ચાહવું એટલે…?
ગયા મંગળવારે ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં મેં ઈચ્છા વ્યક્ત કરેલી કે, હિમાંશી શેલતના મારા પ્રિય બે પુસ્તકો ‘વિક્ટર’ અને ‘પ્લેટફોર્મ નંબર ચાર’ વિશે કંઈક લખવું છે. તો ચાલો આજે ‘વિક્ટર’થી આપણી વાત માંડીએ. ‘ગુર્જર ગ્રંથ કાર્યાલય’ દ્વારા પ્રકાશિત ‘વિક્ટર’ની પહેલી આવૃત્તિ વર્ષ 1999મા આવેલી. હજુ ગયા અઠવાડિયે જ હિમાંશી શેલતના ‘સર્જકોત્સવ’ દરમિયાન મેં એ પુસ્તકની ફરી ત્રણેક કોપી લીધી, જેમાં પુનઃમુદ્રણ કે બીજી કે ત્રીજી આવૃત્તિ બાબતની કોઈ નવી માહિતીનો ઉલ્લેખ જોવા મળ્યો નથી એટલે હાલ પૂરતું આપણે એમ માની લેવાનું કે, વાચક તરીકે આપણો ટેસ્ટ જરા જુદો છે! અને જો કદાચ એવું બન્યું હોય કે, મારી પાસે પુસ્તકની જૂની કોપીઓ આવી હોય તો એને ઓચ્છવની વાત ગણવાની!
આપણી ભાષામાં ‘વિક્ટર’ એ હિમાંશી શેલતની યુનિક સ્મરણકથા છે. યુનિક એ સંદર્ભે કે, એમાં હિમાંશી શેલતે પ્રાણીઓ સાથેના એમના સ્મરણો રજૂ કર્યા છે. હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી વલસાડ ‘સખ્ય’માં રહેવા આવેલા ત્યારે એમને ત્યાં વિક્ટર નામના બ્રાઉન લેબ્રા બ્રિડના શ્વાનનો સાથ મળેલો અને અકાળે અવસાન પામેલા એ શ્વાનના નામે જ એમણે આ સ્મરણકથાનું નામ પણ રાખેલું. જોકે ‘વિક્ટર’માં વિક્ટર ઉપરાંત સુરતના ઘરનો લિયો નામનો આલ્સેશિયન શ્વાન, વિક્ટર બાદ ‘સખ્ય’માં આવેલો લેબ્રા સોનું કે લાલીયા નામના એક સ્ટ્રીટ ડોગની વાત તો ખરી જ, પરંતુ બાબુરાવ નામે એક વાનર અને શ્યામલ, પારકો કે નાનકો જેવા માર્જારો વિશેની વાતો પણ એમાં અત્યંત લાગણીસભરતાથી આલેખવામાં આવી છે. વિક્ટર તો ઘણા વર્ષો પહેલા પ્રકાશિત થયેલી, પણ જે મિત્રોએ હિમાંશી શેલતની આત્મકથા ‘મુક્તિ વૃત્તાંત’ વાંચી હશે એમને એ પણ ખ્યાલ હશે કે, હિમાંશીબેને એમાં શ્યામ સુંદર નામના એક કોબ્રા નાગની વાત પણ ખૂદ રસપ્રદ રીતે વર્ણવી છે. આ યાદી લંબાવવાનો આશય માત્ર એટલો જ કે, વાચકોને ખ્યાલ આવે કે, આ સર્જકના વહાલનો વિસ્તાર ક્યાં સુધીનો છે!
ખૈર, ‘વિક્ટર’માં દર્શાવાયેલા કિસ્સા અને વાતોમાંથી પસાર થઈએ એ પહેલા હિમાંશી શેલતે પુસ્તકમાં ‘ચાહવું એટલે…’ નામે લખેલી પ્રસ્તાવનામાંથી પસાર થવું પડે, જેમાં સર્જકે કેટલીક વાતો અત્યંત ચોટદાર રીતે આલેખી છે, જે વાંચીને આપણામાં જરા સરખી સંવેદના હોય તો આપણે જ આપણી જાતને કઠેરામાં ઊભી કરી દઈએ કે, આસપાસમાં વસતા-જીવતા જીવોથી છેક આંખ આડા કાન કરી લેવાના?
પ્રસ્તાવનામાં સર્જક સૌથી પહેલા લખે છેઃ ‘પ્રાણીઓને જોઉં છું કે મારી આંખોનો રંગ બદલાઈ જાય છે એની મને ખબર છે. મરતી જતી માણસાઈને વર્ણવતા અખબારી સમાચારો અને સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા મોટા લોકના ગોબરા અહેવાલો વાંચીવાંચીને, ચોમેર ખદબદતાં સ્વાર્થ, ઉદાસીનતા અને કાવાદાવાની અરાજકતા જોઈજોઈને ચમક અને ઉલ્લાસ ખોઈ બેઠેલી આ આંખોમાં રંગો રેલાવા માંડે છે.’
હિમાંશી શેલતના જીવન સંદર્ભે વાત કરીએ તો એમને માણસો કરતા પ્રાણીઓ સાથે વધુ ફાવ્યું છે અથવા એમ કહી શકાય કે, પ્રાણીઓની હૂંફ, એમનો બિનશરતી પ્રેમ અને આપણામાં ભરોસો મૂકવા સદૈવ તૈયાર એ આંખોના ભોળપણે એમને સતત પ્રાણીઓ તરફ આકર્ષયા છે. આ પ્રસ્તાવનામાં જ એમણે કબૂલ્યું છે, ‘માનવમૈત્રીમાં હું લગભગ પાછી પડી છું એમ કહેવાય. સાવ ઓછા-આંગળીને વેઢે ગણું તો વેઢાયે વધી પડે એટલા ઓછા- મૈત્રીસંબંધો છે. જે મોકળાશ મેં પ્રાણીઓ સાથેના સંબંધમાં અનુભવી છે એની વાત જ નોખી છે. મને પાકી ખબર તો નથી, કારણ કે એવી સ્થિતિ કદી ઉદભવી નથી, તો યે મને ઘણી વાર એવું લાગ્યું છે કે મારી આસપાસ માણસો નહીં હોય તો ચલાવી લઈશ, પણ પ્રાણીઓ વિના મને નહીં ગોઠે. ક્યારેક વિચારું છું કે પાસે કોઈ પ્રાણી ન હોય તો મને કંઈક અતિ મહત્ત્વનું ખૂટે છે એવી લાગણી કેમ રહ્યા કરે છે?’
પ્રાણીઓ સાથે મૈત્રી કેળવાતી હોય ત્યારે માણસને થોડા બંધનો અથવા જવાબદારીઓ પણ આવતા હોય છે, જેને સ્ટ્રીક્ટલી ફૉલો કરવું પડતું હોય છે, નહીંતર પ્રાણીઓની વલે થતી હોય છે. આ લખનારને ત્યાં બિલાડી, માછલીઓ અને એક્વેરિયમ ટર્ટલ્સ ઘરના સભ્યો બનીને રહે છે ત્યારે દિવસમાં ત્રણેક વખત એમને ખવડાવવાથી માંડી એમને સ્વચ્છ પાણી પ્રોવાઈડ કરવાની જવાબદારી કે, અત્યંત મનસ્વી બિલાડીના મળ દૂર કરવાથી લઈ ત્રણેક દિવસના અંતરે એને એના પોટ્ટી ટબમાં નવી રેતી આણી આપવા સુધીની જવાબદારીઓ આપણે માથે રહેતી હોય છે. આ તો ઠીક ક્યારેક એમને કંઈ વાગી જાય ત્યારે કે એમની નાની-મોટી માંદગીમાં એમની ચાકરી કરવા જેવી જવાબદારીઓ પણ એના કેર-ટેકરના શિરે રહેતી હોય છે. પરંતુ પ્રાણીઓની આપણા પ્રત્યેની ચાહતની તીવ્રતા એટલી ગાઢ હોય કે, આવી નાનીમોટી જવાબદારીઓ ગણતરીમાં સુદ્ધાં નથી આવતી!
જોકે હિમાંશી શેલતના ઘરે તો કંઈ બે કે ત્રણ નહીં, પણ જુદા જુદા કૂળના પ્રાણીઓ હંમેશને માટે આશરો લઈને રહે. આગળ કહ્યું એમ એ યાદીમાં ચાર-પાંચ બિલાડીઓ, ઘરે રાખેલો સારી બ્રિડનો શ્વાન, પાંચ-છ સ્ટ્રીટ ડોગ્સ, આસપાસ ઝાડ પાસે ફરતી ખિસકોલીઓ કે વિવિધ પક્ષીઓની રોજિંદી આવનજાવન રહે. આટલા બધા મહેમાનો એકસાથે ઘરે આવતા હોય ત્યારે એમની સરભરા કરવાનું કામ કંઈ સહેલું નહીં. વળી પાછું એ બધાને કંઈ એકબીજા સાથે ફાવે નહીં. નાનીમોટી વાતે ડખો થાય તો મહેમાનો એમનું મેનરિઝમ માળિયે ચઢાવીને રમખાણ મચાવી મૂકે! અને આ બધા પાછા કંઈ ફોન કરીને કે સમય માગીને પણ નહીં આવે અને આવે ત્યારે યજમાન કેટલા કામમાં છે કે પોતાના આગમનથી યજમાનને શું હાડમારીઓ થશે એનીય એમને ચિંતા ન થાય! ઘરે આવ્યા એટલે એમને જોઈતું હોય એ દિલથી માગે અને હિમાંશીબેન ગાંઠિયા, બિસ્કિટ, દૂધ, રોટલી કે પાણીની માગણી પૂરી કરે એટલે ‘ચાલો આવજો, ફરી મળીશું. ધન્યવાદ’ની ઔપચારિકતા કર્યા વિના પોતાની દિશામાં ડાળે પડે.
આવે ટાણે માણસની સ્વતંત્રતા છીનવાય, એની જવાબદારીઓ વધે કે એકાગ્રતાથી ચાલી રહેલા કામમાં ખલેલ પડે એ સ્વાભાવિક વાત કહેવાય. આ બાબતે એમણે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી છે, ‘તટસ્થપણે જોઉં તો પ્રાણીનું નજીક હોવું બંધનરૂપ છે. એને મૂકીને બે કે ત્રણ દિવસથી વધારે બહારગામ જવાતું નથી, એને જોડે લઈ જવાનું ઉપાધીરૂપ છે, ગણતરીના દિવસો અનિવાર્ય કામ માટે બહાર ગાળવા પડે ત્યારેય એને માટે પાકી વ્યવસ્થા કરવી પડે છે, જેને સોંપીને જઈએ એ વ્યક્તિ જોડે પ્રાણીનો મેળ કેવોક છે એનું ધ્યાન રાખવું પડે છે. ટૂંકમાં પ્રાણીના હોવાથી મારી સ્વતંત્રતા પર અવશ્ય કાપ મૂકાય છે. અને તોપણ એનું મારી નજીક હોવું મેં ખૂબ જરૂરી માન્યું છે.’
પ્રાણીઓ પ્રત્યેની આ ચાહતને કારણે જ હિમાંશી શેલતને અંગત રીતે માણસની નાલાયકી કે એની બેહૂદી હરકતોને કોઈ પ્રાણીઓ સાથે સરખાવે એ પસંદ નથી. ‘આ કૂતરા જેવો છે. કે ગઘેડા જેવું એનું વર્તન છે’ એવું કહેવાતું હોય ત્યારે હિમાંશીબેન એ સાંખી નથી શકતા. કારણ કે, તેઓ માને છે કે આ પૃથ્વી પર સૌથી વધુ ઉપદ્રવ આપણે માણસની જાતે જ ફેલાવ્યો છે. ‘મર્યાદાભંગ અને બીજી અવળચંડાઈ તો માણસને પક્ષે છે. જો કોઈ પ્રાણી સમજદારીભર્યું વર્તન કરે અથવા તો એમાં કંઈક ઉચ્ચ અને ઉમદા જોવા મળે તો એને(પ્રાણીને) ‘માણસ જેવું’ કહેવાને બદલે કંઈક અન્ય અભિવ્યક્તિ શોધવી રહી. સમજદારીભર્યા વર્તનનો માણસનો ઈજારો તો ક્યારનોયે પતી ગયો છે.’
આ તો જસ્ટ પ્રસ્તાવનાની વાત થઈ. હજુ તો બાબુરાવ, મેબલ, પારકો, વીકી અને સોનું જેવા અનેક મિત્રો તમારી સાથે ઓળખાણ કરવા ઉત્સાહમાં છે અને એટલે જ આવતા મંગળવાર સુધી રાહ નહીં જોવાય. એટલે વચ્ચે પણ એકાદ દિવસે આપણે ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’ માણવું જ પડશે. તો મળીએ એકાદ સરપ્રાઈઝ લેખ સાથે.
ફીલ ઈટઃ
પ્રાણીઓથી ડરતા કે એમની ઉપેક્ષા કરતા, એમના તરફ ટાઢાબોળ રહેતા સમુદાય માટે આ સામગ્રી નથી. છતાં ખુલ્લું મન રાખી, કુંઠાઓ ફગાવી, એકાદ વાર મિત્રની નજરે પ્રાણીને જોવા જેવું ખરું. કોને ખબર એમ કરતાં વટલાઈ પણ જવાય!
અને પ્રાણીઓને હૈયું ભરીને ચાહતા, એમના સાન્નિધ્યે પૂરેપૂરા ખીલી ઉઠતા પેલા મુઠ્ઠીભર માણસોને તો ઉમેદથી એમ જ કહીશ કે May our Tribe Increase!
- -‘વિક્ટર’ની પ્રસ્તાવનામાં હિમાંશી શેલત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર