સોશિયલ મીડિયા કો ચીરતી સનસની

23 Jun, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: india.com

સોશિયલ મીડિયામાં ઘણી વાર ખોટા સમાચાર ફરતા રહેતા હોય છે. અને મજાની વાત એ છે કે લોકો ન્યૂઝની ખરાઈ કર્યા વિના એને બેધડક ફોરવર્ડ પણ કરતા રહેતા હોય છે, જેને કારણે ઘણી વાર એમ થાય કે, નાગરિક ધર્મની જેમ સોશિયલ મીડિયામાં પણ થોડો શેરિંગ ધર્મ હોવો જોઈએ. આખરે નાહકની સનસનાટી કે અફવાઓ ફેલાવવી એ કંઈ સારી બાબત નથી. એવામાં ક્યારેક મોટી મુશ્કેલી પણ સર્જાય અને કંઈ નહીં તો ક્યારેક કોઈ સાચી વાત વાયરલ થશે તો લોકો વાઘ આવ્યો વાઘ આવ્યોની વાર્તાના સિદ્ધાંતે સોશિયલ મીડિયામાં ફરેલી વાતને ખોટી માનીને કોઈ પગલાં નહીં ભરે.

જોકે સોશિયલ મીડિયામાં સામાન્ય માણસો ખોટી અફવાઓ કે ફોટો શોપ્ડ ઈમેજો ફરતી રાખે એમાં ઝાઝું નવાઈ પામવા જેવું નથી. બની શકે કે, પોતાની રોજિંદી ઘટમાળમાં વ્યસ્ત રહેતો, ક્યાંક ગૂંચવાયેલો અથવા ઓછું શિક્ષણ પામેલો કોઈ માણસ સમજદારી વાપરીને એની પાસે આવેલા કન્ટેન્ટની સાતત્યતા ચકાસ્યા વિના એને શેર કરતો રહે અને પોતે કંઈક યુનિક શેર કર્યું છે એવા આનંદમાં રાચતો રહે, પરંતુ જ્યારે પ્રબુદ્ધ વ્યક્તિ કે અખબાર કોઈક ખોટા ન્યૂઝને શેર કરે કે વાયરલ કરે ત્યારે એ બાબત આશ્ચર્ય તો પમાડે જ, પરંતુ એ થોડી ગંભીર બાબત પણ કહી શકાય કારણ કે, જે-તે વ્યક્તિ અથવા ન્યૂઝ પેપર દ્વારા પ્રકાશિત થયેલી, શેર થયેલી કે વાયરલ થયેલી અફવાને બહોળો વર્ગ સ્વીકારી લેતો હોય છે અથવા એને ખરું માનીને લેવા જોગા પગલા લેતો હોય છે.

તાજેતરમાં જ આવો એક અનુભવ આ લખનારને થયો. એક અગ્રગણ્ય અખબારના ફ્રન્ટપેજ પર એક ઑફબીટ ખબર નજરે ચઢી. ખબરમાં એવું હતું કે, સાઉદીનો પ્રિન્સ પોકર રમતી વખતે એમની 22 અજબની સંપત્તિ હાર્યા. આ તો ઠીક સતત છ કલાક સુધી રમ્યા બાદ પણ કશું હાથ નહીં લાગતા પ્રિન્સે એમની પત્નીઓને હોડમાં મૂકવાનું શરૂ કર્યું અને નવ પત્નીઓમાંની ત્યાં હાજર પાંચ પત્નીઓને પણ તેઓ હારી ગયા. એકવીસમી સદીનો બીજો દાયકો પૂરો થવામાં હોય ત્યારે કોઈ ખૂબ જાણીતી હસ્તી કેસીનોમાં જુગાર રમતી વખતે પોતાની પત્નીને દાવ પર મૂકે અને એમને હારી જાય ત્યારે આપણી યાદદાસ્ત પાંચ હજાર વર્ષ પાછળ ચાલી જાય, જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયેલા.

આપણને થયું આ તો બહુ મોટી ઘટના કહેવાય, મહાભારતકાળમાં પાંચ પતિની એક પત્ની હોડમાં મૂકાયેલી તો એકવીસમી સદીમાં એક પતિએ એની પાંચ પાંચ પત્નીઓને હોડમાં મૂકી દીધી. તો ચાલો આ ઉડાઉ પ્રિન્સ વિશે થોડું વધુ જાણીએ. આખરે કસીનોમાં અબજોઅ રૂપિયા, જમીન-જાયદાદ કે હાથી-ઘોડા હારી જનારા તો ઘણા જોયા પણ પત્નીઓ હારી જવું એ કંઈ નાની વાત છે? એટલે એ ન્યૂઝનું પગેરું લઈને આપણે તો પહોંચ્યા સીધા ગુગલ બાબા પાસે અને જુદા જુદા કી વર્ડ્સ આપીને એ ન્યૂઝ શોધવાનું શરૂ કર્યું. પહેલા તો એ પ્રિન્સ વિશે સર્ચ કર્યું તો ખબર પડી કે એ નામના પ્રિન્સને તો સ્વર્ગે સોરી, જન્નતે સીધાવીને દાયકા ઉપરનો સમય થઈ ગયો છે! 

પછી થોડું વધુ સંશોધન કર્યું તો ખબર પડી કે કોઈક વેબ પોર્ટલે ખોટી રીતે આ ન્યૂઝ ઘડી કાઢેલા અને એને અપલોડ કરેલા. ઈન્ટરનેટ પર જ વાંચવા મળ્યું કે, ‘વર્લ્ડ ન્યૂઝ ડેઈલી રિપોર્ટ’ નામની વેબસાઈટે ભૂતકાળમાં પણ આવા ગતકડાં કર્યા છે. પરંતુ આ વખતે આ ન્યૂઝ એવા ચાલ્યા કે જોતજોતામાં પોર્ટલ પરની લિંક પરથી અનેક સ્થાનિક અખબારોએ સમાચાર બનાવ્યા અને બૌદ્ધિકોએ ફેસબુક, ટ્વિટર પર એ સંદર્ભની ચર્ચા આદરી. અરે, એક વેબસાઈટ તો એવો દાવો કરે છે કે આ ફેક ન્યૂઝ શશી થરુરે પણ ઉત્સાહમાં આવીને શેર કરેલા અને પાછળથી એમને ખબર પડી કે આ સમાચાર ઉપજાવી કઢાયેલા છે ત્યારે એમણે એમની ટ્વિટ ડિલિટ કરી નાંખી. તો કેટલાક આર્મ ચેર એક્ટિવિસ્ટ્સને સાઉદીની મહિલાઓની ચિંતા થઈ આવી અને એસીમાં બેઠાં બેઠાં એમણે સાઉદીમાં મહિલા પર થતાં અમાનુષી અત્યાચાર અને એમની અત્યંત દયનિય હાલત પર એમના ઑપિનિયન આપી દીધા.

એક આંકડો તો એમ કહે છે કે, આ સમાચારના સંદર્ભમાં માત્ર ભારતમાં 64,000 ફેસબુક શેર અને 3660 ટ્વિટ્સ થઈ હતી. લ્યો કર લો બાત. એનો મતલબ એમ કે, જરા સરખી પણ ખરાઈ કર્યા વિના આટલા બધા લોકોએ દે ધનાધન શેરિંગ કર્યું અને જો કોઈક ભગીરથ આ બાબતને વ્હોટ્સ એપ પર લઈ આવ્યો હશે તો આ ન્યૂઝ કેટલા લોકોએ શેર કર્યા હશે અને કેટલા એ વાંચીને અચંભિત થયા હશે એનું કોઈ માપું નહીં.

જોકે આ આખીય બાબતમાં ચિંતાજનક બાબત એ જ રહી કે, સામાન્ય લોકોની સાથે સમાચાર પત્રો અને બૌદ્ધિકો પણ આ બાબતે ઊણા ઉતર્યા અને ‘વર્લ્ડ ન્યૂઝ ડેઈલી રિપોર્ટ’ જાણે ન્યૂયોર્ક ટાઈમ્સ કે ડેઈલી મેઈલ હોય એમ એના સમાચાર સાચા માનીને કોઈ પણ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન કર્યા વિના પોતાના અખબારોમાં છાપી માર્યા. અને લોકોએ એ સનસનાટી માણી અને આગળ શેર કરી.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.