અખાનું અવતરણ જરા જુદા અંદાજમાં
તમને ખ્યાલ હશે જ કે દોઢેક વર્ષ પહેલા આપણે ત્યાં બૌદ્ધિકો કે લેખકો કલાકારોએ ‘એવોર્ડ વાપસી’નો એક ટ્રેન્ડ ચલાવેલો. બૌદ્ધિકોનું એમ માનવું હતું કે, દેશનો માહોલ ગરમ છે અને સર્વત્ર અસહિષ્ણુતા વ્યાપી છે, જેમાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલી કેન્દ્ર સરકારનો ફાળો છે. એવોર્ડ વાપસીના ટ્રેન્ડના મૂળમાં હતા દાદરીકાંડ તેમજ દેશના કેટલાક લેખકોની હત્યા, જેને પગલે લેખકો-કલાકારોએ કોંગ્રેસ સરકારના સમયમાં લીધેલા એવોર્ડ્સ ભાજપ સરકારને પરત કરેલા! એવોર્ડ વાપસીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પણ કેટલાક સાહિત્યકારો એવું માનતા હતા કે, દેશમાં ખરેખર અસહિષ્ણુતાનો માહોલ છે અને કવિ અનિલ જોશીએ તો પાનખરની બીકની પરવા કર્યા વિના સરકારને એવોર્ડ પણ પરત કરેલો. પણ આપણા જ ગુજરાતમાં એક લેખક એવું માનતા હતા કે, પોતાને મળેલા એવોર્ડ્સ પરત કરીને વિવાદો ઊભા કરવા એ લેખકનું કામ નથી. લેખકે તો વિસંવાદિતાને સંવાદિતામાં પરિવર્તિત કરવાની હોય અને એના માટે એણે કશુંક નક્કર કામ કરવાનું હોય. એટલે એ લેખકે એમને મળેલો સરકારી એવોર્ડ એમની પાસે જ રાખ્યો અને રાજ્યની પ્રજા વચ્ચે સંપ અને પરસ્પરની સહિષ્ણુતા જળવાઈ રહે એ માટે ‘કબીર યાત્રા’ની શરૂઆત કરી અને ગુજરાતના ગામેગામમાં કબીરના અનેક દોહા સાથે તેઓ ઘૂમી વળ્યા…
એવોર્ડ વાપસીના દિવસો દરમિયાન કબીર યાત્રા કાઢનારા એ લેખક હતા ખૂબ જાણીતા અને ગુજરાતના યુવાનોના ખૂબ માનીતા લેખક ધ્રુવ ભટ્ટ. જેમણે આપણી ભાષાને ‘સામુદ્રાન્તિકે’, ‘અકૂપાર’, ‘તત્વમસિ’, ‘કર્ણલોક’, ‘અગ્નિકન્યા’, ‘લવલીપાન હાઉસ’, ‘પ્રતિશ્રુતિ’ કે મારી ઑલટાઈમ ફેવરિટ ‘અતરાપી’ જેવી શ્રેષ્ઠ નવલકથાઓની ભેટ આપી. આટલું જ નહીં ધ્રુવ ભટ્ટે પદ્ય એટલે કે કવિતાના વિવિધ પ્રકારોમાં પણ ખેડાણ કર્યું છે.
ખૈર, આપણે આજે એવોર્ડ વાપસી વિશે કોઈ વાત નથી કરવી કે નથી તો ધ્રુવદાદાના સાહિત્ય કે સાહિત્યમાં એમના પ્રદાનની વાત નથી કરવી, પરંતુ વાત કરવી છે એમના એક વિચારની, જે વિચારને કારણે આપણા અખો અને ગંગાસતી આપણી વચ્ચે કંઈક નોખા અંદાજમાં રજૂ થઈ રહ્યા છે અને રોક કે પોપ મ્યુઝિક પસંદ કરતી આપણી નવી પેઢી સુધી પહોંચી રહ્યા છે…
વાત જાણે એમ બનેલી કે, એવોર્ડ વાપસીના કાર્યક્રમ દરમિયાન જ્યારે ધ્રુવ ભટ્ટ ગુજરાતના ગામડાઓમાં ‘કબીર યાત્રા’ કરી રહ્યા હતા ત્યારે એ યાત્રામાં વૃદ્ધો કે આધેડો તો પૂરતા પ્રમાણમાં આવતા, પરંતુ યુવાનોની એમાં નહીંવત જેવી હાજરી રહેતી. આથી એમને થયું કે, અધ્યાત્મ અને ઉંડાણ ધરાવતી આ વાતો યુવાનો સુધી પણ પહોંચવી જોઈએ. પણ એ સાથે એ વાત પણ એટલી જ મહત્ત્વની જો યુવાનો સુધી કબીર અથવા અન્ય કોઈ પ્રાચીન કવિઓને પહોંચાડવા હોય તો પરંપરાગત પદ્ધતિઓ ત્યજીને કંઈક જુદી રીતે સાવ નોખા અંદાજમાં એમને રજૂ કરવા પડશે. એટલે એમણે એમની સાથે સંકળાયેલા યુવાનોને જ હાંક લગાવી કે, નૉટ ઓનલી કબીર પણ આપણી ભાષાના અખો, ગંગાસતી કે પ્રીતમદાસ જેવા કવિઓના પદો ગુજરાતી યુવાનો સુધી પહોંચાડવાની એમની ઈચ્છા છે. અને એમની એ વાત ઝીલી લીધી ચિંતન નાયક, હિમાલી નાયક, દિવીજ નાયક અને તુમુલ બુચ જેવા યુવાનોએ, જેઓ સંગીત અને સાહિત્ય સાથે સંકળાયેલા છે અને સંગીતના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય પણ કરી રહ્યા છે.
ધ્રુવદાદાની ઈચ્છાને માન આપીને આ યુવાનોએ નક્કી કર્યું કે, અખાના છપ્પા યંગસ્ટર્સને આકર્ષે એ રીતે રોક મ્યુઝિકમાં તૈયાર કરીએ. આ માટે એમણે ધ્રુવ ભટ્ટને જ કહ્યું કે, તમે અમને થોડા પદો પસંદ કરી આપો, જેને અમે અમારી રીતે તૈયાર કરીએ. ધ્રુવ ભટ્ટે જે છપ્પા અને પદો પસંદ કરી આપ્યા એના પર ‘ટીમ ઈનર નોટ્સ’ના દિવીજ નાયકે દોઢેક મહિનાના ગાળામાં મ્યુઝિક તૈયાર કર્યું, જેને એમણે પહેલી વખત ગયા વર્ષના અંતમાં યોજાયેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘છપ્પા રોક્સ’ના નામે પરફોર્મ કર્યું.
મજા અને આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં અમદાવાદ ખાતે ‘છપ્પા રોક્સ’ની પહેલી વાર રજૂઆત થઈ ત્યારે જીએલએફનો આખો ડોમ ખચોખચ હતો, જેમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ હતી. ‘છપ્પા રોક્સ’ના કાર્યક્રમમાં માત્ર અખાના છપ્પા જ નહીં, પણ ગંગાસતી અને પ્રીતમદાસના પદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આધુનિક સંગીતમાં રજૂ થયેલા આ પ્રાચીન પદોને સાંભળીને ઑડિયન્સ પણ ઝૂમી ઊઠી અને ઑડિયન્સના આનંદને જોઈ ‘ટીમ ઈનર નોટ્સ’ના સભ્યોને પણ વિશ્વાસ બેઠો કે, આ રીતે અખો જ નહીં પ્રાચિન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓને આજની પેઢી સમક્ષ રજૂ કરી શકાય છે.
‘ટીમ ઈનર નોટ્સ’ના જે પાંચ સભ્યો છે એ પણ ઘણા યંગ છે, જેમના ખૂદના માટે અખો થોડો અટપટો અને થોડો અજાણ્યો હતો. ટીમના જ એક મુંબઈગરા સભ્ય તુમુલ બુચ કહે છે, ‘સ્કૂલમાં અખાના છપ્પા ભણવામાં આવતા એટલે અખો કે છપ્પાનો આછેરો પરિચય જરૂર હતો. પરંતુ ‘છપ્પા રોક્સ’ પર કામ શરૂ કર્યું એ પહેલા મેં અખાનો પદ્ધતિસરનો અભ્યાસ નહોતો કર્યો. પણ હમણા થોડા વખતથી હું અખાને ઉંડાણમાં વાંચું છું ત્યારે ખ્યાલ આવે છે કે, અખો આપણી ભાષાનું એવું ઘરેણું છે જે કબીરની સમકક્ષ ઊભા રહેવાનું સામર્થ્ય ધરાવે છે.’
અલબત્ત એક વાત સાચી કે, અખા કે ગંગાસતી જેવા સર્જકોના પદો નર્મદનીય પૂર્વે રચાયેલા એટલે એમાં ભાષાનો બાધ હોવાનો. ડુડ કલ્ચરને આ ભાષા સમજમાં નહીં આવે એ સ્વાભાવિક છે! પણ તુમુલને એવી શ્રદ્ધા છે કે, જો મ્યુઝિકને વારંવાર સાંભળવામાં આવશે તો આપોઆપ પદના અર્થો ઉઘડતા જશે અને લોકો એ પદોની ગહેરાઇ સમજતા જશે…
‘છપ્પા રોક્સ’ની સફળતા બાદ ‘ટીમ ઈનર નોટ્સ’ના મેમ્બર્સ ‘અલખ’ નામના એક એવા જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ‘અલખ’ એક એવું આલબમ હશે, જેમાં હરિહર ભટ્ટ, કબીર, પ્રીતમદાસ, ગંગાસતી તેમજ અખાના પદોને રોક મ્યુઝિક અને વાંસળી કે મંજીરા જેવા આપણા વાદ્યો સાથે ફ્યુઝનમાં ઢાળવામાં આવશે. ‘અલખ’નો આશય પણ ‘છપ્પા રોક્સ’ જેવો જ છે કે, આ આલબમના ગીતો ગુજરાતી યંગસ્ટર્સના મોબાઈલમાં ફીડ થાય અને એ બહાને આપણું પ્રાચીન સાહિત્ય એમના સુધી પહોંચે. મજાની વાત એ છે કે, આ ‘અલખ’ માટેના પદો પસંદ કરતી વખતે ધ્રુવ ભટ્ટે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે, એ પદો કોઈ ચોક્કસ ધર્મના પ્રતિનિધી ન બની રહે અને અધ્યાત્મ અને જીવનની વાતો હોય.
તુમુલ બુચ અમને જણાવે છે કે, ‘અલખ’ એમનું કર્મશિયલ વેન્ચર નથી. પ્રાચિન સાહિત્ય દ્વારા પૈસા રળી લેવામાં ‘ટીમ ઈનર નોટ્સ’ને લગીરે રસ નથી. પરંતુ આ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, આવા પદોને સ્વરબદ્ધ કરવામાં જે સહાયક સંગીતકારો હશે કે પદોના રેકોર્ડિંગ દરમિયાન સ્ટુડિયોનો જે ખર્ચો હશે એને પહોંચી વળવા માટે ગાંઠના ગોપીચંદન કરવા પડશે. કલાકારોને દરવખતે આ નહીં પરવડે એટલે આ વખતે એમણે ઈન્ટરનેટ પર અપીલ કરી છે, જેમાં ગુજરાતીઓને આર્થિક સહયોગ કરવા કહેવાયું છે. તુમુલનું કહેવું છે કે હજુ ગયા શનિવારે જ એમણે સોશિયલ મીડિયામાં ‘અલખ’ના સર્જન માટે સહાયભૂત થવાની અપીલ કરીને કુલ ખર્ચની વીસેક ટકા જેટલી રકમ મેળવી શકવામાં તેઓ સફળ રહ્યા છે. એમને તો એવી અપેક્ષા છે મૂળ ખર્ચ કરતા એમને વધુ રકમ પ્રાપ્ત થશે, જેમાંથી તેઓ આ જ રીતે પ્રાચીન ગુજરાતી સાહિત્યને નોખી રીતે નવી પેઢી સમક્ષ રજૂ કરશે.
આપણે તો આપણા સાહિત્ય સુધી નથી પહોંચી શક્યા, પરંતુ આપણું પ્રાચીન સાહિત્ય સામે ચાલીને આપણી પાસે આવતું હોય તો આપણે એને વધાવી જ લેવાનું હોય. આ વખતે પેલી કહેવત જરા જુદી રીતે કહેવી પડે એમ છે કે, સરસ્વતી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા નહીં જવાય. અને એટલે જ અમે પણ તમને અપીલ કરીએ છીએ કે, બની શકે તો તમેય ‘અલખ’ના સર્જનમાં મદદરૂપ થાઓ. આખરે ફાયદો આપણો જ છે!
ફીલ ઈટઃ
ગુજરાતી ભાષાને કંઈ પરિષદો કે અકાદમીઓએ નથી જીવતી રાખી, પણ લોકોએ જીવતી રાખી છે. બાકી લોકો જે દિવસે ગુજરાતી બોલવાનું બંધ કરશે એ દિવસે પરિષદો અને અકાદમીઓને પણ તાળા લાગી જશે. જેથી કરીને જ આપણે માતૃભાષાને ટકાવી રાખવી હોય કે આપણા પ્રાચીન સાહિત્યને ધબકતું રાખવું હોય તો એ લોકજીભે ચઢે એ મહત્ત્વનું છે અને એટલે જ અમે ‘અલખ’ જેવા પ્રયત્નો કરીએ છીએ.
- ધ્રુવ ભટ્ટે ફોન પર કહેલી વાત.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર