શિશુપાલને હણતાં પહેલાં…
મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધિષ્ટિરને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થયેલી અને રાજસૂય જેવા મહાન યજ્ઞને સફળ બનાવવા કૌરવો સહિતના કુરુવંશીઓ યુદ્ધિષ્ટિરની સહાયે ઊભા રહેલા. આખાય યજ્ઞની જવાબદારી ખૂદ કૃષ્ણ ભગવાને લઈ લીધેલી અને અત્યંત મોટાપાયે યજ્ઞની તૈયારીઓ શરૂ કરાયેલી. એકતરફ મહેમાનોના સ્વાગત થઈ રહ્યા હતા અને યજ્ઞની હજુ શરૂઆત જ થઈ રહી હતી ત્યાં શિશુપાલે કૃષ્ણનો વિરોધ કરવાનો શરૂ કર્યો અને યજ્ઞના પાવન પ્રસંગે વાતાવરણ ડહોળવાનું શરૂ કર્યું.
શુભપ્રસંગે શિશુપાલે એ હદે નાલાયકી શરૂ કરી કે, યજ્ઞના સ્થળે ભિષ્મ, પરશુરામ, દ્રોણ જેવા અનેક સન્માનિય લોકોની સામે કૃષ્ણ ભગવાન વિશે ફાવે એવા શબ્દોમાં ગાળો ઉચ્ચારવાની શરૂ કરી. એક તરફ શિશુપાલ નાલાયકીની તમામ સીમાઓ વટાવી રહ્યો હતો અને બીજી તરફ કૃષ્ણ પોતાની પાસે સામર્થ્ય હોવા છતાં કશું જ નહોતા કરી રહ્યા. આર્યો શ્રીભગવાનને પૂછી રહ્યા હતા, ‘એવી તે કઈ મજબૂરી છે કે, આ શિશુપાલ જેવા છછૂંદરની હરકતોને કૃષ્ણ નજરઅંદાજ કરી રહ્યા છે?’ ત્યારે કૃષ્ણએ શિશુપાલની માતાએ એમની પાસે લીધેલું એક વચન યાદ અપાવેલું કે, ‘શિશુપાલ સો અપરાધ કરે ત્યાં સુધી મારે એને માફ કરવાનો છે!’
શિશુપાલ પાસે બુદ્ધિ કે નમ્રતા હોત તો એ કૃષ્ણની વિરુદ્ધ સો અપરાધો પણ નહીં કરત, પરંતુ નાપાકોને બુદ્ધિ કેવી નમ્રતા કેવી? એમનો તો ખુવારી એ જ ધર્મ! એટલે એણે કૃષ્ણ જેવા કૃષ્ણ વિશે બેફામ બોલવાનું ચાલું રાખ્યું અને દુનિયા આખીની સામે લાખના માણસને ખાખનો કર્યો. આખરે એની ભ્રષ્ટ બુદ્ધિએ શિશુપાલ પાસે એકસો ને એકમો ગુનો પણ કરાવડાવ્યો અને કૃષ્ણએ કોઈ પણ શેહશરમ વિના એક ઘડીમાં શિશુપાલને હતો ન હતો કરી નાંખ્યો.
આવા શિશુપાલો દરેક સદીઓમાં જન્મ લેતા હોતા હોય છે અને દરેક વખતે આવા શિશુપાલોની અક્કલ ઠેકાણે લાવવું અત્યંત જરૂરી બની જાય છે, નહીંતર નિર્દોષોએ એની કિંમત ચૂકવવી પડતી હોય છે. એક તરફ દેશ તરીકે ભારત વિકાસ અને પ્રગતિનો રાજસૂય યજ્ઞ કરી રહ્યો છે ત્યારે 1947મા અધૂરા માસે જન્મેલો શિશુપાલ સતત આપણા યજ્ઞમાં આતંકવાદના હાડકાં નાંખીને આપણને પજવી રહ્યો છે. 1948 બાદ આજ સુધી ભારતે એની સો નહીં, હજાર બદમાશીઓ નજરઅંદાજ કરી છે, પણ હવે કૃષ્ણની ભૂમિકા ભજવશે કોણ? અહીં એવું કહેવાનો જરાય આશય નથી કે, પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દો. યુદ્ધના પરિણામો ક્યારેય કોઈ એક દેશ ભોગવતો નથી, યુદ્ધની ખુવારી બંને પક્ષે એક સરખી ભોગવવી પડે છે અને જ્યાં સામાન્ય નાગરિકોનું કોઈ ઈનવોલ્વમેન્ટ જ નથી ત્યાં એમના જીવન દાવ પર લગાડવા પણ શું કામ? અમે એમ પણ નથી કહેતા કે અમેરિકાએ જેમ પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને ઠાર કરેલો એમ ત્યાંના આતંકવાદી સંગઠનોને પૂરા કરો.
પરંતુ શું આ ઉપરાંત દેશને આતંકવાદ મુક્ત બનાવવાનો કે પાકિસ્તાનની બોબડી બંધ કરાવવાનો કોઈ બીજો રસ્તો નથી? ત્યાં જઈને ભલે આતંકવાદને ડારી, ડામી ન શકાય પરંતુ ઘરમાં ઠેર ઠેર પથરાયેલા ગદ્દારોને ઠાર નહીં કરી શકાય? પણ શિશુપાલો તો આપણા દેશમાં પણ માતેલા સાંઠની જેમ પડેલા જેઓ, આપણું જ ખાઈને નકમહરામી કરી રહ્યા છે. આપણા દેશમાં વસતા ગદ્દારોની કોઈ પણ મદદ વિના શું આતંવાદીઓ એમના ગંતવ્ય ટાર્ગેટ સુધી ક્યારેય પહોંચી શકે ખરાં? શું આપણી ગુપ્તચર સંસ્થાઓ, સૈન્યની વિવિધ પાંખો, સ્પેશિયલ ફોર્સિસ કે રાજ્યોના સુરક્ષા દળો એટલી હદે દિવ્યાંગ છે કે, એમને દેશમાં મોટાપાયે ચાલી રહેલી હલચલો વિશે રજમાત્ર જાણ નહીં થાય?
વળી, આતંકવાદના મુદ્દે આપણે પાકિસ્તાન બાબતે જેટલી ચિંતા કે વિચાર કરવાની જરૂર છે એટલો જ વિચાર આપણી હાલની સુરક્ષા વ્યવસ્થા અને સરકારની સુરક્ષા અને સૈન્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ માગી લે છે. કારણ કે, આવા હમલા વખતે પાકિસ્તાનની સંડોવણીની સાથે આપણી સુરક્ષા વ્યવસ્થાના છીંડા પણ નજરે ચઢે છે. આપણી આસપાસ માત્ર પાકિસ્તાન જ નહીં, ચીન અને બાંગ્લાદેશ જેવા ઝેરી સાપો પણ વસે છે, જેઓ છાશવારે આપણને ડંખતા રહ્યા છે. પણ દર વખતે આપણે ઉંઘતા ઝડપાઈએ એ કેટલું યોગ્ય?
અરે કંઈ નહીં તોય સરહદો પર સજ્જડ સુરક્ષાનું આયોજન કરવામાં આવે તોય પાકિસ્તાનનું ચકલું આ તરફ ફરકી શકે એવી એની તાકાત નથી. પણ અહીં તો ખપ પૂરતી મોર્ટાર, AK 47 અને કારતૂસો સાથે ધાડેધાડા આપણી ધરતી પર ઉમટી પડે છે, જેમને આપણી સાથે રહેતા ગદ્દારો મદદ પૂરી પાડે છે. તેઓ પૂરી હિંમતથી આપણા વિસ્તારોની રેકી કરે છે અને છડેચોક લશ્કરના ગઢમાં પ્રવેશીને એમના પર હમલા કરે છે.
રાજકીય સભાઓ અને સ્વપ્રચાર માટે થતાં સરકારના જાહેર તાયફાઓ દરમિયાન સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ, અનેક યુવાન પાટીદારોને કે કનૈયા કુમાર જેવાઓને છાશવારે બંદી બનાવી દેતી અને સતત એમના પર દેખરેખ રાખતી દેશની સરકારને આપણી નાક નીચેથી પસાર થતાં આતંકવાદીઓ નજરે નહીં ચઢતાં હોય? કે પછી બધું ધ્યાન રાજકીય ગતિવિધિઓ અને રાજકીય વિરોધીઓ પર જ કેન્દ્રિત કર્યું છે?
આ જ વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન બનવા થનગન થનગન કરતા હતા ત્યારે એકથી વધુ ભાષણોમાં આતંકવાદને મુદ્દે કેન્દ્ર સરકારને આડેહાથે લેતા અને આતંકવાદનો સામનો કઈ રીતે કરી શકાય એની સલાહો આપતા. યુપીએ સરકાર આતંકવાદનો સામનો કેમ નથી કરી રહી એ માટે તેઓ તુષ્ટિકરણ, મતબેંકની રાજનિતિ અને ઈચ્છાશક્તિના અભાવ જેવા કારણો આપતા રહેતા. એક વાર તો એમ સુદ્ધાં કહેલું કે, ‘હિન્દુસ્તાન કી ધરતી પર જબ તક મોદી હૈ તબ તક મૈં આતંકવાદ સે સમજોતા નહીં કરુંગા…’ ડુપલિકેટ શૌર્યની વરખ ચડાવેલા ભાષણો જ્યારે પૂર્વ મુખ્યમંત્રીને મોઢે બોલાતા ત્યારે એમના આંધળા સમર્થકો તો ઠીક દેશના અનેક લોકોને એવી ધરપત મળેલી કે, હવે આતંકવાદ મુદ્દે જરૂર કશુંક નક્કર થશે. પરંતુ કાગડા બધે જ કાળાના સિદ્ધાંત મુજબ મોદીજી વડાપ્રધાન બન્યાં બાદ પણ આતંકવાદી ઘટનાઓ તો બનતી જ રહી . વળી, આ વખતે છૂટા દોર થઈ ગયેલા આતંકવાદીઓએ અસહાય સામાન્ય નાગરિકો પર જ નહીં, પરંતુ લશ્કર પર પણ હમલા કરીને પીઠમાં ખંજર ભોંકતા રહ્યા.
કોઈ ગંભીર આતંકવાદી ઘટના બને અને વીસ જેટલા જવાનો શહિદ થાય ત્યારે રાજનીતિ કરવી અયોગ્ય બાબત છે. સામાન્ય નાગરિકો તો ઠીક વિરોધ પક્ષોએ પણ આવા સમયે સત્તાપક્ષની વિચારધારા સાથે તમારી વિચારધારા મેળ નહીં ખાતી હોય તોય સરકારના કોઇ પણ નિર્ણયનો વિરોધ કર્યા વિના કે એલફેલ લવારો કર્યા વિના સરકારમાં શ્રદ્ધા રાખવી જ રહી. પણ આ સાથે એ સવાલ પણ મહત્ત્વનો છે જ કે, આખરે ક્યાં સુધી આપણા સૈનિકો વગર યુદ્ધ લડ્યે ગદ્દારોની ગોળીઓના શિકાર બનતા રહેશે? વડાપ્રધાને સત્તા મેળવવા પહેલા આતંકવાદ મુદ્દે જે ભાષણો ઠપકારેલા એ માત્ર રાજકીય સ્ટંટ હતો? જે વાતો કરીને તેઓ સત્તાસ્થાને પહોંચ્યા છે એ વાતોનો અમલ ક્યારેય નહીં થાય? જ્યાં ખુદ સૈન્ય સુરક્ષિત નથી ત્યાં સામાન્ય સિવિલિયન સુરક્ષિત રહી શકશે ખરો? આખરે, પાકિસ્તાનને પાઠ પણ ત્યારે જ ભણાવી શકાશે, જ્યારે આપણે આંતરિક રીતે સુસજ્જ હોઈશું. બાકી, આવા લવરમૂછિયાઓ મજાલ નથી કે, આપણી ધરતી પર પગ પણ મૂકી શકે.
ફીલ ઈટઃ
soldiers who lost their lives in Uri are not martyrs. They are victims of our weakness
- પુલકિત શનિશ્વરા, ફેસબુકની એક કમેન્ટમાં
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર