એ દિલરુબા મૂજે યે બતા…
વર્ષ 1992મા મનસુર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જો જીતા વહી સિકન્દર’ રિલીઝ થયેલી. ફિલ્મ રિલીઝ થયા બાદ ચોવીસ વર્ષના વહાણાં વીતી જાય છે, જે દરમિયાન ફિલ્મમાં કામ કરનારાઓની બીજી પેઢી બોલિવુડમાં કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. ફિલ્મમાં કામ કરનારા કલાકારોમાંના કેટલાકની કરિયર આગળ નથી વધી શકતી, લિડિંગ સ્ટાર આમીર ખાન બોલિવુડનું મહત્ત્વનું નામ બની જાય છે અને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે, આપણા ગુજરાતી કલાકાર દેવેન ભોજાણી ટેલિવિઝનના ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડે છે, ‘પહેલા નશા… પહેલા ખુમાર….’ જેવા સુપર ડુપર હીટ ગીતો તૈયાર કરનારા મ્યુઝિક ડિરેક્ટર્સ જતિન-લલિતની બેલડી તૂટી જાય છે અને બંને આજના બોલિવુડ મ્યુઝિકમાં કન્ટેમ્પરરી રહી શકતા નથી, પૂજા બેદીના એક નહીં, પણ ચાર-ચાર લગ્નો તૂટી જાય છે અને ખૂદ ડિરેક્ટર મનસુર ખાન બોલિવુડને ટાટા-બાયબાય કહીને કોઈક બીજા ક્ષેત્રમાં ઝંપલાવી દે છે….
આ બધી વાતો વાગોળવાનું મન એટલે થયું કે, ચોવીસ વર્ષના લાંબા અંતરાલ બાદ ગયા શનિવારે આ સુપર હીટ ફિલ્મના કલાકારો એકસાથે એક મંચ પર ભેગા થયા અને ‘મામી’ તરીકે ઓળખાતા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘જો જીતા વહી સિકન્દર’ની કંઈ કેટલીય યાદો વાગોળી. ‘સ્ટાર મેલા’ દરમિયાન બાન્દ્રાના એ ઑડિટોરિયમમાં આમીર ખાન (સંજુ) તો સ્ટેજ પર હતા જ હતા, એમની સાથે મનસુર ખાન, પૂજા બેદી (દેવિકા), ઈમરાન ખાન (છોટા સંજુ), માર્મિક સિંઘ (રતન), દીપક તિજોરી (શેખર મલહોત્રા), આદિત્ય લાખીયા (મકસુદ), દેવેન ભોજાણી (ઘનશુ), આયેશા જુલકા (અંજલી), આસ્ટિસ્ટન્ટ ડિરેક્ટર ફરાહ ખાન અને લલિત પંડિત હાજર હતા. આ રિયુનિયન દરમિયાન ફિલ્મ સાથે સંકળાયેલા કેટલાક લોકો કેટલીક વાતો સાવ ભૂલી ગયા હતા, જેને યાદ કરાવવા અન્ય કલાકારો કેટલાક કિસ્સા સંભળાવી રહ્યા હતા કે દૃષ્ટાંતો આપી રહ્યા હતા, મજાની વાત એ હતી કે એ કિસ્સામાંથી જ કેટલીક રસપ્રદ વાતો પણ બહાર આવી રહી હતી.
સૌથી મહત્ત્વની વાત તો એ જ કે, મનસુર ખાને આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારથી આ ફિલ્મ આડે અડચણો આવી, પરંતુ કોણ જાણે કેમ અનેક મુશ્કેલીઓ બાદ પણ ‘જો જીતા વહી સિકન્દર’ તૈયાર થઈ અને સુપર હીટ રહી! કોડાઈ કેનાલ અને ઉંટીના લોકેશન્સ પર શૂટિંગ દરમિયાન નડેલી મુશ્કેલીઓ તો ઠીક ફિલ્મના કાસ્ટિંગ અને ફિલ્મનું અડધું શૂટિંગ થઈ ગયા બાદ કેટલાક કલાકારોએ ફિલ્મ જ છોડી દીધી. મોડેલ કમ એક્ટર કમ રનર મિલિન્દ સોમનને સૌથી પહેલા દીપક તિજોરીના રૉલ માટે સાઈન કરવામાં આવેલા અને મિલિન્દ સાથે ત્રીસેક ટકા જેટલું શૂટિંગ પણ થઈ ગયેલું ત્યાં કોઇક કારણસર મિલિન્દ સોમનની ફિલ્મમાંથી એક્સિટ થઈ અને દીપક તિજોરીને વિલન શેખર મલહોત્રાના રૉલ માટે સાઈન કરાયા. આડવાત એ પણ કરી લઈએ કે, શેખર મલહોત્રાના પાત્ર માટે ફરાહ ખાને અક્ષય કુમારનો પણ સ્ક્રિન ટેસ્ટ કર્યો હતો, અને અક્ષય ઘણી ઈચ્છા હતી કે, એ મનસુર ખાનની ફિલ્મનો ભાગ બને, પરંતુ મનસુર ખાનને એ રૉલ માટે અક્ષય યોગ્ય ન જાણાતા અક્ષયને પડતા મૂકાયા! એ જ રીતે પૂજા બેદીના પાત્ર માટે અભિનેત્રી નગમાનો પણ સ્ક્રિન ટેસ્ટ લેવાયો હતો, પરંતુ નગમાની જગ્યાએ પૂજા બેદીને જ ફાયનલ કરયા.
વળી, મુખ્ય અભિનેત્રી તરીકે અંજલીના પાત્ર માટે સાઈન કરાયેલી દક્ષિણ ભારતીય અભિનેત્રી ગિરજા સાથે પણ અદ્દલ મિલિન્દ સોમનવાળી જ થઈ અને અડધુ શૂટ પૂરું થયેલું ત્યાં એમની એક્સિટ થઈ અને એમની જગ્યાએ આયેશા જુલકાને અંજલીના પાત્ર માટે સાઈન કરાયા. આ બધી મુશ્કેલીઓને કારણે ડિરેક્ટર મનસુર ખાને એક તબક્કે એવું નક્કી કર્યું કે, ભાઈ, હવે આપણે આ ફિલ્મ નથી કરવી! જોકે આમીરને આ ફિલ્મમાં શ્રદ્ધા હતી એટલે એમણે મનસુરને ઉત્સાહ આપ્યો અને સાઠ દિવસના લાંબા શૂટિંગ બાદ ફિલ્મ પૂરી કરી.
બાય ધ વે મનસુરને પોતાને પણ આ ફિલ્મ સાથે એટલો લગાવ હતો કે, એમણે આ ફિલ્મ દ્વારા આમીરને બોલિવુડમાં લોન્ચ કરવો હતો અને અફકોર્સ પોતે પણ કરિયરની સૌથી પહેલી ફિલ્મ આ જ તૈયાર કરવી હતી. સમહાઉ એ ફિલ્મની સ્ક્રિપ્ટને મઠારવાનું કામ લાંબુ ચાલ્યું અને પિતા નાસીર ખાનની ઈચ્છાને વશ થઈ મનસુરે ‘કયામત સે કયામત તક’ પહેલા ડિરેક્ટ કરવી પડી. આમીર ખાનની પણ આ પહેલી ફિલ્મ હતી એ બધા જાણે જ છે રાઈટ?
‘જાને તુ યા જાને ના’, ‘આઈ હેટ લવસ્ટોરી’ કે ‘લક’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઈમરાન ખાને આ ફિલ્મમાં નાના સંજુનો રૉલ કરેલો. તમને ખ્યાલ હોય તો ‘રૂઠ કે હમ સે કભી’ ગીતમાં આમીર ફ્લેશબેકમાં જાય છે અને ભાઈ સાથેના એના બાળપણને યાદ કરે છે ત્યારે ગીતમાંના એક સીનમાં નાના સંજુ એટલે કે ઈમરાન ખાનની ચડ્ડી ઉતારી દેવાય છે અને એમાં ઈમરાનના બટ્સ દેખાય છે… એ સીનના શૂટિંગ વખતે ઈમરાનને એ વાતની જાણ નહોતી કરાઈ કે, આ રીતે તારી ચડ્ડી ઉતારી દેવામાં આવશે. નહીંતર જિદ્દી ઈમરાન ક્યારેય એ શૉટ આપવા તૈયાર નહીં થાત! આ માટે સાયકલ ચલાવતા ઈમરાનને એમ કહેવાયેલું કે, ‘અમને એવી ઈચ્છા છે કે, તું શૉટ દરમિયાન સીટ પરથી ઊભો થઈને સાયકલ ચલાવે. જોકે તારાથી એ નહીં થાય એટલે જવા દે બેસીને જ સાયકલ ચલાવ…’ નાનકડો ઈમરાન ખાન આ બાબતને ચેલેન્જ તરીકે લઈ લે છે અને શૂટ દરમિયાન ઊભો થઈને સાયકલ ચલાવે છે અને એની જાણ બહાર નક્કી થયા મુજબ નાનકડો રતન એની ચડ્ડી ઉતારી દે છે! રિયુનિયન દરમિયાન આમીર ખાન આ કિસ્સો યાદ અપાવતા કહે છે, ઈમરાનને જ્યારે ખબર પડી કે, ફિલ્મમાં આ સીન લેવાયો છે અને એની સાથે ઈરાદાપૂર્વક આવું થયું છે ત્યારે એ ખૂબ રડેલો અને ફિલ્મમાંથી એ સીન કઢાવી નાંખવા આજીજી પણ કરેલી!
એઝ વી ઑલ નો, ‘જો જીતા વહી સિકન્દર’ના ગીતો બોલિવુડના એ સમયના પીઢ ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ લખેલા. આ તો સુલતાનપુરીની કલમનો જાદુ જ કહેવાય કે, આજે પણ આપણે ‘પહેલા નશા… પહેલા ખુમાર…’ સાંભળીએ તો આપણને તાજગીનો અહેસાસ થાય છે. આઈ મીન એ ગીત આજના સમયનું હોય એવું લાગે છે! જોકે ‘પહેલા નશા…’ના મૂળ લિરિક્સ લખાય એ પહેલા જતિન-લલિતે ગીતની ટ્યૂન તૈયાર કરી નાંખેલી અને મજરૂહ સા’બ અને મનસુર ખાનને એ ટ્યૂન સંભળાવવા માટે જતિને ટ્યૂન માટે ડમી લિરિક્સ પણ લખેલા. રિયુનિયન ટાણે લલિતે જતિને તૈયાર કરેલા એ લિરિક્સ સાથેનું ગીત પણ સંભળાવ્યું, જે સાંભળીને અમે તો ઝૂમી જ ઉઠ્યા, પરંતુ જ્યારે મજરૂહ સા’બને એ સંભળાવાયેલું ત્યારે તેઓ પણ ખુશ થઈ ગયેલા. ગીતના લિરિક્સ કંઈક આવા છે, જેને તમે ‘પહેલ નશા’ની ટ્યૂન સાથે ગાશો તો તમને પણ મજા આવશે,
એ દિલરુબા મૂજે યે બતા…
તેરા નામ હૈ ક્યા?, તેરા ક્યા પતા?’ (2)
તેરી બાતે હૈ યહા, હો ગયા દિલ ફિદા (2)
સુન લે જરા…
એ દિલરુબા મૂજે યે બતા…
ખુશ્બુ પ્યાર કી હૈ બહારો મેં સનમ,
તેરા હી નામ હૈ ચાંદ-તારો મેં સનમ…
આ ઉપરાંત પણ રિયુનિયન દરમિયાન અનેક વાતો થતી રહી. ફિલ્મની કાસ્ટ અને ઑડિયન્સ ડિરેક્ટર મનસુર ખાનને કહી રહ્યા હતા કે, પ્લીઝ ફરીવાર બોલિવુડમાં આવો અને અમને કોઈક મજાની ફિલ્મ આપો. જોકે મનસુર ખાને કહ્યું કે, ‘આ ફિલ્મ તૈયાર કરતી વખતે અનેક અડચણો આવી હોવા છતાં એની સ્ક્રિપ્ટમાં ક્યાંકને ક્યાંક મને શ્રદ્ધા હતી કે આ ફિલ્મ કંઈક ઈતિહાસ સર્જશે. ત્યારબાદ એવું ક્યારેય બન્યું નથી કે કોઈ સ્ક્રિપ્ટથી હું અત્યંત પ્રભાવિત થયો હોઉં. વચ્ચે એક વાર આમીરે મને ‘બરફ’ નામની ફિલ્મની સ્ક્રિપ્ટ પણ આપેલી, પરંતુ હું એમ માનું છું કે, જ્યાં સુધી તમારો માંહ્લો કંઈક કરવા રાજી ન થાય ત્યાં સુધી તમારે કેટલાક કામો હાથ પર ન લેવા. હા, કદાચ એવું જરૂર બને કે જો રાજકુમાર હિરાણી મારે માટે કોઇ સ્ક્રિપ્ટ લખે તો હું ફરી કોઈ ફિલ્મ તૈયાર કરું અને બોલિવુડમાં કમબેક કરું…’
ફીલ ઈટઃ
મેં દર્શકોને ધ્યાનમાં રાખીને ક્યારેય ફિલ્મ નથી બનાવી. ફિલ્મ તૈયાર કરવા માટે સ્ક્રિપ્ટમાંની મારી શ્રદ્ધા જ હંમેશાં મારે માટે મહત્ત્વની રહી છે.
મનસુર ખાન
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર