હાથમાંની રેતી સરી જાય એ પહેલાં…

22 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

સંબંધોની બાબતે આપણે કેટલીક વખતે કેરલેસ થઈ જઈએ છીએ. કેરલેસ એટલે સાવ એવું પણ નહીં કે આપણે સંબંધને કોઈ જૂના કપડાંનાં પોટલાની જેમ કબાટના કોઈ ખૂણામાં બંધ કરી દઈએ. પણ કેરલેસ એ સંદર્ભમાં કે આપણી પાસે પૂરતો સમય હોવા છતાં આપણે કેટલીક બાહ્ય બાબતોમાં (જાણીજોઈને?) અટવાયેલા રહીને આપણા સંબંધને પૂરતો સમય નથી આપતા, જેને કારણે આપણો સંબંધ ટકેલો જરૂર રહે છે પણ સંબંધની તાજગી બરકરાર રહેતી નથી.

આપણે જે સંબંધની વાત કરવી છે એ માત્ર હસબન્ડ એન્ડ વાઈફ કે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનો નહીં, પણ આપણી આસપાસ જીવતા, આપણા ઘરમાં જીવતા અથવા આપણી સાથે ડીએનએ શેર કરતા લોકોની વાત છે અહીં. હવે પહેલા જેવા મોટા પરિવારો સાથે નથી રહેતા. વળી, ‘અમે બે અમારા બે’, કે અમારું એકના સિદ્ધાંતોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે એટલે ફેમિલી શબ્દની વ્યાખ્યા થોડી સંકુચિત જરૂર થઈ છે, પરંતુ વ્યાખ્યા જેવી જ સંકુચિતતા સંબંધ બાબતે દાખવવી યોગ્ય નથી. કારણ કે એ સંબંધો જ આપણને જીવનની અનેક સુમધુર, બેસ્ટેસ્ટ ક્ષણો અને યાદો બક્ષતા હોય છે.

ચારેક જણાના ફેમિલીમાં સંતાનો નાના હોય ત્યાં સુધી તો ઠીક પરંતુ સંતાનોને યુવાની ફૂટે પછી ફેમિલીમાં દરેકની પ્રાયોરિટીઝ બદલાતી હોય છે. ખાસ કરીને સંતાનો પોતાના ફ્રેન્ડ્સ, એમની વિવિધ રિલેશનશિપ્સ અને કરિયરમાં ગળાડૂબ થઈ જાય છે અને ઘર કે માતા-પિતા પ્રત્યે અથવા ભાઈ-બહેન પ્રત્યે આંખ આડા કાન કરતા થઈ જાય છે. લાઈફના એ તબક્કામાં ફ્રેન્ડ્સ અને કરિયર કે રિલેશનશિપ પ્રાયોરિટી લિસ્ટમાં હોવા જ જોઈએ, પણ એની સાથે ઘર અને ઘરના સંબંધો હાંસિયામાં ધકેલાઈ જાય એ યોગ્ય ખરું?

આજની લાઈફ સ્ટાઈલ અથવા કામની જરૂરિયાત મુજબ આજની યંગ જનરેશને ઘરથી દૂર કોઈક શહેરમાં વસવાટ કરવો પડે એ સામાન્ય વાત કહેવાય. માતા-પિતા સુરત-અમદાવાદ કે ભૂજ રહેતા હોય અને સંતાનો કરિયરને કારણે પૂણે-બેંગ્લુરુ-દિલ્હી કે ન્યૂયોર્ક-લંડન-સિડની રહેતા હોય એવા કિસ્સા દર બીજા કે ત્રીજા ફેમિલીએ જોવા મળતા હોય. તો કેટલાક કિસ્સામાં સંતાનો માતા-પિતા સાથે રહેતા હોવા છતાં કામને કારણે ઘરમાં પૂરતો સમય આપી શકતા નથી. અને આવા બધા કારણોસર ચાર કે પાંચ જણનું નાનું ફેમિલી પણ એક ફેમિલી તરીકે રહી શકતું નથી.

લાઈફના આ સ્ટેજ પર માતા-પિતા સંતાનોના ઉછેરની કે એમને ભણાવવા જેવી મહત્ત્વની જવાબદારીઓમાંથી પરવાર્યા હોય અને સંતાનો પણ મેચ્યોર્ડ થયાં હોય એટલે સંતાનો પાસેની એમની મહત્ત્વાકાંક્ષામાં ઘણા બદલાવો આવી જતાં હોય છે. એમને હવે સંતાનોમાં મિત્રો નજરે ચઢતા હોય છે અને સંતાનો પાસે એમની એટલી જ એક્સપેક્ટેશન્સ હોય કે, તેઓ સંતાનો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે કે એમની સાથે ડિનર કે નાનાંમોટાં પ્રવાસો કરે કે દિવાળી, ઉત્તરાયણ અને ધૂળેટી જેવા તહેવારો ઘરે સંતાનો સાથે ઉજવે.

અલબત્ત આવું બધુ કરવા માટે એમને પોતાના મિત્રો હોવાના, પણ મેચ્યોર્ડ થઈ ગયેલા સંતાનો પાસે તેઓ આવી અપેક્ષા વિશેષ રાખતા હોય છે. કારણ કે, સંતાનોની હૂંફ એમના દિલને વિશેષ શુકુન આપતી હોય છે એટલે સંતાનોની કંપની માણવા માટે તેઓ હંમેશાં તલપાપડ રહેતા હોય છે.

એક રીતે જોવા જઈએ તો એ સમય એમની લાઈફનો સાંજ પહેલાની સાંજનો સમય હોય છે. સંતાનો પચીસેક વર્ષના થાય ત્યાં સુધીના અઢી દાયકા એમણે સંતાનોના ઉછેર અને લાઈફની આપાધાપીમાં ખર્ચી નાંખ્યો હોય છે. તો લાઈફના છેલ્લાં કેટલાક વર્ષો એમણે વૃદ્ધત્વને સોંપી દેવાના હોય છે. ક્યા પતા કાલે ઊઠીને એમની શું પરિસ્થિતિ હોય? અને વૃદ્ધાવસ્થા દરમિયાન એમનું શરીર એમને કેટલાક કામો કરવાની પરવાનગી આપશે કે નહીં?

કદાચ આ સમજણને કારણે પણ માતા-પિતાને જીવનના પાંચમાં અને છઠ્ઠા દાયકામાં સંતાનો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને એમની લાઈફનો બેસ્ટ ટાઈમ જીવવાની ઈચ્છા હોય છે. પરંતુ આગળ કહ્યું એમ, સાથે રહેવા છતાં કામને કારણે અથવા કામને કારણે દૂરના કોઈક શહેર કે દેશમાં વસતા સંતાનો માતા-પિતા સાથે ‘ઠીક છે. મોમ-ડેડ જ છે ને? એ ક્યાં નાસી જવાના છે? જવાશે ઘરે, પછી પણ જીવાશે એમની સાથે’ એવું વિચારીને એમને ટાળી દેતા હોય છે.

આ તો ઠીક દિવસના કોઈ સમયે મમ્મી-પપ્પાનો સામેથી ‘કેમ છે? શું કરે છે? કે લંચ કર્યું?’નો વોટ્સએપ આવે તો સામે છેડે બ્લ્યૂ ડબલ ટિક દેખાઈ જતી હોવા છતાં આપણે એટ અ ટાઈમ એમને રિપ્લે આપવાનું ટાળી દઈએ છીએ, કે રાત્રે અથવા નિરાંતે એમને રિપ્લે કરવાનું વિચારીએ છીએ. પરંતુ રાત્રે આપણા ‘ટુ ડુ લિસ્ટ’માં ફ્રેન્ડ્સ સાથેનું આઉટિંગ અથવા બીજા કોઈ પ્લાન ઑલરેડી પ્રાયોરિટીમાં હોય છે એટલે મોમ-ડેડ ફરી હાંસિયામાં ધકેલાઈ જતાં હોય છે. અને આમ ને આમ ચાલતું રહેવાને કારણે એમની સાથે વાત કરવાની કે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની નિરાંત આપણને ક્યારેય મળતી જ નથી!

એક વાત ખાસ નોંધવી રહી કે, સામાન્ય રીતે સંતાનો માતાપિતા સાથેના કોઈ મતભેદ કે લડાઈને કારણે આવું નથી કરતા હોતા. પણ માતા-પિતા પ્રત્યે પૂરતું સન્માન અને પ્રેમ હોવા છતાં, આવી બધી બાબતો એમને મામૂલી કે નાની અથવા અર્થ વિનાની લાગતી હોય છે. અને આવા કેટલાક કારણોને લીધે જ તેઓ મોમ-ડેડની વાતો કે એમના મેસેજિસ ટાળતા, અવગણતા રહેતા હોય છે.

બીજી તરફ સંતાનોના આવા વલણને કારણે માતા-પિતાને પણ કંઈ એવું ખોટું નથી લાગતું હોતું કે ન તો એમને સંતાનોના આવા વર્તનનું કોઈ મોટું દર્દ હોય. કારણ કે, આ બધી વાતો ઘણી નાની હોય છે અને આપણે સૌ આપણા કામોમાં એટલા બધા એટલા બધા અટવાયેલા હોઈએ કે, આપણને એ બધા વિશે જીવ બાળવાનો તો ઠીક, પણ એ વાતો વિશે વિચાર કરવાનો પણ સમય નથી મળતો!

પરંતુ આ બધી અવગણના કે ટાળમટોળની ઈફેક્ટ્સ ઘણી મોટી હોય છે. ફેમિલી કે માતા-પિતા સાથે ટાઈમ સ્પેન્ડ નહીં કરી શકવાને કારણે આપણા હાથમાંથી અતિકિંમતી સમય સરી જાય છે, જે સમયમાં આપણી પાસે ઘણું બધુ કરવાનો અવકાશ હોય છે. ઘરે રહેતા હોઈએ તો આપણે વીકમાં ત્રણ-ચાર વાર એમની સાથે ડિનર કરી શકીએ, કદાચ એકાદ ફિલ્મ જોઈ શકીએ કે ટેલિવિઝન પર જૂની ક્રિકેટ મેચ જોઈને જલસો કરી શકીએ. એકાદ રવિવારે સાંજે કોઈ સુપર સ્ટોરમાં જઈને ‘મમ્મી શેમ્પુનું આ પેક લઈએ? એમાં આપણને ફાયદો થશેઅથવા ‘પપ્પા ઉનાળો આવ્યો છે તો તમે કોટનના કૂર્તા ટ્રાય કરો’ એવું કહીને ઘરની વ્યવસ્થામાં ઈન્ટ્રેસ્ટ લઈ શકીએ.

જો દૂર રહેતા હોઈએ તો ફ્રેન્ડ્સ સાથે કોઈ ટૂર પ્લાન નહીં કરીને દર દિવાળીએ કે ધૂળેટીએ બે દિવસની એક્સ્ટ્રા રજા લઈને ઘરે એમની સાથે તહેવાર ઉજવીએ. અથવા એમના બર્થ ડેના દિવસે ઓફિસમાં એકાદ ગાબડું મારીને રાત્રે ઘરે પહોંચી જઈએ અને એમની પાસે અડધી રાત્રે કેક કપાવીને બીજો દિવસ એમની સાથે મજેથી વીતાવી શકીએ.

જરા કલ્પના તો કરો કે, દિવાળીની આગલી રાત્રે આપણે મમ્મીને સાથિયો પૂરવામાં મદદ કરતા હોઈએ કે ભાઈ-બહેન અને પેરેન્ટ્સ સાથે ઘૂળેટી ઉજવતા હોઈએ કે ‘હેપ્પી બર્થ ડે પપ્પા…’ એમ કહીને અડધી રાત્રે આપણે ઘરનો દરવાજો ખખડાવીએ તો કેટલી મજા આવે? કલ્પનામાંય આ દૃશ્ય અદભુત લાગતું હોય છે તો એની વાસ્તવિકતા તો કેટલી અદભુત હશે!

આ લેખ વાંચીને જો તમે વાસ્તવમાં એવું કરો તો આવું કંઈક કરતી વખતે મમ્મી-પપ્પાની આંખોમાં જોવાનું ચૂકતા નહીં. એ આંખોમાં કોઈ ગજબની ચમક હશે. એ સમયે એમની આંખોમાં જે ભાવ સર્જાતા હશે એ અપ્રતિમ હશે. એ ટાઢક તમારા દિલને સ્પર્શ્યા વિના નહીં રહે.

અને આવી પ્રતિબદ્ધતા અને પ્રેમ માત્ર માતા-પિતા પ્રત્યે જ નહીં, પરંતુ ઈન-લૉઝ એટલે કે સાસુ-સસરા પ્રત્યે પણ દાખવવામાં આવે તો એમને જમાઈ કે વહુના રૂપમાં બીજું સંતાન મેળવ્યાનો અને ખાસ તો તમારા જેવી વ્યક્તિ મેળવ્યાનો વિશેષ આનંદ થશે.

દૂર રહેતા હોઈએ અને છાશવારે ઘરે નહીં આવી શકાતું હોય તોય આપણે મોમ-ડેડને આપણી હૂંફ આપીને રાજી તો કરી જ શકીએ છીએ. કારણ કે, મમ્મી-પપ્પા સાથેનો સંબંધ દુનિયાનો એકમાત્ર એવો સંબંધ છે, જેમાં અપેક્ષાઓ અને ઈચ્છાઓ બહુ એક્સપેન્સિવ નથી હોતી. અહીં તો દિવસના કોઈ પણ સમયે વ્હોટ્સ એપ પર તમારી એક સેલ્ફી મોકલી દો કે આઈ લવ યુ પપ્પા કે આઈ મિસ યુ મમ્માનો મેસેજ કરી દો તો પણ એમના દિલને હિમાલય જેવી ટાઢક મળતી હોય છે, જેના કારણે એમનો દિવસ અમસ્તો જ ખુશખુશાલ વીતે છે.

આ ઉપરાંત દૂર રહેતા સંતાનો એમના માતાપિતા સાથે ગોસિપ કરીને પણ મોમ-ડેડને ખુશ રાખી શકે છે. લાઈક, ‘આજે દિવસ આવો ગયો’ અથવા ‘મમ્મી, મારે આમ બનાવવું હોય તો કેવી રીતે બનાવવું?’, 'મેં ઑનલાઈન શર્ટ ઓર્ડર કરાવ્યું' અથવા ‘જવા દેને વાત, મારો એક કલિગ માથાનો દુખાવો છે કે મારો બોસ હિટલર છે!’

બની શકે કે આવી બધી વાતો એમના કોઈ ખપની ન હોય કે એમના કોઈ સજેશન્સ તમને પણ ખપમાં નહીં આવવાના હોય, પરંતુ એમની સાથે રોજબરોજની આવી ઘટના શેર કરતા રહેશો એમને એ વાતનો સંતોષ રહેશે કે, ‘મારું સંતાન મારી સાથે બધુ જ શેર કરે છે.’

અત્યારનું સુધીનું મારું ઑબ્ઝર્વેશન એવું રહ્યું છે કે, આપણા કારણે આપણા માતા-પિતા, દાદા-દાદી કે ભાઈ-બહેન ખુશ રહેતા હોય તો આપણને એનાથી મોટું સુખ કશાયનું નથી હોતું. આવુ બધુ કરવા માટે ખરેખર કોઈ પ્રાઈઝ ચૂકવવાની નથી હોતી, પરંતુ એના બદલામાં આપણને જે આનંદ અને સુખ મળે છે એ ખરેખર પ્રાઈસલેસ હોય છે. ફેમિલીની ખુશીના સુખની આગળ લક્ઝુરિયસ કાર, આઈફોન સેવન-એઈટ કે નાઈન, સ્વિટ્ઝરલેન્ડ કે ફ્રાંસનો પ્રવાસ કે ભલભલી હાઈફાઈ લાઈફસ્ટાઈલ પણ પાણી ભરતી હોય છે એની બાંહેધરી હું લેખિતમાં આપવા તૈયાર છું. ફેમિલી સાથે જે સમય મળે એ ખરેખર જીવી લેવાનો હોય છે, જો એવો સમય નહીં મળે તો એ તક ઊભી કરી લેવાની હોય છે અને એ પણ હાથમાંની રેતી સરી પડે એ પહેલા!

ગયા અઠવાડિયે ‘કપૂર એન્ડ સન્સ’ ફિલ્મ જોઈ. ફિલ્મ ઠીકઠાક હતી, પરંતુ ફિલ્મના એક સિનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સુપર ક્યુટ આલિયા ભટ્ટને પોતાની લાઉડ ફેમિલીના અણછાજતા બિહેવિયર વિશેની વાતો કરતો હોય છે. બિચારી આલિયા નાની ઉંમરે એના માતા-પિતાને ગુમાવી દેતી હોય છે, એટલે એને ફેમિલી નહીં અત્યંત વસવસો હોય છે. એટલે આલિયા વિશાલને એક જ વાક્યમાં આપણો ઉપરનો આખો લેખ સમજાવે છે કે, ‘યુ શુડ બી વેરી હેપી કી, તુમહારી ફેમિલી તો હૈ…’

અંગત રીતે મને આ વાક્ય ખૂબ સ્પર્શી ગયેલું. કારણ કે, આપણા બધાની એક કોમન તકલીફ એ છે કે, આપણી પાસે જે હોય છે એની આપણે ક્યારેય પરવા નથી કરતા અને નથી એને પામવા ખોટાં વલખા મારતા હોઈએ છીએ. જેને કારણે આપણી પાસે જે છે એને આપણે એન્જોય નથી કરી શકતા.

આલિયાના એ વાક્યએ આ આખો લેખ લખાવ્યો છે. વિચારવા જેવી વાત છે, આખરે આપણી પાસે ફેમિલી તો છે જે ન? ચલો તો ગુડ બાય. ધૂળેટી નજીક છે તો પ્રેમ અને એકબીજાની હૂંફના રંગે આપણે પણ રંગાઈએ અને આપણી ફેમિલીને ભરપૂર એન્જોય કરીએ. હેપી હોળી!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.