ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મુકામ

28 Jun, 2016
12:05 AM

અંકિત દેસાઈ

PC:

આશા ભોસલે અને પંચમે સાથે મળીને બોલિવુડ મ્યુઝિકમાં લાજવાબ કામ કર્યું અને પાછળથી એમણે લગ્ન પણ કરી લીધેલા, જે લગ્ન આર.ડી. બર્મનના અવસાન સુધી ટકેલા. બોલિવુડમાં ઘણા લોકોને પંચમદા સાથે ઘનિષ્ટ સંબંધ હતા, પણ આશા ભોસલે પંચમના હ્રદયની અત્યંત નજીક રહ્યા હતા અને છેવટ સુધી પંચમના સાચા અર્થમાં સુખ-દુખના સાથી રહ્યા. પંચમની જ્યારે પણ વાત નીકળે ત્યારે કે પંચમના શ્રેષ્ઠ ગીતોની યાદી તૈયાર કરવા બેસીએ ત્યારે આપણે કોઇ ને કોઇ રીતે આશા ભોસલેને યાદ કરવા જ પડે છે, જે વાત પંચમ અને આશાના સખ્યનો ઉત્તમ પુરાવો છે. તેમજ આશા અને પંચમ એકબીજામાં કેટલા ઓતપ્રોત થઈ ગયા હશે, એ વાતની ચાડી ખાય છે. જોકે પતિ કરતા આશાએ પંચમને હંમેશાં મિત્ર તરીકે વધુ માણ્યા છે. ગાઢ મિત્રતાને કારણે જ આ જોડું અવનવું સર્જન કરી શક્યું હશે!

યુટ્યુબ પર આશા ભોસલેના અનેક એવા ઈન્ટરવ્યૂઝ પડ્યા છે, જેમાં એમણે પંચમ વિશે અત્યંત રસપ્રદ વાતો કરી છે. પંચમ વિશે વાત કરતી વખતે આશા ઘણી વાર ઈમોશનલ થઈ જાય છે. જીવનસાથી તરીકે પંચમ માટે એમને હંમેશાં એક રંજ રહ્યો છે કે, એક દિવસ જવાનું તો બધાએ જ છે, પણ પંચમ થોડા વહેલા ગયા. અને વહેલા ગયા એય કદાચ નસીબની બલિહારી હશે, પણ પંચમ '1942 લવસ્ટોરી'ના મ્યુઝિકની સફળતા જોઈને ગયા હોત તો સારું થાત! બની શકે કે, પંચમ ફેન્સ પંચમની લાઈફ વિશેની કે પંચમના સ્વભાવની લાક્ષણિકતાઓ વિશે ઘણું બધું જાણતા હોય અથવા બધુ જ જાણતા હોય! પરંતુ વિવિધ ઈન્ટરવ્યૂઝમાં આશા ભોસલેના મોઢે જ્યારે પંચમ વિશેની વાતો સાંભળીએ ત્યારે આ પહેલા અનેક વાર સાંભળેલી-જાણેલી વાતોમાં પણ આપણને ઘણો રસ પડે અને એવું લાગે જાણે આ પહેલા આપણે આ વાત ક્યારેય સાંભળી જ નથી. આજે પંચમ દા વિશેની એવી જ કેટલીક વાતો ફરી દોહરાવીએ, જે વાતો આશા ભોસલેએ વિવિધ ઈન્ટરવ્યૂઝમાં એમના વિશે કહી છે કે કબૂલી છે.

ફિલ્મ મેકર બ્રહ્માનંદ એસ. સિંગે પંચમ પર તૈયાર કરેલી બે ડૉક્યુમેન્ટરી અને પુસ્તકમાં આશા ભોસલેએ પંચમ વિશે અવનવી વાતો કરી છે. આશાતાઈ કહે છે, 'મ્યુઝિક ડિરેક્ટર તરીકે ગાયકો પાસે શ્રેષ્ઠ કામ કઈ રીતે કરાવવું એની એમનામાં જોરદાર કળા હતી. રિહર્સલ્સ કે રેકોર્ડિંગ દરમિયાન ગાયકને જો કોઈક બાબતે તકલીફ થાય તો પંચમ ગાયકનું ખૂબ ધ્યાન રાખતા. આસપાસના માહોલને અત્યંત એનર્જેટિક રાખવાની એનામાં વિશેષ આવડત હતી. પંચમના રેકોર્ડિંગ્સ દરમિયાન સ્ટુડિયોમાં હાજર તમામ વ્યક્તિમાં કંઈક ગજબની સ્ફૂર્તિ રહેતી અને કોરસમાં ગાનારા ગાયકોથી લઈને સ્ટુડિયોના દરવાજા આગળ ઊભા રહેતા દરવાન સુધીના તમામ લોકો ખૂબ આનંદમાં રહેતા. અમને એવું લાગતું જ નહીં કે, અમે અહીં કામ કરી રહ્યા છીએ. આ તો ઠીક પંચમના કોઇ ગીતનું રેકોર્ડિંગ હોય એ દિવસે મારા પર સવારથી લોકોના ફોન આવતા, જેમાં તેઓ પંચમના રેકોર્ડિંગમાં હાજર રહેવા દેવા માટેની રિક્વેસ્ટ કરતા.'

પંચમ જેટલા એનર્જેટિક હતા એટલા જ તેઓ લાગણીશીલ માણસ પણ હતા. માણસો તો ઠીક પંચમને પ્રાણીઓ અને નિર્જીવ પદાર્થો માટે પણ અત્યંત પ્રેમ હતોએનું ઉદાહરણ આપતા એક ટીવી ઈન્ટરવ્યૂમાં આશાતાઈ કહે છે, 'એક વાર હું અને પંચમ અમસ્તા જ બહાર ફરવા નીકળેલા. પંચમ રાબેતા મુજબ એમની મસ્તીમાં હતા અને તેઓ થોડી વધુ સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા. એવામાં અચાનક રસ્તામાં ખાડો આવ્યો એટલે પંચમે કારની સ્પીડ ઘટાડવાનો પ્રયત્ન તો કર્યો, પણ તોય કાર ઝાટકાભેર ખાડા પરથી પસાર થઈ. અમે સહેજ જ આગળ ગયા હોઈશું કે, પંચમે કાર ઊભી રાખી અને ઉતરીને કોઇની પીઠ થપથપાવતા હોય એમ આગલું ટાયર થપથપાવ્યું અને કહ્યું, 'સોરી બેબી...' પંચમની આ હરકત જોઈને હું ખળખળાટ હસી પડી અને એમને કહ્યું, 'કારને પણ સોરી કહો છો?' તો એમણે મને કહ્યું, 'મને તો બધી જ બાબતોમાં જીવન ધબકતું દેખાય છે.' પંચમની આ વાત સાંભળ્યા પછી મને એમના માટે ખૂબ આદર થઈ ગયો. મનમાં થયું જે નિર્જીવ વસ્તુઓની આટલી કદર કરતો હોય એ માણસ અન્ય કોઇ માણસને કઈ રીતે દુખી કરી શકવાનો?'

મ્યુઝિક ક્રિએટ કરવાની બાબતે પંચમ એમના જમાનાના કંપોઝર કે મ્યુઝિક ડિરેકટર્સ કરતા નોખા સાબિત થતાં હતા એ વાત આપણે સૌ સ્વીકારીએ છીએ. વાદ્યો કે અન્ય કોઇ ઉપકરણોમાંથી સંગીતનું સર્જન કરવા ઉપરાંત તેઓ હંમેશાં આસપાસના માહોલમાંથી સંગીત શોધતા રહેતા અને એને રેકોર્ડ કરતા એના અનેક ઉદાહરણો આપણી પાસે પ્રાપ્ત છે. પંચમના ખીસામાં બે વસ્તુ હંમેશાં રહેતી. એક એમની સિગારેટનું બોક્ષ અને લાઈટર અને બીજું એમનું રેકોર્ડર, જેમાં તેઓ હંમેશાં એમની આસપાસના માહોલમાં એમને ગમી જાય એવા અવાજોને રેકોર્ડ કરી લેતા અને પાછળથી એને સંગીતનું રૂપ આપતા. પંચમની આ આદત વિશે આશા ભોસલે કહે છે, 'એમનું રેકોર્ડર હંમેશાં એમની સાથે જ રહેતું. રાત્રે ઉંઘી જાય પછી ઉંઘમાં એમને કોઇક ટ્યૂન સૂઝે તો તેઓ તરત ઊભા થઈને એ ટ્યૂન રેકોર્ડ કરી લેતા! અમે મુંબઈથી દૂર લોનાવાલા અથવા અન્ય કોઇ સ્થળે ગયા હોઈએ તો રાત્રે કલાકો સુધી શાંત બેસીને તમરાંના અવાજ રેકોર્ડ કરતા રહેતા. એક વાર તો મોડી રાત્રે વરસાદમાં ભીંજાતા ભીંજાતા એમણે વીજળીના કડાકાનો અવાજ રેકોર્ડ કરેલો!'

મ્યુઝિક બાદ પંચમને ખાવાનો અને ખવડાવવાનો ઘણો શોખ હતો. એંસીના દાયકામાં જ્યારે પંચમ અને આશાએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે પંચમે આશા આગળ માત્ર એક જ શરત મૂકેલી કે, રાત્રે બે-ત્રણ વાગ્યે જ્યારે પણ પંચમના મિત્રો ઘરે આવે ત્યારે આશાએ પંચમના મિત્રોને ગરમાગરમ ખાવાનું બનાવી આપવાનું! મિત્રોને પ્રેમથી ખવડાવવાની બાબતે કોઇ બાંધછોડ ચાલશે નહીં એવું પણ એમણે આશાતાઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું. જોકે મિત્રોને ખવડાવવાના શોખીન પંચમદા જેટલું સુંદર મ્યુઝિક ક્રિએટ કરતા એટલું જ મજેનું કુકિંગ પણ કરતા, જેને કારણે એમના ઘરે મિત્રોની મહેફિલ જામી હોય ત્યારે મોડી રાત્રે પંચમદા અને આશાતાઈ વચ્ચે સ્પર્ધા જામતી કે કોણ એમના મિત્રોને સૌથી સ્વાદિષ્ટ વાનગી ખવડાવે, જેમાં પંચમ-આશાના મિત્રોને હંમેશાં મજા પડી જતી હતી.

બોલિવુડ મ્યુઝિકમાં આશા ભોશલે અને લતા મંગેકરની હંમેશાં સરખામણી થતી રહી છે. એ બેમાંથી કોણ સારી ગાયિકા કે કલાકાર તરીકે કોણ શ્રેષ્ઠ? એની ચર્ચા પણ અનેક વખત થતી રહી છે. આવી જ કેટલીક બાબતોને લઈને આશા અને લતા વચ્ચે ભૂતકાળમાં તડાફડી પણ થઈ છે, જોકે બંનેના અવાજમાં ઘણો તફાવત છે અને બંનેનો ચાહકવર્ગ પણ જુદો છે. પણ પંચમદાને આશા અને લતા સાથે એકસરખા સંબંધ હતા. આશાની સરખામણીએ લતા મંગેશકરે પંચમ સાથે કામ ઓછું કર્યું છે એ વાત સાચી, પરંતુ લતા અને પંચમે જેટલું કામ કર્યું છે એ આલાતરીન છે. પંચમદાનું છેલ્લું ક્રિએશન જ જોઈ લ્યો, '1942 લવસ્ટોરી'નું 'કૂછ ના કહો... કૂછ ભી ના કહો...' આજે પણ સાંભળીએ છીએ ત્યારે વારંવાર રિપીટ કરીને એ ગીત સાંભળ્યા વિના આપણને ચેન નથી પડતું.

એક વાર કોઇએ પંચમદાને એમ સવાલ પૂછેલો કે, 'આશા અને લતામાં શ્રેષ્ઠ કોણ?' આ બંને ગાયિકાઓમાં તમારી પ્રિય કોણ?' ત્યારે પંચમદાએ જવાબ આપેલો કે, 'મને તો બંને જ ગાયિકાઓ ખૂબ પસંદ છે. પરંતુ એ બંને બહેનોમાં લતા મંગેશકર સર ડૉન બ્રેડમેન છે અને આશા ભોસલો ગેરી સોબર્સ છે, ડૉન બ્રેડમેન મહાન ખેલાડી હતા અને એમની પોતાની એક સ્ટાઈલ હતી. પણ ગેરી સોબર્સ ઑલરાઉન્ડર હતા. એ જ રીતે આશા ઑલરાઉન્ડર છે. પરંતુ જેમ પેલા બંને ખેલાડી પોતપોતાની જગ્યાએ મહાન છે એમ લતા અને આશા એમની જગ્યાએ મહાન છે.'

પંચમ વેસ્ટના મ્યુઝિકથી ભલે ઘણા પ્રભાવિત હતા અને એમના મ્યુઝિકમાં વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ પણ વધુ કરતા. વળી, લાઈફસ્ટાઈલને મામલે પણ તેઓ ઘણા લિબરલ હતા, પરંતુ કેટલીક બાબતો એવી હતી, જે બાબતોને લઈને પંચમ થોડા અંઘશ્રદ્ધાળુ કહી શકાય એવો અભિગમ ધરાવતા, જેનો પુરાવો આશાતાઈએ જ એક ઈન્ટરવ્યૂમાં આપેલો. લગ્ન બાદ આશા જ્યારે પણ એમના સેથામાં સિંદૂર પૂર્યા વિના સ્ટુડિયોમાં જતાં ત્યારે પંચમ આશા પર ભયંકર ઉકળી ઉઠતા અને કહેતા, 'આજ આપને સિંદૂર નહીં લગાયા?' આશા કહે, 'હું અને પંચમ બંને એકબીજા પર ઉકળી ઉઠીએ ત્યારે એક બીજાને 'તૂ' અથવા 'તૂમ'ની જગ્યાએ 'આપ' કહીને સંબોધતા, જેથી અમને ખબર પડી જાય કે, મામલો ગંભીર છે!' આ ઉપરાંત પંચમને ગ્રહો-નક્ષત્રોમાં પણ ભયંકર વિશ્વાસ હતો. એંસીના દાયકાના અંતમાં પંચમને એવો ખ્યાલ આવી ગયો હતો કે, આવનારા સમયમાં ત્રણ મોટી ઘાત એમના માટે મુશ્કેલ છે. જો તેઓ એમાંથી હેમખેમ નીકળી આવશે તો આવનારા બે દાયકા સુધી એમના જીવનને કોઇ વાંધો નહીં આવે. પહેલી બે ઘાતમાં તેઓ બચી પણ ગયા હતા પરંતુ ત્રીજી વખત એમને કોઇ નહીં બચાવી શક્યું અને પંચમે કોઇનીય પરવા કર્યા વિના, કોઇ પણ મોહમાયા રાખ્યા વિના અહીંથી વિદાય લીધી.

પંચમ અને આશાના લગ્નજીવન, એમની દોસ્તી અને મ્યુઝિક ક્રિએટ કરતી વખતે સ્ટુડિયોમાં એમની મસ્તી કે એમની સર્જનપ્રક્રિયા વિશે અનેક અવનવી અને મજાની વાતો છે. માંડીશું ક્યારેક નિરાંતે એ બધા ડાયરા....

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.