બોધિવૃક્ષ સુધી પહોંચવાની મથામણ
… અને આ એક વર્ષ પૂરું થયું. હજુ હમણા જ તો ‘khabarchhe.com’ જોઇન કર્યું હતું, હજુ હમણા જ તો વિવિધ કૉલમો ડિઝાઈન કરીને લેખકોને વારાફરતી ફોન કર્યા હતા, હજુ હમણા જ તો સૌરભ શાહ, કલ્પના દેસાઈ, સૈયદ શકીલ, નેહા-ચિત્તરંજન, દેસાઈના પહેલા લેખો મારી પાસે આવ્યા હતા, હજુ હમણા જ તો એ લેખો વાંચીને થ્રીલ અનુભવી હતી અને હજુ હમણા જ તો આખી રાતનો ઉજાગરો વેઠીને પહેલી મે ના દિવસે મુખ્યમંત્રી આનંદીબેનના હાથે પોર્ટલ લોન્ચ કરાવીને અમે ગુજરાતી પત્રકારત્વમાં પગલું માંડ્યું હતું અને જુઓ તો ખરા, એ બધી થ્રીલ, નવા અનુભવો અને અવનવી વાતોની ભરતી ઓસરે એ પહેલા એક વર્ષ પણ પૂરું થઈ ગયું.
આવા સમયે ભાવુક નહીં થવાય તો જ નવાઈ. આખરે આ સંસ્થાને જીવનનું એક વર્ષ આપી દીધું છે. અને આ તો નસીબની બલિહારી જ કહેવાય કે, સંસ્થા શરૂ થઈ એના પહેલા દિવસથી કે એથી પણ પહેલાના થોડા મહિનાથી પોર્ટલના એક મહત્ત્વના વિભાગનું સુકાનપદ સંભાળવાની તક મળી! પત્રકારત્વની ડિગ્રી લઈને હજુ નવા નવા કામે વળગ્યા હોઈએ, હજુ મોઢામાંથી દૂધ ગંધાતું હોય એવી સ્થિતિ હોય ત્યારે આખો વિભાગ સંભાળવાની જવાબદારી બહુ જૂજ પત્રકારોને મળતી હોય છે. મને મળી છે એટલે મને એનો આનંદ પણ છે અને એ માટે ઈશ્વરનો, મારા પૂર્વસૂરીઓનો, પત્રકારત્વનો કક્કો શીખવનાર સૌનો અને આ સંસ્થામાં મને લઈ આવનાર ફયસલ બકીલીનો હું ઋણી છું.
સહેજ પાછું વળીને જોઉં છું તો ગયા વર્ષના ફેબ્રુઆરીના દિવસો મને યાદ આવી જાય છે, જ્યારે ‘khabarchhe.com’માં મેં મારા કામની શરૂઆત કરેલી. શરૂઆતનો થોડો સમય સાવ નકામા ટ્રાન્સલેશનના કામને આપી દીધેલો ને એ સમયે એક તબક્કે મેં નક્કી પણ કરી લીધેલું કે, આ સંસ્થા છોડીને બીજે ક્યાંક હિજરત કરવી છે કારણ કે, કારકિર્દીની શરૂઆતથી હું સ્પષ્ટ હતો કે, બને ત્યાં સુધી મારે રિપોર્ટિંગ નથી કરવું અને પત્રકારત્વને નામે ટ્રાન્સેલન કરીને ઉતારાબાજી તો નથી જ કરવી.
નસીબ સારા હતા કે, ‘khabarchhe.com’ના સ્થાપક ઉત્કર્ષ પટેલ અને હવે સ્વજન બની ગયેલા ભાઈની એ બાબત પર નજર ગઈ અને એમણે પહેલી તકે મને ફિલ્મો અને ક્રિકેટના સમાચારના ભાષાંતરો કરતા અટકાવ્યો. ભાઈએ મને પૂછ્યું, ‘શું કરવું છે તારે અહીં?’ અને મેં મારી યાદી ધરી દીધી કે, આ પ્રકારની કૉલમો કરવી છે કે આ પ્રકારના વિષયોને આવરી લેવા છે કે, આ પ્રકારનું મૌલિકતાસભર ઉતારામુક્ત પત્રકારત્વ કરવું છે. અને એમણે માત્ર ‘તથાસ્તુ’ કહ્યું.
અને બસ શરૂ થઈ એક મજાની યાત્રા. આ યાત્રાને સર્જન યાત્રા કહી શકાય કે નહીં એની તો ખબર નથી પરંતુ ત્યાર પછી આજ સુધી જે કંઈક કર્યું છે એ બધુ ચોક્કસ આશયથી અને પૂરી લગનથી કર્યું છે. આશય માત્ર એક જ કે, આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ વાચક તરીકે આવે એને કંઈક સારું વાંચ્યાનો સંતોષ થવો જોઈએ અને એના મનમાં એ વાત ઘર કરી જવી જોઈએ કે, અહીં જે વાંચવા મળશે એ અત્યંત શિષ્ટ, રસપ્રદ અને માહિતીસભર હશે!
શરૂઆતનો એક મહિનો તો કૉલમો ડિઝાઈન કરવામાં અને લેખકો નક્કી કરવામાં ગયો. ગુજરાતના કેટલાક લોકપ્રિય લેખકો, કૉલમનિસ્ટોને ફોન થયાં, જેમાંના મોટાભાગના પાસે હાલમાં નવી કૉલમ કરી શકાય એટલો સમય નથી કે, પોર્ટલ તો હજુ શરૂ પણ નથી થઈ, શરૂ થશે પછી જોઈશું જેવા જાકારા મળ્યાં. હશે. કેટલાક પાસે જેન્યુઇન રિઝન હશે તો કેટલાકને એવો ધ્રાસ્કો હશે કે, 'આ નવા નિશાળિયા શું તોપ ફોડવાના?' ભૂતકાળમાં કદાચ એમને આવા અનુભવો થયાં હશે તો જ તેઓ આવું વિચારતા હશે ને?
વળી, અમારી એવી કોઇ ઓળખ પણ ન હતી કે ન તો અમારી સાથે કોઇ જાણીતો ચહેરો હતો. આ કારણે પણ કેટલાકે અમને ના પાડી. પણ સૌરભ શાહ, કલ્પના દેસાઈ અને નેહા-ચિત્તરંજ દેસાઈએ અમારી સાથે સંકળાવાની તૈયારી દર્શાવી અને એમની સાથે મળીને અમે ‘ઝિંદગી મિલેગી ના દોબારા’, ‘તારી મારી વાત’ અને ‘ચાલો ફરવા જઈએ’ જેવી કૉલમો નક્કી કરી.
સ્ત્રી વિશેની વાતો એક સ્ત્રી લેખિકાની કલમે લખાવાની હતી એટલે એ કૉલમને મેં નામ આપ્યું ‘તારી મારી વાત’. એક દિવસ ઉત્કર્ષભાઈને હું સૌરભ શાહની કૉલમ વિશે સમજાવી રહ્યો હતો કે, આ રીતે સૌરભ શાહ માણસના જીવનને લગતી હકારાત્મક વાતો લખશે અને અચાનક ઉત્કર્ષભાઈ બોલ્યાં ઝિંદગી મિલેગી ના દોબારા? અને સૌરભ શાહની કૉલમનું નામ પડ્યું ‘ઝિંદગી મિલેગી ના દોબારા’. એ જ રીતે હું અને મસુદ વોરાજી ભાઈને નેહા-ચિત્તરંજન દેસાઈની કૉલમ વિશે સમજાવતા હતા અને ભાઈ બોલ્યાં, ચાલો ફરવા જઈએ! અને એ કૉલમનું નામ પડી ગયું ‘ચાલો ફરવા જઈએ’.
ભાઈને એવી ઈચ્છા પણ હતી કે, આપણે ગુજરાતના લેખકો-કળાકારો-પત્રકારોના સુખ દુખ વિશેની વાતો જાણીએ. આ ઉપરાંત ગુજરાતના વાચકોને એમની મિત્રતા વિશે કે એમના સંતાનો વિશે કંઈક લખવાની તક મળવી જોઈએ. એટલે ‘સુદામા ઉત્સવ મૈત્રીનો’, ‘મારો શ્રવણ’ અને ‘મારું સુખ દુખ’ જેવી કૉલમો શરૂ થઈ. 'મારુ સુખ દુખ' વિભાગ માટે દર અઠવાડિયે એક ટેલિફોનિક ઇન્ટરવ્યુ કરવાનો પડકાર આવ્યો અને એક વર્ષ સુધી સફળતાપૂર્વક હું ઇન્ટરવ્યુ કરી શક્યો.
મારા મનમાં હતું કે, ગુજરાતી લેખકોના ક્લાસિક લેખો પણ ફરી ડિજિટલ માધ્યમમાં ફરી પ્રકાશિત થવા જોઇએ, જેથી યુવાન વાચકોને એમના જન્મ પહેલા કે એમના બાળપણ દરમિયાન પ્રકાશિત થયેલા લેખો વાંચવાની તક મળે. આ માટે સૌથી પહેલા ચંદ્રકાન્ત બક્ષી મારા ધ્યાનમાં આવ્યા. રિવા બક્ષીને ફોન કર્યો તો એમણે પહેલી વાતચીત દરમિયાન જ બક્ષીના જૂના લેખો છાપવાની પરવાનગી આપી દીધી.
બક્ષીની ગેરહાજરીમાં બક્ષીના જૂના લેખોને પ્રકાશિત કરવાના હતા ત્યારે વિચાર આવ્યો કે, આ લેખો બક્ષીના નામ વિના પણ પ્રકાશિત કરું તો લોકો આ લેખના લેખક કોણ છે એ વિશે અજાણ રહે ખરાં? જવાબ મળ્યો ના. નહીં. કારણ કે આ લેખોના એક એક શબ્દોમાં બક્ષીનું બક્ષીત્વ ઝળકી રહ્યું છે અને લેખોનો મિજાજ જ એવો છે કે, આ લેખો પાછળ લેખકનું નામ મૂકીએ કે ન મૂકીએ તો એમાં ઝાઝો ફેર પડતો નથી! ‘બક્ષીત્વ’ શબ્દ મને ઘણો ગમી ગયો એટલે રિવાબેનની પરવાનગી સાથે એ શબ્દને પોર્ટલ પર સ્થાન આપ્યું, જે હેઠળ અમે બક્ષીના ક્લાસિક લેખો રિપબ્લિશ કરવાનું શરૂ કર્યું.
એક દિવસની એક કૉલમના હિસાબે અમે અઠવાડિયાની સાત કૉલમો તૈયાર કરી અને પોર્ટલ પર સ્વતંત્ર મેગેઝિન વિભાગનો જન્મ થયો. વાચકોને પોર્ટલનો જૂનો લે-આઉટ ખ્યાલ હોય તો જમણી બાજુ એક ઊભો જોવા મળતો, જે મારું, તમારું, આપણું મેગેઝિન હતું! પહેલા જ દિવસથી અમને લાખો વાચકોએ વધાવી લીધા એવું અસત્ય ક્યારેય નહીં બોલું, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા અને વાચકોને અમારા વિશે જાણકારી થતી ગઈ એમ તેઓ અમને સ્વીકારતા ગયા. અમારા સ્વીકારની આ પ્રક્રિયા ધીમી હતી, પણ નક્કર અને મજબૂત હતી!
શરૂઆતમાં ફેસબુક કે પોર્ટલ પર સારામાં સારા આર્ટિકલને સમ ખાવા પૂરતીય લાઈક કે કમેન્ટ નહીં મળતી ત્યારે ખૂબ નિરાશ થઈ જવાતું. એમ થતું ક્યાંક અમારામાં કોઇ કચાશ તો નહીં હોયને? જે કંઈ પ્લાન કર્યું છે યોગ્ય તો છે ને? કે મારો અનુભવ ઓછો પડી રહ્યો છે? જોકે એકાદ મહિના પછી વાચકોના પ્રતિભાવ આવવા માંડ્યા. ફેસબુક, ઇમેલ કે પોર્ટલ પરની કમેન્ટ્સ દ્વારા વાચકો કહી રહ્યા હતા કે, આટલી સાત કૉલમથી કોઇ દહાડો નહીં વળે. અમને બીજી કૉલમ્સ પણ જોઈએ છે. મારા તો જીવમાં જીવ આવ્યો જાણે! આખરે કંઈક કર્યાનું ફળ હતું આ! વાચકો નવી કૉલમો માગી રહ્યા હતા એનો મતલબ એ કે, એમને આ કૉલમો પસંદ આવી છે અને એમને અમારામાં વિશ્વાસ બેઠો છે કે, વેબ મીડિયમમાં બીજે બધે ભલે અમને સેક્સ કે ક્રાઈમના સાવ તુચ્છ કહી શકાય એવા સ્પોન્સર્ડ કન્ટેન્ટ વાંચવા મળે પણ અહીં અમને સારું વાંચન મળી રહેશે!
આ ઉપરાંત અમારો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો હતો કે, હજુ એક એક કૉલમ વધારીએ તો બહુ તકલીફ આવી શકે એમ નથી. એટલે પોર્ટલ શરૂ થયાંના ત્રણ મહિનામાં ફરી બેઠકોનો દોર શરૂ થયો અને કયા પ્રકારની નવી કૉલમો શરૂ કરવી એની ચર્ચાઓ શરૂ થઈ. ભાઈની પહેલેથી એવી ઈચ્છા હતી કે હું એક નિયમિત કૉલમ લખું. પણ મને હંમેશાં એવો ગભરાટ રહેતો કે, એક તો હું મૂળે રમતિયાળ જીવ છું અને નિયમિતતા સાથે મારે કોઇ સંબંધ નથી ત્યાં દર અઠવાડિયે નવા વિષય સાથેની કૉલમ ક્યાં લખવી? છૂટક છૂટક જે લખાય એ સાચું અને એ સિદ્ધાંતે જ શરૂઆતના ત્રણ મહિના મેં વિવિધ વિષયો પર છૂટક લેખો લખેલા. પણ નવા વિસ્તરણ વખતે આમાંથી છટકવું મુશ્કેલ હતું. ભાઈનો સતત આગ્રહ હતો એટલે ગભરાટ સાથે મેં એક કૉલમ લખવાનું નક્કી કર્યું અને સૌરભ શાહે એને 'ટેક ઈટ ઓર લીવ ઈટ' નામ આપ્યું.
દોસ્ત ભાવિન સાથે મિત્રતા બંધાઈ એ પહેલાથી મને એવી ઇચ્છા હતી કે, ફ્રેશનેસથી છલક છલક થતી આ યંગ રાઈટરની એકાદ કૉલમ શરૂ કરવી છે. આફ્ટરઑલ આ માધ્યમ પર સૌથી વધુ અવરજવર યુવાનોની રહેવાની હતી! ભાવિન અધ્યારુને 'યંગિસ્તાન' કે અન્ય નવા વિષયો માટેની કૉલમ લખવાની ઈચ્છા હતી અને મને એવી ઈચ્છા હતી કે, એમની પાસે 'ભૂતપ્રેત' વિશે કંઈક લખાવીએ. ભૂતપ્રેતના જોનર વિશે આમ પણ આપણી ભાષામાં ઝાઝુ લખાતું નથી એટલે થયું કે, આ વિશેની એક નિયમિત સાપ્તાહિક કૉલમ કરીએ અને એ માટેની જવાબદારી ભાવિન અધ્યારુને સોપીંએ. ભાવિનભાઈએ આ પહેલા ક્યારેય ફિક્શન નહોતું લખ્યું એટલે એમણે સહર્ષ મારી વાત સ્વીકારી લીધી અને ફિક્શન લખવાના નવા પડકાર સાથે એમણે અમારે ત્યાં 'હોરર કાફે' લખવાની શરૂઆત કરી.
બીજા દોરમાં શરૂ થયેલી બીજી બે કૉલમો એટલે 'નાનાં મોઢે નાની વાત' અને 'ટો ક્રશર'. ક્રિકેટ રસિયા મસુદ વોરાજીએ ક્રિકેટ વિશેની કૉલમ શરૂ કરી. જોકે એ કૉલમનું બાળમરણ થયું, પરંતુ સાંપ્રત ઘટનાઓ વિશેની તલસ્પર્શી છણાવટ કરતી 'નાનાં મોઢે નાની વાત' સોળે કળાએ ખીલી અને વાચકોએ એ કૉલમને અદભુત પ્રતિભાવ આપ્યો. જાણીતા અને વરિષ્ઠ પત્રકાર નિખિલ મહેતા સાથે 'ગુજરાત ગાર્ડિયન'માં પણ કામ કરવાનો મોકો મળેલો, પણ ત્યારનો સંબંધ અપ્રત્યક્ષ હતો પણ 'નાનાં મોઢે…' શરૂ થઈ પછી નિખિલ મહેતા સાથે ઘણી બાબતોએ ચર્ચા કરવાની તક મળી અને એમના તટસ્થ રાજકીય વલણને કારણે અનેક મુદ્દે એમની પાસે માર્ગદર્શન મેળવવાનું બન્યું એ વધારાનું. વિસ્તરણ દરમિયાન કાન્તિ ભટ્ટના ક્લાસિક લેખોની 'ચેતનાને કિનારે' અને 'તારી મારી લવ સ્ટોરી' જેવી બીજી બે કૉલમોનો પણ સમાવેશ થયો.
વળી, એક વિભાગ 'મેગેઝિન વિશેષ'ના નામે નક્કી કરાયો, જેમાં સાંપ્રતની ઘટનાઓ પરના વિશેષ લેખો, ઇન્ટરવ્યૂઝ અને અતિથિ લેખકો કે વાચકોના સારા લેખોનો સમાવેશ કરાયો. 'ટેક ઈટ ઓર લીવ ઈટ' કરતા પણ આ વિભાગમાં લેખો લખવાની કે પ્રકટ કરવાની ખૂબ મજા આવી કારણ કે, આ વિભાગ કોઇ પણ વિષયના બંધન કે વિશેષ લેખો માટે રિઝર્વ્ડ નહોતો.
એક વર્ષ પહેલા જ્યારે પોર્ટલ પર નજર નાંખેલી ત્યારે પોર્ટલ પરનો મેગેઝિન વિભાગ સાવ ખાલી નજરે ચઢતો હતો. કોઇ ખૂલ્લું મેદાન જ સમજો! ત્યારે થતું આ વિભાગો ક્યારે ભરાશે? અને કોણ વાંચશે આ બધું? પણ એક પછી જેમ જેમ અઠવાડિયા વીતતા ગયા એમ રોજના મિનિમમ બે લેખોને હિસાબે વિવિધ વિભાગો ભરાતા ગયા. આજે બાવન અઠવાડિયા પછી પોર્ટલ પર એ વિભાગો જોઉં છું તો આનંદ અને ગર્વ થાય છે કે, આ બધુ હું એકલે હાથે કરી શક્યો. અલબત્ત, આ બધામાં મારા લેખકો અને અમારા ગ્રાફિક ડિઝાઈનર સૈફી કાચવાલાની મદદ પણ સામેલ હતી.
ખેડૂતનો દીકરો છું એટલે બધુ રોપણી અને કાપણીની ભાષામાં જ સમજું છું. વર્ષ પહેલા રોપેલી એક કલમ (આંબાનો રોપો પણ કલમ જ કહેવાય એ પણ કેવો જોગાનુંજોગ!) આજે મહોરી ઊઠી છે અને એની ડાળ ડાળ પર ફળ બેઠાં છે ત્યારે સ્વાભાવિક છે કે, આંબા પ્રત્યે થોડું મમત્વ જાગે. કોલર ઉંચો કરીને કોઇકને એમ કહેવાનું મન પણ થઈ આવે કે, 'જુઓ, આ બધા મારા આઈડિયા છે. મેં આ બધામાં ખૂનપસીનો આપ્યો છે અને મેં અહીં તનતોડ મહેનત કરી છે….'
નહીં. ખરેખર આવું કશું જ નથી કહેવું. સિદ્ધાર્થે જો યશોધરાનું, રાહુલનું કે કપિલવસ્તુની સત્તાનું મમત્વ રાખ્યું હોત, એના મોહમાં ચકચૂર ગયા હોત તો સિદ્ધાર્થ બુદ્ધ ક્યારેય નહીં બની શકતે. આપણે બુદ્ધ થવું નથી. આખરે આપણી લાયકાત પણ કેટલી? આપણી ખેવના માત્ર બોધિવૃક્ષ સુધી પહોંચવાની છે. અને આ વૃક્ષને પામવા 'હું પણા'ને ખંખેરીને આગળની દિશામાં નજર રાખવી મહત્ત્વનું બની જાય છે.
સાથે એ સૌ વાચકોનો હું દિલથી આભાર માનું છું, જેઓ મેગેઝિન વિભાગના લેખો નિયમિત વાંચતા રહ્યા છે, બિરદાવતા રહ્યા છે અને જરૂરિયાત મુજબના સુચનો આપતા રહ્યા છે. એક વર્ષ પછી હવે ફરી નવા લક્ષ્યો નક્કી કરવા છે, જે નથી પામી શકાયું એ સઘળું પામવા આયોજનબદ્ધ મહેનત કરવાની છે અને મૂલ્યો સાથે બાંધછોડ કર્યા વિના જે કંઈ શિષ્ટ છે અને સમાજને ઉપયોગી છે એ બધુ વાચકોને આપવું છે. સાથે એ વાતને પણ ખાસ યાદ રાખવાની છે કે, આપણે માત્ર માધ્યમ છીએ એટલે જ મીડિયા કહેવાઈએ છીએ તો માત્ર માધ્યમ બનીને રહીશું. નથી તો અમારે ચૂકાદા સંભળાવવાના કે નથી અમારે ખોટી માહિતી, ખોટી વાત કે અસત્યને ખોટી હવા આપવાની. આજના સમયમાં માધ્યમોમાં કામ કરતા કોઇ પણ લેખક-પત્રકારે આ વાતને એનો જીવનમંત્ર બનાવવાની છે. જો આભડછેટમાં પડ્યાં તો સમાજ હવે ચલાવી લેવાનો નથી. આંગળીને ટેરવે જ્યારે દુનિયા ચાલતી હોય અને વાચક અત્યંત હોશિયાર થઈ ગયો હોય ત્યારે કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર, ખોટી માહિતી કે ખોટી બાબતોનું પ્રોપોગેશન વાચક ચલાવી લેવાનો નથી. વાચકને જરા સરખી ગંધ આવશે તો એ તમને અવગણી કાઢશે અને તમને જ્યાંના ત્યાં મૂકીને એ આગળ વધી જશે. એટલે કલમના ખોળે માથું મૂકવાની સાથે વાચકના ખોળે પણ માથું મૂકવું પડશે અને એનો વિશ્વાસ જીતીને એના દિલ જીતવા પડશે. દિલ જીતવાની આ મથામણ હંમેશાં ચાલું રહેશે, માધ્યમ, પ્લેટફોર્મ કે સંસ્થા ભલે ગમે તે હોય. કાલે અહીં હોઈશું કે નહીં એની પણ ઝાઝી ખબર નથી, પણ મમત્વ કશાનુંય રાખવું નથી ખેવના માત્ર એટલી જ છે કે, જો પહોંચી શકાય ઓ બોધિવૃક્ષ સુધી પહોંચવું છે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર