ઈશ્વર અને સાધુઓ પાસે અપેક્ષાઓ નહીં રાખવાની
સાધુઓ, અઘોરીઓ કે નાગાબાવાઓની દુનિયા ઘણી અનોખી હોય છે. જોકે આપણા દેશની પ્રજા માટે આ બાવાઓ બહુ કૌતુક ઊભુ કરતા નથી. જૂજ ફોટોગ્રાફર્સ, પત્રકારો કે ચિત્રકારોને બાદ કરતા બહુ ઓછા એવા લોકો હશે, જેઓ આ બાવાઓના જીવનને ઘણી નજીકથી જોતાં- અનુભવતા હશે. શરીરે ભભૂત ચોપડતા, હાથમાં કમંડળ અને ત્રિશૂળ ધરતા અને માથે વિચિત્ર આકારોની જટા ધારણ કરતા મોટાભાગના નાગાબાવાઓ કે સાધુઓને ભગવાન શીવ પ્રત્યે અત્યંત આકર્ષણ હોય છે. અલબત્ત, સાધુઓને નામે કેટલાય ધૂતારા ધર્મનો વેપાર પણ કરતા હોય છે, તો કેટલાક ડરપોકો જીવનની વિટંબણાઓ સામે ઝીંક નથી ઝીલી શકતા ત્યારે સંન્યાસ નામે પલાયન સાધી લેતા હોય છે, પરંતુ આવા હજારોને બાદ કરતા લાખો એવા સંન્યાસી જીવો, શીવને પામવા માટે જાત તો શું એમનું આખું જીવન ફના કરી દેતા હોય છે.
હાલમાં ઉજૈનમાં સિંહસ્થ કુંભ ચાલી રહ્યો છે ત્યારે નગાબાવાઓ કે અન્ય સાધુઓના ફોટોગ્રફ્સ કે એમના સંદર્ભના સમાચારો આપણને નિયમિત વાંચવા મળે છે. ભારત સહિત દુનિયાભરના ફોટોગ્રાફર્સ, પત્રકારો, લેખકો કે ફિલ્મ મેકર્સ આપણા દેશમાં વિવિધ સ્થળોએ ભરાતા કુંભ મેળાની કાગડોળે રાહ જોતાં હોય. કુંભમેળા દરમિયાન દેશભરના સાધુઓ પોતપોતાના અખાડા તૈયાર કરે છે અને ક્ષિપ્રા, ગંગા અને ગોદાવરીને કિનારે દિવસો સુધી હરેફરે છે, ભક્તિ કરે છે, મહાસ્નાનોનો લાભ લે છે અને શીવને પામવાની મથામણમાં રમમાણ રહે છે.
તમે આ વાંચી રહ્યા છો ત્યારે આ લખનાર પણ ઉજૈનની ગલીઓમાં રખડપટ્ટી કરતો હશે અને ક્ષિપ્રાને કિનારે ધૂણી ધખાવીને બેઠેલા નાગાબાવાઓ, સાધુઓની મુલાકાતો લઈને એમના જીવન, એમની માન્યતાઓ અને પરમ તત્ત્વમાં એમની શ્રદ્ધા વિશેની જણકારી મેળવી રહ્યો હશે.
મને જે જાણકારી મળશે એ બધી વાતો ચોક્કસ જ આવનારા દિવસોમાં આપણે અહીં કરીશું, પણ આજે આપણે એક કલાકાર અને અલગારી જીવની વાતો કરીએ. આ અલગારી જીવ એટલે ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈ, જેઓ 2007ના અલાહાબાદના કુંભ વખતે નાગા સાધુઓ સાથે રહી આવ્યા છે. તમને થશે એવા તો અનેક ફોટોગ્રાફર્સ કુંભના મેળામાં ગળે કેમેરો લટકાવીને ફરતા હોય છે, વિવેક દેસાઈએ ત્યાં જઈને નવું શું કર્યું? તો જાણી લો કે, અલાહાબાદના કુંભ વખતે વિવેક દેસાઈ સતત આઠ દિવસ સુધી નાગા બાવાઓના અખાડામાં બિલકુલ એમની જેમ જ રહ્યા છે, ઉત્તરપ્રદેશના શિયાળામાં કોઇ પણ વિશેષ સુવિધા રાત્રે અસીમ આકાશને ઓઢીને સૂતા છે અને મા ગંગાનો ખોળો ખૂંદ્યો છે.
પીપલ ફોટોગ્રાફીમાં માહેર એવા વિવેક દેસાઈએ વર્ષો સુધી બનારસમાં ફોટોગ્રાફી કરી હતી. 2007ના કુંભ દરમિયાન પણ તેઓ બનારસમાં જ હતા અને બનારસથી અલાહાબાદ શહેર બે કલાકની દૂરી પર હતું. કુંભમાં જઈને નાગા બાવાઓની ફોટોગ્રાફી કરવી કે નહીં એ વિશે વિવેક દેસાઈએ દિવસો સુધી ગડમથલ અનુભવી હતી. કારણ કે, સામાન્ય રીતે ફોટોગ્રાફર્સ નાગા સાધુઓના ચહેરાના હાવભાવના ક્લોઝ અપ શૉટ લેતા હોય છે. વિવેકભાઇને એમાં લગીરે રસ નહોતો. એમણે તો સાધુઓના જીવનની, એમની દિનચર્યાની ફોટોગ્રાફી કરવી હતી. અને ધૂનીઓ કરતા પણ એક બાજઠ ઉંચે બેસતા નાગા સાધુઓ સામાન્ય રીતે સામાન્ય માણસોને એમની સાથે ચોવીસે કલાક રહેવાની પરવાનગી આપતા નથી. આ તો ઠીક દૂરથી પણ એમની ફોટોગ્રાફી થતી હોય અને તેઓ મૂડમાં નહીં હોય તો તેઓ ઉશ્કેરાઈને ફોટોગ્રાફરને મારવા ધસે છે. કંઈ કેટલાયના તો કેમેરે સુદ્ધાં એમણે ભાંગી નાંખ્યા છે!
આવી કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં વિવેક દેસાઈ ગાંઠ વાળે છે કે, કોઇ પણ ભોગે એમણે અલાહાબાદ જવું છે અને નાગા સાધુઓની ફોટોગ્રાફી કરવી છે. બનારસથી તેઓ અલાહાબાદ પહોંચે છે ત્યારે ગંગા કિનારે જામેલા માહોલને જોઇને એમને અધ્યાત્મિક અનુભૂતિ થાય છે. ત્યાં ફરતા સાધુઓ અને મા ગંગાને કિનારે ઉમટેલા મહેરામણની ફોટોગ્રાફી કરવાનું ધારીને બેગમાંથી કેમેરા કાઢીને હજુ થોડું ચાલે છે ત્યાં બાજુના કોઇ તંબૂમાંથી એક જટાધારી નાગા બાવાએ વિવેક દેસાઈના ખભે ધબ્બો માર્યો. બાવા એમને પૂછે છે કે, ‘કહા સે આયા હૈ બચ્ચા?’ એટલે વિવેક દેસાઈએ એમને યોગ્ય જવાબ આપ્યો. બાવાના ચહેરા પર અમસ્તુ જ સ્મિત રમી ગયું અને એમણે એમની જટા સરખી કરીને કહ્યું, ‘ફોટો ખીંચો… તેરી તકદીર તુઝે યહાં ખીંચ લાઈ હૈ…’ હજુ તો બાવા એનું વાક્ય પૂરું કરે એ પહેલા અચાનક ઠંડો પવન ફૂંકાયો અને અને ધૂળની ડમરીઓ ઉડવા માંડી.
વાવાઝોડું જેવું લાગતા આસપાસના સૌ પ્રવાસી જમીન પર ઘૂંટણિયે બેસી ગયા. વિવેક દેસાઈએ પણ કેમેરાને અને જાતને બચાવવા એમ જ કર્યું, પણ બે-ત્રણ મિનિટ બાદ ફરી પવન અટકી ગયો એટલે ઊભા થઈને એમણે પેલા બાવાને શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારપછી તો વિવેક દેસાઈ અલાહાબાદમાં ચાર દિવસ રહ્યા અને અનેક અખાડાઓમાં જઈને બાવાઓને મળ્યાં, પણ તકદીરની વાત કરનારા પેલા બાવા એમને નહીં જડ્યાં એ નહીં જ જડ્યાં. તો કોણ હતું એ?
ચાર દિવસના અલાહાબાદ મુકામ દરમિયાન એમણે ફોટોગ્રાફીના કેટલાક ટેકનિકલ પાસાં વિશેનો અભ્યાસ કર્યો. એમને ખ્યાલ આવ્યો કે, ફોટોગ્રાફી માટે જરૂરી લાઇટ માત્ર બપોરના સમયે જ મળી શકે એમ છે. સવારે અને સાંજે ધુમ્મસ થઈ જવાને કારણે ફોટોગ્રાફી કરવું મુશ્કેલ હતું. વાતાવરણનો સાથે નહીં મળવાને કારણે વિવેક દેસાઈ થોડાં નિરાશ થયાં અને હિમાલયથી આવેલા કેટલાક સાધુઓના કેમ્પમાં જઈને બેઠાં. એમના ચહેરાના ભાવ પારખીને અત્યંત વૃદ્ધ સાધુએ એમને પૂછ્યું, ‘ક્યૂ ઉદાસ હૈ બચ્ચા?’ વિવેક દેસાઈએ કહ્યું, ‘બદી ઉમ્મીદ સે યહાં આયા થા આપ લોગો કી જિંદગી કો કેમેરેમાં કેદ કરને… પર શાયદ કિસ્મત મેરે સાથ નહીં…’
વિવેક દેસાઈની આ વાતનો સાધુએ જે જવાબ આપ્યો એ સાંભળીને તમે દંગ રહી જશો. સાધુએ કહ્યું, ‘બચ્ચા ઉમ્મીદ લે કે આયે હો ન ઈસલિયે ઉદાસ હો… ઇશ્વર ઔર સાધુ કે પાસ ઉમ્મીદ લે કે મત જાયા કરો... ઐસે હી નીકલ પડો, ફિર દેખો વો તુમ મેં ખુશી હી ખુશી ભર દેગા. ઔર ઉસ દિન તુમ ઐસે કુહાસે મેં (ધુમ્મસમાં) ભી સૂરજ દેખ પાઓગે…’
જરા સુક્ષ્મ રીતે આ વાતને સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે, પેલા વૃદ્ધ સાધુએ ગીતાનો પેલો શ્લોક સમજાવ્યો છે કે, માત્ર કર્મ કરો, ફળની આશા (ઉમ્મીદ) નહીં રાખો! સાધુએ વિવેક દેસાઈને કહેલી આ વાત માત્ર ઈશ્વર કે સાધુઓ પૂરતી જ નહીં જીવનના દરેક પેશન, દરેક કર્મ કે દરેક સંબંધને લાગું પડે છે. અપેક્ષાઓ ઉપરાંત આપણે ઘણી વખત વધુ પડતું વિચારી નાંખતા હોઈએ છીએ, અરે ઘણી વખત ઘણું બધુ ધારી પણ નાંખતા હોઇએ છીએ, જેના કારણે વાસ્તવિકતાથી વેગળા થઈને નાહકની ચિંતા, પીડાઓના કળણમાં ખૂંપી જતાં હોઈએ છીએ.
પેલા સાધુના શબ્દો વિવેક દેસાઈના દિલને ટાઢક આપી ગયા અને એમનામાં કંઈક હકારાત્મક્તા આવી. જોકે આગળ કહ્યું એમ સાધુઓના મગજની કમાન ક્યારે છટકે એનો કોઇ ભરોસો નહીં. હજુ હમણા જ તો એમણે પેલી ઉમ્મીદવાળી વાત કરી હતી, ત્યાં અચાનક એમનો મૃદુ સ્વર થોડો કડક કર્યો અને વિવેક દેસાઈને એમણે ચેતવણી આપતા કહ્યું, ‘દુનિયા મેં કોઇ કેમેરા નાગા બાવા કે અંદર છીપી ભક્તિ ઔર શક્તિ કા ફોટો નહીં લે પાયા હૈ ઔર નાહી લે પાયેગા. કોશિશ ભી મત કરના વર્ના યે ગંગાજી દેખ રહે હો ન ઉસમે લાશ બનકે તૈરતે દિખોગે.’ આ વાંચીને જો આપણું હ્રદય એક થડકાર ચૂકી ગયું હોય તો સ્વાભાવિક છે કે, વિવેક દેસાઈ પણ ખળભળી ઊઠે. જોકે તોય એ રાત્રે તેઓ એ બાવાઓના તંબૂમાં જ ઉંઘી ગયા. એમને એવું લાગી રહ્યું હતું કે, તેઓ પેલા વૃદ્ધ સાધુ હિમગીરી સ્વામીના શિષ્ય બની ગયા છે. રહી રહીને એમને વિચાર આવતા હતા કે, તેઓ ફોટોગ્રાફી કરવાનું પડતું મૂકીને ક્યાંક સાધુ સંતોને રવાડે નહીં ચડી જાય! જોકે એવું કશું નહીં થયું અને વિવેક દેસાઈએ નાગા બાવાઓની સાથે પૂરા આઠ દિવસ વીતાવ્યા અને એમની સાથે અત્યંત રોમાંચક સમય વીતાવ્યો. એ વાતો હવે બીજા લેખમાં…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર