હુસેનની આત્મકથામાં મકબૂલનું બાળપણ

26 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

ગયા સપ્તાહે અડધી રાત્રે આપણી ભાષાના જાણીતા લેખક જય વસાવડાનો ‘વર્લ્ડ બુક ડે’ માટેનો ઈન્ટરવ્યુ કરતો હતો ત્યારે એમણે એક પુસ્તકનો ઉલ્લેખ કરેલો. પુસ્તકનું નામ સાંભળતા જ એ ઘણું વહાલું લાગેલું એટલે ગાંઠ વાળેલી કે, પુસ્તક વહેલી તકે મગાવી લેવું છે. એ પુસ્તક એટલે ચિત્રકાર એમ. એફ. હુસેનની આત્મકથાનો ગુજરાતી અનુવાદ!

‘દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો…’ જેવું મજાનું નામ ધરાવતા એ પુસ્તકનો અનુવાદ મૂળ અમારા હુરતના અને પોતાની કળા માટે ગુજરાતભરમાં જાણીતા સ્વ. જગદીપ સ્માર્તે કર્યો છે. કોફી ટેબલ સાઈઝનું કહી શકાય એવું આ પુસ્તક અમદાવાદના ‘આર્ચર આર્ટ ગેલેરી’ના અનિલ રેલિયાએ પ્રકાશિત કર્યું છે. એમ. એફ. હુસેન જેવા ડાઉન ટુ અર્થ અને અત્યંત સંવેદનશીલ કલાકારની આત્મકથા હોય એટલે સ્વાભાવિક જ એ રસપ્રદ હોવાની, પણ ઘણી વખત રસપ્રદ પુસ્તકોને એમના લે-આઉટ અને ડિઝાઈન વધુ રસપ્રદ બનાવતા હોય છે. ‘દાદાનો ડંગોરો લીધો…’નો લે-આઉટ સિમ્પલી ધ બેસ્ટ કહી શકાય એવો છે આ કારણે જ પુસ્તક વંચાઈ ગયા પછી પણ એમાંથી ફરી પસાર થવાનું, એની અંદરના ચિત્રોને ફરી જોવાનું મન થયાં કરે છે.

શણગારને નામે પુસ્તકમાં આમ કોઇ ઝાઝો ભભકો નહીં. પણ એમ.એફની કથા સાથે પ્રત્યેક પાને રજૂ કરાયેલા જગદીપ સ્માર્તના રેખાંકનો પુસ્તકને અલગ ઉંચાઈ આપે છે. પુસ્તકમાં રજૂ થયેલા રેખાંકનો, હુસેનના કેટલાક ફોટોગ્રાફ્સ અને કંઈક અલગ કથનશૈલીમાં રજૂ થયેલી હુસેનની જીવનકથા વાચકને ખરા અર્થમાં જલસો કરાવી દે છે.

આમ તો પુસ્તક માત્ર એક જ લેખકે લખ્યું છે. પરંતુ એમાંથી પસાર થઈએ તો લેખકના બે જુદાં વ્યક્તિત્વો અલગ તરી આવે છે. લેખકના બાળપણની હકીકતો તમને મકબૂલ જણાવી રહ્યા હોય એવું લાગે છે તો ખ્યાતનામ કલાકાર હુસેન પણ ક્યાંક ક્યાંક પોતાની કળાની, પોતાની ખ્યાતિની વાત કરતા નજરે ચઢે છે. પુસ્તકને પ્રકાશિત થયાંને બાર બાર વર્ષ થઈ ગયા છે, પણ છતાં જેમણે આ પુસ્તક નહીં વાંચ્યું હોય અને જેઓ હુસેન સાહેબના જીવન અને એમની કળાના આશિક હોય એમણે પહેલી તકે આ પુસ્તક મગાવી લેવું અને હુસેનના પુસ્તકના માધ્યમથી પોતાનું બાળપણ માણી લેવું!

તમને થશે હુસેનની આત્મકથામાં તો હુસેનની પોતાની કથા હશે એની સાથે આપણા બાળપણને શું લેવાદેવા? પણ નહીં. જ્યારે પુસ્તકમાંથી પસાર થશો ત્યારે ખ્યાલ આવશે કે, પંઢરપુર અને ઈન્દોરની ગલીઓમાં વીતતું હુસેનનું બાળપણ તમારી આંગળી પકડીને તમને તમારા ભૂતકાળમાં લઈ જાય છે અને તમે તમારી જાણ બહાર તમારા બાળપણમાં, બેફિકરાઈના એ દિવસોમાં મહાલવા નીકળી પડો છો અને એ યાદ કરતા કરતા આપણી અંદર ક્યારનુંય ધરબાઈને પડેલું કશુંક ખળખળ કરતું બહાર નીકળી આવે છે, જેમાં આપણે વહી જઈએ છીએ.

મકબૂલ જ્યારે એની મા વિશેની વાતો પુસ્તકમાં આલેખે છે ત્યારે તમારી આંખો ભીની થયાં વિના નહીં રહે. એ પ્રકરણમાં મકબૂલ એ મા વિશેની વાતો આલેખે જે માનો ચહેરો કે, એ ચહેરા પરની એકાદ રેખા પણ એમને યાદ નથી. એટલે જ હુસેનના કેટલાક ચિત્રોમાં સ્ત્રીઓના મોઢાં જ નથી હોતા! મકબૂલ એ માનો પ્રેમ ક્યારેય પામ્યાં જ નથી, છતાં એ પ્રકરણમાંથી પસાર થઈએ છીએ ત્યારે શબ્દે શબ્દે પ્રેમ અનુભવાય છે અને એક નાનકડા બાળકને માતાનો પ્રેમ કેમ નહીં મળ્યો એનો ચચરાટ અનુભવાય છે.

એ પ્રકરણ વાંચતી વખતે મકબૂલની પીડા આપણને પોતીકી લાગે છે અને એનો ઝુરાપો આપણને ફોલી ખાય છે. પ્રકરણની શરૂઆતમાં જ મકબૂલ લખે છે કે, ‘દીકરો આજે પણ, કોઈ મરાઠી સાડી આમતેમ નજરે ચઢી જાય તો… એની હજારો સળમાં માને શોધવા માંડે છે. તે શોધે છે માનો ચહેરો, જેની આંખોમાં ખબર નહીં કેટલાંય સપનાં ડૂબી ગયાં…’ આ શબ્દો તમારામાં ઘૂટન પેદા કરે છે, તરફડી ઊઠો છો તમે અને સાથોસાથ તમે ઈશ્વરનો આભાર માની બેસો કે, ‘ઈશ્વર, બાળપણના આ પડાવ પર તે મારી પાસે મારી મા નથી છીનવી એ બદલ તારો આભાર માનું છું!’

દોઢ વર્ષે મા ગુમાવી બેઠેલો મકબૂલ પછી આજીવન વિવિધ સ્ત્રીઓના ચહેરામાં એની માને શોધતો ફરે છે અને મકબૂલની એ શોધ, એ ઝુરાપો જ હુસેન પાસે અવનવા સ્કેચ, ચિત્રો બનાવડાવે છે, જે પછીથી કળાના ઉત્તમ નમૂના સાબિત થાય છે.

જોકે મકબૂલની મા નહીં હોવા છતાં એના જીવનમાં દાદા નામના એક ફરિસ્તા હોય છે. એ ફરિસ્તા જ મકબૂલને એમ. એફ. હુસેન બનવામાં ઘણી મદદ કરે છે. બુઢ્ઢા દાદાનો જીવ મકબૂલમાં હોય છે અને મકબૂલનું જીવન દાદાની આસપસ મંડરાતું રહે છે. દાદાનું સર્વસ્વ એટલે મકબૂલ અને મકબૂલનું બાળપણ એટલે દાદા! એ વાત સતત પુસ્તકમાં પડઘાયા કરે છે! એક વાર મકબૂલની શાળામાં એક છોકરો એને પૂછે છે કે, ‘તું ક્યાંથી આવ્યો?’ તો મકબૂલ કહે છે, ‘દાદાના પેટમાંથી.’ મકબૂલને જાણે ઘરના અન્ય લોકો સાથે સંબંધ જ નહોતો!

આ બધું વાંચતા વાંચતા તમે ભૂતકાળની નદીમાં ડૂબકી મારતા રહેશો. આંખ મીંચીને ડૂબકી મારશો એટલે થોડી ક્ષણો સુધી બૂડબૂડબૂડના અવાજ સાથે તમને પાણીના પરપોટા દેખાશે અને પરપોટાની અંદર એક દુનિયા ઉઘડી જશે. કોઇ ગામ દેખાશે, કોઇ પાદર દેખાશે, પાદરે રમતાં થોડાં છોકરા દેખાશે, સામેના વાડામાં બે-ત્રણ ગાય ક્યાંક ચરતી હશે, આંબા પર કૂંણી કૂંણી કેરી બેઠી હશે, પાસેની દુકાનનો માલિક ઘરાકની રાહ જોતો હશે, પાદર પરના ચોતરે બુઢ્ઢાઓના હાથમાં બીડીના ઠૂંઠાં જલતા હશે, પાદરનો એક રસ્તો નદી તરફ જતો હશે, નદીનું નામ કોલક, માલણ, મહી, તાપી, ભાદર કે બીજું કંઈ પણ હોઈ શકે છે, નદી તરફ સાંજે કેટલાક છોકરાં જતાં દેખાશે, એમાનો એકાદ તમે પોતે હોઈ શકો, નદીએ જતાં રસ્તે પ્રાથમિક શાળાનું જૂનું મકાન આવે છે. છોકરાંઓના મનમાં આવે તો તેઓ ત્યાં બેસે, નહીંતર સીધા નદી તરફ જ પગ વાળે છે. ઉનાળામાં તાપથી હાંફી ગયેલી નદી પણ છોકરાંઓને જોઈને ગેલમાં આવી જાય છે, એના વહેણ થોડાં જીવંત થઈ જાય છે. છોકરાંઓને કોઈની પડી નથી, છોકરાઓને કોઇની શરમ નથી. છોકરાંઓ નાગા થઈ જાય છે અને કિનારે એમના કપડાંનો ઢગલો કરીને નદીમાં ધૂબાકો લગાવે છે. કેટલાકને તરતા આવડે છે, કેટલાક તરતા શીખે છે…. છોકરાંઓ છબછબિયાં કરે છે અને એ બધું પાણી તમારા પર ઉડે છે… એ પાણી તમારી આંખોમાંથી ગાલ પર ઉતરી પડે છે અને તમને તમારું બાળપણ યાદ આવી જાય છે…

જોકે પરપોટાનું તો મૂળભૂત લક્ષણ જ ફૂટી જવાનું હોય છે. એટલે પેલો પરપોટો ફૂટી જાય છે. તમે ફરી વર્તમાનમાં આવી જાઓ છો અને હુસેનની આત્મકથામાં મકબૂલના બાળપણની વાતો વાંચો છો. મકબૂલ અને દાદાનું બોન્ડિંગ એટલું મજબૂત હોય છે કે, દાદા મકબૂલ વિના એકલા જમવા પણ નથી બેસી શકતા. મકબૂલ તો બિચારો આખો દિવસ શાળામાં ગોંધાયેલો હોય છે એટલે દાદા રોજ બપોરે એક વાગ્યે મકબૂલની સ્કૂલે પહોંચે છે. રિસેસ પડતાં જ બધા છોકરાંઓ પોતપોતાની ટોળકીમાં જમવા બેસે છે, પણ મકબૂલ એ બધાથી થોડે દૂર એક ઘટાટોપ આમલી પાસે પહોંચે છે. ત્યાં એના દાદા એની  રાહ જોતાં ઊભા હોય છે મકબૂલ આવે પછી તેઓ જમવા બેસે છે.      

એક બપોરે મકબૂલ ઘરમાં એકલો હતો ત્યારે ઘરના કેટલાક પુસ્તકો એના હાથમાં આવે છે. પુસ્તકોમાંના ફોટોગ્રાફ્સ જોઈને મકબૂલનો અંતરાત્મા એને કશુંક કરવા પ્રેરે છે અને જોતજોતાંમાં મકબૂલ પુસ્તકોના વિવિધ ફોટોગ્રાફ્સ પર ચીતરામણ શરૂ કરી દે છે. ક્યાંક એ બુર્રાક ઘોડા ચીતરી મારે છે તો ક્યાંક કોઇની દાઢીમાં પક્ષીઓના માળા દોરે છે! ઘરના લોકોને જ્યારે મકબૂલની હરકતની જાણ થાય છે ત્યારે ઘરમાં ઉહાપોહ મચી જાય છે. ઘરની બહાર ગયેલા દાદા જ્યારે ઘરે આવે છે ત્યારે ઘરનું દૃશ્ય જોઈને હચમચી ઊઠે છે. ઘરનું કોઇ પણ સભ્ય મકબૂલને ઠપકો આપે એ દાદા માટે અસ્વીકાર્ય વાત છે એટલે બધાને ભેગા કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે, ‘મકબૂલની રેખાઓ ખરબચડી હોય કે ગમે તે હોય, પણ આ છોકરાને કંઈ પણ કહેવાનો કોઈને અધિકાર નથી!’

ગુસ્સે ભરાયેલા દાદા બધી ચોપડીઓને રસ્તા પર ફેંકી દે છે, મકબૂલને લઈને તરત ગામની સ્ટેશનરીની દુકાને પહોંચે છે અને છોકરાને જોઈએ એટલા કોરા કાગળ, પેન્સિલ અને રબર ખરીદી આપે છે… અને બસ કંઈક આમ જ મકબૂલની એમ. એફ. હુસેન બનવાની પ્રક્રિયાનો પાયો નંખાય છે…

ફીલ ઈટઃ

મકબૂલ હવે બાળક નથી રહ્યો કારણ કે, એના દાદા ગુજરી ગયા છે.

  • એમ. એફ. હુસેન એમની આત્મકથામાં.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.