Coke Studio Season 8: મજાના છે તરાના આ!
વીક એન્ડમાં એક દિવસની વધારાની છૂટ્ટી લઈને તમે મિત્રો સાથે રખડપટ્ટી કરવા નીકળી પડ્યાં હો. બે દિવસ ફુલ ધમાલ મસ્તી કરી હોય, પહાડોમાં ઘૂમ્યાં હો, નદીઓમાં નહાયા હો, મોબાઈલ અને સાથે લીધેલા કેમેરાના મેમરી કાર્ડ ફુલ થઈ જાય એટલા ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હોય, રવિવારની અડધી રાતે ઘરે પહોંચ્યા હો અને પછી સોમવારની સવારે કામે વળગવાનું હોય તો ભલભલા ખાન સાહેબને નોકરીએ જવાનો ત્રાસ થઈ આવે. પણ આ લખનારને એવો કોઈ કંટાળો નથી આવતો. કારણ કે લેખન-પત્રકારત્વનું આ ક્ષેત્ર જ એવું છે, જ્યાં સતત એક્સાઈટમેન્ટ જળવાઈ રહે છે, નવા નવા લોકોને મળવાનું થયાં કરે છે, નવું નવું વાંચવાનું થયાં કરે છે અને એના લીધે કામમાં હંમેશાં તાઝગી જળવાઈ રહે છે. આ એક જ એવું ક્ષેત્ર છે, જ્યાં ફિલ્મો જોવી કે નાટકો માણવા અથવા પુસ્તક વાંચવું કે પ્રવાસો કરવા જેવા કામો, જેને બીજા લોકો હોબી કહે છે એને આ ક્ષેત્રમાં અસાઈન્મેન્ટ કહેવામાં આવે છે. આજે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે સોમવારની ટેન્શનથી છલોછલ સવારે, આ બંદા મસ્ત મૌલા બનીને એક પછી એક ચ્હાના કપ ગટગટાવતા યુટ્યુબ પર પાકિસ્તાનના કોક સ્ટુડિયોની આઠમી સિઝનના ગીતો બેક ટુ બેક સાંભળી, માણી રહ્યા છે. અને સાથે જ હજુ ગયા શનિવારે જ સમાપ્ત થયેલી કોક સ્ટુડિયોની આ સિઝનમાં સર્વશ્રેષ્ઠ ગીતો કયા છે એની યાદી તૈયાર કરી રહ્યા છે!
કોક સ્ટુડિયોની આ વખતની સિઝન બહેતરીન નહીં પણ આલાતરીન રહી. એક એકથી ચઢિયાતા ગીતો અને એક એકથી ચઢે એવા ગાયકો. ફોક હોય કે રૉક હોય કે પછી હોય કન્ટેમ્પરરી કે ગઝલ ને કવ્વાલી. સંગીતના લગભગ તમામ પ્રકારોને આ સિઝનમાં આવરી લેવામાં આવેલા અને પાકિસ્તાનના જુદા જુદા ગાયકોએ કોક સ્ટુડિયોના વિવિધ બેન્ડ્સ સાથે જુગલબંદી કરીને તમે આહ! વાહ! પોકારી ઊઠો એટલા આબાદ ગાયેલા.
આપણા અને પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસો બાદ સોળમી ઓગસ્ટથી શરૂ થયેલી આ સિઝનને 'ધ સાઉન્ડ ઑફ નેશન'ની ટેગલાઈન આપવામાં આવી હતી, જેમાં ઈન્ડિયા અને પાકિસ્તાન એમ બંને નેશનના સાઉન્ડ્સ પડઘાયા હતા. આખી સિઝનમાં માઈ ધાઈ, આતિફ અસ્લમ કે ફરિદા ખાનુમ જેવા અત્યંત લોકપ્રિય કલાકારોથી લઈને અલી ઝફર, ઉમેર જસવલ કે ગુલપનરા જેવા ઓછા જાણીતા ગાયકોએ રમઝટ બોલાવી હતી. કુલ સાત એપિસોડની આ સિઝનમાં સોલો, ડ્યુએટ કે ગ્રુપ મળીને કુલ એકત્રીસ કલાકારોએ કુલ અઠ્ઠયાવીસ ગીતો રજૂ કર્યા હતા.
કોક સ્ટુડિયો ભલે પાકિસ્તાનનો કાર્યક્રમ હોય, પરંતુ સંગીત એ સાર્વત્રિક બાબત છે એટલે પાકિસ્તાન સહિત ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓએ યુટ્યુબ પર આ સિઝનનો જશ્ન મનાવ્યો હતો. યુટ્યુબ પરની કોમેન્ટ્સ જોતા તો એમ જ લાગે છે કે, આ વખતની સિઝન પાકિસ્તાનના લોકો કરતા ભારતના લોકોએ વધુ એન્જોય કરી છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે, કોક સ્ટુડિયોના એ બધા ગીતો ભારતીય સંગીત, બોલી કે સંસ્કૃતિથી તરબતર હતા! છેક પાકિસ્તાનમાં ગવાઈ રહેલા એ ગીતોમાં ભારતની ખુશ્બુ આવી રહી હતી. એ ગીતો સાંભળતી વખતે આપણા આદિલ મન્સુરી કહેતા એમ શ્વાસમાં એ ગીતોની સુગંધનો દરિયો ભરી લેવાનું મન થતું હતું.
સિઝન શરૂ થવા પહેલાં તૈયાર થયેલો પ્રોમો અને એમાં ગવાયેલું ગીત જ એટલું જોરદાર હતું કે, પ્રોમો સાંભળ્યાં બાદ આ સિઝન શરૂ ક્યારે થશે એની ચળ ઉપડેલી. કોક સ્ટુડિયોનો એ પ્રોમો આ લખનારે કેટલી વખત સાંભળ્યો હશે એની કોઈ ગણતરી નથી. તમે સાંભળશો તો તમને પણ ગમશે જ. હા, પણ કોક સ્ટુડિયોના આ ગીતો સાંભળતી વખતે મારી બે સલાહ માનશો તો આ ગીતો માણવાની હજુ મજા આવશે. પહેલા તો મનમાંના બધા પૂર્વગ્રહો અને ધારણાઓને દૂર કરીને કળાના આ નમૂનાઓને માણો. અને બીજું એ કે, આ ગીતો માણો ત્યારે કોઈક પોતીકા ખૂણામાં હાથમાં કોફી કે ચ્હાનો મગ લઈને બેસજો અને કાનમાં હેડફોન્સ લગાવીને નિરાંતે આ ગીતોને માણજો. અને હા, વોલ્યુમ એકદમ ઉંચો રાખવાનુ ચૂકતા નહીં. મજા આવશે!
સોની ધરતી અલ્લાહ રખે કદમ કદમ આબાદ
આ પ્રોમોમાં કોક સ્ટુડિયોની આઠમી સિઝનમાં જે જે ગાયકો કે બેન્ડ પરફોર્મ કરવાના છે એ બધાને સાંકળીને એક અદ્દભુત ગીત તૈયાર કરવામાં આવ્યું છે. ગીતની શરૂઆત પાકિસ્તાનના લેજેન્ડરી ગાયિકા ફરિદા ખાનુમથી કરવામાં આવી છે. ગીતમાં પાકિસ્તાનની ધરતીનું પ્રશસ્તિ ગાન છે, જેમાં ઉર્દૂ-હિંદીના સુંદર શબ્દોની પસંદગી કરીને તેમની બેનમૂન સંગીતમાં ગૂંથણી કરવામાં આવી છે.
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=DOBt2gmNx0I[/embed]
સમ્મી મેરી વાર
આ પંજાબી લોકગીત પંજાબીઓના લગ્નમાં ગવાય છે, જેમાં કહેવાયું છે કે, પ્રેમના પથ પર ચાલવું એ કંઈ જેવા તેવાનું કામ નથી. કારણ કે પ્રેમનો પથ અત્યંત ચીકણો અને લપસણો છે. એટલે એના પર જ્યારે પણ પગ મૂકો ત્યારે એક્સટ્રા કેર રાખવી અને એક એક પગલું સાચવીને મૂકવું! કોક સ્ટુડિયોમાં આ નાનકડો ટ્રેક પાકિસ્તાનમાં QB તરીકે ઓળખાતી ગાયિકા કુર્તલેન બલોચે ગાયો છે. આ ગીતમાં કન્ટેમ્પરરી મ્યુઝિક અને લિરિક્સનું ફ્યુઝન કરીને તેને એક નવી દિશા અને ઉંચાઈ બક્ષવામાં આવી છે, જેમાં કન્ટેમ્પરરી સોંગ મલ્ટીટેલન્ટેડ સિંગર ઉમેર જસવલે ગાયું છે. ગીત સાંભળીને કુર્તલેનના જાદુઈ અવાજના વખાણ કરીએ એટલા ઓછા છે. ગીત સાંભળતાં હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક આપણને એવો ભાસ થાય કે, આ ગીત આપણી બોલિવુડ સિંગર સુનિધિ ચૌહાણ ગાઈ રહી છે!
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=KHLNSxe5Y8A[/embed]
ચીરિયા દા ચંબા
પંજાબી અને ઉર્દૂની છાંટ ધરાવતા આ ગીતમાં પોતાના ઘરથી દૂર કોઈક નગરમાં વસતી દીકરીની પીડા વ્યક્ત થયેલી છે. પિયાનોની હળવી ધૂન પર પાકિસ્તાની ગાયક સુરૈયા ખાનુમ ‘સાડા ચીરિયા દા ચંબા વે બાબુલા વે, અસા ઉડ જાણા...’ના સૂર રેલાવે ત્યારે જો તમે દીકરીના પિતા હો તો તમે ચોક્કસ જ દીકરીની યાદમાં ઝૂરવાના અને કોઈ દીકરી આ ગીત સાંભળશે તો એ તરત જ એના પિતાને ‘આઈ મિસ યુ પપ્પા’નો મેસેજ કરવાની! ગીતનું સૌંદર્ય ત્યારે સોળે કળાએ ખીલે છે જ્યારે પાકિસ્તાની લેખક, અભિનેતા અનવર મકસુદ પોતે લખેલા બે પત્રોનું પઠન કરે છે, જેમાં એક દીકરી એના પિતાને સંબોધીને બે પત્રો લખે છે. કોક સ્ટુડિયોની વેબ સાઈટ પર જણાવાયું છે કે, આ ગીત એક જ ટેઈકમાં શૂટ કરાયું હતું! આ ગીત સાંભળીને તમે પણ ભીંજાશો જ.
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=tIIgLhNT7SQ[/embed]
તારા રે કારણીયે રે!
આપણે અહીં સૌથી પહેલો જે વીડિયો શેર કર્યો એ પ્રોમો જો તમે ધ્યાનથી જોયો હશે તો એ વીડિયોમાં એક વ્યક્તિ ઉડીને આંખે વળગે એવી છે. અને એ છે માઈ ધાઈ! મૂળ મારવાડની આ ગાયિકા વિભાજન વખતે સિંધમાં વસી ગયેલી અને છેલ્લાં કેટલાય દાયકાઓથી પાકિસ્તાનના લોકસંગીત પર રાજ કરી રહી છે. આ ગીતમાં માઈ ધાઈને જોઈને તમને એમ લાગી શકે છે કે, આદિવાસી જેવી લાગતી આ મહિલાને કોક સ્ટુડિયોવાળા એકાદ એપિસોડ માટે ક્યાંકથી ઉઠાવી લાવ્યા હશે. પરંતુ માઈ ધાઈનું પોતાનું એક બેન્ડ છે અને જ્યાદાતર યંગસ્ટાર્સ ધરાવતા એ બેન્ડ સાથે માઈ ધાઈ વિશ્વભરમાં પરફોર્મ કરે છે! આ ગીતમાં માઈ ધાઈની એનર્જી જોશો તો તમે આશ્ચર્યમાં ડૂબી જશો અને વિચારશો કે, સાવ શાંતિથી બેઠા બેઠા આ બેન આવા ઊંચા અવાજે ગાઈ કઈ રીતે શકતા હશે?
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=zn2fZh7ZUFI[/embed]
કદી આવો ની રસીલા મ્હારે દેશ
માઈ ધાઈની એનર્જીથી પરિચિત થઈ ગયા હો તો હવે સાંભળો એમનું આ બીજું ગીત, જેમાં આતિફ અસ્લમે એમને સાથ આપ્યો છે. ગીતમાં એક મારવાડી સ્ત્રી એના પ્રિયતમની વાટ જુએ છે. તો પિયુડો પણ એની પ્રેમિકાને મળવા માટે આતુર હોય છે. આમ તો માઈ અને આતિફની જોડીએ જોરદાર પરફોર્મ કર્યું છે, પરંતુ ક્યારેક એવું લાગે કે, માઈની હાઈ નોટ્સની સામે આતિફની લૉ નોટ્સ થોડી ફિક્કી પડી જાય છે. પણ ઓવરઓલ ગીત અદ્દભુત હતું, જેમાં ગુલાબજાંબુની ચાસણીની જેમ આપણું રાજસ્થાની કલ્ચર રહી રહીને નીતરતું હતું.
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=qgmqIpIbBVY[/embed]
ખાલીસ મખ્ખન
પાકિસ્તાની સિંગર્સ બક્ષી બ્રધર્સનું આ ગીત મને અત્યંત પ્રિય છે. એની ટ્યુન કહો કે એના લિરિક્સ, જે હોય એ પરંતુ ગીત સાંભળતી વખતે ગજબનું સુકુન મળે છે. દૂધ અને માખણની વાત આવે છે ત્યારે અમસ્તી જ આંખ મીંચાઈ જાય છે અને ગામના ઘરની ચોકમાં બાંધેલી બે ગાય અને એમનું દૂધ કાઢવામાં નિમગ્ન આપ્તજનોના ચહેરા નજર સામે ઊભરી આવે છે. સાથે જ આપ્તજનો સાથે વીતાવેલા બાળપણના દિવસો પણ યાદ આવે છે. જોકે આ ગીતમાં બાળપણ વિશેની એવી કોઈ વાત કરવામાં આવી નથી એ અલગ વાત છે!
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=0lKkGnqNRIM[/embed]
મન અમદેહ અમ
મન અમદેહ અમ એટલે કે મારે તારી પાસે આવવું છે! પર્શિયન ભાષાના ગીતનું ઉર્દૂ ગીત સાથે ફ્યુઝન કરવામાં આવ્યું છે. ફારસી ગીત પાકિસ્તાની બ્યુટી ગુલ પનરાએ ગાયું છે. તો ઉર્દૂ ગીત આતિફ અસલમે પોતે લખ્યું છે અને ગાયું છે. આતિફ અસલમ ગાયક તરીકે ભલે ઉત્તમ હોય પરંતુ એણે ગુલઝાર બનવાનો પ્રયત્ન કર્યો એમાં ગીતમાં કાચું કપાયું છે અને આતિફના લિરિક્સ માત્ર લખવા ખાતર લખાયા હોય એવું લાગે છે. જોકે ગીતની ટ્યુન એટલી મજબૂત છે કે, એના કારણે ગીતનો એ નબળો ભાગ બહુ નજરે નથી ચઢતો. ગીતમાં આતિફનો પાર્ટ વધારે હોવા છતાં ગુલ પનરા બાજી મારી જાય છે, જેનો આકર્ષક અવાજ અને એનું અતિઆકર્ષક રૂપ આપણને આ ગીત વારંવાર સાંભળવા મજબૂર કરે છે.
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=U_DSCLqgZCo[/embed]
આજ જાને કી ઝિદ ના કરો
ફય્યાઝ આઝમીએ લખેલું આ ગીત ગાઈને ભારત- પાકિસ્તાનના અનેક ગાયકો ન્યાલ થઈ ગયા છે. દાયકાઓ જૂનું આ ગીત કોઈ જૂના શરાબની જેમ દિવસેને દિવસે માદક બનતું જાય છે, જેનો લુત્ફ દરેક પેઢીના લોકો એકસાથે બેસીને ઉઠાવી શકે છે. કોક સ્ટુડિયોમાં આ ગીત પાકિસ્તાનમાં મલ્લિકા-એ-ગઝલ તરીકે ખ્યાતનામ ગાયિકા ફરિદા ખાનુમે ગાયું છે. આ શૉમાં ગાવા માટે ફરિદા ખાનુમને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં એમને એમની મરજીનું કોઈ પણ એક ગીત ગાવાની વિનંતી કરવામાં આવી હતી. કોક સ્ટુડિયોના છેલ્લા એપિસોડ માટે ગવાયેલું આ એકમાત્ર એવું ગીત છે, જેમાં ફરિદા ખાનુમ સિવાય અન્ય કોઈના ચહેરા પર કેમેરા ફોક્સ નથી કરાયો. તેમજ આ ગીતમાં ઓછામાં ઓછા વાદ્યોનો ઉપયોગ કરાયો હતો.
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=KDJL2FyRDeA[/embed]
આ ઉપરાંત પણ કોક સ્ટુડિયોની આ વખતની સિઝનમાં અન્ય કેટલાક ગીતો છે, જે સાંભળ્યા બાદ તમને તાજગીનો અનુભવ થાય. યુટ્યુબ પર કોક સ્ટુડિયોની ચેનલ પર તમામ 28 ગીતોની મન થાય ત્યારે મજા માણી શકાય છે. ઓફિસના બોરિંગ કામમાં જ્યારે પણ કંટાળો અનુભવાય તો બોસને એક મેઈલ કરી દેવાનો કે, ‘બોસ હમણા દસ-પંદર મિનિટ સુધી ઓફિસ રસાતળ થાય તોય હું મારી જગ્યાએથી હલવાનો નથી! એટલે થોડી વાર પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કરતા!’ અને બસ પછી કાનમાં હેડફોન્સ નાંખીને સાંભળો તમતમારે આ ગીતો. બની શકે છે કે, તમને ઉપરના ગીતો પસંદ નહીં આવે અને તમને બીજા કોઈ ગીતો ગમી જાય. જોકે ગીતોની પસંદગીમાં કદાચ તમે સહમત ન પણ થાઓ પરંતુ એક વાતે તો તમે સહમત થશો જ કે, આ વખતની કોક સ્ટુડિયોની સિઝન જોરદાર રહી. શું કહો છો?
ફીલ ઈટ
અમે રાજસ્થાનમાં જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એ જ મારવાડી ભાષા અહીં પણ છે. વળી, આ ગીતમાં વપરાયેલી બીજી ભાષા પંજાબી છે. તો આ સરહદો આપણને કઈ રીતે અલગ કરે છે?
-કેશવ ટાક
(માઈ ધાઈના એક ગીતના વીડિયોની નીચે વાંચવા મળેલી કોમેન્ટ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર