સર્જકોત્સવ અને ભાવકોત્સવ
ગયા રવિવારે એટલે કે હજુ બે દિવસ પહેલા જ સુરતમાં એક મજાનો ‘સર્જકોત્સવ’ ઉજવાયો. સર્જક હતા આપણી ભાષાના ટોચના વાર્તાકાર હિમાંશી શેલત અને ઉત્સવ હતો એમના સીત્તેરમાં જન્મ દિવસનો, જેમાં હિમાંશી શેલતના ભાવકો, વિદ્યાર્થીઓ અને કેટલાક અન્ય સર્જકો ભેગા મળ્યાં અને હિમાંશીબેનની વાર્તાઓ, આંગળીને વેઢે ગણાય એટલી નવલકથાઓ, ઉત્તમ કક્ષાના સંપાદનો અને એમની આત્મકથા ‘મુક્તિ વૃત્તાંત’ વિશે સંવાદો થયાં, બેઠકો થઈ… જાણીતા લેખિકા શરીફા વીજળીવાળા, લેખક- પત્રકાર બકુલ ટેલર અને હિમાંશી શેલતના ભાઈ ડૉ. કેતન શેલત જેવા સહ્રદયીઓએ આખા કાર્યક્રમનું આયોજન કર્યું અને મીનલ દવે, બિન્દુ ભટ્ટ, શિરીષ પાંચાલ, ઈમરાન સુરતી, કિરીટ દૂધાત કે રમણ સોની જેવા સુજ્ઞજનોએ વિવિધ વિષયો પર એમના વક્તવ્યો આપ્યા.
સુરતનો એ સર્જકોત્સવ કેટલો મજાનો રહ્યો અને હિમાંશી શેલતના ભાવકોએ એમની સાથે કેટલો ઉત્તમ સમય વીતાવ્યો એના પુરાવા નથી આપવા કારણ કે, આવા મુઠ્ઠી ઉંચેરા સર્જકનો સત્કાર સમારંભ હોય એટલે અમસ્તાય ભાવકો - વિદ્યાર્થીઓ ઉત્સવમાં શામેલ થાય. પણ રજાને દિવસે છેક સુરતમાં કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે મુંબઈ તરફથી યામિની પટેલ કે અમદાવાદ ભણીથી ચંદ્રમોલિ શાહ કે વલસાડ બાજુથી બકુલા ઘાસવાલા જેવા લોકો એમની ઉંમર-તબિયત કે પ્રવાસ દરમિયાન થતી કોઈ હાડમારીની ચિંતા કર્યા વિના સુરત લગણ લાંબા થાય તો એની નોંધ તો લેવી જ પડે! જોકે હિમાંશી શેલતનું સર્જન, એમનું વ્યક્તિત્વ અને એમના કાર્યો જ એવા ઉમદા છે કે, એમને રૂબરૂ મળવાનો લાભ મળતો હોય તો એમનો ચાહક બધુંય વેઠીને એમના સુધી પહોંચે!
ખૈર, હિમાંશી શેલતનો મેં ‘ગુજરાત ગાર્ડિયન’ માટે ઈન્ટરવ્યૂ કરેલો ત્યારે એમણે એક કબૂલાત કરેલી કે, એમની પેઢીના અન્ય વાર્તકારોની સરખામણીમાં એમણે લખવાનું ઘણું મોડું શરૂ કરેલું. 8મી જાન્યુઆરી 1947ના દિવસે એમનો જન્મ. પણ એમની વાર્તાઓ છેક એંસીના દાયકામાં પ્રકાશિત થવાની શરૂ થઈ. જોકે એમણે લખવાની શરૂઆત ભલે મોડી કરી હોય, પરંતુ જે લખ્યું એ શ્રેષ્ઠત્તમ લખ્યું. અહીં અન્ય વાર્તાકારો સાથે સરખામણી કે કોઈના પ્રદાનનું મુલ્યાંકન નથી કરવું, પરંતુ એક વાત બહુ સ્પષ્ટ રીતે કહી શકાય કે, આપણી ભાષામાં હિમાંશી શેલત જેવા વાર્તાકાર થાય એ આપણી ભાષાનું ભાગ્ય કહી શકાય! બાકી, હિમાંશીબેન અંગ્રેજીના ખૂબ ઉત્તમ અધ્યાપક રહ્યા અને આપણી પ્રજા તો હજુ હમણા હમણા જાણતી થઈ, પણ વી.એસ.નાયપોલને સાહિત્યનું નોબલ પ્રાઈઝ એનાયત થયેલું એના વર્ષો પહેલા એમણે નાયપોલના લેખન પર Ph.D સુદ્ધાં કરેલું. અંગ્રેજીના આવા અભ્યાસુ એ જ ભાષામાં લખતે તો?
પેલા ઈન્ટરવ્યૂ પર ફરી આવીએ. એ જ ઈન્ટરવ્યૂમાં એમને પૂછયેલું કે, ‘ટૂંકી વાર્તાના સ્વરૂપમાં તમે કથાની ગૂંથણી અત્યંત ઉત્તમ રીતે કરી શકો છો, પણ વાર્તાની સરખામણીએ તમે નવલકથા માત્ર બે-ત્રણ લખી છે… આવું કેમ?’ ત્યારે એમણે કહેલું, ‘કળાનો એ પ્રકાર એટલે કે નવલકથાનું માળખું મને ઝાઝું માફક નથી આવ્યું. અથવા તો નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઈએ એ દિશામાં મારી ક્ષમતાઓ વળી નથી.’ હિમાંશીબેને પોતે એ કહ્યું કે, પોતાના સર્જનમાં એમને ‘આઠમો રંગ’ અને ‘સપ્તધારા’ બાબતે થોડો અસંતોષ છે. એમનું માનવું છે કે, જે રીતે એ નવલકથાઓ લખાવી જોઈતી હતી એ રીતે એ લખી શકાઈ નથી.
અહીં વાચકોને જણાવવાનું થાય છે કે, ‘આઠમો રંગ’ હિમાંશી શેલતની પહેલી નવલકથા છે, જેમાં નાની ઉંમરે મૃત્યુ પામેલા અને મૃત્યુ પછી જેમનું કામ ખૂબ વખણાયું હતું એવા વિખ્યાત ભારતીય ચિત્રકાર અમૃતા શેરગીલના જીવનની કશ્મકશ વિશેની વાતો આલેખવામાં આવી છે. તો ‘સપ્તધારા’માં આઘાતથી પીડાતા બાળપણની વાત આલેખવામાં આવી છે.
જોકે હિમાંશીબેન પોતે ભલે કહે કે, નવલકથાનું સ્વરૂપ એમને માફક નથી આવ્યું, પરંતુ લઘુનવલ કહી શકાય એવી ‘ક્યારીમાં અકાશપુષ્પ અને કાળા પતંગિયાં’ એમનું ઉત્તમ સર્જન છે. દાઢીધારી સાહિત્યકારોની જેમ વાર્તા કે નવલકથાનું પીંજણ નથી આવડતું, પણ એટલું જરૂર કહી શકાય કે, ‘કાળા પતંગિયા’ એક ઉત્તમ કૃતિ છે જ, જેમાં હિમાંશીબેને આપણને એવી દુનિયા સાથે રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, જે દુનિયામાં જીવતા લોકો બાબતે આપણે સૌએ આપણી આંખ આડા કાન નહીં, પણ ગાંધારીને શરમ આવે એવા સૂપડાં ધરી દીધા છે.
રૂપજીવિનીઓના જીવન વિશે અનેક વાર્તાઓ વાંચવા મળી છે. મન્ટો જેવો મન્ટો સુગંધીના ઈગોની કે બીજી કેટલીક બાબતોની વાત વાર્તામાં રજૂ કરી ગયો છે. જોકે હિમાંશી શેલતની રૂપજીવિનીઓના સંદર્ભની વાર્તાઓમાં વિશેષતા એ કે, એમાં દેહવિક્રય કરીને જીવતી સ્ત્રીઓને બિચારી કે શોષિત તરીકે નહીં, પણ અનેક અભાવો વચ્ચે પણ ગરદન ઉંચી રાખીને જીવતી દર્શાવવામાં આવી છે. ‘કાળા પતંગિયાં’ હોય કે એ જ વિષયની જુદી વાર્તાઓ હોય એમાં વાર્તાકાર તરીકે હિમાંશી શેલતે સમાજ સામે ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો હોય, પણ એ બધા પાત્રો લગભગ ફરિયાદ નથી કરતા. એ બધીઓ તો જાણે એમની ઓછપનો ઉત્સવ ઉજવતી હોય એમ ખુશખુશાલ જણાય!
આ ઉપરાંત હિમાંશી શેલતે ‘ગર્ભગાથા’ અને ‘પંચવાયકા’ જેવી કથાઓ પણ આલેખી છે, જેને નવલકથા નહીં શકાય, પરંતુ એમને વાર્તા કહેવી કે કેમ એ પણ પ્રશ્ન છે. પરંતુ ટૂંકી વાર્તા કરતા સહેજ નોખી કહી શકાય એવી વાર્તાઓ પણ છે તો ઉત્તમ જ. ‘ગર્ભગાથા’નું તો પોત જ એવું અદભુત છે કે, એનું જે પડ ઉખેળીએ એમાંથી વાર્તા નીકળે!
હિમાંશી શેલત અને એમનું લેખન કે જીવનભર એમણે આદરેલા કાર્યો વિશે એક લેખમાં વાત થાય જ નહીં. એ બધી વાતો બે-ચાર લેખોમાં થાય અને આપણે એમ જ કરવાના છીએ, જેથી મને પણ ફરીથી એ વાર્તાઓ-સમરણો- વર્ણનોમાંથી પસાર થવાની તક મળશે. આજે વાતમાં વાતમાં હિમાંશી શેલતની નવલકથા અથવા લઘુનવલ વિશે ઉપરછલ્લી વાત માંડવાનું થયું. પણ મને અંતરની ઈચ્છા છે કે, હું મારા દિલની સૌથી નજીક એવા એમના બે પુસ્તકો ‘પ્લેટફોર્મ નંબર ચાર’ અને ‘વિક્ટર’ વિશે કંઈક લખું. તો હવે પછીની ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં એ વિશેની વાતો માંડીશું. અને આવતી કાલે હિમાંશી શેલતનો મેં ‘ગુજરાત ગાર્ડિયન’ માટે લીધેલો ઈન્ટરવ્યૂ માણીએ.
ફીલ ઈટઃ
રામ મ્યુનિસિપાલિટીનો બગીચો છે, જ્યારે કૃષ્ણ આપોઆપ ઉગી નીકળેલું જંગલ છે.
- -સર્જકોત્સવ દરમિયાન બાજુના હૉલમાં નગીનદાસ સંઘવીના વકતવ્યમાં સાંભળેલું વાક્ય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર