વાર્તા જગતનો રામ મોરી મોરી રે...
રામ મોરીએ તાજેતરમાં આપણી ભાષાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું બહુમાન અપાવ્યું. દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મેળનારા યુવાન લેખકોમાં રામ સૌથી નાની ઉંમરના છે. આવે ટાણે લેખકની વ્યક્તિગત સિદ્ધિ તો ખરી જ પણ, ગુજરાતી ટૂંકી વાર્તાઓની પણ આ એક આગવી સિદ્ધિ છે. રામ મોરીના જે વાર્તાસંગ્રહને અકાદમીએ પોંખ્યો છે એ ‘મહોતું’માં કૂલ 14 વાર્તાઓ છે, જેમાંની ‘એકવીસમું ટિફિન’ વાર્તા ખૂબ વખણાઈ છે અને હજુ દસેક દિવસ પહેલા જ મુંબઈના પૃથ્વી થિયેટરમાં એ વાર્તા પરથી એક એકોક્તિ પણ ભજવાઈ.
રામનો પહેલો વાર્તાસંગ્રહ ‘મહોતું’ પ્રકાશિત થયેલો ત્યારે એમની ઉંમર 22 વર્ષની હતી. હાલમાં તેઓ 24 વર્ષના છે અને તેઓ કૉલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે એમની પહેલી વાર્તા પ્રકાશિત થયેલી, જ્યારે એમની ઉંમર સત્તર વર્ષની હતી. જોકે આશ્ચર્યની વાત એ છે કે, એમની પહેલી પ્રકાશિત કૃતિ ભલે કથા સાહિત્યની જ હતી, પરંતુ એ ટૂંકી વાર્તા નહોતી. કૌશિક મહેતાના તંત્રીપદે રાજકોટથી પ્રકાશિત થતા ‘ફૂલછાબ’માં ‘સંબંધનું નામ’ નામે એમની પહેલી લઘુનવલ પ્રકાશિત થઈ હતી, જે પાંચ હપતા સુધી ચાલી હતી.
આનાથીય આશ્ચર્યની વાત તો એ છે કે, રામે ભલે આપણને એક એકથી ચઢે એવી ટૂંકી વાર્તાઓ આપી હોય કે, ભલે એમની પહેલી પ્રકાશિત કૃતિ લઘુનવલ હતી. પણ રામે અભ્યાસેતર લેખનમાં વાર્તાઓથી પણ પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી, જે નોટ લખીને રામ સીધા એમની હોસ્ટેલની ટેરેસ પર જઈ આપઘાત કરવા ગયેલા, જ્યાંથી નીચે પટકાય તો સીધા કપચી અને સળિયાના ભંગાર પર પટકાય અને ઘડી બે ઘડીમાં તો એ હતા ન હતા થઈ જાય.
વાત એમ બનેલી કે દસમાં સુધી અભ્યાસમાં પ્રથમ રહેનાર રામે ડૉક્ટર બનવું હતું. પરિવારમાંય બધા ભાઈઓ એન્જિનિયર્સ અને ઉચ્ચ અભ્યાસ પામેલા હતા એટલે એમના માતા-પિતાને પણ એવી ઈચ્છા કે તેઓ દાક્તર જ બને. દસમાં ધોરણમાં સારું પરિણામ આવ્યું એટલે એમણે ભાવનગરના એમના ગુરુકુળમાં સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું, પરંતુ ફિઝિક્સ અને મેથ્સના વિષયો સાથે એમનો પનારો પડ્યો ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે, સાયન્સ સાથેની એમની કેમિસ્ટ્રી જામે એમ નથી. કૂમળી વય હતી એટલે મૂંઝારો ખૂબ થયો અને અકળામણમાં એમણે ગામડે પિતાને પણ ફોન કર્યો. પણ પિતાએ એમને કહ્યું, ‘ભાઈ મને તો સંબંધીઓએ દૂર દૂરથી અભિનંદનના ફોન કર્યા કે, તમારા દીકરાએ સાયન્સ લીધું એ બદલ અભિનંદન! એવામાં તું સાયન્સ છોડવાની વાત કરે એ કેમ ચાલે? અને હવે ખાંડણિયામાં માથું મૂક્યું જ છે તો દસ્તાથી શું બીવે છે? જે હાથમાં લીધું છે એ પૂરું જ કર.’
પરંતુ રામને સાયન્સના વિષયો ન ફાવ્યા એ ન જ ફાવ્યા અને સ્કૂલની આંતરિક પરીક્ષાઓમાં તેઓ ધરાર નાપાસ થયા. અત્યાર સુધી ભણતરમાં હોશિયાર તરીકે ઓળખાતો છોકરો નાપાસ થાય એ એમના ખૂદ માટે સ્વીકારવું મુશ્કેલ હતું. આ કારણે તેઓ ડિપ્રેશનના શિકાર થયા અને એક દિવસ એમણે ગુરુકુળની હોસ્ટેલની છત પરથી પડતું મૂકવાનો નિર્ણય કર્યો. આત્મહત્યાની એ ઘટના સંદર્ભે રામ કહે છે, ‘આત્મહત્યા કરવા પહેલા મેં એક પત્ર લખેલો, જેમાં એક વાત સ્પષ્ટ કરી હતી કે, મારા મૃત્યુ પાછળ કોઈ જવાબદાર નથી. પત્ર લખીને છત પર જઈ હું કૂદવાની જ તૈયારી કરતો હતો ત્યાં રાતના અંધારામાં મારી આંખ આગળ મારી બાનો ચહેરો ઝબકી ઉઠ્યો અને કોણ જાણે કેમ મને જીવવાનું મન થયું. ત્યારે વિચાર એમ આવેલો કે, કપચી-સળિયા પર પડેલું મારું શરીર જ્યારે લાશ બનીને ઘરે પહોંચશે ત્યારે મારી બાને એ શરીર જોઈને કેટલું દુઃખ થશે? અને બસ, એ જ ક્ષણે મેં મરવાનું માંડી વાળ્યું અને એ ઘડીથી જ નક્કી કર્યું, ભલે જિંદગી ગમે એટલી કપરી રહે, પણ હવે ક્યારેય આત્મહત્યાનું નામ ન લઉં…’
આમ જીવનદાત્રીએ જ રામને બીજી વાર જીવન બક્ષ્યું હતું. આમેય રામની વાર્તાકળા પર એમના બાનો ઘણો પ્રભાવ રહ્યો છે. Khabarchhe.com ના જ એક મધર્સ ડે સ્પેશિયલ આર્ટિકલમાં એમણે આ વાત લખેલી કે, એમના બા સાથે એમનો ગજબનો નાતો છે. મા-દીકરા કરતા તેઓ મિત્રો તરીકે વધુ જીવ્યા છે અને એકમેક સાથે એમણે અનેક પેટછૂટી વાતો કરી છે. એમના બા પાસે વાર્તા-લોકકથાઓનો અખૂટ ખજાનો હતો અને તેઓ રામને આખો દિ વાર્તાઓ કરતા. રામ કહે છે, ‘બા પાસે દંતકથાઓ, પુરાણકથાઓ કે લોકકથાઓ સાંભળવા મળે એ લાલચે હું આખો દિવસ એમની સાથે રહેતો. એમની સાથે વાડીએ જવાથી લઈ એમને રસોઈમાં કે ઘરના બીજા કામોમાં સુદ્ધાં મદદ કરતો. આજે મને સમજાય છે કે, મારી વાર્તાઓ ભલે આજના સમયમાં લખાણી હોય, પરંતુ એનો ગર્ભ તો છેક મારા નાનપણમાં જ બંધાયેલો જ્યારે મારી બા મને જાતજાતની વાર્તાઓ કરતી…’
મા ઉપરાંત રામની વાર્તાઓમાં એમના દાદાનું પણ ઘણું યોગદાન રહ્યું છે. દાદા એમને ભજનો અને ડાયરાઓમાં લઈ જતા, જ્યાં રામ ડાયરામાં ભજનો પણ ગાતા. આ ઉપરાંત રામ પાસે તેઓ સ્કંદપુરાણ, શિવપુરાણ, વાયુપુરાણ, અગ્નિપુરાણ, રામાયણ કે મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોનું નિયમિત વાંચન પણ કરાવતા. આ માટે રામ કહે છે, ‘ગામના વૃદ્ધો આગળ જ્યારે મારા દાદા મારી પાસે આ ગ્રંથોનું વાંચન કરાવતા ત્યારે મારે માટે એ ધાર્મિક વાંચન ઓછું અને ચમત્કૃતિ ધરાવતી વાર્તાઓ વધુ હતી!’
બાળપણમાં વધુ પડતું ધાર્મિક વાંચન અને સંતો સાથેના ડાયરાને કારણે ગામના લોકોને એવી બીક હતી કે, આ છોકરો ક્યાંક સંન્યાસી ન થઈ જાય. અધૂરામાં પૂરું એક વાર એક સંતે રામના બા પાસે એમના દીકરાની માગણી પણ કરેલી કે, ‘તમારો આ દીકરો અમને આપી દો.’ એટલે જ દીકરો સંન્યાસી ન થઈ જાય એ ડરથી પિતાએ રામને ભાવનગરના ગુરુકુળમાં ભણવા મૂકી દીધા.
ભાવનગર ભણવા જાય એ પહેલા રામે એમના ગામની સ્કૂલમાં રમણલાલ સોની, ગીજુભાઈ બધેકા અને યશવંત મહેતા જેવા બાળવાર્તાકારોના તમામ પુસ્તકો વાંચી કાઢેલા. વળી, સ્કૂલમાં એવો રિવાજ હતો કે, દર શનિવારે રામે બાળકો સમક્ષ એક વાર્તા કહેવાની. તો ભાવનગર આવીને એમણે અમર ચિત્રવાર્તાઓ, અકબર-બિરબલ અને તેનાલી રામનની વાર્તાઓ વાંચી. રામ કહે છે, ‘ભાવનગર ભણવા આવ્યો પછી મારી વાર્તા એક સ્ટેપ આગળ વધી એમ કહી શકાય. કારણ કે, ત્યાં સુધી હું ચકા-ચકી સુધી જ સીમિત રહ્યો હતો.’
ભાવનગર આવ્યા પછીય છેક અગિયાર સાયન્સમાં એમને પહેલી વાર એવી ખબર પડી કે, વાર્તાકળામાં નવલકથાનો પણ એક પ્રકાર છે. એક વાર લાયબ્રેરીમાં પુસ્તક શોધતી વખતે એમને લેખિકા વર્ષા અડાલજાની નવલકથા ‘અણસાર’ જડી ગઈ અને શરૂઆતના કેટલાક પાનાં વાંચતા જ એમને એમાં રસ પડ્યો. એટલે તેઓ પુસ્તક પોતાની સાથે લઈ ગયા અને એક રાતમાં એ નવલકથા પૂરી કરી. રામ કહે, ‘ત્યારે પહેલી વાર મને ખબર પડી કે નવલકથા પણ કથા સાહિત્યનો એક પ્રકાર છે. વળી, ‘અણસાર’માં રક્તપિત્તની એક દર્દીની વાત હતી. હું એ નવલકથા વાંચીને ખૂબ રડેલો કારણ કે, એ કથા મને પોતીકી લાગતી હતી. મને એમ થતું હતું, હું પોતે જ રૂપા છું અને આ કેમિસ્ટ્રી કે ફિઝિક્સના અટપટા વિષયો મારા શરીરે થયેલો રક્તપિત્ત છે. ત્યારપછી તો વર્ષા અડાલજા મને એવા સ્પર્શી ગયા કે, એમની એક એક નવલકથા અને વાર્તાઓ મેં વીણી વીણીને વાંચી. આ તો ઠીક એમણે લખેલા પ્રવાસવર્ણનો પણ મેં વાંચી કાઢેલા.’
આમ તો આડવાત કહેવાય. પરંતુ ટૂંકમાં જાણીએ તો બાર સાયન્સમાં રામ મોરી ફિઝિક્સ વિષયમાં નાપાસ થયેલા. પરંતુ જૂન મહિનામાં ફરીથી પરીક્ષા આપીને ગમે એમ કરીને એ વિષય પાસ કર્યો અને ડૉક્ટર થવું હતું એટલે ભાવનગરની એક હોમિયોપોથી કૉલેજમાં એડમિશન લેવા ગયા. પરંતુ રસ્તામાં એમને ફેબ્રિકેશન એન્જિનિયરિંગની કૉલેજ નજરે ચઢી તો રામ મોરી ત્યાં જઈને દસમા ધોરણના આધારે ડિપ્લોમા કોર્સમાં એડમિશન લઈ આવ્યા! આ કૉલેજકાળ દરમિયાન એમના મિત્રો અને શિક્ષકોએ એમને ખૂબ મદદ કરી અને ગમે એમ કરીને તેઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમેસ્ટર પાસ કરતા રહ્યા.
એન્જિયરિંગ કૉલેજનો એવો નિયમ હતો કે, છઠ્ઠા અને સાતમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત કોઇક કારખાનામાં કામ કરવાનું અને આઠમા સેમેસ્ટરમાં કૉલેજમાં પરીક્ષા આપવાની. આ માટે રામે અમદાવાદના એક કારખાનામાં ટ્રેનિંગ શરૂ કરી. અલબત્ત ફેબ્રિકેશન ડિપ્લોમાના ભણતર દરમિયાન પણ રામે એમનું વાંચન ચાલુ રાખ્યું અને માય ડિયર જયુ જેવા સાહિત્યકારો સાથે વાર્તાઓ કઈ રીતે આલેખી શકાય કે વાર્તામાં કયા કયા તત્ત્વો હોવા જરૂરી છે એ બાબતની તાલીમ લેતા રહ્યા. પરંતુ અમદાવાદમાં એમને જાણે ઉડવાને આકાશ મળ્યું. કારણ કે અહીં
જાણીતા વાર્તાકારો અને નવોદિતોના ગ્રુપ્સ હતા, જેઓ નિયમિત મળતા રહેતા અને સાહિત્ય-વાર્તાઓની ચર્ચા કરતા.
અમદાવાદના એમના અનુભવ વિશે રામ કહે છે, ‘અહીં તો એક વર્ષ મેં ખૂબ આનંદ કર્યો. નસીબજોગે હું જે કંપનીમાં કામ કરતો એ કંપનીના ઑફિસર્સ એટલા સારા હતા કે, એમણે મારી સામે એવો પ્રસ્તાવ મૂકેલો કે મારે એમને ટી ટાઈમમાં એક વાર્તા સંભળાવવાની અને પંદર દિવસની રજા લઈ લેવાની. એ રજાઓમાં પણ મારી હાજરી તો ત્યાં બોલાતી જ હોય! તો બીજી તરફ હું એ રજાઓમાં પરિષદમાંથી અઢળક પુસ્તકો લઈ જતો અને આખો દિવસ વાંચતો. તો ક્યારેક પરિષદની કે અન્ય કોઈક મંડળ-ગ્રુપ્સની સભાઓમાં જઈને બેસતો.
આ ગાળામાં મેં એક જગ્યાએ મારી ‘હવડ’ વાર્તા વાંચેલી, જે વાર્તા કેટલાક યુવા મિત્રોને ખૂબ ગમેલી. ત્યારથી મને તાહા મન્સુરી, પાર્થ તારપરા, ચિંતન શેલત અને અનંત રાઠોડ જેવા મિત્રો સાથે પરિચય થયો. વળી, એ ગાળામાં મારે ટેલિવિઝન સિરિયલો માટે સ્ક્રિપ્ટ રાઈટિંગ પણ શીખવું હતું. ત્યારે મને ખબર પડી કે, કાજલ ઓઝા-વૈદ્ય પણ અમદાવાદમાં જ રહે છે એટલે હું એમને મળવા ગયો અને એમને મારી ઈચ્છા વિશે જણાવ્યું. તો એમણે મને પરવાનગી આપતા કહ્યું, ‘હું તને પદ્ધતિસરની તાલીમ નહીં આપી શકું, પરંતુ તારે મારી ઑફિસ આવવાનું અને મારા કામને ઑબ્ઝર્વ કરતા રહેવાનું.’
આ વાત નીકળી છે તો મારે એક ચોખવટ કરવી છે કે, ઘણા લોકોમાં એવી ગેરમાન્યતા છે કે, હું કાજલ ઓઝા-વૈદ્યનો ઘોસ્ટ રાઈટર છું. પરંતુ વાસ્તવિક્તા એવી નથી. કાજલબેનને ખૂબ મહેનત કરતા મેં મારી નજરે જોયા છે. પરંતુ એમની સ્ટાઈલ એવી કે, તેઓ પોતે હાથેથી નહીં લખે, પણ એક ટાઈપિસ્ટ સાથે બેસીને બોલીને લખાવડાવે. કદાચ આ કારણે જ એમના લખાણ વિશે આટલી બધી ગેરમાન્યતાઓ હશે. પરંતુ સત્ય એ છે કે, કાજલબેનનું તમામ લેખન એમનું પોતાનું છે.
આમ, કાજલબેન પાસે પણ એ ગાળામાં હું ખૂબ શીખ્યો. પછી તો મારે પાછા ભાવનગર જવાનો સમય આવ્યો એટલે મારે ત્યાં જવું પડ્યું. પણ મને એવું લાગતું હતું કે, મારો જીવ અમદાવાદમાં અટકી ગયો છે અને મારું શરીર ભાવનગર છે. અગિયાર સાયન્સમાં જે મૂંઝવણ અનુભવેલી એ મૂંઝવણ એન્જિનિયરિંગના આઠમા સેમિસ્ટરમાં ફરી અનુભવી. પણ આ વખતે કોણ જાણે મારામાં ક્યાંથી હિંમત આવી તે મેં છેલ્લું સેમેસ્ટર પડતું મૂકીને અમદાવાદની બસ પકડી. મારા ઘરે તો એ વાતની ખબર નહોતી. પરંતુ અમદાવાદ પહોંચીને થોડા દિવસોમાં મેં એમને ફોન કરેલો કે, મેં એન્જિનિયરિંગ પડતું મૂક્યું છે! અહીં આવ્યો ત્યારે ન તો મારી પાસે ઝાઝી મૂડી કે નહીં મારી પાસે રહેવાને કોઈ આશરો. એટલે મારા મિત્ર તુષાર દવેને મેં ફોન કર્યો કે હું આ રીતે અમદાવાદ ભાગી આવ્યો છું. અને પછી હું તુષારની રૂમ પર ઠલવાણો.
સ્વાભાવિક છે કે, અમદાવાદ જેવા શહેરમાં પૈસાની જરૂર રહે એટલે એ સમયે મારી પાસે આવકનું કોઈક માધ્યમ હોવું અત્યંત જરૂરી હતું. ત્યાં ગયો એટલે શરૂઆતમાં જ મને કોઈ અખબાર કે ચેનલવાળા નોકરી આપી દેવાના નહોતા એટલે એ સમયમાં મેં એક કોફી શૉપમાં નોકરી લીધી. એ નોકરી કરતી વખતે દિલમાં સતત એવો ડર રહેતો કે, ક્યાંક કોઈક ઓળખીતું કે કોઈક મિત્ર ત્યાં ન આવી ચડે, નહીંતર એમને કેવું લાગશે!
એ સમયમાં મારું એક જ સપનું હતું કે હું ‘દિવ્ય ભાસ્કર’માં કામ કરું. કોઈક રીતે મારું ત્યાં ઈન્ટરવ્યૂ ગોઠવાયો પણ ખરો, પરંતુ એ ઈન્ટરવ્યૂમાં હું ફેઈલ થયો. મને હજુ યાદ છે એ દિવસ, જ્યારે હું ફેઈલ થયેલો એ રાત્રે મેં કશું જ નહોતું ખાધું અને હું ખૂબ રડેલો. કારણ કે, ‘દિવ્ય ભાસ્કર’ પ્રત્યે મને એવો લગાવ થઈ ગયેલો કે, મારા મોબાઈલની સ્ક્રીનમાં પણ મેં ‘દિવ્ય ભાસ્કર’નો લોગો મૂકેલો!
એવામાં મને TV9માં નોકરી મળી ગઈ. અલબત્ત, મારે ન્યૂઝ ચેનલમાં ક્યારેય કામ નહોતું કરવું, પરંતુ કદાચ નસીબમાં ઘણું શીખવાનું અને સારા મિત્રોને મળવાનું લખ્યું હશે એટલે મને અહીં નોકરી મળી ગઈ, જ્યાં મેં મારા મિત્ર અને ગુજરાતી ન્યૂઝ ચેનલના લોકપ્રિય એન્કર જયેશ પારકર સાથે ધર્મ આધારિત શૉ કર્યા. વળી, અહીં જયેશ પાસે સ્ક્રિપ્ટિંગને લગતું ઘણું શીખવા મળ્યું. આ ગાળામાં જ ઊષા ઉપાધ્યાય અને એમના દીકરા કૌશલ ઉપાધ્યાયે મારો વાર્તાસંગ્રહ તૈયાર કરવાનું નક્કી કર્યું અને ‘મહોતું’ પ્રકાશિત થઈ.’
અહીં નોંધવા જેવી વાત એ છે કે, રામ ભલે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ના ઈન્ટરવ્યૂમાં પાસ ન થયા. પરંતુ આજે ‘દિવ્ય ભાસ્કર’માં એમની ‘મુકામ વાર્તા’ કૉલમ અત્યંત લોકપ્રિય છે. નાની ઉંમરમાં ઘણા ઉતાર-ચઢાવ પછી તેઓ આ મુકામે પહોંચ્યા છે અને હજુ તો એમણે સફળતાના ઘણા શિખરો સર કરવાના. ઘણા મિત્રો રામ સાથે ઘણી મજાક-મસ્તી કરે છે, પરંતુ વાર્તાની બાબતે એ હંધાય રામને અત્યંત ગંભીરતાથી લે છે. પોતાની વાર્તાઓ બાબતે રામ કહે છે કે, એમને પહેલા પાત્રો મળે છે અને પછી એ પાત્રોની આસપાસ તેઓ એમની કલ્પનાની ગૂંથણી કરે છે. એમની વાર્તાઓમાં એમણે મોટેભાગે નારીની મનોવ્યથા અને નારીના સંવેદનને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ માટે એમનું કહેવું છે કે, તેઓ સતત સ્ત્રીઓની વચ્ચે રહ્યા છે, એમની પીડાઓ, એમની ઈચ્છાઓ કે એમના સપનાંઓની નજીક રહેવાનું બન્યું છે એટલે કદાચ નારીનું મનોજગત આલેખવાનું એમને ગમ્યું છે. હવે તો રામ ટેલિવિઝન સિરિયલો પણ લખી રહ્યા છે અને ફિલ્મોનું લેખન પણ નજીકના ભવિષ્યમાં કરશે. આ સર્જક આપણને હજુ ઘણું આપવાના છે… ભાષાને હજુ તરબતર કરવાના છે…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર