મારે માયામાં શું કરવા રહેવું જોઈએ?
ગયા સપ્તાહે આપણે નર્મદના બાળપણ, એમના ભય અને એમના વહેમો વિશેની કેટલીક વાતો કરી. નર્મદનું બાળપણ સુરત અને મુંબઈમાં તબક્કાવાર વીતેલું તો યુવાનીકાળમાં પણ તેઓ મુંબઈ અને સુરત વચ્ચે ઝોલાં ખાતા રહેલા. વર્ષ 1851મા મુંબઈમાં નર્મદ પર એમના સસરાનો કાગળ આવે છે કે, ‘વહુ મોટી થઈછ માટે નર્મદાશંકરે હવે વ્હેલું આવવું.’ નર્મદના શ્રીમંત અને વગદાર સસરાની એવી ઈચ્છા હતી કે, નર્મદ સુરતમાં ઘર માંડે. પરંતુ નર્મદના પિતા આ બાબતે અવઢવમાં હતા કે નર્મદ સુરત રહે એ યોગ્ય કે મુંબઈમાં એમનું રહેવું યોગ્ય રહે! જોકે હજુ બે મહિના પહેલા જ નર્મદની માનું અવસાન થયું હતું, જેને કારણે નર્મદને મુંબઈમાં એકલું લાગતું હતું અને તેઓ બીજા એક કારણની પણ સ્પષ્ટ કબૂલાત કરે છે કે, ‘મને સ્ત્રીને મળવાનો સારી પેઠે જોસ્સો થઈ આવ્યો હતો.’ એટલે નર્મદાશંકરે સુરતની વાટ પકડી અને 1851ની 19મી ફેબ્રુઆરીથી એમનો સંસાર શરૂ કર્યો.
અહીં પહેલું વર્ષ તો નર્મદે અહીં તહીં રખડવામાં જ પૂરું કર્યું. માના મૃત્યુનો એમને એવો આંચકો લાગેલો કે સુરતમાં પત્નીના સહવાસ છતાં એમને રહી રહીને મા યાદ આવી રહી હતી. આ અવસ્થામાંથી બહાર નીકળવા માટે કેટલાક મિત્રો સાથે મળીને ‘સ્વદેશહિતેચ્છુ’ નામની એક મંડળી ઊભી કરેલી. આ સાથે જ એમણે મિત્રો સાથે ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક પણ શરૂ કર્યું. ‘જ્ઞાનસાગર’ શરૂ કરવાનો એમનો આશય એક જ કે એમાં સુધારાની વાતો આલેખી શકાય અને સુરતના કેટલાક પાખંડીઓને ઉઘાડા પાડી શકાય. જોકે નર્મદે આત્મકથામાં ચોખવટ કરી છે કે, ‘જ્ઞાનસાગર’માં એમણે પોતે ક્યારેય લખ્યું નથી. સાથે એમ પણ લખ્યું કે, ‘જ્ઞાનસાગરમાં દોલતરામ લખતા. હું ભાંગ પીતો, પાક ખાતો (બીજી જાતની કંઈ પણ કેફ કરતો નહીં) અને બૈરાંઓમાં મ્હાલતો.’
વરસેકની આ બધી રખડપટ્ટી કર્યા બાદ નર્મદે કંઈક પ્રોડક્ટિવ કામ કરવાનું વિચાર્યું, જેથી થોડીઘણી કમાણી કરી શકાય અને સંસાર ગબડાવી શકાય! વર્ષ 1952મા એમને રાંદેરની સરકારી શાળામાં મહિને પંદર રૂપિયાની નોકરી મળી અને નર્મદે ‘બેઠાથી બેગાર ભલો’ એમ જાણી નોકરી કબૂલ કરી. જોકે શિક્ષક તરીકે નોકરી લીધા પછી નર્મદનો દૈનિક કાર્યક્રમ જાણવા જેવો છે. એ વાંચ્યા બાદ આપણને આશ્ચર્ય ન થાય તો જ નવાઈ. નર્મદની જગ્યાએ કોઇ બીજી વ્યક્તિ હોત તો આ મુજબનો કાર્યક્રમ લખતા પહેલા સો વખત વિચાર કર્યો હોત, પરંતુ નર્મદે અત્યંત નિખાલસતથી એમની દૈનિક ક્રિયાઓ વર્ણવી છે. નર્મદના શબ્દોમાં જ એ માણીએઃ
‘હું સ્હવારે ચાર વાગતે ઊઠીને હોડીમાં બેસી સામે પાર જતો. ત્યાંહાં જો આગલા દહાડાના ઠરાવથી ઘોડો આવ્યો હોય તો તે ઉપર બેસી અહીં તહીં કલ્લાક બેએકલગી દોડાદોડી કરીને ને નહિ તો ચાલતો ચાલતો રાંદેર જતો. સાડે સાત આઠે રાંદેર પહોંચતો. પછી મલાઈ મંગાવી ખાઈને થાક્યો પાક્યો સુઈ જતો. ત્રણચાર મોટી ઉંમરના શ્રીમંતના છોકરાઓ જે પ્હેલા વર્ગનાં મારા નિશાળિયા હતા તેમનો મારા પર ઘણો ચાહ હતો. તેઓ નિશાળનું કામ ચલાવતા-અક્કેક મ્હોલ્લાના છોકરાઓને તેડી લાવનાર અક્કેકો છોકરો મુક્યો હતો તેથી સ્હવારના છ વાગામાં નિશાળ ભરાતી ને પ્હેલા વર્ગના તમામ છોકરાઓ બિજા બધા વર્ગમાં માનીટર જતા ને સારી પેઠે શિખવતા. હું નવ વાગતે ઉઠી અક્કેક વર્ગમાં 5-10-15 મીનીટ ગાળતો ને પછી 10 વાગે બિજા બધા છોકરાઓને રજા આપી પ્હેલા વર્ગનાને શિખવવા બેસતો તે સાડા અગિયાર લગી. પછી તાપીએ ન્હાવા જતો-ત્હાં ત્રણ કલ્લાક પાણીમાં તોફાન કરતો - પછી બે વાગે ઘેર આવી ત્રણ વાગે જમતો. નિશાળ તો બે વાગ્યેથી જારી થયલી જ હોય - માનીટરો શિખવતા જ હોય. હું જમીને પાછો અક્કે વર્ગમાં બેસતો ને 4 વાગતે નિશાળને રજા આપી પ્હેલા વર્ગને 1 કલાક શિખવતો ને પછી કાંતો ઉભી હોડીયે અથવા કાંઠે કાઠે સૃષ્ટિસૌંદર્ય જોતો જોતો 7 વાગતે ઘેર આવી જમીને સુઈ જતો.’
જોકે મલાઈ ખાવા,ઉંઘવા, ત્રણ કલાક સુધી તાપીમાં તોફાન કરવા છતાં નર્મદ એંસી છોકરાઓને સાચવવામાં સફળ રહેલા અને આ તો ઠીક એમણે ભાઈચંદ નામના એક શ્રાવકના દીકરાને ભૂમિતિના સિદ્ધાંતોમાં ઘણો જ ખબરદાર કરેલો તો કલ્યાણદાસ અને વજુભાઈ પારેખના દીકરાઓને પણ વાંચવે – લખવે સારા કરી દીધેલા. બાકીના 77 વિદ્યાર્થીઓનું શું થયેલું એ વિશે નર્મદે કશો ફોડ પાડ્યો નથી! પરંતુ એકવાર સ્કૂલમાં અચાનક ઈન્સ્પેક્શન આવી ચડેલું અને ગ્રેહામ નામના ઈન્સ્પેક્ટરે નર્મદના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લીધેલી, જ્યારે નર્મદ તો રાબેતા મુજબ ઉંઘતા હતા, પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા સંતોષકારક જવાબો મળતા ગ્રેહામે રાંદેરના લોકો આગળ ‘આ માસ્તર ઘણા સારા છે માટે ફરી ફરીને આવો શિખવાનો વખત નહીં આવે તેથી છોકરાઓને ભણવા મોકલવા.’ એવું સર્ટિફિકેટ પણ રજૂ કરેલું.
જોકે રાંદેર આવવા જવાની ખટપટથી નર્મદ કંટાળ્યા હતા એટલે એમણે નદીને પેલે પાર જવા કરતા સુરતમાં જ નાનપરાંમાં નોકરી લઈ લીધી. નર્મદનું મન એટલું ચંચળ કે, થોડા સમય બાદ નાનપરાંની નોકરીથી પણ નર્મદ કંટાળ્યા એટલે અહીંથી છૂટા થવાનું તેઓ વિચારી રહ્યા હતા, પરંતુ એ ગાળામાં એમની પત્નીને આઠ મહિનાનું મૃત બાળક જન્મ્યું, જેના ઝેરથી એમની પત્નીનું અવસાન થયું. અચાનક આવી પડેલા આ ખાલીપાને કારણે નર્મદ ફરી માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા અને વહેલી તકે મુંબઈ પહોંચી ગયા.
મુંબઈમાં પણ શરૂઆતના સમયમાં એટલે કે, વર્ષ 1854ના શરૂઆતના મહિનાઓમાં નર્મદ માનસિક રીતે અત્યંત અસ્વસ્થ રહ્યા અને આ કરું કે પેલું કરું જેવી અવઢવોથી ઘેરાયેલા રહેતા. એ સમયની એમની માનસિક અવસ્થા વિશે તેઓ લખે છેઃ
‘એ પાંચ મહિનામાં મારી હાલત આ પ્રમાણે હતી – એક પાસ વિદ્યા, અધિકારથી પ્રસિદ્ધિ ક્યારે પામીશ એનો વિચાર જોશમાં ચાલતો- કાયદા શિખી વકીલની પરીક્ષા આપવા ધારતો, ભભકો કરવાને મામલતદાર થવું ધારતો (મુનસફ નહીં); સંસ્કૃત, ફારસી, અંગ્રેજી, ઊરદુ, હીંદવી, મરેઠી વગેરે ઘણીએક ભાષાઓ શિખી સર વિલીયમ જોન્સની પેઠે લિંગવિસ્ટ થવું ધારતો, અને અંગ્રેજોને શિખવી ગુજારો કરી સ્વતંત્ર રહી વિદ્યાનંદમાં મગ્ન રહેવું ધારતો.’
ત્રણ-ચાર વર્ષોના ગાળામાં યુવાન મા અને તરુણ પત્નીના (નર્મદના પત્ની અવસાન પામ્યા ત્યારે એમની ઉંમર 16-17 વર્ષની હતી એવું નર્મદે નોંધ્યું છે.) અવસાન બાદ નર્મદને સંસારમાંથી પણ રસ ઊઠી ગયો અને એમણે પિતાને ત્રણ-ચાર વાર કહ્યું કે,
‘તમારી સ્ત્રી મરી ગઈછ, મારી સ્ત્રી મરી ગઈછ માટે હવે આપણે માયામાં શું કરવા રહેવું જોઈએ. માટે ચાલો કોઈ ગામડામાં જઈને કોઈ સરોવર અથવા નદિને કાંઠે રહીયે ને થોડાક ઉદ્યોગથી આપણો નિર્વાહ કરી સંતોષથી વિદ્યાભ્યાસ કર્યાં કરી આનંદ કરીએ.’ જોકે નર્મદના પિતાએ એ સમયમાં એમને જોસ્સો પૂરો પાડેલો અને નર્મદને સંસારમાં ટકી જવા માટેનું આત્મબળ પૂરું પાડેલું. એ ગાળમાં નર્મદે કૉલેજનો અભ્યાસ પણ ફરી શરૂ કરેલો, જે અભ્યાસમાં પણ એમને ઝાઝો રસ નહોતો પડતો. હા, જોકે એમને ફોલ્કનર અને વર્ડઝવર્થની કવિતાઓમાં ખૂબ રસ પડતો.
આ કવિતાઓ નર્મદને ઘણી રાહત આપતી. નસીબજોગે નર્મદના ધ્યાનમાં ધીરા ભગતના કેટલાક પદો વાંચવામાં આવ્યા, જે પદો નર્મદની એ સમયની વૈરાગવૃત્તિને મળતા આવતા હતા. એ વાંચ્યા બાદ જ નર્મદને ચાનક ચઢી કે, મારે પણ કંઈક આ મુજબનું લખવું છે અને એ પ્રેરણાથી નર્મદે એક પદ બનાવ્યું,
‘પ્રબ્રહ્મ જગકત્તારે સ્મરોની ભાઈ હરઘડી
જીવ તૂ મુરખ સમજેરે કહું છું ઘેલા ફરી ફરી…’
આવું કંઈક લખ્યાં પછી નર્મદને એ વાતનો અહેસાસ થયો કે, તેઓ આવું લખે પછી એમનો ઊભરો ઠલવાય છે અને એમના મનને શાંતિ મળે છે. એમણે વિચાર્યું કે, ‘ભણવું, કમાવવું, માન મેળવવું, બૈરી કરવી એ સહુ આનંદને માટે છે ને મને જારે પદો બનાવવાથી આનંદ થાય છે તારે હું તો એ જ કામ કરીશ ને શેર જુવાર તો મળી રહેશે – એ રીતે હું મારે બેસતે 23મે વર્ષે પદો બનાવવા લાગ્યો.'
આ રીતે નર્મદ પદ્ય એટલે કે કવિતાને રસ્તે તો ચઢ્યાં, પરંતુ એમને એ વાતનો ખ્યાલ હતો કે, તેઓ જે રચે છે એ માત્ર જોડકણાં છે. પાછળથી એમને ખબર પડી કે કવિતા-દોહરા-ચોપાઈના અમુક ચોક્કસ નિયમો હોય અને એ શાસ્ત્રને પિંગળ શાસ્ત્ર (છંદશાસ્ત્ર) કહે છે. પણ નર્મદ જેનું નામ! એમણે તરત જ પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને સુરત, મુંબઈ અને પૂણે જેવા શહેરોમાં રખડીને, વિવિધ જાણકારો પાસે છંદોનું જ્ઞાન મેળવીને કેટલાક સંદર્ભગ્રંથો મેળવીને એકાદ વર્ષની જહેમત બાદ તેઓ માત્ર પિંગળ સમજ્યાં. એટલું જ નહીં પરંતુ પોતાની જાણકારી પોતાના પુરતી સીમિત નહીં રાખતા જનસામાન્ય પણ કવિતાનો લહાવો લઈ શકે એ માટે વર્ષ 1857મા પોતાના લહિયા પિતાના હાથે લખાવીને ગુજરાતી ભાષાનું પહેલું પિંગળ ‘પિંગળપ્રવેશ’ પ્રકાશિત કર્યું, જેમાં કવિતાના બંધારણો અને એની રીતો વિશેની ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.
ફીલ ઈટઃ
‘ગુજરાતી ભાષામાં કવિતાની રીત જાણવાનો ગ્રન્થ આજસુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મેહેનત પડી હશે અને એ વિષેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવેલું થયું છે.’
- નર્મદના ‘પિંગળપ્રવેશ’ વિશે કવિ દલપતરામે જૂન 1857ના ‘બુદ્ધિપ્રકાશ’માં લખેલો પ્રતિભાવ. ઉપરનું વર્ષ એ જ વર્ષ છે, જ્યારે દેશમાં પહેલી વાર આઝાદી માટે ચળવળ ઉઠેલી અને રાણી લક્ષ્મીબાઈ તેમજ મંગલ પાંડે જેવા રણબંકાઓએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે બળવો કરેલો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર