી અને આપણે બધા એક સમાન છીએ.
ઝંસ્કાર પર ચાલતા પહેલા આપણે આપણા અહં અને બધી હોશિયારી કર્ણના કવચની જેમ ઉતારી દેવા પડે છે. નહીંતર ઝંસ્કાર આપણને એક મિનિટ પણ સરખા ચાલવા નહીં છે. એ આપણને વારંવાર પછાડશે, અને જ્યાં સુધી આપણે એના તાબે નહીં થઈએ ત્યાં સુધી વારંવાર એની કઠોરતાનો પરચો આપશે. જો આપણે એને થોડી અકડ બતાવીશું તો એનાથી પાંચ ગણી અકડ ઝંસ્કાર આપણને બતાવશે. ઝંસ્કાર પર ચાલતી વખતે ડાઉન ટુ અર્થ નહીં પણ ડાઉન ટુ ઝંસ્કાર રહેવું પડે છે.
ઝંસ્કાર પર જામેલા ક્રિસ્ટલ ક્લિયર બરફમાં આપણને આપણો ચહેરો જ નહીં પરંતુ આપણી જાત પણ દેખાય છે. એ જોઈને આપણને ખ્યાલ આવે છે કે, આપણે કોણ છીએ. એ જોઈને ખ્યાલ આવે છે કે આપણે બીજાઓથી કંઈ વિશેષ નથી. આપણે એ જ છીએ, જે અહીંનો સામાન્ય ઝંસ્કારી છે. એનો અભાવ આપણો અભાવ છે. ઝંસ્કારી હોય કે આપણે હોઈએ, અભાવથી કોઈ અલિપ્ત રહી શકતું નથી. અલબત્ત આપણા અને એના અભાવની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. સામાન્ય ઝંસ્કારી ભૌતિકતા અને તકોના અભાવમાં જીવે છે, તો શહેરની આપણી સૉફેસ્ટિકેટેડ લાઈફસ્ટાઈલમાં આપણે આપણા જ અભાવમાં જીવીએ છીએ.
આ બંનેમાં વેઠી શકાય એવો અભાવ કયો? ભૌતિકતાનો અભાવ કે આપણો પોતાનો અભાવ? ઝંસ્કાર આવા બધા સવાલો ખડા કરી આપે છે. જોકે જેમ જેમ ચાલતા જઈએ, આગળ વધતા જઈએ અને ચાદરના વિવિધ પડાવોને પાર કરતા જઈએ એમ ખૂદ ઝંસ્કાર જ એ બધા સવાલોના જવાબ આપતી જાય છે. કુરુક્ષેત્ર મધ્યે ઊભેલા કૃષ્ણની જેમ એ આપણને બધુ સમજાતી જાય અને જીવન શું છે, આપણે કોણ છીએ અને આપણું અહીં શું કામ છે એની સમજણ આપતી જાય છે. હા, જોકે આ બધુ શીખવા, જાણવા માટે આપણે આપણા અંતરના દ્વાર ઉઘાડા રાખવા પડે છે. ચાદર જે શીખવે એ શીખવાની તૈયારી રાખવી પડે છે અને સંપૂર્ણ પણે ઝંસ્કારને શરણે થઈ જવું પડે. જોકે ઝંસ્કારને ખોળે ગયા હો તો આમ પણ ઝંસ્કારને તાબે થયે જ છૂટકો. એની આમાન્યા જાળવવી જ પડે. નહિતર ન તો ઠંડીનો સામનો કરી શકાય કે નહીં તો ચાદર ટ્રેક પૂરો કરી શકાય.
આ તો મારા અધ્યાત્મિક અનુભવની વાત. ચાદર ટ્રેક દરમિયાનના વિવિધ પડાવો, જાતજાતના પડકારો, ત્યાંનુ એડવેન્ચર, બરફની ચાદરના પ્રકારો અને ત્યાંની જીવનશૈલી વિશેની વાતો બાકી છે. એ કથા કાલે માંડીએ. જૂલે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર