શબ્દે શબ્દે શૌર્ય, વાક્યે વાક્યે વિચાર
સ્વામી સચ્ચિદાનંદને વીર સંત, ક્રાન્તિકારી વ્યક્તિ અથવા વિચાર પુરુષ કેમ કહેવાય છે એ વિશે સમજવું હોય તો સ્વામીને રૂબરૂ મળવાની જરૂર નથી. એ માટે માત્ર એક જ કામ કરવાનું. અને એ કામ એટલે સ્વામી સચ્ચિદાનંદજીએ લખેલા પુસ્તકો ઘરે વસાવવાના અને એનો અભ્યાસ કરવાનો. સ્વામીજીના પુસ્તકો વાંચતા હોઈએ એટલે જ્યારે શબ્દે શબ્દે શૌર્ય અને વાક્યે વાક્યે વિચાર પ્રકટ થાય ત્યારે આપણને આપોઆપ એ સમજાઈ જાય કે, સંતને વીર કે ક્રાન્તિકારીના વિશેષણ કેમ અપાયા છે?
નસીબજોગે ગયા સપ્તાહે સ્વામી સચ્ચિદાનંદના બે પુસ્તકો સાવ અચાનક હાથમાં આવી ગયા. સુરતના ક્રોસવર્ડમાં ગયો ત્યારે કોઈક બીજા પુસ્તકો ખરીદવાનું આયોજન હતું, પરંતુ સ્વામીજીના પુસ્તકો પર નજર પડી અને એના પાનાં ફેરવીને થોડું વાંચ્યું તો જે પુસ્તકો લેવા હતા એ ખરીદવાનું માંડવાળ કર્યું અને સ્વામીના 'મહાભારતનું ચિંતન' તેમજ 'ગીતા અને આપણા પ્રશ્નો' ખરીદી લીધા. આમેય ઘણા વખતથી આપણા પૌરાણિક ગ્રંથો પર કશુંક અર્થપૂર્ણ વાંચવાની ઈચ્છા હતી અને મુંબઈના અખબાર 'મીડ -ડે'ની કૉલમના કેટલાક લેખોને બાદ કરતા સ્વામીજીને આ પહેલા ક્યારેય વાંચ્યા પણ નહોતા એટલે થયું ચાલો બંને કામ એક સાથે કરીએ. સ્વામીના પુસ્તકો સાથે કિશોરલાલ મશરૂવાળાનું દળદાર પુસ્તક 'ગીતામંથન' પણ હતું, જેને પણ સાથે લઈ લેવાની ઈચ્છા રોકી શકાઇ નહીં!
એ ત્રણેયમાં સ્વામીજીનું 'મહાભારત ચિંતન' વાંચવાની સૌથી પહેલા શરૂઆત કરી, જેમાં સ્વામીજીના વિચારો જાણીને અત્યંત પ્રભાવિત થવાયું. સામાન્યતઃ બાવાઓ સંન્યાસ અને વૈરાગ અને ત્યાગ અને કરુણા અને અહિંસા જેવી બાબતોમાં સામાન્ય માણસને ગૂંચવી મારતા હોય છે તેમજ 'આ સંસાર નકામો છે....' અને 'અહીં સંસારમાં પડવા જેવું...' નથીની ગોળી પીવડાવી પીવડાવીને દેશની પ્રજાને નપુંસક કરતા હોય છે. પરંતુ સ્વામી સચ્ચિદાનંદ એવા સંત છે, જે શબ્દે શબ્દે તમને સંસારમાં રહેવાની વાત કરે છે, ઝઝૂમતા રહેવાની વાત કરે છે, ટકી રહેવા શસ્ત્ર ઊઠાવવાની વાત કરે છે અને જરૂર પડ્યે શસ્ત્રનો ઉપયોગ કરવાની વાત કરે છે. અલબત્ત, અહીં એ કહેવાનો આશય નથી કે, સ્વામી સચ્ચિદાનંદ કરુણા કે અહિંસાને અવગણવાની કે જીવનમાંથી એવી બાબતોનો છેદ ઉડાવી દેવાની વાત કરે છે. પરંતુ જ્યારે ધર્મ અને ન્યાયની વાત આવે ત્યારે ન તો અધર્મી પ્રત્યે કરુણા દર્શાવી શકાય કે નહીં અહિંસાના ઓથા હેઠળ અન્યાય સહન કરી લેવાય એ બાબતની શીખ આપે છે. આ સંદર્ભે 'મહાભારતનું ચિંતન' પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વામીજીએ ખૂબ સુંદર વાત કરી છેઃ
'મારા ચિંતનનો મૂળ અને સ્પષ્ટ હેતુ પ્રજાને બળવાન બનાવવાનો છે. ધર્મ અને અધ્યાત્મના રૂપાળા નામે ગુરુ-લોકો પ્રજાને જીવનથી ભગાડી રહ્યા છે. જેમજેમ લોકો વધુ ને વધુ ધ્યાન કરતા થશે તેમતેમ તેમની સંઘર્ષશક્તિ ઘટતી જશે. સંઘર્ષશક્તિને ઘટાડીને શાંતિ મેળવવી તે આત્મહત્યા બરાબર કહેવાય. 'મહાભારત' સંઘર્ષનો ગ્રંથ છે. ધર્મ અને ન્યાય માટે સંઘર્ષ કરવો જરૂરી છે. તો જ પ્રજા બળવાન બને. સાચો ધર્મ અને સાચું અધ્યાત્મ વ્યક્તિ કે પ્રજાને સંઘર્ષવિમુખ થવાની પ્રેરણા નથી આપતાં.
એક પ્રશ્ન એવો પણ થાય કે સંઘર્ષની પ્રેરણાથી પ્રજા લડતી-ઝગડતી ન થઈ જાય? આ ભય સાચો છે. પણ જો ધર્મની સાથે સંઘર્ષની પ્રેરણા મળે હોય તો તેવું બને. સૌથી વધુ ચકલાં લડતા હોય છે અને સૌથી ઓછું સિંહ લડતા હોય છે. ચકલાં તણખલાં માટે અંદરોઅંદર લડતાં રહેતાં હોય છે. પ્રજાનું પણ આવું જ છે. ચકલાં જેવી પ્રજા અંદરોઅંદર લડ્યા કરતી હોય છે અને શિકારીઓની શિકાર થયા કરતી હોય છે. વિશ્વની બહાદુર પ્રજાને જોજો, તેમાં ધીરતા- વીરતા અને ગંભીરતા પણ હોય છે.'
આ વાત નીકળી છે ત્યારે ઓશોની એક વાત પણ યાદ આવે છે. અહિંસા વિશે સમજાવતા એક વાર એમણે કહેલું, હંમેશાં સિંહની અહિંસા જ માન્ય ગણાય, કારણ કે સિંહમાં શૌર્ય છે. સમય આવ્યે સામેનાને એનો શિકાર બનાવી ભોંયભેગો કરવાની સિંહમાં તાકાત છે. પરંતુ કોઈક સસલું એવું કંઈક કહે કે, 'મને નાહકની હિંસામાં રસ નથી... મેં તો આ જીવન અહિંસાનું જ પાલન કર્યું છે...' તો એવી અહિંસા માન્ય ગણી શકાય નહીં. કારણ કે, સસલાં એમના જીવનમાં ક્યારેય સિંહ જેવા પરાક્રમ કરી શકવાના નથી. એટલે સસલાંના વલણને અહિંસા નહીં, પણ કાયરતા જ કહેવી ઘટે!
ખૈર, સ્વામી સચ્ચિદાનંદના 'મહાભારતનું ચિંતન' વિશે વાત કરીએ તો આ પુસ્તક સામાન્ય ભાષ્યો કરતા જોજનો દૂર છે. અહીં અટપટા, મનફાવે એવા અર્થો કરી સામાન્યજનને ન સમજાય એવા શબ્દો-વાક્યોમાં નહીં, પરંતુ અત્યંત સરળ ભાષામાં વાત કરાઈ છે. આ ચિંતનમાં મહાભારતના તમામ શ્લોકોનું પીંજણ નથી કરાયું. પરંતુ અમુક ચોક્કસ ઘટનાઓ, કિસ્સાઓ વિશે ટૂંકાણમાં પણ અત્યંત સચોટ રીતે ચિંતન થયું છે. એટલે કોઈએ મહાભારતની કથા જાણવાના આશયથી આ પુસ્તક વાંચવું નહીં, કારણ કે એવું ઘણી જગ્યાએ બને છે, જ્યાં મૂળ મહાભારતના પ્રસંગોની ઝાઝી જરૂર ન હોય તો એની બાદબાકી કરાઈ હોય.
આવું કરવા પાછળનું કારણ એટલું જ કે, મહાભારતનો આશય આપણે સમજી શકીએ અને સાવ સામાન્ય વાચન ધરાવતો વાચક પણ આપણા આ ગ્રંથની ગહનતા આસાનીથી પામી શકે અને આપણા મૂળિયાં અને આપણી શક્તિઓ વિશે માહિતગાર થઈ શકે. મહાભારતની મહાનતા વિશે સ્વામીજી લખે છેઃ
'આપણી દુર્દશાનાં અનેક કારણોમાંનું એક કારણ 'મહાભારત'નું ભૂલાઈ જવું છે. લોકજીવનમાંથી તેને પ્રયત્નપૂર્વક દૂર કરી દેવાયું. તેની જગ્યાએ ભક્તિધારામાં વેવલી ભક્તિ આવી અને જ્ઞાનધારામાં રજ્જુ ને સર્પ, ઘટાકાશ અને મઠાકાશ આવી ગયા. પ્રજાનું મહાપતન કરાવવામાં મિથ્યાચિંતન મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. તેનું પરિણામ એ આવ્યું કે આપણે આપણા રાષ્ટ્રરક્ષાના, ધર્મરક્ષાના, સંસ્કૃતિરક્ષાના, માનવતાના પ્રશ્નોને ઉકેલી ન શક્યા. બહારના લોકો આ પ્રશ્નો ઉકેલવા આવ્યા. નવાઈ તો જુઓ કે આપણે આપણા અધઃપતનને પણ ગૌરવની વસ્તુ માનીને નશામાં ઝૂમતા રહ્યા - આજે પણ ઝૂમી રહ્યા છીએ. આત્મશ્લાઘા આપણો મહારોગ થઈ ગઈ છે.
હમ મહાન હૈ એવું કહેવાની જગ્યાએ 'હમ બીમાર હૈ' કહેવું જોઈએ, જેથી દવા થાય. દવા થાય તો દરદ મટે. આ પુસ્તક મહાન બનાવવાનો દાવો નથી કરતું પણ બીમારી હોવાનો પોકાર પાડે છે....'
ખૈર, આ પુસ્તકમાં સ્વામીજીએ બે ઉદાહરણો દ્વારા બ્રહ્મચર્ય વિશે અદભુત વાતો કરી છે. આ લેખમાં મારે એ વિશેની વાતો કરવી હતી, પણ સ્વામીજીની દૃષ્ટિએ 'મહાભારત'ની ઉપયોગીતા શું છે એ વાતો લખવાનો મોહ ટાળી ન શકાયો અને જુઓ લેખ એ બધી વાતોમાં જ પૂરો થઈ ગયો! એટલે હવે બ્રહ્મચર્ય વિશેની વાતો આવતા લેખોમાં. મેળ પડશે અને વાચકો ઈચ્છા બતાવશે તો આ પુસ્તક અને 'મહાભારત' વિશે બીજા બે-ત્રણ લેખો કરીશું. એ બહાને હુંય મહાભારતનો પદ્ધતિસરનો અભ્યાસ કરી શકીશ. શું કહો છો?
ફીલ ઈટઃ
'મહાભારત'ના બધા પાત્રોમાં સૌથી મહાન અને અલગ તરી આવતું પાત્ર શ્રીકૃષ્ણનું છે. તેમનામાં બધા ગુણો ભેગા થયા છે. દુખિયારા પાંડવોને તારનારા, જિતાડનારા શ્રીકૃષ્ણ જ છે. શકુનિનો તે પ્રબળ જવાબ છે, પણ લુચ્ચાઈથી નહીં, કુશળતાથી. આદિથી અંત સુધી શ્રીકૃષ્ણનું જીવન પરાક્રમથી ભરેલું છે - પણ માત્ર પરાક્રમ નહીં, મુત્સદ્દીગીરી પણ ભારોભાર. તેથી તો તે વિજયી થતા રહ્યા છે. તે કલ્પનાવાદી નથી, વાસ્તવાદી છે. એ જ સફળતાનું કારણ છે.
- સ્વામી સચ્ચિદાનંદ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર