ઓહ ગર્લ, વન ઈન્ડિયન ગર્લ!
તમે જો ચેતન ભગતના ચાહક ન હો, પણ જો તમે વાંચનના શોખીન હો તો એમેઝોન કે ફ્લિપકાર્ટ પર બલ્કમાં બુક્સ ઓર્ડર કરાવતી વખતે, ‘છો ને સો રૂપિયાની એક બુક ઘરમાં આવતી, વાંચીશું મન થશે તો!’ એવું વિચારીને કાર્ટમાં ચેતન ભગતની બુક એડ કરી દો એવું બનવાની શક્યતાઓ વધારે હોય છે. અને જો એ મોસ્ટ સેલિબ્રેટેડ રાઈટરના ચાહક હો તો એમની બુક્સ તમે સ્પેશિયલ ઑર્ડર કરવાના એ સ્વાભાવિક છે. પરંતુ એક વાત સ્વીકારવી રહી કે, ચેતન ભગતના ચાહક હોય કે ન હોય, પણ મોટાભાગના લોકો ચેતન ભગતની બુક્સ ઓર્ડર જરૂર કરતા હોય છે. ચેતન ભગતની ખાસિયત જ આ છે, જેને પગલે વર્ષે-બે વર્ષે આવી નવલકથાઓ લખીને તેઓ કરોડો રૂપિયા ઘરભેગા કરે છે.
આ લખનારના કિસ્સામાં ઉપર વર્ણવાયેલી પહેલી બાબત બનેલી, જ્યાં અન્ય કેટલાક પુસ્તકો ઑર્ડર કરતી વખતે ત્રણ બુક્સ પ્રિ-ઑર્ડર કરી દીધેલી. એ ત્રણ બુક્સમાં કરણ જોહરની ઑટોબાયોગ્રાફી ‘એન અનસ્યૂટેબલ બૉય’, જેએનયુ ફેઈમ કનૈયા કુમારની સ્મરણકથા ‘બિહાર ટુ તિહારઃ માય જર્ની’ અને ચેતન ભગતની લેટેસ્ટ રિલીઝ ‘વન ઈન્ડિયન ગર્લ’નો પ્રિ-ઓર્ડર કરેલો. આ પરથી હું ભગતનો ચાહક છું કે નહીં એનો તાગ મેળવી લેવો. પણ આ સાથે એ વાત પણ એટલી જ સાચી કે, ચેતન ભગતની નવી નોવેલમાં શું હશે એ જાણવાની ઉત્સુક્તા ઘણી હતી, જેને પગલે જ ‘વન ઈન્ડિયન ગર્લ’ની કાગડોળે રાહ જોવાતી હતી. એવુંય નથી કે આપણને ચેતન ભગતના કોઈ પુસ્તકો પસંદ નથી, ‘થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઈફ’ અને ‘ટુ સ્ટેટ્સ’ આપણા પસંદીદા પુસ્તકોમાં આવે છે. અન્ય પુસ્તકોમાં ‘પાઈવ પોઈન્ટ સમવન’ લાખ પ્રયત્નો પછી વાંચી નથી શકાયું, ‘રિવોલ્યુશન 2020’ ઠીકઠાક લાગ્યું છે તો ‘વન નાઈટ @ કૉલ સેન્ટર’ અને ‘હાફ ગર્લફ્રેન્ડ’ બીલો એવરેજ લાગ્યા છે.
ખૈર, જે પુસ્તકની ડિલિવરી પહેલી ઑક્ટોબરે થવાની હતી એ પુસ્તક છેક બે દિવસ પછી ત્રીજી ઑક્ટોબરે મળ્યું, એટલે વીકએન્ડમાં નિરાંતે એ પુસ્તક વાંચવાનો પ્લાન ફ્લોપ ગયો અને ઉઘડતા સપ્તાહે ઉતાવળે નવલકથા વાંચવી પડી. આર્ટિકલની ડેડલાઈન નજીક હોય એટલે સ્વાભાવિક જ આખું પુસ્તક નહીં વંચાયું હોય, પરંતુ જેટલું વંચાયું એ પરથી એટલું જરૂર કહી શકાય કે, ચેતન ભગતની અત્યાર સુધીની તમામ નવલકથાઓમાં આ નવલકથામાં સેક્સના વર્ણનો તમામ સીમાઓ પાર કરી જાય છે. રાધિકા મહેતા નામની યુવતી, જે પંજાબી હોય છે અને સહેજ ઘઉંવર્ણી હોય છે એ ‘વન ઈન્ડિયન ગર્લ’ એટલે કે, નવલકથાનું મુખ્યપાત્ર હોય છે. અન્ય પંજાબી છોકરીઓ જ્યારે એમના ફીગર અને ચહેરાની દેખભાળ કરવામાં ચિંતાતૂર હોય છે ત્યારે એમના કરતા દેખાવમાં નબળી કહી શકાય એવી આ રાધિકા પંજાબી છોકરીઓ કરતા ઘણી બુદ્ધિશાળી અને કરિયર ઑરિએન્ટેડ હોય છે. એની જ સગી બહેન અદિતી એક પાર્ટીમાં રાધિકા વિશે કહે છે કે, ‘If I had the boobs, she had the brains.’ આવું વાક્ય વાંચ્યા બાદ વાચકે એ તાગ પણ મેળવી લેવો કે આ નવલકથામાં કયા પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે. જોકે ‘f’ વર્ડ તો ચેતન ભગતની નવલકથામાં યુનિક સેલિંગ પોઈન્ટ હોય છે, એટલે સામાન્યતઃ આપણને ઝાઝું આશ્ચર્ય થતું નથી! વળી, ભગત અને એમના ભક્તોની એવી દલીલ પણ છે કે, મોડર્ન જનરેશન કે મોડર્ન ઈન્ડિયાને દર્શાવવું હોય તો આવા શબ્દો કે વાર્તાના સંવાદોમાં ‘f’ વર્ડ્ઝનો ઉપયોગ કરવો જ પડે! આને તો એ લોકો બૉલ્ડનેસ કહે છે.
ફરી વાર્તા પર આવીએ તો, એની બહેન સહિત અન્ય રૂપાળી પંજાબી સ્ત્રીઓ જ્યારે પૈસાવાળા છોકરા સાથે પરણીને હાઉસવાઇફ બનવાનું પસંદ કરે છે ત્યારે આઈઆઈએમ પાસ-આઉટ રાધિકા ન્યૂયોર્ક પહોંચે છે અને મોટી બેન્કમાં નોકરી પસંદ કરે છે. રાધિકા ઘણી બોલ્ડ અને ફેમિનિસ્ટ હોય છે એટલે દરેક બાબતને ફેમિનિઝમના ત્રજવાંમાં જોખતી હોય છે. જોકે આ પાત્રમાં ભગત સાહેબે ઈન્સ્ટ્રેસ્ટિંગ બાબત એ દર્શાવી છે કે, રાધિકાના બાહ્ય સ્વરૂપ ઉપરાંત એનું જ એક પેટા પાત્રસમું આંતરિક સ્વરૂપ પણ રજૂ કર્યું છે. રાધિકાના બાહ્ય અને આંતરિક સ્વરૂપો વચ્ચે સતત દ્વંદ્વ રહે છે કારણ કે આંતરિક સ્વરૂપ, જેને રાધિકા ‘મિનિ-મી’ કહીને સંબોધે છે એ વારંવાર રાધિકાને ટોકતું રહે છે.
દર વખતની જેમ આ વખતે પણ ચેતન ભગતે વિટી વનલાઈર્સની ભરમાર કરી દીધી છે. જોકે એ વનલાઈનર્સ વધારાના છે, કે વાર્તામાં એની જરૂર નહોતી એવું જરાય નહીં કહું. કારણ કે, જ્યારે જ્યારે એ વનલાઈનર્સ વાંચવા મળે છે ત્યારે મજા તો આવે જ છે! અલબત્ત કેટલીક જગ્યાએ કેરેક્ટર્સ વધારાનો અને સાવ નકામો સંવાદ કરે ત્યારે પાનું ફેરવીને આગળ વધી જવાનું મન થાય, પણ પાછો ડર એ વાતનો રહે કે, એ સંવાદોમાં ક્યાંક વાર્તાને બીજે માર્ગે લઈ જતી હોય એવી મહત્ત્વની વાત ન રહી જાય! એટલે વખાના માર્યા લાંબાં અને કંટાળા જનક સંવાદો સહન કરવા પડે છે.
પુસ્તકની શરૂઆતમાં એક તબક્કે એમ લાગે કે, આ પુસ્તકમાં પણ ‘પિંક’ ફિલ્મની જેમ સ્ત્રીઓ માટે કોઈ જોરદાર મેસેજ અપાયો છે, મને થયું હજુ પિંકનો ફિવર ઉતર્યો નથી ત્યાં ‘વન ઈન્ડિયન ગર્લ’ કંઈક નવી વાત સાથે આવી છે એટલે માધ્યમોમાં એની ચર્ચા પણ જોરશોરથી થશે! થવી જ જોઈએ. આફ્ટરઑલ સ્ત્રીઓની બાબતે પુરુષો માનસિક રીતે પછાત છે જ અને એ પછાતપણું સપાટી પર લાવવા કે, એ દિશામાં અસરકારક કામ કરવા ફિલ્મો કે આવા લોકપ્રિય લેખકોની નવલકથા પ્રભાવક કામ કરી શકતી હોય છે. આ નવલકથાની શરૂઆતમાં ખુદ રાધિકા આપણને ચેતાવણી આપે છે,
‘બની શકે છે કે તમે મને પસંદ નહીં કરો. કારણ કે, એક તો હું ઘણા પૈસા કમાઉ છું. બીજું એ કે દરેક વાતે મારી પાસે ઓપિનિયન હોય છે અને ત્રીજું એ કે ભૂતકાળમાં મારો બૉયફ્રેન્ડ હતો. કદાચ બે પણ હોય!
હવે જો હું છોકરો હોત તો આ બધામાં કોઈને વાંધો ન હોત, પરંતુ હું તો એક છોકરી છું એટલે આ ત્રણ બાબતો સાથે મને ચાહી શકાય નહીં. કેમ?’ જોકે પછી વાર્તા નોર્મલ ફ્લો સાથે આગળ વધે છે અને જેમ હિન્દી ફિલ્મોમાં ફોર્મ્યુલા હોય એમ નવલકથા અમુક ફોર્મ્યુલાને ફૉલો કરે.
રાધિકાની મમ્મીનું પાત્ર આપણને ‘ટુ સ્ટેટ્સ’ના ક્રિસની મમ્મીની યાદ અપાવે એવું હુબહુ છે. ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મને કારણે રાધિકા સાથે જ્યારે જ્યારે એની મમ્મી વાત કરતી હોય તો એમ જ લાગ્યા કરે કે, અમૃતા સિંઘ જોરજોરથી હાકોટા પાડી રહી છે! નો ડાઉટ પંજાબી સ્ત્રીઓને દર્શાવી હોય તો પાત્રને થોડું લાઉડ દર્શાવવું પડે, પરંતુ એવું પણ નથી દરેક પંજાબી સ્ત્રીઓ કોઈ બીજા રાજ્યના લોકોને ધિક્કારતી હોય. ‘ટુ સ્ટેટ્સ’માં ક્રિસની માને દક્ષિણ ભારતીયો પ્રત્યે સૂગ હોય છે એમ અહીં એક સંવાદમાં રાધિકાની મા એના બૉયફ્રેન્ડ વિશે કહે છે, ‘બંગાળીઓમાંથી બહુ ગંધ આવતી હોય છે નહીં? તેઓ માછલી બહુ ખાતા હોય છે….’
હજુ નવલકથા આખી વાંચાઈ નથી એટલે એ વિશે કોઈ પણ ચોક્કસ મત બાંધી શકું એમ નથી. પરંતુ અંગત રીતે મને જે બાબત પસંદ નથી આવી તે એ કે, નવલકથામાં બેડરૂમ સિન્સ દર્શાવવામાં અતિ થઈ ગઈ છે. રાધર પુસ્તકના વેચાણને ધ્યાનમાં રાખીને ઈરાદાપૂર્વક લખાયું હોય એવું લાગે છે. એક તબક્કે મને એમ લાગતું હતું કે, હું કોઈ બ્લ્યૂ ફિલ્મ જોઈ રહ્યો છું. નો ડાઉટ બે વિજાતિય પાત્રો સંવનન કરે એ સ્વાભાવિક છે. ચેતન ભગતની નવલકથા છે તો સજાતિય પાત્રો સંવનન કરતા હોય એમાંય કોઈ નવાઈ ન લાગવી જોઈએ! પણ પ્રશ્ન એ ઊઠે છે કે, મોડર્નિઝમ કે બોલ્ડનેસને નામે સંવનનની આખી ઘટના જ વર્ણવી દેવાની?
ખૈર, આ બાબતને વધાવી લેનારાય નીકળશે અને એ સિન્સની વાર્તામાં જરૂરિયાત હતી એમ કહેનારાય નીકળશે. જેનો જેવો ટેસ્ટ અને જેનો જેવો મત! પણ અત્યાર સુધી જેટલું વંચાયું છે એ પરથી એટલું કહી શકાય કે, નવલકથા છેક ‘વન નાઈટ @ કૉલ સેન્ટર’ જેવી નથી. એમાં પકડ તો છે જ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર