ખાલીપાની માલીપા થયેલું સર્જન
નાના હતા ત્યારે આપણે શાંતિથી ઉંઘી જઈએ એ માટે મા-પાપા કે દાદા-દાદી આપણને વાર્તાઓ કરતા, પરંતુ મોટા થઈએ પછી એ જ વાર્તાઓ કંઈક જુદા અંદાજમાં આપણી સામે પ્રસ્તુત થાય છે અને એ વાર્તાઓ, કિસ્સા કે દાસ્તાનો આપણી ઉંઘ ઉડાડી દે છે. જોકે બધી વાર્તાઓમાં એવું સામર્થ્ય નથી હોતું, કે એ વાર્તાઓ વાંચીએ ત્યારે બેચેન થઈ જવાય કે આપણી અંદર ઉંઘતું કશુંક સફાળું બેઠું થઈ જાય. પરંતુ નસીબજોગે કેટલીક વાર્તાઓ અનાયસે એવી જડી જતી હોય છે, જે તમારી અંદર ખળભળાટ મચાવે અને અંદર કશુંક અમસ્તુ જ ચચરવા માંડે.
થોડા દિવસો પહેલા માનવ કૌલનો એક વાર્તા સંગ્રહ ‘ઠીક તુમ્હારે પીછે’ હાથમાં આવ્યો. હજુ ગયા માર્ચ મહિનામાં જ પ્રકાશિત થયેલા આ વાર્તા સંગ્રહના લેખકને આપણે ફિલ્મના પડદા પર અનેક વખત જોયા છે. ચેતન ભગતની નવલકથા ‘થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઈફ’ પરથી બનેલી ફિલ્મ ‘કાઈપો છે’માં માનવે રાજકારણી બીટ્ટુમામાની ભૂમિકા ભજવેલી. ‘જય ગંગાજલ’, ‘વઝીર’ અને રાજકુમાર રાવની ‘સીટી લાઈટ’ ફિલ્મમાં પણ આપણે માનવને જોયા છે. આ ઉપરાંત 2012ની સાલમાં માનવ કૌલે ‘હંસા’ નામની એક ફિલ્મ ડિરેક્ટ કરેલી, પણ મૂળે માનવ નાટકના જીવ છે જેમણે ‘અરણ્ય’ નામની એમની નાટ્ય સંસ્થા હેઠળ ‘શક્કર કે પાંચ દાને’, ‘પાર્ક’ કે ‘પીલે સ્કૂટર વાલા આદમી’ જેવા ઑફબીટ નાટકો લખ્યાં અને ભજવ્યા.
મુંબઈમાં વિસ્તરેલા અને મધ્યપ્રદેશના હોશંગાબાદમાં વિકસેલા માનવ કૌલનો જન્મ કાશ્મીરમાં થયેલો. નેવુંના દાયકામાં કાશ્મીરમાં અરાજકતા ફેલાતા કૌલના માતા-પિતા એમના સંતાનોને લઈને મધ્યપ્રદેશ આવી ગયા અને નવી ધરતીમાં મૂળિયા નાંખીને નવું જીવન શરૂ કર્યું. કુટુંબ એમનું લોઅર મિડલ ક્લાસ લાઈફ સ્ટાઈલ જીવે અને એમના માતા-પિતાને પણ એવી જ ઈચ્છા કે, દીકરો માનવ ચ્હા કે પાનની લારી નાંખીને કુટુંબને મદદ કરે.
જોકે દીકરાના મનમાં અનેક વાર્તાઓ જન્મ લેતી હતી અને દીકરો એ વાર્તાઓને મંચ પર ઉતારવા માગતો હતો એટલે માનવે મુંબઈની વાટ પકડી અને પૃથ્વી થિયેટરના આંટાફેરા શરૂ કર્યા. એ ગાળામાં માનવ કૌલને અભિનેતા તરીકે ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું, પણ માનવને કૅમેરાની સામે ઊભા રહેવા કરતા કૅમેરા કે મંચની પાછળ ઊભા રહીને દર્શકો માટે ગજબની દુનિયાનું સર્જન કરવામાં વધુ રસ હતો.
અભિનેતા તરીકે ફિલ્મોમાં કામ કરતા રહેવાનું કારણ માત્ર એક જ કે, અભિનયને કારણે ઘરમાં પૈસાની આવનજાવન ચાલું રહે અને આઉટડૉર શૂટિંગ દરમિયાન અહીંતહીં ટ્રાવેલ કરવા મળે એ વધારાનું! તમને ખ્યાલ હોય તો વર્ષ 2007મા મનોજ વાજપેઈની મુખ્ય ભૂમિકાવાળી ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ‘1971’ નામની ફિલ્મ આવેલી. એ ફિલ્મમાં માનવ કૌલે પણ ભૂમિકા ભજવેલી અને એ ફિલ્મ સાઈન કરવાનું એકમાત્ર કારણ એ હતું કે, ફિલ્મનું બે મહિનાનું શૂટિંગ મનાલીમાં થવાનું હતું! માનવે મનાલીના ખુશનુમા વાતાવરણનો ભરપૂર લાભ લીધેલો અને એ દિવસોમાં એમણે એમનું પ્રખ્યાત નાટક, ‘બલી ઔર શંભુ’ લખી કાઢેલું! આવું અમે નહીં, પણ ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ આપેલા એક મજેદાર ઈન્ટરવ્યૂમાં ખૂદ માનવ કૌલ આ બધી વાતો કહે છે.
મુંબઈના ‘પૃથ્વી થિયેટર’ પર કોઇક કલાકાર નિયમિત આવતો-જતો હોય અથવા કોઇ રસિયો માત્ર દર્શક બનીને ત્યાં નાટકોની મહેફિલ માણતો હોય અને જો એની વાતોમાં સત્યદેવ દુબેના નામનો ઉલ્લેખ નહીં થાય તો એ વ્યક્તિની વ્યવસ્થિત ઉલટ તપાસ કરવી. બની શકે કે, એ માણસ અમસ્તુ ગપ્પુ પણ મારતો હોય કે એ પૃથ્વીનો દિવાનો છે! એનું કારણ, પૃથ્વી થિયેટર પર જતાં-આવતા લોકો પર સત્યદેવ દુબેની અમીટ છાપ છે અને માનવ કૌલ પણ વન ઑફ ધેમ છે, જેમની કારકિર્દીમાં સત્યદેવ દુબેનો ફાળો રહ્યો છે.
વર્ષો પહેલા માનવે સત્યદેવ દુબેની નાટકની એક વર્કશૉમાં ભાગ લીધેલો અને એ વર્કશૉપ દરમિયાન સત્યદેવ દુબેનું એમના પર ધ્યાન ગયેલું અને દુબેજીએ માનવને એમના એક નાટકમાં અભિનય કરવાનું આમંત્રણ આપેલું. આખીરકાર મુંબઈના નાટ્ય જગતમાં માનવ કૌલ નામની શખ્સિયતની એન્ટ્રી પડી, જેમણે વિવિધ નાટકોમાં અભિનયની સાથોસાથ, નાટ્યલેખન અને ડિરેક્શન પણ કર્યું.
નાટ્ય લેખન, ડિરેક્શન અને ફિલ્મોના અભિનયની વ્યસ્તતા વચ્ચે માનવ બ્રેક લેવા માટે અથવા ફ્રેશ થવા માટે વાર્તાઓ લખતા. આમ તો તેઓ નાટકો માટેની સ્ક્રિપ્ટ પણ લખે છે, પરંતુ એ લેખન કંઈક અંશે પ્રોફેશનલ કે કર્મશિયલ લેખન કહી શકાય, જે લખતી વખતે માનવના મનમાં હંમેશાં એ વાતનો ખ્યાલ રહેતો કે આ કૃતિ બીજાના માટે એટલે કે, દર્શકો માટે લખાઈ રહી છે. નાટકો માટે જે કંઈ લખાતું એ બીજાના માટે જ લખાતું, પણ વાર્તા તેઓ પોતાને માટે લખતા. એમાં દર્શકોની કોઇ માગ નહીં રહેતી, બસ પોતાને ગમતું એકાંત મળી રહેતું અને પોતાની અંદર ખળખળ વહેતી કથાઓને તેઓ પોતાની શરતે કાગળ પર ઉતારતા રહેતા!
વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં માનવે વાર્તાઓના સર્જન સંદર્ભે મજાની વાત લખી છે. અભિનેતા અને નાટ્યકારનો વાર્તાસંગ્રહ પ્રકાશિત થાય અને એ વાર્તાઓ સક્ષમ હોય ત્યારે સ્વાભાવિક જ લોકો એમને પૂછે કે, આ વાર્તાઓ કેમ અને કઈ રીતે લખી? એનો જવાબ માનવ પ્રસ્તાવનામાં આપે છેઃ
‘હું વાર્તાઓ કેમ લખું છું એનો જવાબ તો હું પોતે પણ મારી જાતને નથી આપી શક્યો. કદાચ મારી અંદરના ખાલીપાને એ માટે જવાબદાર ગણી શકાય, પરંતુ આ કોઇ નક્કર જવાબ નથી. સીધી રીતે કહું તો મને કોરા કાગળ ખૂબ આકર્ષિત કરે છે. કોરા કાગળની સામે હું બેસું તો અમારી વચ્ચે જાણે સંવાદ શરૂ થઈ જાય છે. મોડી રાત્રે ચ્હા બનાવવા જેવી જ કંઈક આ વાત છે. રાત્રે ચ્હા બનાવું છું ત્યારે હું બે કપ ચ્હા બનાવું છું, કારણ કે એક કપ ચ્હા હંમેશાં મને એકલતા મહેસૂસ કરાવે છે. પણ બે કપ ચ્હાની એકલતા અસલમાં એકલતાનો મહોત્સવ મનાવવા જેવું લાગે છે! હવે બીજો કપ છે જ તો એને પીનારું કોઈ પાત્ર પણ હશે. જોકે એ પાત્ર પોતાનું હોવાપણું જાતે જ નક્કી કરશે, તમે કોઈની પસંદગી નહીં કરી શકો. તમે તો બસ વહેતા જાઓ છો એની સાથે જે તમારી સાથે ‘હમ પ્યાલા’(ટી મેટ્સ?) બન્યું છે. (મારી) વાર્તાઓ આવા જ ‘હમ પ્યાલા’ સાથેના અને કોરા કાગળ સાથેના સંવાદોથી શરૂ થાય છે.
આમ પણ વાર્તાઓ લખવું મને આરામ કરવા જેવું લાગ્યું છે. નાટકો લખતી કે નિર્દેશિત કરતી વખતે ઘણો થાક લાગે છે અને ત્યારે મને હંમેશાં મન થાય છે કે, ચાલો કોઇક પોતીકી બાબતને મળીએ, જ્યાં એવા સંવાદો હોય, જેનાથી મારો થાક ઉતરી જાય. એ સંવાદોની મને એવી લત લાગી કે, હું વારંવાર એના શરણે જવા માંડ્યો અને જોતજોતામાં આ વાર્તાસંગ્રહ તૈયાર થઈ ગયો.’
પ્રકાશકોએ માનવની વાર્તાઓનું પુસ્તક પ્રકાશિત કરવાની વાત કરી ત્યારે એમને ખૂદને આશ્ચર્ય થયેલું કે, મારી આટલી અંગત બાબતમાં એવું તે કયું તત્ત્વ છે, જે આ લોકોને ખૂબ આકર્ષયું? જોકે લખતી વખતે વાર્તાઓ પોતાની શરતે કાગળ પર જન્મેલી એટલે પ્રકાશકો સાથે એમણે શરત કરેલી કે, વાર્તામાં જોડણી અને વ્યાકરણની શુદ્ધિ સિવાય બીજું કશું એડિટ કરવું નહીં! (ગુજરાતી પુસ્તકોમાં એડિટિંગની પ્રક્રિયા નથી અને માત્ર માર્કેટિંગ હેતુથી તૈયાર થયેલા કેટલાક પુસ્તકોમાં તો ઉંઝા જોડણીને પણ રડવાનું મન થઈ આવે એ રીતે જોડણી વ્યાકરણની ઐસી કી તૈસી કરાયેલી હોય એટલે પુસ્તકોના એડિટિંગને લગતું આવું કંઈક વાંચીએ તો આપણને કૌતુક થાય એ સ્વાભાવિક છે!)
ઑકે લીવ ઈટ, ફરી માનવ કૌલ પર આવીએ. ના…. માનવ કૌલની વાત શું કામ? આપણે એમની વાત પણ ક્યાં કરતા હતા? આપણે તો એમના વાર્તાસંગ્રહ ‘ઠીક તુમ્હારે પીછે’ અને એ સંગ્રહની મજેદાર વાર્તાઓની વાત કરવાના હતા, જે વાર્તાઓ આપણો આપણી જાત સાથે ભેટો કરાવી આપે છે. જોકે વાત આડે પાટે ચઢી ગઈ અને વાર્તાઓની જગ્યાએ આપણે વાર્તાકાર અને એમની કેફિયત વિશેની વાતો કરી દીધી. ખૈર, જે થયું એ. હોની કો કૌન ટાલ શકતા હૈ? એટલે જ વાર્તાઓ વિશેની વાત કાલે કરીએ. આસ્વાદ જેવું જ કંઈક. આસ્વાદને નામે બધી વાર્તાઓને અહીં રજૂ નહીં કરું એ વાત પણ નક્કી. કારણ કે, વાર્તાઓ માણવા માટે ભાવકોએ પોતે વાર્તાસંગ્રહ ખરીદવો પડે અને વાર્તાઓ અને હિન્દી ભાષાઓનું સૌંદર્ય માણવું પડે. તો કાલે મળીએ ‘મેગેઝિન વિશેષ’માં.
ફીલ ઈટઃ
માનવ કૌલને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરવા જેવા છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેઓ સરસ મજાના ક્લિક્સ લે છે અને પછી મજાની ફોટોલાઈન સાથે એ ફોટોગ્રાફ અપલોડ કરે છે. ફોટોલાઈન સહેજ લાંબી અને હિન્દીમાં હોય છે, જેને વાંચવાની ખૂબ મજા પડે છે. ઈન્સ્ટાગ્રામ પરના ફોટોગ્રાફ્સ માટે જે કંઈ લખે છે એને તેઓ એમના સહજ લેખન તરીકે ઓળખાવે છે. ભવિષ્યમાં એ ફોટોગ્રાફ્સ અને એમની સાથેના લખાણની એક કોફીટેબલ બુક તૈયાર કરવાનું એમનું આયોજન છે. અને હા, માનવને ઈન્સ્ટા પર ફૉલો કરો તો આ મુફલિસને ફૉલો કરવાનું નહીં ચૂકતા :p
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર