સ્ત્રી સમોવડા થવાની ઝંખના

07 Mar, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: ladysmithgazette.co.za

જીવનદાત્રીઓ, જીવનસાથીઓ…

આવતીકાલે આઠમી માર્ચ છે એટલે દુનિયાભરમાં તમારી બિરદાવલી ગવાશે. તમારા માનમાં અનેક કાર્યક્રમો યોજાશે અને અનેક શક્તિશાળી, સત્તાધારી તેમજ પ્રભાવક લોકો તમારા યોગદાન, સમાજમાં તમારું સ્થાન અને તમારી સુરક્ષા બાબતે લખશે કે બોલશે. અધૂરામાં પૂરું પોકળ નારીવાદીઓ પણ ઠેરઠેર નારીવાદના ઝંડા લઈને રસ્તાઓ પર ઉતરી પડશે. એમાં એક આ વધારાના પત્રનું મૂલ્ય કેટલું કે એની અસરકારકતા કેટલી એની મને ખબર નથી. વળી, એક દિવસનો તાયફો કરીને વર્ષ આખું ‘જૈસે થે’ની સ્થિતીમાં રહેવાના મતનો પણ હું નથી. પણ તોય આઠમી માર્ચનો દિવસ તમારા માટે મુકર્રર કરાયો છે તો આ દિવસે મારે તમને કેટલાક વચનો આપવા છે અને તમારી માફી પણ માગવી છે.

પહેલા માફી માગી લઉં. અમારા ઈતિહાસના મૂળિયાં રાવણ અને દુઃશાસન સુધી વિસ્તરેલા છે અને યુદ્ધો અમારી નાલાયકીના પુરાવા છે. યુદ્ધોમાં લડીને અમે તમારા પિતા-પતિ-ભાઈ કે પુત્રોને જ નથી છીનવ્યા, પણ તમારા શીલ પણ છડેચોક ચૂંથ્યાં છે. ક્યારેક ઉંઘમાં એ લોહીઝાણ ચીસો સંભળાય ત્યારે સફાળા બેઠા થઈ જવાય છે અને કપાળે બાઝેલો પસીનો હથેળીથી લૂંછું ત્યારે હાથમાં એસીડની બળતરા થઈ આવે છે. એ કદરૂપા ચહેરાઓ દેખાય છે મને મારી હથેળીઓમાં, જે ચહેરા પરનું લાવણ્ય અમે સલ્ફ્યુરિક છાંટાઓથી પીંખી નાંખ્યું હતું…

શહેરના રસ્તાઓ પર નીકળવાનું થાય છે ત્યારે ટટ્ટાર ગરદન રાખી સામેની દિશામાં જોઈ નથી શકાતું. મારી ગરદન શરમથી સહેજ ઝૂકી જાય છે અને આંખોમાં કોઈએ મરચાંની ભૂકી નાંખી હોય એમ અસહ્ય બળતરા થાય છે. કદાચ એ મારું પ્રાયશ્ચિત હશે, રસ્તે નીકળતી સ્ત્રીઓને છડેચોક છેડવાનું… એને પોતાને ગૂંગળામણ થઈ આવે એ રીતે એના સ્તન અને એના નિતંબને રાક્ષસી વાસનાથી તાકવાનું અને જેની સાથે કોઈ જ નિસ્બત નથી એવી કોઈ નારી વિશે અશોભનિય બોલવાનું… જોકે આટલું પ્રાયશ્ચિત પૂરતું નથી જ નથી. ખરું પ્રાયશ્ચિત ત્યારે જ થશે, જ્યારે અમે તમારા માટે ઊભા કરેલા કેટલાક વિશેષણોનો નાશ કરીશું અને સ્ત્રીને માલ, આઈટમ કે ટોટ્ટા જેવા પદાર્થલક્ષી વિશેષણોથી નહીં સંબોધી, એને વ્યક્તિ તરીકે જોઈ, એના વ્યક્તિત્વનું સન્માન કરીશું.

પ્રાયશ્ચિતની સાથે જ મારે કેટલાક પ્રોમીસ પણ આપવા છે. જોકે એ પ્રોમીસ તમને હશે છે કે અમારી પોતાની જાત માટે છે એની મને ખબર નથી પડતી. બહાર તો ઠીક, ઘરમાં પણ અમે તમારી હાડમારીઓને ગણકાર્યા વિના તમારા યોગદાનને અવગણી કાઢીએ છીએ. વહેલી સવારથી ઉઠીને વેદના કરતી સ્ત્રી ક્યારેય પોતાને ભાવતા પકવાનની પરવા નથી કરતી, છતાં મહિને-પંદર દિવસે એક વખત બજારમાં શાકભાજી નહીં મળવાથી કે કોઈક અન્ય કારણથી તમે અમને ઓછું ભાવતું શાક બનાવો ત્યારે અમે ન કહેવાનું કહીએ છીએ અને આખું ઘર માથે લઈએ છીએ. હવેથી એ શાક હસતે મોઢે ખાઈ લેવું છે. ન ભાવતા શાક ખાઈને કોઈનું મૃત્યુ થયું હોય એવું ક્યાંય વાંચવામાં નથી આવ્યું… તો એક દિવસ એ ખાઈ લઈએ તો કંઈ ખાટુંમોળું નથી થઈ જવાનું. પણ તમને હવે નાહકનો સંતાપ નથી આપવો.

એ જ રીતે સાંજની જમવાની થાળી પાંચ-પંદર મિનિટ મોડી આવે તો, ‘આખો દિવસ ઘરમાં હો છો તો શું જખ મરાવો છો?’ એવી બૂમરાણ મચાવી તમારા જીવને ઉચાટ નથી આણવો. અમને એ સમજાઈ ગયું છે કે, આખો દિવસ ઘરમાં કંઈ એક કામ નથી હોતા… એવા અનેક કામો હોય છે, જે અમે જીવનમાં ક્યારેય કર્યા જ નથી એટલે એ કામનું મૂલ્ય શું કે એ કરતી વખતે કેટલી મુશ્કેલીઓ નડે એની અમને ખબર નથી હોતી. બની શકે તો એ કામોમાં પણ અમે તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશું અને તમારા પોતાના અરમાનોની ભ્રૂણહત્યા કરીને તમારા ખભે લાદી દીધેલા ભારને હળવો કરવાનો પ્રયત્ન કરીશું. બની શકે એ રીતે અમે તમારું ઋણ ફેડવાનો પ્રયત્ન કરીશું…

જાહેર સ્થળોએ તમારી કમ્ફર્ટનું ધ્યાન રાખીશું અને કોઈ વાહિયાત કમેન્ટ કરીને કે તમારા તરફ તાકીને તમને ક્ષોભજનક સ્થિતિમાં નહીં મૂકીએ. એ વાતનું હંમેશાં ધ્યાન રાખીશું કે, તમે કોઈ વાસનાનું સાધન નહીં, પણ કુદરતનું શ્રેષ્ઠ સર્જન છો. તમે નહીં હોત તો આ માનવ સંસ્કૃતિ ક્યારનીય નાશ પામી હોત, પરંતુ તમે તમારી લાગણી, હૂંફ, વાત્સલ્ય અને સંસ્કારથી માનવ સંસ્કૃતિને સીંચી છે અને એનું જતન કર્યું છે.

આજે તમને તમારો હક આપવવા વિશેની કોઈ વાત નથી કરવી. કે નથી સમાનતાના બણગા ફૂંકવા. કારણ કે, તમને હક આપવો એ અમારી લાયકાતની બહારની બાબત છે. તમે તમારો હક જતો કરી શકો છો, બાકી તમારો હક છીનવી લેવાની અમારી શું વિસાત? 

સ્ત્રીને પુરુષ સમોવડી કરવાની વાત આવે ત્યારે પણ મને આશ્ચર્ય થાય છે કે, નથી તો પુરુષમાં સ્ત્રી જેટલો સમર્પણભાવ, નથી એનામાં સ્ત્રી જેટલી વફાદારી કે નથી એનામાં સ્ત્રી જેટલા લાગણી-સમજ અને પ્રેમ કરવાની આવડત. તો પછી સ્ત્રીએ પુરુષ સમોવડા થવાનું હોય કે પુરુષે સ્ત્રી સમોવડા થવાનું હોય?

ખૈર, આવી તો અનેક વાતો છે, જે બદલ મારે તમારી માફી માગવાની છે અથવા તમને પ્રોમીસ આપવાના છે. પરંતુ આ કેટલીક પ્રાથમિક બાબતો હતી, જેનું મારે, અમારે ધ્યાન રાખવું જ રહ્યું. તમને એક સ્વસ્થ અને જીવવા લાયક દુનિયાની ભેટ આપવી એ અમારું કર્તવ્ય છે. એ દિશામાં નક્કર કામ કરવું અમારી જવાબદારી છે.

આજીવન તમારા ઓશિંગણ

અમે.

 

ફીલ ઈટઃ

ओ अच्छी लड़कियों

तुम मुस्कुराहटों में सहेज देती हो दुःख

ओढ़ लेती हो चुप्पी की चुनर

 

जब बोलना चाहती हो दिल से

तो बांध लेती हो बतकही की पाजेब

नाचती फिरती हो

अपनी ही ख्वाहिशों पर

और भर उठती हो संतोष से

कि खुश हैं लोग तुमसे

 

ओ अच्छी लड़कियों

तुम अपने ही कंधे पर ढोना जानती हो

अपने अरमानों की लाश

तुम्हें आते हैं हुनर अपनी देह को सजाने के

निभाने आते हैं रीति रिवाज, नियम

 

जानती हो कि तेज चलने वाली और

खुलकर हंसने वाली लड़कियों को

जमाना अच्छा नहीं कहता

 

तुम जानती हो कि तुम्हारे अच्छे होने पर टिका है

इस समाज का अच्छा होना

 

ओ अच्छी लड़कियों

तुम देखती हो सपने में कोई राजकुमार

जो आएगा और ले जायेगा किसी महल में

जो देगा जिन्दगी की तमाम खुशियाँ

संभालोगी उसका घर परिवार

उसकी खुशियों पर निसार दोगी जिन्दगी

बच्चो की खिलखिलाह्टों में सार्थकता होगी जीवन की

और चाह सुहागन मरने की

 

ओ अच्छी लड़कियों

तुम थक नहीं गयीं क्या अच्छे होने की सलीब ढोते ढोते

 

सुनो, उतार दो अपने सर से अच्छे होने का बोझ

लहराओ न आसमान तक अपना आँचल

 

हंसो इतनी तेज़ कि धरती का कोना कोना

उस हंसी में भीग जाये

 

उतार दो रस्मो रिवाज के जेवर

और मुक्त होकर देखो संस्कारों की भारी भरकम ओढनी से

 

अपनी ख्वाहिशों को गले से लगाकर रो लो जी भर के

आँखों में समेट लो सारे ख्वाब जो डर से देखे नहीं तुमने अब तक

 

ओ अच्छी लड़कियों

अब किसी का नहीं

संभालो सिर्फ अपना मान

 

बेलगाम नाचने दो अपनी ख्वाहिशों को

और फूंक मारकर उड़ा दो सीने में पलते

सदियों पुराने दुःख को

 

पहन के देखो

लोगों की नाराजगी का ताज एक बार

और फोड़ दो अच्छे होने का ठीकरा

 

ओ अच्छी लड़कियों...

 

-પ્રતિભા કટિયાર

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.