દરિયાલાલની દીકરીની અભિનયથી લેખન સુધીની સફર

05 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

ગયા અઠવાડિયે ગુજરાત સાહિત્ય અકાદમીના વિવિધ પુરસ્કારોની જાહેરાત થઈ, જેમાં નવલકથા વિભાગમાં આપણા બે પ્રિય લેખકોની નવલકથાઓ પ્રથમ અને દ્વિતિય ક્રમે પોંખાઈ. પહેલું પારિતોષિક સૌરભ શાહની 'મહારાજ' નવલકથાને મળ્યું તો બીજું પારિતોષિક વર્ષા અડાલજાની 'લાક્ષાગૃહ' નવલકથાને સાંપડ્યું. આ પત્રકાર માટે ગર્વ લેવા જેવી એક વાત એ છે કે, પ્રથમ અને દ્વિતિય એમ બંને પુસ્તકોની ઓટોગ્રાફ્ડ કોપી અમારી પર્સનલ લાઈબ્રેરીમાં સોહી રહી છે! સૌરભ શાહને અમે ઘણા પાછળથી વાંચેલા અને એમનું જે કંઈ વાંચ્યું છે એ પત્રકારત્વ સંબંધિત જ વાંચ્યું છે. પરંતુ વર્ષા અડાલજાને ઘણી નાની ઉંમરથી વાંચ્યાં છે અને એમના જેવા સર્જકોનું અમને હંમેશાં આકર્ષણ પણ રહ્યું છે. એવું કેટલીય વખત બન્યું છે કે, ગ્રેજ્યુએશન દરમિયાન અમે કેમેસ્ટ્રીના વિષયોની તૈયારી કરવાને બહાને વાંચવા બેઠા હોઈએ અને પાછળથી અમે 'ખરી પડેલો ટહૂકો', 'પાંચ ને એક પાંચ', 'આતશ' કે '' જેવી નવલકથા-વાર્તાના પુસ્તકો સાથે ઝડપાયા હોઈએ. વર્ષ 2006માં 'નવનીત સમર્પણ'માં વર્ષા અડાલજાનો પૂર્ણકદનો ઈન્ટરવ્યુ છપાયેલો, જે અમે રસપૂર્વક વાંચેલો તો ખરો જ પરંતુ જતનપૂર્વક એ કટિંગ્સ સાચવી પણ રાખેલા અને જ્યારે જ્યારે સાયન્સના વિષયોમાંથી ભાગીને લેખક બનવાના ઓરતા જાગતા ત્યારે કટિંગ્સની ફાઈલમાંથી એ ઈન્ટરવ્યુ કાઢતા અને ફરી નવી મુગ્ધતાથી એ વાંચતા. અમને એ પણ યાદ છે કે, મુંબઈમાં 26/11ના હુમલા વખતે મેટ્રો સિનેમા પાસે ગોળીબાર થયાંના સમાચાર મળેલા ત્યારે મુંબઈમાં ઢગલો સંબંધીઓ હોવા છતાં અમે બીજે ક્યાંય નહીં અને સવારે સાત વાગ્યામાં મેટ્રો સિનેમાની પાછળ આવેલા 'ગુલબહાર'માં ફોન જોડેલો અને અમારા પ્રિય લેખિકાની ખેરિયત પૂછેલી કે, 'તમે હેમખેમ છો ને?'

એ લેખિકા અને એમના સર્જનો પ્રત્યેનું આકર્ષણ હજુ પણ નથી ઓસર્યુ અને કદાચ એટલે જ અકાદમીના પુરસ્કારની જાહેરાત પછી અમે પ્રિય લેખિકા અને એમના જીવનને જ લેખના વિષય તરીકે પસંદ કર્યા! ઘણા ગુજરાતીઓ જાણતા હશે કે, વર્ષા અડાલજાએ લેખક થવાનું ક્યારેય વિચાર્યું ન હતું. દરિયાઈકથાઓ આલેખનારા સાહસિક લેખક પિતા ગુણવંતરાય આચાર્ય જીવતા હતા ત્યાં સુધી એમણે કાગળ પર એક અક્ષર સુદ્ધાં નહોતો માંડ્યો. એમને તો અભિનેત્રી થવાનાં અરમાન હતા અને એ સપનાંને સાકાર કરવા માટે દાયકાઓ પહેલા દિલ્હી જઈ એમણે એન.એસ.ડીમાં એડમિશન મેળવેલું. એન.એસ.ડીમાં એડમિશન થયું એ પહેલા એમણે ગુજરાત-મુંબઈમાં જૂની રંગભૂમિ ગજવેલી અને મેઘાણીના 'વેવિશાળ'માં સુશિલા, દર્શકના 'ઝેર તો પીધાં જાણી જાણી'માં રોહિણી અને લોર્ડ મેઘનાદ દેસાઈએ ઈબ્સનના 'ડોલ્સ હાઉસ'ના કરેલા ગુજરાતી રૂપાંતર 'ઢીંગલી ઘર'માં નોરાની મજબૂત ભૂમિકા ભજવીને અભિનેત્રી તરીકેનો પોતાનો સિક્કો જમાવેલો. આ ઉપરાંત પણ એમની સિલકમાં અનેક નાટકો બોલાય છે. પણ વિધિને કદાચ એ મંજૂર નહોતું. નિયતિને વર્ષા અડાલજા અભિનેત્રી તરીકે ઓળખાય એના કરતા લેખિકા કે નવલકથાકાર તરીકે ઓળખાય એવી ઈચ્છા હતી, એટલે તેઓ એન.એસ.ડીમાં પહોંચે એ પહેલા તેઓ માંદગીમાં પટકાયા અને કમને એમણે એન.એસ.ડીમાં જવાનું માંડવાળ કરવું પડ્યું.

જોગ એવો સર્જાયો એ ટૂંકા ગાળામાં એક તરફ પિતા ગુણવંતરાય આચાર્યનું અવસાન થયું, બીજી તરફ એમની નાટ્ય સંસ્થાઓ બંધ થવા માંડી અને જયશંકર સુંદરી પાસે અભિનય માટે ક્યારેય લગ્ન નહીં કરવાના આશીર્વાદ લેનાર વર્ષાબહેને મહેન્દ્રભાઈ અડાલજા સાથે લગ્ન કરી લીધા.ઉપરના ત્રણેય કારણો એક અભિનેત્રીને લેખિકા બનાવવા માટેના મુખ્ય નિમિત્ત બનવાના છે, જે નીચે વાંચવા મળશે. મિત્રસમા પિતાનું અણધાર્યુ અવસાન અને નાટ્ય સંસ્થા બંધ થઈ જવાને લીધે વર્ષાબહેનના જીવનમાં અચાનક ખાલીપો સર્જાયો અને રેડિયોમાં એનાઉન્સર તરીકેની નોકરી એમણે જાતે છોડેલી. એ ગાળામાં એમણે કશુંક અર્થસભર કરવું હતું પરંતુ એ અર્થસભર શું હશે એ વિશે તેઓ સ્પષ્ટ નહોતા. સંજોગવસાત્ 'ગુજરાત સમાચાર'માંથી એમને તાર આવ્યો કે, 'શાંતિભાઈ શાહને મળી જાઓ.' પિતાનું કોઈક કામ બાકી રહ્યું હશે એમ માનીને વર્ષાબહેન મારતે ઘોડે મુંબઈથી અમદાવાદ પહોંચ્યા, જ્યાં એમને મહિલા મેગેઝિન માટે મુંબઈથી રિપોર્ટિંગ કરવાની ઑફર થઈ. જોકે એ સમયે એમને પત્રકારત્વ વિશે ઝાઝી ખબર નહોતી એટલે એમણે સામો પ્રશ્ન કરેલો કે, 'હું રિપોર્ટિંગ તો જરૂર કરીશ પરંતુ રિપોર્ટિંગ એટલે શું અને એ કઈ રીતે કરાય?'

બીજું કોઈ હોત તો પોતાની અણઆવડતથી ગભરાઈને આવી ઑફર ફગાવી દીધી હોત, પરંતુ વર્ષા બહેને એમ નહીં કર્યું અને એમણે મહિલા મેગેઝિન માટે રિપોર્ટિંગ કરવાની પ્રતિબદ્ધતા દાખવી. આપણે પણ આ વાત પરથી ધડો લેવો જોઈએ કે, આપણી પાસે આવડત હોવા કરતા પ્રતિબદ્ધતા હોવી અત્યંત જરૂરી છે. આવડત તો પછી પણ કેળવી શકાય, પરંતુ પ્રતિબદ્ધતા જ નહીં હોય તો ભલભલી આવડત પણ ધૂળધાણી સાબિત થતી હોય છે. આમ, વર્ષ 1966થી વર્ષા અડાલજાએ અકસ્માતથી રિપોર્ટિંગ શરૂ કર્યું. પછી તો 'મુંબઈ સમાચાર'માં 'સૌંદર્યનો શણગાર' નામથી અન્ય એક ફેશન અને બ્યુટી સંબંધિત કૉલમ પણ શરૂ થઈ. જોકે કૉલમ લેખનનું એ કામ કંઈ સર્જનાત્મક કામ નહીં કહી શકાય. વળી, બે કૉલમો લખ્યાં બાદ પણ વર્ષાબહેન પાસે ઘણો સમય બચતો, જેમાં તેઓ આચાર્ય, મેઘાણી અને મુનશીના સાત્વિક સાહિત્ય ઉપરાંત સાવ નાંખી દેવા જેવી નવલક્થાઓ પણ વાંચતા, પણ એમના અંતરને શાંતિ મળતી નહીં. એમની અંદરનો સર્જક ઊભો થવા માટે કદાચ આળસ મરડી રહ્યો હતો પરંતુ એ સર્જકે વ્યક્ત કઈ રીતે થવું એના કોઈ માધ્યમ વિશે વર્ષાબહેનને ત્યારે જાણ નહોતી.

એક સવારે અચાનક એમના પતિ મહેન્દ્ર અડાલજાએ એમને પાર્કર પેન અને થોડા કાગળ ગિફ્ટમાં આપ્યાં અને કહ્યું કે, 'સાંજે હું ઘરેથી આવું એટલામાં નવલકથાની શરૂઆત કરી દેજે.' કદાચ એ દિવસ ગુજરાતી ભાષાના એક નવલકથાકારના જન્મનો દિવસ હતો! ક્રિએટિવ રાઈટિંગ કે નવલકથાના પ્લોટ અથવા ભાષા વિશેની સીમિત જાણકારી સાથે વર્ષા અડાલજાએ નવલકથા લખવાની શરૂઆત કરી અને એક મહિનામાં એમણે એ સસ્પેન્સ નવલકથા પૂરી કરી. કવિ વેણીભાઈ પુરોહિતે એ નવલક્થાને નામ આપ્યું 'પાંચ ને એક પાંચ.' જોકે જ્યારે વર્ષાબહેન એ નવલકથાને લઈને પ્રકાશક પાસે પહોંચ્યાં ત્યારે પ્રકાશકે એમને સસ્પેન્સ નહીં પણ સામાજિક નવલકથા લખવાનું કહ્યું અને વર્ષાબહેન ફરી અવઢવમાં મૂકાયા. વર્ષા અડાલજા જણાવે છે કે, 'એ બપોરે ઘરે આવીને હું ફરી ટેબલ પર બેઠી અને લમણે આંગળી મૂકી નર્મદના પોઝમાં વિચાર કર્યો કે સામાજિક નવલકથા કેમ લખાય?' ... અને બસ બીજા એક મહિનાના ગાળામાં બીજી નવલકથા લખાઇ, 'શ્રાવણ તારા સરવડાં'!

આમને આમ વર્ષાબહેન તબક્કા વાર 'તિમિરના પડછાયા', 'મારે પણ એક ઘર હોય', 'આતશ', 'ગાંઠ છૂટ્યાની વેળા' કે 'ખરી પડેલો ટહૂકો' જેવી સામાજિક નિસ્બત ધરાવતી નવલકથાઓ લખતા ગયા. તમામ નવલકથાઓના સર્જન પાછળ પણ અત્યંત રસપ્રદ વાતો છે, પરંતુ એ વિશેની વાતો ફરી ક્યારેક. નવલકથાની સાથોસાથ તેઓ ટૂંકી વાર્તાઓ પણ લખતા ગયા અને 'કોઇ વાર થાય કે...', 'અનુરાધા', 'ગાંઠે બાંધ્યું આકાશ' કે 'સાંજ ને ઉંબર' જેવા વાર્તા સંગ્રહો આપતા ગયા. સમયાંતરે એમના પુસ્તકોને રાજ્ય અને કેન્દ્રના અનેક પારિતોષોકો પણ એનાયત થતાં રહ્યા.

એમની લેખન પદ્ધતિના વિવિધ તબક્કા છે. વાર્તા-નવલકથા માટેનો વિષય નક્કી થતાં જ તેઓ વિષયને અનુરૂપ સામગ્રીઓ મેળવીને સંશોધન શરૂ કરી દે છે, જરૂર પડે તો જે-તે સ્થળોની મુલાકાત લઈ આવે છે અને જરૂર મુજબના લોકોને મળ્યાં બાદ એ વાર્તામાં એમની કલ્પનાની ગૂંથણી કરે છે. લેખન પ્રત્યે તેઓ એટલા બધા પ્રતિબદ્ધ છે કે, એમણે એમની પ્રેગનન્સી વખતે હોસ્પિટલના બિછાને સૂતા સૂતા પણ લખ્યું છે. પોતે બે દીકરીઓના માતા હોવા ઉપરાંત માથે ઘરની જવાબદારીઓ પણ હોવાને કારણે એમણે વર્ષો સુધી મળસકે ચાર વાગ્યે ઉઠીને રસોડામાં બેસીને લખ્યું છે. રાત્રે સૂતા ભલે ગમે એટલા વાગે પરંતુ સવારે પોણા ચારને ટકોરે વર્ષાબહેન ઊઠી જ પડે અને ચાર વાગ્યે તેઓ પોતાની ટેબલ પર જ હોય. આ તો ઠીક જ્યારે એમની દીકરીઓ માંદી પડતી ત્યારે એક હાથે તેઓ દીકરીના કપાળે પોતાં મૂકતા હોય તો બીજા હાથે તંત્રીલેખો લખતા હોય. ગુજરાતી જેવી ભાષામાં સર્જન કે પત્રકારત્વને આર્થિક ઉપાર્જન સાથે આજે પણ કોઈ લેવાદેવા નથી ત્યારે વર્ષા બહેને એમના જીવનનો મોટાભાગનો સમય લેખનને આપ્યો છે એ વાત સરાહનીય પણ છે અને પ્રેરણાદાયી પણ છે.

એમની અનેક નવલકથાઓ-વાર્તાઓ પરથી નાટકો કે ટેલિવિઝન સિરિયલો બની છે. એમાંનો કિસ્સો ઘણો ચર્ચિત છે. એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મે એનડીટીવી ઈમેજિન પર 'બંદિની' નામની સિરિયલ શરૂ કરેલી. એ સિરિયલનો પ્લોટ અને બીજી અનેક બાબતોની ઉઠાંતરી વર્ષાબહેનની 'રેતપંખી' નામની નવલક્થા પરથી કરાયેલી, જેની પરવાનગી તો ઠીક વર્ષાબહેનને એની જાણ પણ નહોતી કરાઈ. એક સર્જક તરીકે વર્ષાબહેનને અત્યંત લાગી આવ્યું કે, આવું તો કેટલાય સર્જકોની મૌલિક કૃતિઓ સાથે થતું હશે અને એમની મૂળ કૃતિનું રૂપાંતરણ કરીને અનેક લોકો લાખોની રોકડી કરી લેતા હશે. આ કારણે સિત્તેર વર્ષની ઉંમરે વર્ષા બહેને કાયદાકીય લડત આપી અને પોતાનો પક્ષ પોતે જ મૂકીને મજબૂત પુરાવા એકઠા કર્યા. જોકે ત્રણેક વર્ષની લડત બાદ ચુકાદો એમની તરફેણમાં આવ્યો અને બાલાજી ટેલિફિલ્મ્સે એમને યોગ્ય વળતર આપવું પડેલું.

વર્ષા અડાલજા એમના જીવનમાં એક જ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ સંસ્થા છે, ગુજરાતી સાહિત્ય પરિષદ. વર્ષાબહેને પોતે જ ક્યાંક નોંધ્યું છે કે, લેખનની શરૂઆત કરેલી ત્યારે કે એ પહેલા સાહિત્ય કોને કહેવાય અને સાહિત્યમાં કેટલા પ્રકારો હોય એ વિશે એમને કોઈ ખ્યાલ ન હતો. પરંતુ આજીવન નિષ્ઠાપૂર્વક લેખન કરનારા આ સર્જક પાછળ જતાં એ જ સાહિત્ય પરિષદના પ્રમુખ બને છે. સાહિત્ય જગતમાં અત્યાર સુધીમાં અનેક વિવાદો થયાં છે પરંતુ એ વિવાદોમાં ગુણવંતરાય આચાર્યની બંને દીકરીઓના નામ ગાજ્યાં હોય એવું બન્યું નથી. વર્ષા અડાલજાની સાથોસાથ એમના બહેન ઈલા આરબ મહેતાએ પણ પિતાનો સંસ્કાર વારસો જાળવી રાખ્યો છે અને ગુજરાતની પ્રજાને તેઓ અનેક સત્ત્વશીલ અને વિચારપ્રેરક સર્જનો આપતા રહ્યા છે.

વર્ષા અડલાજા આજે 76 વર્ષની ઉંમરે પણ લેખન અને સાહિત્ય ક્ષેત્રે અત્યંત સક્રિય છે. હજુ પણ દિવસના ચારથી પાંચ કલાક તેઓ લખે છે અને બાકીનો સમય વાંચનમાં વીતાવે છે. 'મુંબઈ સમાચાર'માં એમની એક સાપ્તાહિક કૉલમ પ્રકાશિત થાય છે અને થોડાં જ દિવસોમાં એમની 'ક્રોસરોડ' નામની નવલકથા પ્રકાશિત થઈ રહી છે, જેના પર એમણે પાંચેક વર્ષ સુધી માત્ર સંશોધન જ કર્યું હતું! આ લેખ માટે અમે જ્યારે એમને ફોન જોડ્યો ત્યારે તેઓ અમદાવાદથી મુંબઈની ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતા. ફોન મૂકતા પહેલા અમે એમને પૂછી લીધું કે, 'ક્યાં સુધી લખતા રહેશો?' તો તેઓ કહે છે કે, 'જ્યાં સુધી લખાશે ત્યાં સુધી લખીશ. મેં કોઈ સિમા બાંધી નથી.' લેખન-પત્રકારત્વના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે કે જીવનમાં કંઈક સારું કામ કરવાની ખેવના ધરાવતા લોકો માટે વર્ષા અડાલજા એક જીવંત ઉદાહરણ છે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ધ્યેયને વળગી રહેવું અને સતત પ્રયત્નો અને અથાક મહેનત કરીને બર આવવું. રણજીત રામ સુવણચંદ્રક, સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ, કેન્દ્રિય સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય પરિષદના અનેક પારિતોષિકો પ્રાપ્ત કરનાર આ સર્જકની યશ કલગીમાં હજુ એક પારિતોષિકનો ઉમેરો થયો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન.

 

ફીલ ઈટઃ

 ❛ जिस में जान है
उसको कपडे भी नसीब नहीं

जो बेजान है
उसकी शान देखो ❜

child-a

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.