આપણી હકીકતઃ ગુજરાતી આત્મકથાને થયાં દોઢસો વર્ષ
નર્મદાશંકર લાલશંકર દવે એટલે કવિ નર્મદે ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા લખેલી એ વિશે આપણે વાફેક છીએ. ‘મારી હકીકત’ નામે લખેલી એ આત્મકથા નર્મદે 1866માં છપાવેલી, જેની પહેલી આવૃત્તિ વેળા 400 નકલ બહાર પાડવામાં આવી હતી. નર્મદની આત્મકથાને જો આપણે ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા તરીકેનું માન આપતા હોઈએ તો ગુજરાતી પ્રજાએ આ 2016ના વર્ષની વિશેષ ઉજવણી કરવી જોઈએ, કારણ કે, ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા આ વર્ષે દોઢસો વર્ષની થઈ ગઈ છે!
નર્મદે ચીલો ચાતર્યા પછી આપણી ભાષામાં અનેક આત્મકથાઓ લખાઈ, જેમાં ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ વિશ્વભરમાં વખણાઈ તો મોરારજી દેસાઈની ‘મારું જીવનવૃત્તાંત’, કનૈયાલાલ મુનશીની ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એમ ત્રણ ભાગ, ઈન્દુલાલ યાજ્ઞિકની ‘જીવન વિકાસ’, ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવન સંગ્રામ’, ‘કિસાનકથા’, ‘છેલ્લાં વહેણ’ એમ છ ભાગ, કમળાશંકર પંડ્યાની ‘વેરાન જીવન’ કે રવિશંકર રાવળની ‘આત્મકથાનક’ જેવી આત્મકથાઓ પણ ઘણી વંચાઈ અને વખણાઈ. પાછળથી ચંદ્રકાન્ત બક્ષીની ‘બક્ષીનામા’ વિનોદ ભટ્ટની ‘એવા રે અમે એવા’, તારક મહેતાની ‘એક્શન રિ-પ્લે’, ગુણવંત શાહની ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને આ વર્ષે જ પ્રકટ થયેલી હિમાંશી શેલતની ‘મુક્તિ-વૃત્તાંત’ પણ આવી, જે આત્મકથાઓ સરેરાશ વાચકે વધાવી છે.
આ સાથે એ વાત પણ સ્વીકારી રહી કે, ગુજરાતી ભાષામાં અન્ય સાહિત્ય પ્રકારોની સરખામણીએ આત્મકથાઓ ઓછી લખાય છે અને જેટલી આત્મકથાઓ લખાય છે એમાંની મોટાભાગની લેખકો-સાહિત્યકારો કે એકલ-દોકલ રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિઓની હોય છે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, સમાજ સેવકો, ખ્યાતનામ ડૉકટર્સ, કાયદાશાસ્ત્રીઓ, વકીલો-ન્યાયાધિશો, કેળણીકારો કે બહાદુર પોલીસ અધિકારીઓની આત્મકથાઓ જૂજ લખાય છે. એમાંય સ્ત્રીઓની આત્મકથાનો આંકડો કાઢવા બેસીએ તો ચાર-પાંચ જ આત્મકથા ધ્યાનમાં આવે. બાકી, ‘સેવા’ના સ્થાપક ઈલા ભટ્ટથી લઈને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જેવી જુદા જુદા ક્ષેત્રોમાં ઝઝૂમેલી રહેલી વિરાંગનાઓ આપણી પાસે હયાત છે, જેમની આત્મકથા ગુજરાતી સાહિત્યમાં નવા આયામો સર કરી શકે છે.
અન્ય ભાષાઓની પહેલી આત્મકથાઓ પર નજર કરીએ તો બંગાળી ભાષામાં પહેલી આત્મકથા રસસુંદરી દાસીએ 1876માં ‘આમાર જીબન’ નામે લખી હતી એવી માહિતી મળે છે. પહેલી બંગાળી નવલકથા લખવા ઉપરાંત રસસુંદરી દેવીને નામે દેશમાં કોઇ સ્ત્રી દ્વારા પહેલી વાર આત્મકથા લખવાનો વિક્રમ પણ નોંધાયેલો છે. મલિયાલમ ભાષામાં જ્યોતિષ અને કવિ વૈકથ પાછુ મુથાથુએ 1871માં ‘આત્મકથા સંક્ષેપમ’ નામે પહેલીવાર આત્મકથા લખી છે એવું કહેવાય છે. મરાઠીમાં વ્યાકરણશાસ્ત્રી દાદોભા પાંડુરંગ તારખડકર વિશે એમ કહેવાય છે કે, એમણે વર્ષ 1868-72ના ગાળામાં ‘આત્મ ચરિત’ નામે આત્મકથા લખેલી. આ આંકડા મુજબ આપણે એમ પણ કહી શકીએ કે, નર્મદે માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, પરંતુ ભારતીય ભાષાઓમાં સૌપ્રથમ આત્મકથા લખેલી. જોકે આ દાવો કરતા પહેલા પદ્ધતિસરનું સંશોધન થાય એ જરૂરી છે. આ લેખ માટે માત્ર ઈન્ટરનેટ પરથી જ રેફ્રન્સ લેવાયા છે.
ખૈર, ફરી ‘મારી હકીકત’ પર આવીએ. નર્મદની આત્મકથા વિશે એમ કહેવાય છે કે, નર્મદે ‘મારી હકીકત’ની માત્ર બે-પાંચ કોપી પ્રકાશિત કરેલી અને પોતાના અંગત વિશ્વાસુઓને એ કોપી ભેટમાં આપેલી. એમની એવી ઈચ્છા હતી કે, એમના અવસાન બાદ તેમજ આત્મકથામાં જેમના ઉલ્લેખ થયાં છે એવી વ્યક્તિઓના અવસાન બાદ ‘મારી હકીકત’ અન્ય વાચકો માટે પ્રકટ કરવી. જોકે નર્મદના સાહિત્યનું સંપાદન અને સંશોધન કરનાર સુરતના વિદ્વાન રમેશ મ. શુક્લએ એ વાયકાનું ખંડન કરેલું અને સાથે પુરાવો પણ આપેલો કે, ‘મારી હકીકત’ પ્રકાશિત થયા બાદ છ મહિના પછી પ્રકાશિત થયેલી ‘નર્મ કવિતા’ના પરિશિષ્ટમાં નર્મદે પોતે એ વાત પ્રકટ કરેલી કે, એમણે ‘મારી હકીકત’ની કુલ ચારસો નકલ પ્રકાશિત કરેલી. ચંદ્રકાન્ત બક્ષીના પુસ્તકો ધ્યાનથી વાંચ્યા હોય તો ખ્યાલ આવશે કે, પુસ્તકની શરૂઆતમાં બક્ષી એમના તમામ પુસ્તકોની યાદી પ્રકાશિત કરતા. આ બાબતને બક્ષી અને નર્મદનું ગોત્ર મળતું આવે છે કારણ કે, નર્મદ બક્ષીના સાહિત્યની સદી પહેલા પોતાના પુસ્તકોની યાદી છપાવતા!
પોતે આત્મકથા કેમ લખવી પડી એ વિશે નર્મદ ‘મારી હકીકત’માં શરૂઆતમાં જ પ્રકાશ પાડી છે. આત્મકથા લખવા પાછળ નર્મદ ચાર કારણો ગણાવે છે, જેમાં પ્રસિદ્ધિનું કારણ ક્યાંય આવતું નથી. બલ્કે, નર્મદ છાતી ઠોકીને એમ કહે છે કે, ‘હું ઓળખાઈ ચુકોછ!’ નર્મદ પોતે પણ એ બાબતે શ્યોર હતા કે, જે માણસ આમેય પોતાના ક્રાંતિકારી વિચારો અને સમૃદ્ધ સાહિત્ય દ્વારા ગુજરાતી પ્રજામાં ખ્યાતિ પામેલો છે એને આત્મકથા શું પ્રસિદ્ધિ અપાવવાની?
‘મારી હકીકત’ લખવા પાછળનું પહેલું કારણ આપતા નર્મદ કહે છે કે, ‘પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી તે નવો દાખલ કરવો.’ પહેલા કારણમાં જ આપણને ખ્યાલ આવી જાય કે, નર્મદ કેવા ટ્રેન્ડસેટર હતા! માત્ર લેખન ક્ષેત્રે જ નહીં, પણ સામાજિક રૂઢિઓની બાબતે પણ એમણે આવા અનેક ક્રાંતિકારી ચીલા ચાતરેલા, જે વિશે પછીના લેખોમાં વાત કરીશું.
બીજું કારણ આપતા તેઓ લખે છેઃ ડાક્ટર ભાઉદાજી, ભાઈ કરસનદાસ મુળજી, ભાઈ રૂસ્તમજી ગુસ્તાદજી (ઈરાની) એઓએ વિશેષે અને બીજાઘણાએકોએ મારી હકીકત જાણવાની ઈચ્છા દેખાડીને મને ઘણી વાર કહ્યુંછે કે ‘તમારી હકીકત હમને આપો.’
કારણ ત્રણઃ ‘મને પણ માલમ પડે કે આ ખરૂં ને તે ખોટું.’ અને ચોથું સૌથી મહત્ત્વનું કારણ એ કે, એમના મૃત્યુ પછી લોકોને એમના વિશેની વાયકાઓ નહીં પણ એમના જીવન વિશેની સાચી હકીકતો મળી રહે! ચોથું કારણ આપતા નર્મદ લખેછ કે, ‘મુવા પછી કેટલીક હકીકત મળી શકતી નથી- રે હજીતો હું તેંતરીસનો થાઊંછ એટલામાં કેટલીક વાતને સારૂં મારાં સગાંઓમાં ઉલટા વિચાર પડેછ તો મુવા પછી શું નક્કી થાય?’ આ બાબતે તેઓ ઉદાહરણ એમ આપે છે કે, એમનો જન્મ ક્યારે થયેલો એ વિશે એમના પિતૃપક્ષે અને માતૃપક્ષે સવાલ પૂછ્યો તો માતૃપક્ષના લોકોએ માહિતી આપેલી કે, નર્મદ વહેલી સવારે ઊઠેલા અને પિતૃપક્ષે એમ જવાબ આપેલો, નર્મદ રાતના સમયે જન્મેલા! જોકે નર્મદે માતૃપક્ષના જવાબને માન્ય રાખેલો કારણ કે, સ્ત્રીની સુવાવડ પિયરમાં જ થતી હોય છે! આમ, આવા વિગતદોષ ન રહે કે નર્મદના જીવન વિશેની ખોટી માન્યતાઓને વેગ નહીં મળે એ આશયથી એમણે એમની આત્મકથા લખવાનું નક્કી કરેલું.
‘મારી હકીકત’માં કુલ દસ વિરામોમાં નર્મદે એમના જીવનની હકીકતો આલેખી છે. પહેલા વિરામમાં એમના જન્મ, ગૌત્ર અને નાગર જ્ઞાતિ વિશેનો રસપ્રદ ઈતિહાસ આપાયો છે. નાગરોએ પહેલો વિરામ વાંચી જવા જેવો ખરો! ત્યાર પછીના વિરામમાં પોતાના માતા-પિતા અને પૂર્વજો વિશેની વાતો આલેખી છે તો વિરામ ત્રણમાં નર્મદે એમના જન્મથી લઈ, એમનો અભ્યાસ અને રસ-રુચિ વિશેની રસપ્રદ વાતો આલેખી છે.
આત્મકથામાં ઓગણીસમી સદીના ગુજરાતમાં બોલાતી કે લખાતી ગુજરાતીનો સ્વાભાવિક ઉપયોગ થયો છે. એ વાંચતી વખતે એવું બને કે કેટલાક શબ્દોના અર્થ નહીં સમજાય, પરંતુ નર્મદના જીવન સાથે અહીં આપણને એ સદીના ગુજરાતી શબ્દોની જોડણી કે વિશિષ્ટ શબ્દપ્રયોગો કે લાંબી વાક્યરચનાઓ માણવાની ખૂબ મજા આવે.
નર્મદે જે નિખાલસતાથી આત્મકથા લખી છે એ નિખાલસતા દાખવવા માટે ખરેખર હિંમત જોઈએ. શબ્દો ચોર્યા વિના એમણે એમની નબળાઈઓ વિશે પણ લખ્યું છે તો ક્યાંય એવું નહીં નજરે ચઢે કે, એમણે જે કં લખ્યું છે એ આત્મપ્રશંસા છે.
24મી ઓગસ્ટે નર્મદનો જન્મ દિવસ છે અને ત્યાં સુધીમાં બે મંગળવાર આવે છે. અહીં આપણે નર્મદનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવો છે એ વાત નક્કી. આવનારા બંને મંગળવારે નર્મદની આત્મકથામાંથી કેટલાક પ્રંસગો અને મેળ પડે તો એમની કવિતાઓ પણ માણીશું.
ફીલ ઈટઃ
નર્મદાશંકરને જે ગુજરાતી ન
જાણે તે ગુજરાતી જ કેમ ગણાય?
- ગાંધીજી
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર